Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



બાલભારતી 'બાળવાર્તાવંત'....... ચારણકન્યા જેવી 'ચૌદ વરસની ચાર કન્યા'

06 March, 2024 09:09 IST | Mumbai

બાલભારતી 'બાળવાર્તાવંત'....... ચારણકન્યા જેવી 'ચૌદ વરસની ચાર કન્યા'

બાલભારતીમાં દર મહિનાનાં ચોથા રવિવારે યોજાતા વાર્તાવંત કાર્યક્રમમાં દર વખતે નોખું અનોખું આયોજન હોય છે અને એનું આમંત્રણ તો બધાથી હટકે હોય છે. ૨૫મી ફેબ્રુઆરીએ બાલભારતીમાં ચૌદ વરસની ચાર કન્યાના બાળવાર્તા પઠનનાં કાર્યક્રમનું ખૂબ સરસ આયોજન થયું. સુંદર ઉપક્રમ, કાર્યક્રમની શરુઆતમાં સંચાલક મમતા દુધરેજીયાએ ઝવેરચંદ મેઘાણી કૃત 'ચૌદ વરસની ચારણકન્યા'ની છટાદાર રજૂઆત કરી. સૌ પ્રથમ ધાર્મિક પરમારની વાર્તા 'રોબર્ટભાઈની સ્કૂલ'નું ક્રિશા બલદાનિયા તથા અન્ય વિદ્યાર્થીનીઓ દ્વારા ભાવવાહી નાટ્યાત્મક પઠન થયું. ભંગારનો સામાન રાખતા એક વેપારીને ત્યાં વપરાયેલાં રમકડાં આવે છે પછી રમકડાં વચ્ચે આપસમાં શું થાય છે એની સુંદર વાર્તા.

બીજી વાર્તા હેમંત કારિયાની 'રાતરાણી દિવસે મહેંકે તો !'નું ધ્રુવી બલદાનિયા તથા અન્ય વિદ્યાર્થીનીઓ દ્વારા ભાવવાહી નાટ્યાત્મક પઠન થયું. રાતરાણી અને સૂરજમુખીને પોતપોતાના ઊગવા અને આથમવાના સમય બદલાવાનું મન થયું. પછી શું થયું એની સુંદર વાર્તા. બે વાર્તા પછી મધ્યાંતરમાં કોફીની લિજ્જત તો ખરી જ પણ સાથે ગરમ ગરમ નાસ્તો ને ઠંડી ઠંડી ફ્રૂટી. બાળકોને તો મજા પડી ગઈ. સાથે સર્જક સાથે ચર્ચા વિચારણા તો ચાલુ જ રહી.

મધ્યાંતર પછી સંચાલનનો દોર સંભાળ્યો તેજલ નાયકે‌. સૌ પ્રથમ જાણીતા કવિ, લેખક, નાટ્યકાર, પ્રકાશક એવા સતિશ વ્યાસની વાર્તા 'જંગલમાં ટીવી'નું હેતાંશી પરમાર તથા અન્ય વિદ્યાર્થીનીઓ દ્વારા ભાવવાહી નાટ્યાત્મક પઠન થયું. જંગલમાં ટીવી આવે છે એ જોઈને પ્રાણીઓમાં શું ઉથલપાથલ મચે છે એની સુંદર વાર્તા. ત્યારબાદ જાણીતા કવિ,વાર્તાકાર સંદીપ ભાટિયાની વાર્તા 'મુજસે દોસ્તી કરોગે'નું જાનવી મકવાણા તથા અન્ય વિદ્યાર્થીનીઓ દ્વારા ભાવવાહી નાટ્યાત્મક પઠન થયું.

ઓમ નામનો એક નાનકડો છોકરો ખોવાઈ જાય છે પછી શું થાય છે એની સુંદર વાર્તા. આ વખતનાં કાર્યક્રમમાં પઠન સાથે અભિનયનો નવો જ ઉપક્રમ ખૂબ સરસ રહ્યો. મજા આવી ગઈ. સુંદર બોધપાઠ મળે એવી વાર્તાઓ સાંભળી બાળકોને તો મજા આવી જ પણ વાલીઓ અને અન્ય શ્રોતાજનોને પણ એટલી જ મજા આવી. સૌને લાગતું હતું જાણે અમે બાલમંદિરમાં ભણીએ છીએ. ત્યારબાદ ધાર્મિક પરમારે સ્વરચિત બાળકાવ્ય 'બિલ્લી થઈ ગઈ મોડર્ન'નું ભાવવાહી પઠન રજૂ કર્યું. કાર્યક્રમને અંતે બાલભારતીના પ્રમુખ શ્રી હેમાંગ તન્નાએ આભારવિધિ કરી હતી.

બાલભારતીનો હૉલ વાલીઓ તેમજ બાળકોથી હકડેઠઠ્ઠ ભરેલો હતો. શ્રોતાજનોમાં વિશેષ ઉપસ્થિતિ હતી બાદલ પંચાલ, તથા પૂજા પંચાલ સાથે એમની દિકરી કથા, કવયિત્રી અંજના ભાવસાર, વિકાસ નાયક, એમનાં બાળકો, સ્મિતા શુકલ,શાળાનાં બાલવિભાગનાં અન્ય શિક્ષકો. (અહેવાલ : સ્મિતા શુકલ)


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK