Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



જૂની ગુજરાતી રંગભૂમિની સફરે જવું છે? તો રવિવારે પહોંચી જજો કાંદિવલીમાં

16 August, 2024 01:47 IST | Mumbai

જૂની ગુજરાતી રંગભૂમિની સફરે જવું છે? તો રવિવારે પહોંચી જજો કાંદિવલીમાં

રજની શાંતારામ, હાર્દિક ભટ્ટ, સ્નેહલ મુઝુમદાર અને મહેશ્વરી ચૈતન્ય

આમ તો ગુજરાતી જૂની રંગભૂમિની વાત રજૂ કરવી હોય તો ૧૮૫૩ના વર્ષથી શરૂઆત કરવી પડે પણ માસ્ટર અશરફખાન, પ્રભુલાલ દ્વિવેદી કે રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટની વાત માંડવી હોય તો ૧૯ મી સદીના અંતના અને ૨૦ મી સદીના પ્રારંભના વર્ષોની વાત કરવી પડે. મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા પ્રગતિ મિત્ર મંડળ ( બોરીવલી -કાંદીવલી)ના સહયોગમાં યોજાયેલા કાર્યક્રમમાં એક એવા સમયના ગીત , સંગીત અને અભિનય રજૂ થવાનાં છે જે તમને ૭૦ વર્ષ કે ૧૦૦ વર્ષ જૂના સમયમાં લઈ જશે. ૧૮ ઑગસ્ટ રવિવારે સાંજે પાંચ વાગ્યે ( સમયસર ) બીજે માળે લોહાણા મહાજન વાડી, એસ વી રોડ, કાંદીવલી પશ્ચિમના સરનામે યોજાયેલા આ કાર્યક્રમમાં મહેશ્વરી ચૈતન્ય તથા રજની શાંતારામ જૂની રંગભૂમિના ફારસ તથા ' મીઠા લાગ્યા છે મને રાતના ઉજાગરા....' કે ' નાગરવેલીઓ રોપાવ..'જેવા સદાબહાર ગીતો રજૂ કરશે. મ્યઝિકોલોજીસ્ટ અને જૂની રંગભૂમિ તથા ફિલ્મોના અભ્યાસી ડૉ.હાર્દિક ભટ્ટ ગાન અને સંચાલન બેઉ મોરચા સંભાળશે. અકાદમીના કાર્યાધ્યક્ષ સ્નેહલ મુઝુમદાર વિશેષ હાજરી આપશે અને માસ્ટર અશરફખાનની ગાયેલી કેટલીક રચનાઓનું ગાન કરશે.

સંજય પંડ્યાની પરિકલ્પના અને સંકલન ધરાવતો આ કાર્યક્રમ સમગ્રપણે જોતાં જૂની રંગભૂમિની સફરે લઈ જતું એક અફલાતૂન પેકેજ છે જેને મુંબઈના ભાવકો ચૂકશે તો અફસોસ થશે. વળી સાથે ૭૦ વર્ષથી વધુ જૂની સંસ્થા પ્રગતિ મિત્ર મંડળ છે એટલે આયોજનમાં કચાશ નથી. આ જાહેર કાર્યક્રમમાં સમયસર પહોંચી જશો કારણ બેઠક વ્યવસ્થા વહેલો એ પહેલોના ધોરણે છે.


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK