Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા 'ઝરૂખો'ના સહયોગથી આયોજિત 'શાસ્ત્રોનું સાહિત્ય' વેદ-ઉપનિષદ આધારિત વક્તવ્ય રસપ્રદ રહ્યાં

27 September, 2024 08:55 IST | Mumbai

મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા 'ઝરૂખો'ના સહયોગથી આયોજિત 'શાસ્ત્રોનું સાહિત્ય' વેદ-ઉપનિષદ આધારિત વક્તવ્ય રસપ્રદ રહ્યાં

મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીના ' શાસ્ત્રોનું સાહિત્ય ' કાર્યક્રમમાં શ્રોતાઓથી હૉલ છલકાતો હતો. આ કાર્યક્રમમાં ડૉ.નિરંજનાબેન જોશીએ 'ઉપનિષદ ઓજસ ' એ વિષય પર વિદ્વતાપૂર્ણ વક્તવ્ય આપ્યું હતું. મહાભારત વિશે અનેક વક્તવ્ય આપનાર જિતેન્દ્રભાઈ દવેએ ' મહાભારત આજનાં સંદર્ભે' એ વિષય પર વાત કરી હતી. આચાર્ય ઈશ્વરભાઈ પુરોહિત સંસ્કૃતના જ્ઞાતા છે અને ભારતીય વિદ્યા ભવનના સામાયિક 'સંવિદ્'નું સંપાદન પણ એમણે સંભાળ્યું છે. ' ઉપનિષદ અમૃતમ' એ વિષય પર એમણે વક્તવ્ય આપ્યું હતું. ડૉ. કલ્પનાબેન દવેએ કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરી ,શ્લોક ગાઈ સભામાં ઉપનિષદનું વાતાવરણ ઊભું કર્યું. કલ્પનાબેને કહ્યું કે પૃથ્વી પર જ્યાં સુધી નદીઓ ઝરણાં વહે છે ત્યાં સુધી ઉપનિષદ રહેશે.

કલ્પનાબેને પ્રથમ વક્તા નિરંજનાબેનનો ટૂંકમાં પરિચય આપતાં કહ્યું.નિરંજનાબેન વિદુષી તો છે જ,પ્રોફેસર પણ રહી ચૂક્યાં છે.અંગ્રેજી પુસ્તકોના ગુજરાતી અનુવાદ કર્યા છે. એક ગુજરાતી પુસ્તક 'આવર્તન'નો સંસ્કૃત ભાષામાં અનુવાદ કર્યો છે.ઈ.સ.2016 થી 2023 ના અરસા દરમ્યાન ઘણાં પુરસ્કારોથી સન્માનિત થયાં છે. નિરંજનાબેને પોતાના વક્તવ્યમાં કહ્યું કે ઉપનિષદ સંસારમાં અનર્થકારી તત્વ છે એને ગૌણ કરે છે ,શિથીલ કરે છે. ઉપનિષદ ઓજસ પાથરનાર તેમજ તેજસ્વી બનાવનારું શાસ્ત્ર છે. આહાર શુદ્ધ હશે તો અંતઃકરણ શુદ્ધ થશે. સ્મૃતિ જાગૃત થશે. ઘડપણનું દુઃખ ઘણું મોટું છે. ઉપનિષદમાં ગુરુ શિષ્યનો સંવાદ છે. ઉપનિષદ જીવ્યેશ છે.ઉપનિષદમાં ચરિત્રોનાં, જીવજંતુનાં ઉદાહરણ આવે છે. 'ઉપનિષદ ઓજસ' સંદર્ભે નિરંજનાબેનનું વક્તવ્ય રસપ્રદ રહ્યું.

બીજા વક્તા જિતેન્દ્રભાઈ દવે મહાભારતના પ્રવચનકાર છે.ઘણાં પુસ્તકો મહાભારત વિશે લખ્યાં છે. એમણે જણાવ્યું કે મહાભારતમાં 99000 હજાર શ્લોક છે. તેમણે કહ્યું કે મહાભારત આપણને વેલ્યુ શીખવે છે. ભગવદગીતામાં શ્રી કૃષ્ણએ થિયરી કહી છે.ગીતા એ યુનિવર્સ છે,બ્રહ્માંડ છે. એ પુરવાર કરવા મહાભારત રચાયું છે.ડિપ્રેશન,નિષ્ફ્ળતા, નિરાશામાંથી બહાર આવવાનો રસ્તો ગીતા આપે છે. ત્રીજા વક્તા આચાર્ય ઈશ્વરભાઈ પુરોહિતે 'ઉપનિષદ અમૃતમ' વિષયનું ટૂંકું પણ અસરકારક વક્તવ્ય આપ્યું.છેલ્લા બે દાયકાથી તેઓ સંસ્કૃતનો પ્રચાર કરી રહ્યા છે. એમના પણ અનેક પુસ્તકો આવ્યા છે. ઉપનિષદ, ભગવદ્દગીતા અને બ્રહ્મસુત્ર તેને પ્રસ્થાનત્રયી કહેવામાં આવે છે. એકાદ પરમ સત્ય તરફ પ્રયાણ, તપ એ આપણી સંસ્કૃતિ અને સનાતનનો મુખ્ય પ્રવાહ છે.બ્રહ્મ જયારે એકોહમ્ બહુ સ્યાત્ નો સંકલ્પ માત્ર કરે છે ત્યારે પ્રકૃતિ આ સંકલ્પ જાણી જાય છે અને સૃષ્ટિ નિર્માણ કરી નાંખે છે, જેમ આપણે પણ વિચાર માત્રથી અનેક ક્રિયાઓ ,અર્થો ,પદાર્થો વિજ્ઞાન પ્રત્યક્ષ કરીએ છીએ. જાગૃત મનમાં જગત છે, અર્ધ જાગૃત મન સ્વપ્ન,અને અધિમનસ મન શુદ્ધ સાત્વિક જ્ઞાન સ્વીકારે છે. આત્મા એટલે જીવ, પરમાત્મા એટલે બ્રહ્મ એમ ઔપનિષદિક વિચારધારા છે એવું આચાર્ય ઈશ્વરભાઈ પુરોહિતે જણાવ્યું હતું. ડૉ. કલ્પનાબેન દવેએ ઉત્કૃષ્ટ સંચાલન કર્યું.

આ કાર્યક્રમનું સંકલન હિતેન આનંદપરા અને સંજય પંડ્યાએ કર્યું હતું. 'ઝરૂખો 'ના સક્રિય સભ્ય દેવાંગ શાહે સંકલનમાં સહાય કરી હતી અને ડૉ.કલ્પના દવેનો પરિચય આપ્યો હતો. પ્રો.અશ્વિન મહેતા, સમસ્ત બ્રાહ્મણ મહાસંઘના ટ્રસ્ટી કરુણાશંકર ઓઝા, તરુબહેન કજારિયા, સાઈલીલા વૅલફેર ટ્રસ્ટના ટ્રસ્ટી તથા અન્ય અનેક ભાવકોની હાજરી હતી. (અહેવાલ: સ્મિતા શુકલ)


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK