આમિર ખાનની દીકરી આઇરા ૨૮ વર્ષની ઉંમરે પણ પૈસા ન કમાતી હોવાથી પોતાને યુઝલેસ સમજે છે. સુપરસ્ટારની ભણેલી-ગણેલી દીકરી કૉન્ફિડન્સથી ડિપ્રેશન વિશે વાત કરી શકે છે પણ મૂળથી અસુરક્ષિતતા અનુભવે છે. મહિલાઓ આટલી પ્રગતિ પછી પણ જો પોતાની વૅલ્યુ ન કરી શકતી હોય તો આપણા પ્રગતિશીલ સમાજની ભૂલ ક્યાં થઈ રહી છે?પહેલાંના સમયમાં મહિલાઓ યુદ્ધ લડવા નહોતી જતી એટલે પોતાને યુઝલેસ સમજતી હતી. ખેતી કરતી હતી પરંતુ ક્યારેય પૈસા હાથમાં નહોતા આવતા ત્યારે પણ પોતાને યુઝલેસ સમજતી હતી. પિતા કે પતિના ઘરમાં પણ પોતાને બોજ માનીને યુઝલેસ સમજતી હતી. હવે આજની મહિલા પૈસા કમાતી થઈ છે, નિર્ણયો લેતી થઈ છે તો પણ તેઓ પોતાને યુઝલેસ સમજે છે. એવું માનીએ કે આર્થિક રીતે સધ્ધર પરિવારમાંથી આવતી સફળ માતા-પિતાની આત્મવિશ્વાસુ દીકરીને કદાચ આ સમસ્યા નહીં હોય, પરંતુ એવું જરાય નથી. તાજેતરમાં આમિર ખાન અને તેની દીકરી આઇરા ખાન મેન્ટલ હેલ્થ, થેરપી અને ડિપ્રેશન પર એક પૉડકાસ્ટમાં ચર્ચા કરી રહ્યાં હતાં. એ દરમ્યાન આઇરાએ પોતાની માનસિક સ્થિતિ વ્યક્ત કરતાં કહ્યું કે તે ૨૮ વર્ષની થઈ, પણ પૈસા કમાતી ન હોવાથી પોતાને યુઝલેસ ફીલ કરી રહી હતી. હવે વિચારો કે શું આ વિચાર તેને આવવો જોઈએ કે જેની પાસે લગભગ અઢળક તકો છે અને લગભગ આર્થિક સમસ્યા નથી નડવાની. લગ્ન પહેલાં છેલ્લાં પાંચ વર્ષથી તે ઇન્ડિપેન્ડન્ટ ઘરમાં એકલી રહેતી હતી, તે આવી વાતો કરે ત્યારે વિચાર થાય કે આજની આધુનિક મહિલાઓ જેઓ પોતાના નિર્ણયો જાતે લે છે અને પૈસા કમાવાની ક્ષમતા ધરાવે છે તેઓ પોતાની વૅલ્યુ કેમ નથી કરી શકતી? નિષ્ણાતો પાસેથી જાણીએ કે પ્રગતિશીલ સમાજ હજી પણ શું ભૂલો કરી રહ્યો છે.
20 May, 2025 07:15 IST | Mumbai | Laxmi Vanita