Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



કવિએ ભાષાને વાપરવાની નથી પ્રયોજવાની છે- બોરીવલીમાં ઝરૂખો કાર્યક્રમમાં કવિ વિનોદ જોશીએ કહ્યું.

07 September, 2024 01:12 IST | Mumbai

કવિએ ભાષાને વાપરવાની નથી પ્રયોજવાની છે- બોરીવલીમાં ઝરૂખો કાર્યક્રમમાં કવિ વિનોદ જોશીએ કહ્યું.

ભાષા નૈસર્ગિક નથી અને લખવાનું માધ્યમ પણ કુદરતી નથી .ચિત્રકાર ચિત્ર બનાવે છે એ કુદરતી છે પણ સાહિત્યકાર કક્કો બારાખડીમાં વાત કહે છે ,જે કુદરતી નથી .સર્જક કૃત્રિમ માધ્યમનો ઉપયોગ કરે છે કારણ બારાખડી તો રચાઈ ગઈ છે અને એ રચાયેલા માધ્યમનો એણે ઉપયોગ કરવાનો છે. ફુલ સુગંધ આપે છે એ સુગંધ તાજી છે,વપરાયેલી નથી પણ શબ્દ વપરાયેલો તમારી પાસે આવે છે. કવિ ખૂબ વપરાઈને ચપટા થઈ ગયેલા શબ્દને પોતાની રીતે પ્રયોજે છે ત્યાં એનું સર્જન કાર્ય છે. અજાણી ભાષા ધ્વનિ છે અને જાણીતી ભાષા એ અર્થ છે. ચાઈનીઝ ભાષા તમને ન આવડતી હોય અને એ તમારી સામે બોલાય તો તમારા માટે એ ફક્ત ધ્વનિ છે, એનો અર્થ નથી સમજાતો એમ એમણે કહ્યું હતું. કવિએ ભાષાને વાપરવાની નથી પણ પ્રયોજવાની છે .સુગરી નો માળો 50 વર્ષ અગાઉ એવો જ હતો અને અત્યારે પણ એ જ છે પણ આપણી બારાખડી કલાક પછી અલગ અર્થ આપશે. માનવને કંઠ પહેલા મળ્યો છે. ડચકારા વગેરે શરૂમાં એ કરતો પરંતુ ભાષા પછીથી મળી છે અને ગીત એ ભાષામાં લખાયેલું છે. કવિ ગીત લખે ત્યારે યોગ્ય જગ્યાએ યોગ્ય શબ્દ વાપરવાનો હોય છે એટલે કવિ માટે પરિશીલન બહુ જ અગત્યનું છે. કવિએ ઉત્તમ વાંચવું જોઈએ અને ભાવક સમક્ષ રજૂ કરતાં પહેલાં પોતાની રચનાને પોતે જ ચકાસવી જોઈએ. ભાષા , લય, ઢાળ અને કવિકર્મને સમજાવ્યા બાદ કવિએ પોતાની કેટલીક રચનાઓ પણ રજૂ કરી હતી. સ્વરકાર કવિની રચના ન પામી શકે તો એ નબળું સ્વરાંકન કરે છે એ ભયસ્થાન તરફ પણ એમણે આંગળી ચીંધી હતી. ‌‌શરૂઆતમાં સંજય પંડ્યાએ કવિનો ટૂંકમાં પરિચય આપ્યો હતો. કવિ તરીકે મોટા ગજાના આ સર્જકે ટૂંકી વાર્તા તથા નવલકથા પણ આપી છે અને ૩૦ વર્ષ અખબારમાં કૉલમ પણ લખી છે. લગભગ દોઢ કલાકના એમના વક્તવ્યે અને કાવ્યપાઠે ઝરૂખોના ભાવકોને મંત્રમુગ્ધ કર્યા હતા. પ્રોફેસર અશ્વિન મહેતા, સંગીતનાં જાણકાર નંદિની ત્રિવેદી, ડોક્ટર કવિત પંડ્યા, પત્રકાર જયેશ ચિતલીયા કવયિત્રી પ્રતિમા પંડ્યા તથા મીતા ગોર મેવાડા , કટાર લેખક મુકેશ પંડ્યા તથા સાઈલીલા વૅલફેર ટ્રસ્ટના ટ્રસ્ટી યોગેન્દ્રભાઈ રાવલની અને અનેક ભાવકોની કાર્યક્રમમાં હાજરી હતી


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK