Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝબાલભારતીનો 'વાર્તાવંત' કાર્યક્રમ

03 April, 2024 07:41 IST | Mumbai

બાલભારતીનો  'વાર્તાવંત' કાર્યક્રમ

દર મહિનાનાં ચોથા શનિવારે બાલભારતીમાં 'વાર્તાવંત' કાર્યક્રમનું સુંદર આયોજન થાય છે. આ વખતે પણ નવાં ઉપક્રમ સાથે ૨૩-૦૩-૨૪ને શનિવારે બાલભારતીમાં 'વાર્તાવંત' કાર્યક્રમ થયો. ઉપક્રમ હતો આમંત્રિત વાર્તાકાર પોતાની એક વાર્તાનું પઠન કરે અને ત્યારબાદ પોતાની સર્જન પ્રક્રિયા વિશે વાત કરે. આયોજક હેમંત કારિયાએ કાર્યક્રમની શરૂઆત હોળીની શુભેચ્છાઓ આપીને કરી. રંગોની વાત કરતાં સાહિત્યના રંગની વાત કરી. સાહિત્યમાં પણ અનેક રંગો છે. વાર્તા, લઘુવાર્તા, ટૂંકીવાર્તા, નવલકથા, લઘુનવલ, આત્મકથા, ચરિત્રકથા વગેરે.

કાર્યક્રમની શરૂઆત વાર્તાકાર બાદલ પંચાલથી થઈ. બાદલભાઈએ શરૂઆતમાં એમની વાર્તા 'અનુમાન'નું પઠન કર્યું.  ત્યારબાદ એમની સર્જન પ્રક્રિયા વિશે વાત કરતા કહ્યું કે ' હું મારી મમ્મીને હોસ્પિટલમાં ડાયાલીસીસ માટે લઈને ગયેલો. હોસ્પિટલમાં થતી તમામ પ્રક્રિયા હું જોઈ રહ્યો હતો. મમ્મીને ઘરે લઈને આવ્યાં પછી મેં જે જોયેલું એ લખ્યું અને વાર્તા લખાઈ 'ડાયાલીસીસ સેન્ટર' આમ મારી વાર્તા લખવાની શરૂઆત થઈ. ૨૦૧૬ થી ૨૦૨૪ સુધીમાં ચોપ્પન વાર્તા લખાઈ છે. ૨૬ વાર્તા પ્રકાશિત થઈ છે.‌ 'અનુમાન' એમની બેતાલીસમી વાર્તા છે.' આસપાસના નિરીક્ષણમાંથી એમને વાર્તા મળતી થઈ છે. તેઓ ઓફિસે જતાં એક છોકરીને છાપરા પર ઊભેલી જોઈ. અને એમાંથી તેમને વાર્તા મળી 'છાપરા પર પાંખો.'બાદલભાઈ કહે છે કે ' દર શનિવારે લખવું એટલે લખવું. આ મારો એક ક્રમ છે જે મેં જાળવી રાખ્યો છે.' ત્યારબાદ એક નાનકડો કોફી બ્રેક જેમાં ગરમાગરમ કડક મીઠી કોફી અને જે માણ્યું એની ચર્ચા સાથે નવાં આવેલાં શ્રોતા સાથેનો પરિચય જાણે મેળો... કોફી પીતાં જે ચર્ચા થાય એમાંથી પણ ઘણું જાણવાં જોવા મળે. વાર્તા પણ મળી જ જાય હોં......

કોફી બ્રેક પછી નાનકડી મીઠડી એક છોકરી નામ એનું 'કથા' જે બાદલભાઈની દિકરી છે. કથાએ એનાં મીઠા સ્વરે બાળગીત સંભળાવ્યું.જાણો છો કયુ ? અરે, પેલુ ' વાર્તા રે વાર્તા, ભાભોઢોર ચારતા' અને સાથે અમે પણ સૂર પૂરાવ્યો. ખૂબ મજા આવી. આભાર 'કથા' આજનાં ઉપક્ર્મનો બીજો દોર શરૂ થયો.

લેખિકા નવલકથાકાર વાર્તાકાર પ્રેરણા લિમડીથી. પ્રેરણાબેને પણ એમની વાર્તા 'સ્પર્શ'નું પઠન કર્યું. પ્રેરણાબેન સર્જન પ્રક્રિયા વિશે જણાવતાં કહે છે કે ' મારે મારી સર્જન પ્રક્રિયા વિશે ખાસ જણાવવા જેવું નથી. મારું બ્યુટીપાર્લર હતું. એ કારણે સ્ત્રીઓ સાથે નિકટતા વધું રહી છે. ૬૦ વર્ષ પછી મેં લખવાની શરૂઆત કરી. સૌથી પહેલાં મેં કવિતા લખવાનું શરૂ કર્યું. સુરેશભાઈને મોકલી તે છપાઈ ને આ દોર આગળ વધ્યો. કવિતા લખતાં લખતાં જ મને કવિતામાંથી વાર્તા મળતી થઈ અને મેં વાર્તા લખવાની શરૂઆત કરી. પ્રથમ વાર્તા 'ઘર', બીજી વાર્તા 'હીંચકો' લખી. નવનીત સમર્પણમાં છપાઈ. લલિતભાઈએ શુભેચ્છાઓ આપતાં કહ્યું - તમે વાર્તા લખવાનું શરૂ કરો.- એમની શુભેચ્છાઓ અને પ્રોત્સાહનથી પ્રેરણા મળી. મારું લખવાનું આગળ શરૂ થયું. ત્રણ લઘુનવલ લખી. પ્રથમ નવલકથા 'અશ્વત્થામા' લખી. આ નવલકથા ચાર વર્ષે લખાઈ રહી. ત્યાર બાદ તાજેતરમાં જ મારી બીજી નવલકથા 'કસ્તુરી મૃગ' આવી છે.' પ્રેરણાબેને આગળ કહ્યું કે એમની વાર્તાના પાત્રો એમને, એમની આસપાસથી મળ્યાં છે. તેઓ પહેલાં તેમની સાથે પાત્રોનો પરિચય કરે છે. પ્રસંગો મનમાં ઘૂંટે છે પછી વાર્તા લખે છે. આ છે એમની પંદર વર્ષની સર્જન પ્રક્રિયા...... ધારદાર કલમ ધરાવતા બંન્ને લેખકોની વાર્તા તેમજ એમની સર્જનાત્મકતા સાંભળવાની ખૂબ મજા તો આવી સાથે અમને પણ પ્રેરણા મળી કે એકાદ વાર્તા તો લખવી જ. ત્યારબાદ હેમાંગ તન્નાએ આભાર વિધિ કરી કાર્યક્રમનું સમાપન કર્યું. આભાર, અભિનંદન સાથે ફોટા લીધાં અને ફરી મળીશું કહી છૂટા પડ્યાં. આભાર હેમંતભાઈ, હેમાંગભાઈ તેમજ શ્રોતાજનો... મીનાક્ષીબેન વખારિયા,નીલાબેન સંઘવી,ગીતાબેન વેદ,મમતા પટેલ, અંજના ભાવસાર,કાજલ શાહ,પૂજા પંચાલ,સ્મિતા શુકલ, કિશોરભાઈ પટેલ,વિકાસ નાયક હાજર હતાં. આજની વાર્તા વિશે કંઈ કહ્યું નહીં એવું કદાચ તમને મનમાં થશે. તો મિત્રો આમંત્રિત લેખકોની વાર્તા કેવી હતી ? શું હતું વાર્તામાં ? ઘટનાઓ પાત્રો કેવાં હતાં ! કેવી રીતે આ વાર્તા લખાઈ ! જો આ બધાનાં જવાબ જોઈતા હોય તો મિત્રો, 'વાર્તાવંત' કાર્યક્રમમાં આવવું પડશે. તો આવતા મહિને વાર્તાવંતનાં ઉપક્રમમાં આવશો ને.


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK