Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



જૂની રંગભૂમિની સફર એટલે મોજના દરિયા- જૂનાં યાદગાર ગીતોએ ભાવકોને ઝૂમાવ્યાં

22 August, 2024 02:40 IST | Mumbai

જૂની રંગભૂમિની સફર એટલે મોજના દરિયા- જૂનાં યાદગાર ગીતોએ ભાવકોને ઝૂમાવ્યાં

પ્રભુલાલ દ્વિવેદી, રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ અને મનસ્વી પ્રાંતિજવાળાનાં ગીતો અને સંવાદો આઠ નવ દાયકા પછી પણ લોકહૃદય પર રાજ કરે છે એવું મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીના કાંદીવલીના કાર્યક્રમમાં પૂરવાર થઈ ગયું. જૂની રંગભૂમિનાં વરિષ્ઠ અભિનેત્રી મહેશ્વરી ચૈતન્યે એક ફારસ તથા કેટલાંક ગીતો રજૂ કર્યાં હતાં. જૂની રંગભૂમિનાં એવાં જ બીજાં વરિષ્ઠ કલાકાર રજની શાંતારામ સાથે એમણે જુગલબંધી કરી ' ધનવાન જીવન માણે છે ' ગીત મંચ પર રજૂ કરી જૂની રંગભૂમિના સુવર્ણયુગને તાજો કર્યો હતો. મહેશ્વરી ચૈતન્યે ' વડીલોના વાંકે ' નાટકનાં એ વખતે ૫૦૦ જેટલા શૉ થયા હતા એવું જણાવ્યું હતું. રજની શાંતારામે પણ ' ભારી બેડાં ને હું તો નાજુકડી નાર ' સાભિનય રજૂ કર્યું હતું. એમણે 'પૈસો બોલે છે ' નાટકનાં ' આ તું નહિ તારો પૈસો બોલે છે ' અને ' તમે તો એવા ને એવા જ રહ્યા' જેવા યાદગાર સંવાદોથી બધાંને મુગ્ધ કરી દીધાં. ડૉ. હાર્દિક ભટ્ટે ૮૦/૯૦ વર્ષ અગાઉના રંગભૂમિના કેટલાક પ્રસંગો ટાંક્યા હતા. માસ્ટર અશરફખાને ગાયેલા એક ગીતને એમણે ખૂબ સરસ રીતે ગાયું હતું. બાપુલાલ નાયક, જયશંકર સુંદરી જેવા એ સમયના દિગ્ગજ કલાકારોને પણ એમણે યાદ કર્યા. ‌એ અગાઉ સંકલનકર્તા સંજય પંડ્યાએ ૧૪ મી સદીમાં જેનો આરંભ થયો એ ભવાઈ પરંપરાની વાત કરી હતી. ઈસ ૧૮૫૩ માં પારસી નાટક મંડળીએ આપણે જેને પ્રથમ ગુજરાતી રજૂઆત માનીએ છીએ એ ' રુસ્તમ સોહરાબ ' મુંબઈમાં ભજવ્યું .એ સમયે વધારે પ્રહસન લખાતાં અને ભજવાતાં.કેટલાંક પ્રહસન પારસી નાટકમાંથી પણ લેવાતાં. દેશી નાટક સમાજ ૧૮૮૯માં સ્થપાયો અને ૧૯૮૦ સુધી એ સંસ્થા જીવંત રહી. અકાદમી જૂની ધરોહરને સાચવવાના સર્વ પ્રયાસ કરે છે એવું એમણે જણાવ્યું હતું. આ કાર્યક્રમની સહયોગી સંસ્થા પ્રગતિ મિત્ર મંડળ સાહિત્યના ઉત્તમ કાર્યક્રમોના આયોજન માટે દાયકાઓથી જાણીતી છે. એના સ્થાપક પ્રતાપ વોરાને પણ સ્મૃતિ અંજલિ અપાઈ. પ્રગતિ મિત્ર મંડળ વતી ટ્રસ્ટી અનંતભાઈ મહેતાએ સ્વાગત કર્યું હતું તથા ઉપપ્રમુખ ભાવેશ મહેતાએ , પ્રતિમા પંડ્યાએ, મીનાબહેન મહેતાએ તથા અન્ય સક્રિય સભ્યોએ પેન આપી કલાકારોનું સન્માન કર્યું હતું. જૂની રંગભૂમિનાં રક્ષા દેસાઈ , શિક્ષણ ક્ષેત્રનાં ડૉ. દર્શના ઓઝા, અશ્વિનભાઈ મહેતા, ડૉ. દશરથભાઈ પટેલ, ડૉ.કવિત પંડ્યા, હર્ષિદા બોસમિયા તથા કેઈએસના ટ્રસ્ટી મંડળના વિનોદ શાહ તથા ભરતભાઈ દત્તાણીની વિશેષ હાજરી હતી.


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK