અમદાવાદમાં ઘાટલોડીયા વિસ્તારમાં આવેલ સાર્થક ઈંગ્લિશ સ્કૂલમાં 'આજનાં શ્રેષ્ઠ બાળ કાવ્યો ' કાવ્ય સંગ્રહની વિમોચન વિધિ સંપન્ન થઈ. જાણીતા બાળ સાહિત્યકાર, નિબંધકાર ડૉ.શ્રદ્ધાબેન ત્રિવેદીએ પુસ્તકનું વિમોચન કર્યું હતું. તેઓએ અલગ- અલગ વિષયોને કેન્દ્રમાં રાખીને પ્રકાશિત કરેલા કાવ્ય સંગ્રહ માટે શ્રી સાં.જે.પટેલ, શ્રી મણિલાલ શ્રીમાળી 'મિલન' અને કિરીટ દવેને અભિનંદન આપ્યા હતા.
સ્વાગત પ્રવચન ડૉ. શ્રદ્ધાબેને કાવ્ય સંગ્રહનો પરિચય કરાવતા કહ્યું કે બાળ સાહિત્ય લખવામાં સર્જકની ભૂમિકા અઘરી પણ બને છે. કારણ ગમે તેટલી ઉંમરે બાળમાનસમાં પ્રવેશી સર્જક રચનાઓ લખે છે ત્યારે બાળકો સાથે તાદામ્યતા અને સર્જકની અવલોકન શક્તિ બાળકોમાં પોતાપણું અનુભવે તે જરૂરી છે. તેઓએ કેટલાક કાવ્યોનો આસ્વાદ કરાવીને પુનરાવર્તન નિવારવા અને કાવ્યત્વ વિકસાવવા ખાસ સૂચન કર્યું હતું.
જ્યોતિષ વાસ્તુ ટીચિંગ અને કન્સલ્ટન્સીના તજજ્ઞ ડૉ. સ્મિતા સુથારે ત્રણ સર્જકોએ ભેગા મળીને રચેલા આ કાવ્યસંગ્રહ વિશે અને વાસ્તુશાસ્ત્ર, જ્યોતિષ વિશેના પોતાના ૨૩ વર્ષના અનુભવનો નીચોડ રજૂ કર્યો હતો. તેઓએ જ્યોતિષશાસ્ત્રને અગાધ જ્ઞાનના દરિયા સમાન ગણાવી નામ અને તેની સાથે જોડાયેલા સ્વભાવ વિશે વિસ્તૃત વાત કરી હતી. તેઓએ આપણી સંસ્કૃતિમાં શિવ તત્ત્વનું મહત્વ અને કૈલાસ માન સરોવર યાત્રા વિશે અનુભવસભર માર્ગદર્શન આપ્યું હતું અને અદભુત કૈલાશ પુસ્તક વિશેનું વર્ણન કરીને કૈલાશ માન સરોવર યાત્રાનું મહિમા ગાન કર્યું હતું.
સમર્થ સંસ્થાના સંચાલકશ્રી અને મહિલા પીટીસી કોલેજ, ગાંધીનગરના પૂર્વ પ્રિન્સિપાલ શ્રી રામુ ડરણકરે અહી યોજાયેલા કાર્યક્રમ માટે આનંદ વ્યક્ત કર્યો હતો અને બાળ સાહિત્યકારો તેમજ અહીં યોજાતી શનિસભા વિષયક અને પ્રવૃત્તિઓ એક રસપ્રદ કાવ્યમાં કંડારીને રજૂ કરી હતી. જાણીતા સાહિત્યકાર સાં.જે.પટેલે પ્રતિભાવમાં કહ્યું કે આ સંગ્રહમાં ૫૧ કવિઓના ૭૫ કાવ્યો છે જેનું પ્રકાશન કરવામાં રન્નાદે પ્રકાશનના શ્રી હંમેશભાઈ મોદીના ઉત્સાહને બિરદાવ્યો હતો. તેઓએ બાળ સાહિત્ય સર્જનના પોતાના અનુભવો વ્યક્ત કરી અનેક ઉદાહરણ સાથે બાળ કાવ્યો- બાળવાર્તાઓ વિશે વિગતવાર વાત કરી હતી.
જાણીતા ઉદધોષક - કર્મશીલશ્રી ભાનુભાઇ દવેએ ત્રણેય સર્જકોની સાહિત્ય પ્રતિબધ્ધતાની સરાહના કરી આવા પ્રકારના પ્રકાશનો બાળકો-ભાવકોને ગમશે તેવી શુભેચ્છાઓ આપી હતી અને સમગ્ર કાર્યક્રમનું રસપ્રદ - સફળ સંચાલન કર્યું હતું. શ્રી ભાનુભાઈ દવેએ બાળ કાવ્યોના ત્રણેય સર્જકોનો વિસ્તૃત પરિચય આપીને તેઓમાં બાળકના રસ અને રુચિને પારખી તેને સાકાર કરવાના પ્રયત્નો અને નૂતન દૃષ્ટિકોણથી જ આ સંગ્રહ અનવીનતા બક્ષે છે તેમ જણાવ્યું હતું. તેમણે શ્રી ગિજુભાઈ બધેકા, શ્રી નાનાભાઈ, શ્રી દર્શક અને પ્રવર્તમાન સર્જક શ્રી યશવંતદાદાના અને આજના અન્ય બાળ સાહિત્યકારોના સર્જન કર્મ વિશે પણ કેટલીક વાતો પ્રસ્તુત કરી હતી. આ પ્રસંગે ડી.આર.પટેલ હાઈસ્કુલ, કુડાસણના આચાર્ય અને સંદેશ- સાધનાના પૂર્વ કટાર લેખક શ્રી હિમાંશુભાઈ ઓઝા એ શુભેચ્છાઓ પાઠવી હતી.
કાર્યક્રમના પ્રારંભમાં શાળાના અધ્યાપક બહેનોએ પ્રાર્થના રજૂ કરી હતી. સાં. જે. પટેલ સાહેબ તથા રામુ પટેલ ડરણકર સાહેબે મહેમાનો તથા સર્જક મિત્રોને શાબ્દિક શબ્દો થી આવકાર્યા હતાં ને અને જ્યારે આભારદર્શન બાળ સાહિત્યકારશ્રી મણિલાલ શ્રીમળીએ કર્યું હતું અને આ કાવ્યો સંકલિત કરીને તૈયાર કરાયેલા પુસ્તકમાં નવોદિતોનો પણ સમાવેશ કરાયો છે તેનો આનંદ વ્યક્ત કર્યો હતો. તેઓએ આ સંગ્રહ બાળ સાહિત્યના અભ્યાસુ માટે ખૂબ જ ઉપયોગી નીવડશે તેમ જણાવ્યું હતું. આ પ્રસંગે શ્રી પી. ડી. સુથાર રચિત બે પુસ્તિકાઓ 'કુટેવ બગાડે, સુટેવ સુધારે' અને 'જગત જેનું, જતન તેનું' નું વિમોચન પણ મંચસ્થ મહાનુભાવો એ કર્યું હતું.
આ પ્રસંગે કવિ શ્રી ગોવિંદ દરજી, શ્રીમતી લતા હિરાણી, શ્રી પી.ડી. સુથાર, શ્રી હસમુખ બોરાણીયા, શ્રી તથાગત પટેલ,અંજના શ્રીમાળી, ભારતી સોની, શ્રી નટવરભાઈ પટેલ, નાટ્યકાર શ્રી ભરતભાઈ પંચોલી, તસવીરકારશ્રી ઘડીયાળી અને આ સંગ્રહમાં જેઓની કૃતિઓ સ્થાન પામી છે તેવા સર્જકો ઉપસ્થિત રહ્યા હતા.