માયાનગરી મુંબઈમાં અનેકવિધ ફરવા લાયક સ્થળો છે. મોટા-મોટા મૉલ્સ, સિનેમાઘરો, બીચ પર લોકો એન્જૉય કરવા પહોંચી જતાં હોય છે. આ બધાની વચ્ચે મુંબઈમાં કેટલાય જૂના-જાણીતાં ધાર્મિક સ્થળો આવેલા છે. આ આસ્થાના સ્થાનો પોતાનો ભવ્ય ઇતિહાસ લઈને આજે પણ અડીખમ ઊભા છે. ભલે આ નગરી માયાનગરી કહેવાતી હોય પણ અહીં એટલાં જ સુંદર દેવી-દેવતાઓના મંદિર, મસ્જિદ, દેરાસરો, ગુરુદ્વારા, ચર્ચ વગેરે ધાર્મિક સ્થળો પણ આવેલા છે જ્યાં અનેક શ્રદ્ધાળુઓ પરિવારસહ બે ઘડી શાંતિનો પોરો ખાવા પહોંચી જાય છે. ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તમારી માટે લઈને આવ્યું છે ‘આસ્થાનું એડ્ર્સ’ જ્યાં અમે તમને દર મહિનાના પહેલા અને ત્રીજા મંગળવારે વિવિધ ધાર્મિક સ્થળોની મુલાકાતે લઈ જશું. જો તમારી આસપાસ પણ આવું જ કોઈ ધાર્મિક સ્થળ હોય તો તેની માહિતી અમને `dharmik.parmar@mid-day.com` પર મોકલી આપશો.
મુંબઈ શહેરના જુહુ વિસ્તારમાં એક પ્રાચીન અને સ્વયંભૂ શ્રી મુક્તેશ્વર દેવાલય આવેલું છે. આ મંદિરની વિશેષતા તો એ છે કે આ મંદિર સાત માળનું છે. દરેક માળે સનાતન સંસ્કૃતિ દરબારની રચના કરવામાં આવેલી છે. મંદિરની દેખરેખમાં પુતલાજી રાણેથી લઈને પુષ્પકાંત અનંત મ્હાત્રેજીએ પોતાનું યોગદાન આપ્યું છે. હેમાડપંથી શૈલીમાં બંધાયેલા આ મંદિરનો જીર્ણોદ્ધાર અને સનાતન સંસ્કૃતિ મંદિરનું નિર્માણ પુષ્પકાંત અનંત મ્હાત્રે જી દ્વારા કરવામાં આવ્યું હતું. તમને જાણીને નવાઈ લાગશે કે આ મંદિરમાં કુલ ૧૦૮ મૂર્તિઓની પ્રાણ-પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ સાત માળનું મંદિર ગોમુખી છે. મહારાષ્ટ્ર રાજ્યનું આ પહેલું મંદિર છે જ્યાં આ રીતે એકસાથે સમગ્ર દેવી-દેવતાઓના વિવિધ સ્વરૂપો અને અવતારની સાથે સનાતન ધર્મ અને સંસ્કૃતિને આગળ ધપાવનાર ભક્તો, સંતોના દર્શન થઈ રહ્યા છે.
28 November, 2023 02:46 IST | Mumbai | Dharmik Parmar