Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > વૉઈસ ઑફ મુંબઈ

મિડે-ડે સિટિઝન જર્નાલિઝ્મ વિભાગ દ્વારા તમારી વાત બનશે 'વૉઈસ ઑફ મુંબઈ'

તમારું નામ
તમારી અટક
તમારો ફોન કોડ
તમારો ફોન નંબર
ઈ-મેઇલ આઇડી
વિષયનું ટાઈટલ્
તસવીર પસંદ કરો
તસવીર પસંદ કરો
કૃપા કરીને આ બૉક્સને ચેક કરો.
વૉઇસ ઑફ મુંબઈમાં નવીનતમ
પ્રોફેશનલ મેકઅપ આર્ટિસ્ટ બીજલ ગડાના પુસ્તકનું થયું વિમોચન

પ્રોફેશનલ મેકઅપ આર્ટિસ્ટ બીજલ ગડાના પુસ્તકનું થયું વિમોચન

પ્રોફેશનલ મેકઅપ આર્ટિસ્ટ અને બિઝનેસ કોચ બીજલ ગડાએ તેમના '15 મિનિટના મેજિક લુક'નું વિમોચન તાજેતરમાં કર્યું છે. પુસ્તક વિમોચનના કાર્યક્રમમાં મેકઅપ ટિપ્સ આપતા તેમણે કહ્યું કે, 'દરેક નારી સુંદર છે, માત્ર તે પોતાને માટે સમય આપતી નથી.' બીજલએ અહીં 'સેલ્ફ લવ...'નો માત્ર આપ્યો છે. આ ખાસ દિવસે ઉદ્યોગના મહારથીઓની હાજરીમાં તેમના પુસ્તકનું વિમોચન કરાયું. સામાજિક અથવા પારિવારિક કાર્યક્રમો માટે બહાર જઈએ ત્યારે ડ્રેસિંગ અને મેક-અપ કેમ કરવો અને પોતાનો આત્મવિશ્વાસ વધારવા માટેનું ટેક્નિકલ નૉલેજ તેમણે આપ્યું. આ પુસ્તક અને સેમિનાર દ્વારા દરેક મહિલાને એકદમ નજીકથી અને નવી ટેક્નિક જાણવા મળી.

read more

ફાર્બસ ગુજરાતી સભા દ્વારા 'વ્યાપન પ્રકલ્પ'નું ત્રિ-દિવસીય આયોજન

ફાર્બસ ગુજરાતી સભા દ્વારા 'વ્યાપન પ્રકલ્પ'નું ત્રિ-દિવસીય આયોજન

ફાર્બસ ગુજરાતી સભા દ્વારા 'વ્યાપન પ્રકલ્પ'નું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ વિદ્વાન વક્તાઓ દ્વારા સમકાલીન ભારતીય સાહિત્ય : આચમન, આસ્વાદ, વિમર્શ પર ચર્ચા કરવામાં આવનાર છે. ફાર્બસ ગુજરાતી સભાના પૂર્વપ્રમુખ તેમ જ વિશ્વસાહિત્યના આજીવન ભાવક અને ગુજરાતી સાહિત્ય તથા સમાજની અનેકાનેક સંસ્થાઓના સમુદાર સંવર્ધક બળવંતભાઈ પારેખની જન્મશતાબ્દિના પ્રસંગે ૨૯, ૩૦, ૩૧ માર્ચ, ૨૦૨૪ના રોજ કનૈયાલાલ મુનશી સ્થાપિત ભારતીય વિદ્યાભવનના અંધેરીના પરિસરમાં આ કાર્યક્રમ યોજાનાર છે. પૂર્વસંધ્યા એટલે કે ૨૯ માર્ચ, શુક્રવારે સાંજે ૪.૩૦ થી ૫.૩૦ના રોજ સમૂહમાધ્યમોની ભાષાની નેમઃ સંમોહન, સંગઠન કે સંવેદન? આ વિષય પર ગોષ્ઠિનું આયોજન કરવામાં આવ્યું છે. ૫.૩૦ થી ૭.૩૦ કલાકે ઉડિયા ભાષાનાં વિખ્યાત સર્જક શ્રીમતી પ્રતિભા રાય સાથે એક સાહિત્ય ગોષ્ઠિનું આયોજન છે. ઉદ્ઘાટન બેઠક 30 માર્ચ શનિવાર, સવારે ૧૦.૦૦થી ૧૧.૩૦ થશે. તેમાં ઉદ્ઘાટન વક્તાઓ હશે મધુકર પારેખ. ૨.૦૦થી ૩.૩૦ દરમિયાન બહુભાષી ગોળમેજી સંગોષ્ઠી થશે. ૩.૩૦થી ૫.૩૦ દરમિયાન વીવિધ ગુજરાતી કવિઓ કાવ્યપાઠ કરશે. ૬.૦૦થી ૭.૩૦ સુધી અતુલ ડોડિયા 'મારી ચિત્રકળા : કેટલાક પડાવ, કેટલાક પડકાર' વિશે વાત કરશે. ૩૧ માર્ચ રવિવારે ૧૦.૦૦થી ૧૦.૩૦ દરમિયાન સરિતા જોષીનું વક્તવ્ય છે. જેમાં તે 'મારાં મનગમતાં નાટકોનાં પાત્રો અને એમની ભાષા' વિશે વાત કરશે. ૧૦.૩૦થી ૧૧.૪૫ દરમિયાન આપણી રંગભૂમિનું આજનું અર્ધશતક - એક અંતરખોજ અંગે ગોષ્ઠિ ગુજરાતીમાં થશે. તે ઉપરાંત ૨.૩૦થી ૩.૪૫ દરમિયાન બહુભાષી ગોળમેજી સંગોષ્ઠિ થશે. સાંજે ૪.૦૦થી ૫.૩૦ દરમિયાન બહુભાષી કાવ્યસંમેલન યોજાશે. સાંજે ૫.૪૫થી ૬.૩૦ સુધી કવિ ગુલઝારનો કાવ્યપાઠ અને તેમનું અભિવાદન કરવામાં આવશે. સાંજે ૬.૩૦થી ૭.૩૦ દરમિયાન બળવંત પારેખ સ્મૃતિ વ્યાખ્યાન માળાનો પ્રારંભ થશે જેમાં ગુલઝારજી मन-बसे कुछ भारतीय कवियों की रचनाओं पर मेरी अपनी बातें અંતર્ગત પોતાની વાત મૂકશે.

read more

સાહિત્યમાં સ્ત્રી ચેતના આ વિષય પર બોરીવલીમાં ઝરૂખોએ ઉજવ્યો વિશ્વ મહિલા દિવસ

સાહિત્યમાં સ્ત્રી ચેતના આ વિષય પર બોરીવલીમાં ઝરૂખોએ ઉજવ્યો વિશ્વ મહિલા દિવસ

છેલ્લા ૧૪ વર્ષોથી બોરીવલીમાં 'ઝરૂખો'માં સાહિત્યના કાર્યક્રમનું આયોજન થાય છે. મહિનાના પહેલા શનિવારે સાઈબાબાના મંદિરના હૉલમાં નવા સર્જક, નવો વિષય, નવી વાત શ્રોતાઓ સમક્ષ રજૂ થાય છે. આ વખતે નવા વિષય સાથે 'ઝરૂખો' અંતગર્ત 'વિશ્વ મહિલા દિવસ' ને ધ્યાનમાં રાખીને આયોજન થયું. વિષય હતો 'સાહિત્યમાં સ્ત્રી ચેતના' દીપ પ્રગટ્યથી કાર્યક્રમની શરૂઆત થઈ.કવિ શ્રી સંજય પંડ્યાએ ભૂમિકા બાંધી. આખા કાર્યક્રમનું સંચાલન કવયિત્રી પ્રતિમા પંડ્યાએ વિષયને અનુરૂપ, સ્ત્રીને કેન્દ્રમાં રાખી એમની આગવી છટાથી કર્યું.વક્તા તરીકે ચાર મહિલાઓ હતી અને શ્રોતાગણમાં મહિલા વર્ગની હાજરી સારી એવી હતી. કાર્યક્રમની શરૂઆતમાં , અમેરિકાસ્થિત કવયિત્રી નંદિતા ઠાકોર, જે સ્વરકાર તેમજ ગાયિકા પણ છે, તેઓ રજૂ થયાં . પ્રતિમા પંડ્યાએ તેમના માટે કહ્યું, તેઓ અમેરિકામાં વાસ કરે છે પણ મુંબઈમાં શ્વાસ લે છે! નંદિતા ઠાકોરે એમનાં મધુર કંઠે વિષયને અનુરૂપ ગીતો સંભળાવ્યાં. એમાં એમનાં લખેલાં, એમનું સ્વરાંકન કરેલાં, ન સાંભળેલાં બાળગીતો પણ હતાં.એમની ગીત રચના ' કદીક અડાબીડ જંગલ વચ્ચે તને મળી'તી, એક એક થડની પડખેથી જાણે કોમળ વેલ ભળી'તી 'રજૂ કર્યું.ત્યારે બહેનોએ સખીપણાંનો પ્રેમ અનુભવ્યો.વધુ ગીતો આવરી શકાય એ હેતુથી ગીતના એક એક અંતરા એમણે રજૂ કર્યાં. ત્યાર બાદ રજૂ થયાં જાણીતાં કવયિત્રી, વાર્તાકાર ડૉ' સેજલ શાહ! એમણે 'ગુજરાતી કાવ્યોમાં સ્ત્રી ચેતના' વિષય પર ખૂબ સરસ વક્તવ્ય આપ્યું. સ્ત્રી ચેતના જેમણે આલેખી છે એવા ગીતોના સર્જક તથા એમની રચનાથી તેઓ માહિતગાર કરાવતાં ગયાં.એમના મીઠા અવાજમાં જાણે ઉપસ્થિત શ્રોતાઓ ડૂબતાં ગયાં, એમને સાંભળતાં રહ્યાં. એક એક વક્તા વચ્ચે પ્રતિમાબેન એમનાં સંચાલનમાં આગવું સાહિત્ય પીરસતાં હતાં. સેજલબેન શાહ પછી અલ્પાબેન વખારિયાએ ગીત રજૂ કર્યું.બધાંને ગમતું , બધાંની જીભે રમતું ગીત 'દયાના સાગર થઈને, કૃપાળુ નિધાન થઈને , છોને ભગવાન કહેવરાવો , મારાં રામ , તમે સીતાજીની તોલે ન આવો' આ ગીત એમણે રજૂ કર્યું ત્યારે ત્યાં ઉપસ્થિત બધાં જ એમની સાથે એમનાં સૂરમાં સૂર પૂરાવતાં હતાં. ત્યારબાદ એસ એન ડી ટી મહિલા વિદ્યાપીઠનાં ગુજરાતી વિભાગનાં અધ્યક્ષ ડૉ.દર્શનાબેન ઓઝાએ 'ગુજરાતી ટૂંકી વાર્તામાં સ્ત્રી ચેતના' વિષય પર વક્તવ્ય આપ્યું. એમણે લગભગ સવાસો જેટલી વાર્તાઓથી શ્રોતાઓને પરિચિત કરાવ્યાં .દર્શનાબેને પહેલાંનાં સ્ત્રી સર્જકથી લઈને આજનાં સ્ત્રી સર્જક સુધીની વાતો કરી,એમનાં લેખન વિશેની વાત કરી. એમનાં વક્તવ્યમાં સ્ત્રી સર્જકના દરેક પાસાને વણી લીધું.એમની પાસે એટલી માહિતી હતી કે વીસ મિનિટ ઓછી પડે. ત્રણ વર્ષની ટબૂકડી કિયાંશા જાનીએ એક બાળકાવ્ય રજૂ કરી શ્રોતાઓની દાદ મેળવી હતી. અંતમાં નંદિતા ઠાકોરે ફરી એમનાં મધુર કંઠે સ્ત્રી ચેતનાનાં ગીતો સંભળાવ્યાં . આ કાર્યક્રમનું સંકલન અને પરિકલ્પના સંજય પંડ્યાનાં હતાં. તરુબહેન કજારિયા, કિશોર પટેલ, કલ્પના દવે, બાદલ પંચાલ,આશા પુરોહિત જેવાં કવિ તથા વાર્તાકાર પણ કાર્યક્રમમાં હાજર હતાં . (અહેવાલ :સ્મિતા શુકલ)

read more

બાલભારતી 'બાળવાર્તાવંત'....... ચારણકન્યા જેવી 'ચૌદ વરસની ચાર કન્યા'

બાલભારતી 'બાળવાર્તાવંત'....... ચારણકન્યા જેવી 'ચૌદ વરસની ચાર કન્યા'

બાલભારતીમાં દર મહિનાનાં ચોથા રવિવારે યોજાતા વાર્તાવંત કાર્યક્રમમાં દર વખતે નોખું અનોખું આયોજન હોય છે અને એનું આમંત્રણ તો બધાથી હટકે હોય છે. ૨૫મી ફેબ્રુઆરીએ બાલભારતીમાં ચૌદ વરસની ચાર કન્યાના બાળવાર્તા પઠનનાં કાર્યક્રમનું ખૂબ સરસ આયોજન થયું. સુંદર ઉપક્રમ, કાર્યક્રમની શરુઆતમાં સંચાલક મમતા દુધરેજીયાએ ઝવેરચંદ મેઘાણી કૃત 'ચૌદ વરસની ચારણકન્યા'ની છટાદાર રજૂઆત કરી. સૌ પ્રથમ ધાર્મિક પરમારની વાર્તા 'રોબર્ટભાઈની સ્કૂલ'નું ક્રિશા બલદાનિયા તથા અન્ય વિદ્યાર્થીનીઓ દ્વારા ભાવવાહી નાટ્યાત્મક પઠન થયું. ભંગારનો સામાન રાખતા એક વેપારીને ત્યાં વપરાયેલાં રમકડાં આવે છે પછી રમકડાં વચ્ચે આપસમાં શું થાય છે એની સુંદર વાર્તા. બીજી વાર્તા હેમંત કારિયાની 'રાતરાણી દિવસે મહેંકે તો !'નું ધ્રુવી બલદાનિયા તથા અન્ય વિદ્યાર્થીનીઓ દ્વારા ભાવવાહી નાટ્યાત્મક પઠન થયું. રાતરાણી અને સૂરજમુખીને પોતપોતાના ઊગવા અને આથમવાના સમય બદલાવાનું મન થયું. પછી શું થયું એની સુંદર વાર્તા. બે વાર્તા પછી મધ્યાંતરમાં કોફીની લિજ્જત તો ખરી જ પણ સાથે ગરમ ગરમ નાસ્તો ને ઠંડી ઠંડી ફ્રૂટી. બાળકોને તો મજા પડી ગઈ. સાથે સર્જક સાથે ચર્ચા વિચારણા તો ચાલુ જ રહી. મધ્યાંતર પછી સંચાલનનો દોર સંભાળ્યો તેજલ નાયકે‌. સૌ પ્રથમ જાણીતા કવિ, લેખક, નાટ્યકાર, પ્રકાશક એવા સતિશ વ્યાસની વાર્તા 'જંગલમાં ટીવી'નું હેતાંશી પરમાર તથા અન્ય વિદ્યાર્થીનીઓ દ્વારા ભાવવાહી નાટ્યાત્મક પઠન થયું. જંગલમાં ટીવી આવે છે એ જોઈને પ્રાણીઓમાં શું ઉથલપાથલ મચે છે એની સુંદર વાર્તા. ત્યારબાદ જાણીતા કવિ,વાર્તાકાર સંદીપ ભાટિયાની વાર્તા 'મુજસે દોસ્તી કરોગે'નું જાનવી મકવાણા તથા અન્ય વિદ્યાર્થીનીઓ દ્વારા ભાવવાહી નાટ્યાત્મક પઠન થયું. ઓમ નામનો એક નાનકડો છોકરો ખોવાઈ જાય છે પછી શું થાય છે એની સુંદર વાર્તા. આ વખતનાં કાર્યક્રમમાં પઠન સાથે અભિનયનો નવો જ ઉપક્રમ ખૂબ સરસ રહ્યો. મજા આવી ગઈ. સુંદર બોધપાઠ મળે એવી વાર્તાઓ સાંભળી બાળકોને તો મજા આવી જ પણ વાલીઓ અને અન્ય શ્રોતાજનોને પણ એટલી જ મજા આવી. સૌને લાગતું હતું જાણે અમે બાલમંદિરમાં ભણીએ છીએ. ત્યારબાદ ધાર્મિક પરમારે સ્વરચિત બાળકાવ્ય 'બિલ્લી થઈ ગઈ મોડર્ન'નું ભાવવાહી પઠન રજૂ કર્યું. કાર્યક્રમને અંતે બાલભારતીના પ્રમુખ શ્રી હેમાંગ તન્નાએ આભારવિધિ કરી હતી. બાલભારતીનો હૉલ વાલીઓ તેમજ બાળકોથી હકડેઠઠ્ઠ ભરેલો હતો. શ્રોતાજનોમાં વિશેષ ઉપસ્થિતિ હતી બાદલ પંચાલ, તથા પૂજા પંચાલ સાથે એમની દિકરી કથા, કવયિત્રી અંજના ભાવસાર, વિકાસ નાયક, એમનાં બાળકો, સ્મિતા શુકલ,શાળાનાં બાલવિભાગનાં અન્ય શિક્ષકો. (અહેવાલ : સ્મિતા શુકલ)

read more

ઇનર વ્હીલ ક્લબ ઓફ બોમ્બે એરપોર્ટ ટિયારા દ્વારા SheRise વર્કશોપનું આયોજન

ઇનર વ્હીલ ક્લબ ઓફ બોમ્બે એરપોર્ટ ટિયારા દ્વારા SheRise વર્કશોપનું આયોજન

ઇનર વ્હીલ ક્લબ ઓફ બોમ્બે એરપોર્ટ ટિયારાના ચાર્ટર પ્રેસિડેન્ટ તરીકે અલ્પા અપૂર્વ હંમેશા મહિલા સશક્તિકરણ કામ કરે છે. હાલમાં જ SheRise વર્કશોપનું આયોજન ચાલી રહ્યું છે. આ વર્કશોપ માટે NMIMS પ્રવિણ દલાલ સ્કૂલ ઑફ આંત્રપ્રિન્યોરશિપ એન્ડ ફેમિલી બિઝનેસ મેનેજમેન્ટનો સાથ તેઓને મળ્યો છે. .4થી 7મી માર્ચ સુધી, સવારે 9:30 થી સાંજના 4:30 વાગ્યા સુધી 4-દિવસીય કાર્યક્રમ થવાનો છે. પ્રોફેસર સીમા મહાજન જેઓ પ્રવિણ દલાલ સ્કૂલ ઓફ આંત્રપ્રિન્યોરશિપના નિયામક છે તેઓ દ્વારા આ કાર્યક્રમ ડિઝાઇન કરવામાં આવ્યો છે, જે 200 મહિલાઓને સાહસિકતા અને નેતૃત્વમાં સશક્ત બનાવવા માટે સમર્પિત છે.

read more

'જૂની રંગભૂમિની સફર' કાર્યક્રમ માણવો છે? તો પહોંચી જજો મુલુંડ રવિવારે સાંજે

'જૂની રંગભૂમિની સફર' કાર્યક્રમ માણવો છે? તો પહોંચી જજો મુલુંડ રવિવારે સાંજે

૧૮૫૩ માં પારસી બિરાદરોએ મુંબઈમાં નાટ્યપ્રવૃત્તિની શરૂઆત કરી પછી એમાં હિન્દુઓએ ઝંપલાવ્યું અને લગભગ ૧૭૦ વર્ષથી આ પ્રવૃત્તિ સતત ચાલતી રહી છે .જૂની રંગભૂમિ લગભગ સવાસો વર્ષ જેવી ચાલી અને ત્યારબાદ એનું સ્થાન નવી રંગભૂમિએ લીધું . આજે જેઓ ૭૦ની આસપાસ પહોંચ્યા છે એમણે પ્રભુલાલ દ્વિવેદી, રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ, બાપુભાઈ નાયક, જયશંકર 'સુંદરી 'આ બધાં નામને હૃદયમાં સાચવી રાખ્યાં હશે. 'મીઠા લાગ્યા તે મને રાતના ઉજાગરા' કે 'નાગર વેલીઓ રોપાવ ...'ગીતો હજી પણ એમના કાનના ઢોળાવ ઉપર સ્થિર ઊભાં હશે . જૂની રંગભૂમિ ટેકનિકલ દૃષ્ટિએ , અભિનય અને રજૂઆતની દ્રષ્ટિએ પણ અદભુત રહી .સેંકડોની સંખ્યામાં સંસ્થાઓ ,કવિઓ, સંગીતકારો, અભિનેતા- અભિનેત્રી, દિગ્દર્શકો નિર્માતાઓ અને ટેકનીશીયનોએ પોતાનું ઉત્તમ યોગદાન આપ્યું. આ સવાસો વર્ષની સફર મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી , મુલુંડની સંસ્થા 'સર્જક મિલન'ના સહયોગથી ૩ માર્ચ રવિવારે સાંજે ૫ વાગ્યે મુલુંડમાં ઉજવી રહી છે. કચ્છી લોહાણા મહાજન વાડી, પહેલે માળે ,આર આર ટી રોડ, મુલુંડ પશ્ચિમના સરનામે જૂની રંગભૂમિના અભિનેત્રી તથા ગાયિકા મહેશ્વરી ચૈતન્ય અને રજની શાંતારામ રંગભીની રજૂઆત દ્વારા જૂનાં ગીતો રજૂ કરશે. રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટના પૌત્ર ડોક્ટર રાજશેખર બ્રહ્મભટ્ટ જૂની રંગભૂમિનો આંખે દેખ્યો હાલ રજૂ કરશે તો પ્રખ્યાત સંતુરવાદક અને અકાદમીના કાર્યાધ્યક્ષ શ્રી સ્નેહલ મજમુદાર પગવાજા પર સંગીતના સૂર રેલાવશે .સમગ્ર કાર્યક્રમનું સંચાલન કવિ સતીશ વ્યાસ સંભાળશે .આ કાર્યક્રમની પરિકલ્પના અને સંકલન કવિ સંજય પંડ્યાનાં છે .આયોજન સહકાર રાજેશ ઠક્કર અને રમેશ બારોટનો છે .સહયોગી સંસ્થા સર્જક મિલનના રાકેશ જોશી અને લાલજી સર સર્વને આ નિ:શુલ્ક કાર્યક્રમ માણવા જાહેર નિમંત્રણ આપે છે. તો પહોંચી જજો મુલુંડ, રવિવારે સાંજે!

read more

'ઝરૂખો 'માં શનિવારે ' ગુજરાતી સાહિત્યમાં સ્ત્રી ચેતના ' વિષય પર કાર્યક્રમ

'ઝરૂખો 'માં શનિવારે ' ગુજરાતી સાહિત્યમાં સ્ત્રી ચેતના ' વિષય પર કાર્યક્રમ

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ સાવ પાસે છે ત્યારે બોરીવલીના શ્રી સાઈલીલા વેલ્ફેર ટ્રસ્ટના 'ઝરૂખો ' દ્વારા ' ગુજરાતી સાહિત્યમાં સ્ત્રી ચેતના ' એ વિષય પર શનિવાર ૨ માર્ચ સાંજે ૭.૨૦ વાગ્યે કાર્યક્રમ યોજાયો છે. જાણીતાં કવયિત્રી તથા વાર્તાકાર ડૉ.સેજલ શાહ ' ગુજરાતી કાવ્યોમાં સ્ત્રી ચેતના ' વિષય પર વાત કરશે. એસ એન ડી ટી મહિલા વિદ્યાપીઠનાં ગુજરાતી વિભાગનાં અધ્યક્ષ ડૉ.દર્શના ઓઝા 'ગુજરાતી ટૂંકી વાર્તામાં સ્ત્રી ચેતના ' એ વિષય પર વાત કરશે. અમેરિકાસ્થિત કવયિત્રી નંદિતા ઠાકોર જે ગાયિકા અને સ્વરકાર પણ છે તેઓ મૂળ વિષયને અનુરૂપ કેટલાંક ગીતોનું ગાન કરશે. અલ્પા વખારિયા પણ એક ગીત રજૂ કરશે. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કવયિત્રી પ્રતિમા પંડ્યા કરશે. 'ઝરૂખો 'નો આ કાર્યક્રમ બીજે માળે, સાઈબાબા મંદિર, સાઈબાબા નગર, બોરીવલી પશ્ચિમના સરનામે યોજાયો છે અને ટ્રસ્ટીગણ સર્વને જાહેર નિમંત્રણ પાઠવે છે.

read more

અકાદમીનો 'કલમ અને કેમેરા'  કાર્યક્રમ પ્રકૃતિની ગોદમાં સંપન્ન થયો

અકાદમીનો 'કલમ અને કેમેરા' કાર્યક્રમ પ્રકૃતિની ગોદમાં સંપન્ન થયો

૧૮૮૩માં સ્થપાયેલી સંસ્થા બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી (બી એન એચ એસ )એ ૧૦૦ વર્ષ પૂરાં કર્યાં ત્યારે સેન્ટ્રલ ગવર્મેન્ટના કહેવાથી મહારાષ્ટ્ર સરકારે બી એન એચ એસ ને આઠ એકર જેટલી જમીન , આરે કૉલોની પાસે આપી હતી. બી એન એચ એસ પ્રજાને પ્રકૃતિ તરફ વાળવાના અનેક કાર્યક્રમોનાં આયોજન કરે છે. જો કે મુંબઈગરા આ પ્રવૃત્તિથી ઓછા વાકેફ છે. મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી, પ્રકૃતિ અને પર્યાવરણ સાથે સાહિત્યને જોડવાના વિવિધ કાર્યક્રમો યોજે છે . પ્રકૃતિ અને પરિભ્રમણને પોતાની રસપ્રદ શૈલીમાં વાચકો સમક્ષ મૂકનારા મનીષ શાહ સાથે 'કલમ અને કેમેરા 'એવો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. મનીષ શાહ છેલ્લાં કેટલાક વર્ષથી પ્રકૃતિ, પર્યાવરણ અને પરિભ્રમણ પરના વિવિધ વિષયો પર સતત લખતા રહ્યા છે .હાલમાં તેઓ મીડે ડે માં ન્યુઝીલેન્ડ પ્રવાસ વિશે લખી રહ્યા છે . એમનાં 'નિકોબાર પ્રથમવાર' પુસ્તક વિશે બી એન એચ એસના ઓડિટોરિયમમાં તેમણે અદભૂત ફોટોગ્રાફ સ્લાઈડ્સ સાથે એક રસપ્રદ વક્તવ્ય આપ્યું હતું. નિકોબાર ટાપુઓ પર સામાન્ય પ્રવાસીઓને જવાની મનાઈ છે પરંતુ સરકારે એક પ્રોજેક્ટ અમલમાં મૂક્યો હતો. ત્યાં જે પક્ષીઓ છે એ પક્ષીઓની નોંધણી થાય એ હેતુથી કેટલાક ફોટોગ્રાફર અને પ્રકૃતિવિદને ત્યાં મોકલવામાં આવ્યા હતાં. મનીષ શાહ એ ટીમના એક સભ્ય હતા અને એમણે નિકોબારમાં દરિયાકાંઠે કાદવ ખૂંદી વિવિધ પક્ષીઓના અભ્યાસ કર્યો હતો. આંદામાનથી નિકોબાર ચાર દિવસ દરિયાઈ સર્વિસ દ્વારા પહોંચી શકાય પરંતુ મનીષ શાહ અને એમના મિત્રો હેલિકોપ્ટરમાં ૫૪૦ કિલોમીટરનો પ્રવાસ કરીને નિકોબાર પહોંચ્યા હતાં. પક્ષીઓના અભ્યાસ સિવાય ત્યાં એક બીજું આકર્ષણ હતું કે ગલાથિયા ટાપુ પર કાચબાઓ પોતાના ઈંડા મૂકી જાય છે એ ઘટનાના સાક્ષી થવું.આમ તો ઓલિવ રિડલી ટર્ટલ મહારાષ્ટ્રના અને ગોવાના તથા ભારતના અન્ય દરિયા કિનારા પર પણ જોવા મળતા હોય છે જે હજારોની સંખ્યામાં આવે છે અને ઈંડા મૂકીને માદા પાછી દરિયામાં જતી રહે છે. ગલાથિયા ટાપુ પર એક વિશેષ પ્રજાતિ કાચબાની આવે છે જે છ કે સાડા છ ફૂટ જેટલી જેટલી મોટી હોય છે .એ કાચબા એટલે લેધરબેક કાચબા! મનીષ તથા શશાંક રાતના બે વાગ્યે નિકોબારના દરિયાકાંઠે લટાર મારી રહ્યા હતા ત્યારે એમને એક લેધરબેક માદા દરિયાકાંઠે ઈંડા મૂકવા આવી એનો અહેસાસ થયો. એ બંને વહેળા તથા જંગલમાં એક કિલોમીટર જેટલું પાછા દોડીને પોતાના મિત્રોને પણ બોલાવી આવ્યા. કદાવર અને ભવ્ય માદા કાચબાએ ઈંડા મૂક્યા એ ઘટનાના સહુ સાક્ષી બન્યાં. મનીષ શાહ કહે છે ,' છ થી સાત હજાર કિલોમીટરનું અંતર તરીને, અનેક મહાસાગરનાં ઊંડાણ માપીને, દરિયાઈ પ્રવાહો સાથે તરીને આ માદા કાચબો ગલાથિયા ટાપુ પર રાત્રે અઢી વાગ્યે પ્રકૃતિની સાંકળની આગલી કડીને વિસ્તારી રહ્યો હતો. બધાની આંખમાં કૃતજ્ઞતાની ચરમસીમા વર્તાતી હતી .હું શું માંગુ પરમ પાસે? અહીં મારી હાજરી જ કોઈ અમૂલ્ય ભેટ હતી ! ' આ કાર્યક્રમમાં હાજર ભાવકોએ એ અગાઉ બી એન એચ એસના પરિસરમાં આવેલી કારવી ટ્રેઈલમાં લટાર મારી. બીએનએચએસના પ્રકૃતિવિદ મહેશ, નિલેશ તથા મનીષ શાહના મિત્ર યોગેશ સાથે હતા. વૃક્ષો તથા વેલાઓ કેવી રીતે સહજીવન જીવે છે કે એકબીજાને કઈ રીતે ચેલેન્જ આપે છે એ એમણે સમજાવ્યું. કેટલાક જીવજંતુઓ એમના પોલિનેશનમાં કઈ રીતે સહાયક બને છે એનું આખું શબ્દચિત્ર એમણે ત્યાં રજૂ કર્યું .એક વૃક્ષ એમણે દેખાડ્યું જેને ઘોસ્ટ વૃક્ષ કહે છે. એ વૃક્ષની છાલ ચળકતા સફેદ કે આછા ક્રીમ કલરની હોય છે . રાતના ચાંદનીમાં આ વૃક્ષ ચળકે છે .એ ઘણાં બધાં જંતુઓને પોતાની તરફ આકર્ષે છે અને એ જંતુઓ પુષ્પોની પરાગરજ બીજે લઈ જાય છે અને વૃક્ષો બીજે પણ ઉગતા રહે છે. પ્રકૃતિ અને સાહિત્યને સાંકળી લેવાની પરિકલ્પના અકાદમીના સક્રિય સભ્ય કવિ હિતેન આનંદપરાની હતી. અકાદમીએ અગાઉ પણ ચીકુવાડી અને નેશનલ પાર્કમાં ડોક્ટર પ્રદીપ સંઘવી સાથે આવી સરસ મજાની સવારનું આયોજન કર્યું હતું અને કળસુબાઈના પર્વત ઉપર પણ એક ગોષ્ઠી કવિ સંજય પંડ્યા અને પ્રકૃતિવિદ હિમાંશુ પ્રેમ સાથે ગોઠવવામાં આવી હતી. પ્રકૃતિ ,પર્યાવરણ અને સાહિત્યને સાંકળતા બીજા કેટલાક કાર્યક્રમો પણ ભવિષ્યમાં થશે એવી જાહેરાત હિતેનભાઈએ કરી હતી. જાણીતા ગાયિકા હેમાબહેન દેસાઈ , કવિ તથા નિબંધલેખક પ્રદીપ સંઘવી, કવિ સંજય પંડ્યા, કવયિત્રી પ્રતિમા પંડ્યા , વાર્તાકાર પત્રકાર તરુ કજારિયા, મીતા ગોર મેવાડા, જાગૃતિ ફડિયા તથા લેખિનીની અનેક બહેનો અને પ્રકૃતિ પ્રેમીઓ આ કાર્યક્રમમાં સાથે જોડાયાં હતાં. આ કાર્યક્રમનો સૂર એ પણ હતો કે બાળકોને બીએનએચએસની ટ્રેઈલમાં લઈ જશો તો પ્રકૃતિ તરફ એમને વાળવાનું એ પ્રથમ પગથિયું બની રહેશે!

read more

સરસ્વતી સાધના ફાઉન્ડેશન દ્વારા પહેલીવાર યોજાશે અષ્ટાવધાન

સરસ્વતી સાધના ફાઉન્ડેશન દ્વારા પહેલીવાર યોજાશે અષ્ટાવધાન

સરસ્વતી સાધના રિસર્ચ ફાઉન્ડેશન અને મુંબઈ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગ દ્વારા 350 વર્ષ બાદ પ્રથમવાર જૈન મુનિ દ્વારા અષ્ટાવધાન થશે. મુનિ પદ્મપ્રભચંદ્રસાગરજી મ.સા. દ્વારા અષ્ટાવધાનનો કાર્યક્રમ ગોરેગાંવ, જવાહરનગર ખાતે 3 માર્ચના સવારે 9 કલાકે યોજાશે. મુનિ પદ્મપ્રભચંદ્રસાગરજી મ.સા. પોતાના મનની અને આત્માની અગાધ અને અપૂર્વ શક્તિનો પરિચય આ અષ્ટાવધાન પ્રયોગમાં આપશે. અવધાન એ આર્ય સંસ્કૃતિએ દુનિયાને આપેલી ભેટ છે. અવધાન એટલે ધારણા શક્તિનો વિશિષ્ટ વિકાસ. જૈન ધર્મના પાંચ જ્ઞાન પૈકી મતિજ્ઞાનના વિશ્વમાં પાંચ ઈન્દ્રિયો અને તેમની ધારણાનો વિષય આવે છે. આ અવધાનમાં જોડાવા માટે ગોરેગાંવ, જવાહરનગર જૈન સંઘ શ્વે.મૂ.પૂ. સંઘ, આરાધના ભવન, ગોરેગાંવ (વેસ્ટ) કાંદિવલી મુંબઈ ખાતે સંપર્ક કરી પાસ મેળવી શકાશે.

read more

મુંબઈ સ્ટોરીટેલર્સ સોસાયટી ‘સ્ટોરીટેલિંગ ફેસ્ટિવલ’નું આયોજન

મુંબઈ સ્ટોરીટેલર્સ સોસાયટી ‘સ્ટોરીટેલિંગ ફેસ્ટિવલ’નું આયોજન

મુંબઈ સ્ટોરીટેલર્સ સોસાયટી દ્વારા ડૉ.ભાઈ દાજી લાડ મ્યુઝિયમ, મુંબઈના સહયોગથી ‘બિલ્ડિંગ બ્રિજીસ’ સ્ટોરીટેલિંગ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ ૨ માર્ચ ૨૦૨૪ના રોજ ડૉ.ભાઈ દાજી લાડ મ્યુઝિયમ ખાતે સાંજે ૫થી ૭:૩૦ સુધી યોજાશે. ‘બિલ્ડિંગ બ્રિજ’ એ થીમ પર 14 ટેલર તેમની આકર્ષક વાર્તાઓને જીવંત કરશે.

read more

વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે અકાદમી, અસ્મિતા ગુજરાતી અને રામજી આસર વિદ્યાલયે યોજ્યું કવિ સંમેલન

વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે અકાદમી, અસ્મિતા ગુજરાતી અને રામજી આસર વિદ્યાલયે યોજ્યું કવિ સંમેલન

ગુજરાતી કાવ્ય નરસિંહ મહેતાના ' જાગ રે જાદવા' થી આજનાં ' ગોતી લ્યો....તમે ગોતી લ્યો, ગોતી લ્યો ' સુધી પહોંચ્યું છે! ૨૧ ફેબ્રુઆરીએ વિશ્વ માતૃભાષા દિવસ નિમિતે મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય  અકાદમી દ્વારા અસ્મિતા ગુજરાતી મુલુંડ અને રામજી આસર વિદ્યાલય વાડી ટ્રસ્ટના સહયોગથી  રામજી આસર વિદ્યાલયમાં કવિ સંમેલન આયોજિત કરવામાં આવ્યું હતું. જાણીતા કવિઓ સંદીપ ભાટિયા , મુકેશ જોષી, ભરત વ્યાસ , ચેતન ફ્રેમવાલા અને ચિંતન નાયકે કવિતાઓ, ગઝલોની ધુંઆધાર રજૂઆત કરી શ્રોતાઓને જકડી રાખ્યાં હતાં. સોમૈયા કૉલેજ વિદ્યાવિહારની વિદ્યાર્થિની ધર્મી પાતાણીએ તરન્નુમમાં માતૃભાષા ગીત તથા એક ગઝલ ગાઈ માહોલ જમાવી દીધો હતો. યુવાન કવિ ચિંતન નાયકે અને ચેતન ફ્રેમવાલાએ ત્રણ ગઝલ‌ રજૂ કરી હતી. ઘણા વખતે જાહેર મંચ પરથી રજૂ થયેલા ગઝલકાર ભરત વ્યાસે કેટલીક ઉમદા ગઝલ રજૂ કરી શ્રોતાઓની જબરી દાદ મેળવી. એમની એક શેર હતો.... દોલત ખુદાએ દીધી આ સમજી વિચારીને મારા હૃદયના જખમોને તું ના નજર લગાડ! ત્યાર બાદ રજૂ થયેલા વરિષ્ઠ કવિ સંદીપ ભાટિયાએ મા વિશેનાં બે ગીતો રજૂ કર્યાં. સંદીપ ભાટિયાનો એમનાં જ મુક્તક દ્વારા પરિચય સંચાલકે આપ્યો... શબ્દની ભોગળ ખૂલે છે, સાવધાન! આપણાં પોકળ ખૂલે છે, સાવધાન! ચીર પૂરે એવું અહીંયા કોણ છે? શબ્દની સાથળ ખૂલે છે સાવધાન! કવિ મુકેશ જોષીએ કૃષ્ણ દવેનું એક કાવ્ય અને પોતાનાં બે કાવ્યો રજૂ કર્યાં.‌ એમનો પરિચય પણ એમનાં ગીત ' એક ગમતીલું ગામ ....' ગીત દ્વારા અપાયો. શરૂઆતમાં રામજી આસર વિદ્યાલયના ધોરણ પાંચના બે વિદ્યાર્થીઓ કેવલ લિંબડ અને જૈની પટેલે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની રચના ચારણ કન્યા રજૂ કરી શ્રોતાઓની અઢળક દાદ મેળવી હતી. પ્રાથમિક વિભાગની બે વિદ્યાર્થીનીઓ નિશી પટેલ અને અંકિતા ચૌરસિયાએ કવિ સાંઈરામ દવેની રચના લીલા શાકભાજી રજૂ કરી હતી. કાર્યક્રમનું સંચાલન કરતાં કવિ સંજય પંડ્યાએ માતૃભાષાને લગતા અનેક પ્રસંગો ટાંકી વાતાવરણ જીવંત રાખ્યું હતું. ગુજરાતી કાવ્ય 'જાગને જાદવા'થી ' ગોતી લ્યો.....તમે ગોતી લ્યો, ગોતી લ્યો ' સુધી પહોંચ્યું છે એવું એમણે વિધાન કર્યું હતું. ' ગોતી લ્યો..' ગીતના ઉલ્લેખથી શ્રોતાઓ રોમાંચિત થઈ ગયાં હતાં. સંચાલકે બે કિશોરીઓને મંચ પર બોલાવી એ ગીત ગવડાવ્યું તો ૨૦૦ જેટલાં શ્રોતાઓએ સાથે ગાન કર્યું. સંચાલક સંજય પંડ્યાએ પોતાના બે ત્રણ દોહા પણ આજનાં પ્રચલિત સ્વરાંકનમાં ગાઈ સંભળાવ્યાં હતાં અને શ્રોતાઓએ સાથે તાલ આપ્યો હતો. એમણે શ્રોતાઓ તથા વિદ્યાર્થીઓને ભાષાના ' બ્રાન્ડ એમ્બેસેડર ' કહ્યાં હતાં અને જણાવ્યું હતું કે નવી પેઢીને ગુજરાતી ભાષા અને સાહિત્યથી પરિચિત કરાવવાની આપણી સહુની જવાબદારી છે. શરૂઆતમાં સહુનું સ્વાગત રામજી આસર વિદ્યાલય ગુજરાતી શાળાનાં આચાર્યા શ્રીમતી ભાવના કકકડે કર્યું હતું. એમનાં ૭૦/૮૦ જેટલાં વિદ્યાર્થીઓ પણ કાવ્યો સાંભળવા બેઠાં હતાં.અસ્મિતા ગુજરાતીના દિલીપ દોશીએ આભાર વિધિ કરી કાર્યક્રમનું સમાપન કર્યું હતું. શાળાનાં શિક્ષકો, સેક્રેટરી દીપકભાઈ વસા, ગઝલકાર રાજેશ હિંગુ, સ્વામી વિઠ્ઠલ,જૈન મહિલા મંડળના નીલુબહેન, કલાગુર્જરીના વિનયભાઈ પાઠક , ગાયિકા દર્શના પુરોહિત, ગાયક સ્વરકાર કાનજીભાઈ ગોઠી વગેરે શ્રોતાઓએ પણ કાર્યક્રમ માણ્યો હતો .પારુબહેન તથા સુપર્ણાબહેને વિશેષ સહયોગ આપ્યો હતો. વર્ષના એક દિવસ માટે નહિ પણ સતત ૩૬૫ દિવસ માતૃભાષા હૃદયમાં રહેવી જોઈએ એવો સંદેશ લઈને સહુ છૂટાં પડ્યાં હતાં. આ કાર્યક્રમનું સંકલન કવિ હિતેન આનંદપરાનું હતું

read more

માઝા મઝગાંવ: મુંબઈના બહુસાંસ્કૃતિક વારસાની ઉજવણી કરતો પ્રોજેક્ટ

માઝા મઝગાંવ: મુંબઈના બહુસાંસ્કૃતિક વારસાની ઉજવણી કરતો પ્રોજેક્ટ

મુંબઈના સૌથી ગતિશીલ ભાગમાંના એક, સમૃદ્ધ માનવ અને સાંસ્કૃતિક વારસાની ઉજવણી કરતું એક ઇમર્સિવ પ્રદર્શન એટલે ‘માઝા મઝગાંવ’. આ મઝગાંવની વાઇબ્રન્ટ મહોલનો પરિચય કરાવશે. અનંત નેશનલ યુનિવર્સિટી, અમદાવાદ દ્વારા ઇસ્ટીટ્યુટો ઇટાલિયન ડી કલ્ચર મુંબઈના સહયોગથી વિકસિત આ પ્રોજેક્ટ ટેકનોલોજી, સંશોધન અને વાર્તા કહેવાના કૌશલ્યનું અનોખું મિશ્રણ પ્રદાન કરે છે. ઝડપી પરિવર્તનના સમયમાં મઝગાંવની કથા મુંબઈના ઐતિહાસિક વારસાની જટિલમાં જટિલ મૂર્ત બનાવે છે. મુંબઈની અર્થવ્યવસ્થાના પાયાના પત્થર તરીકે તેના નમ્ર મૂળથી લઈને શહેરી વિકાસ સામે તેની વર્તમાન ફ્રન્ટલાઈન લડાઈ સુધી, મઝગાંવની વાર્તા સ્થિતિસ્થાપકતા અને સાંસ્કૃતિક વિવિધતામાંની એક છે.

read more


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK