Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > સાત ચક્રોના સાત રંગની શરીર પર શું અસર થાય?

સાત ચક્રોના સાત રંગની શરીર પર શું અસર થાય?

27 March, 2024 09:02 AM IST | Mumbai
Ruchita Shah | ruchita@mid-day.com

ક્રોમોથેરપી નામની એક અલાયદી ઉપચારપદ્ધતિ છે જેનો ઇલાજ માટે ભરપૂર ઉપયોગ થઈ રહ્યો છે ત્યારે જાણીએ કે રંગોની રંગીન દુનિયા આપણને કઈ રીતે પ્રભાવિત કરે છે અને રંગોનો પ્રભાવ મેળવવા માટે શું કરવું જોઈએ.

યોગાની પ્રતીકાત્મક તસવીર

રોજેરોજ યોગ

યોગાની પ્રતીકાત્મક તસવીર


યોગની દુનિયા વિશાળ છે અને એટલે જ વ્યક્તિને સાજી કરવાના પર્યાય પણ યોગ પાસે ઘણા છે. આસનો ઉપરાંત શ્વાસનું વિજ્ઞાન, ધ્વનિ વિજ્ઞાન, યંત્ર વિજ્ઞાનની જેમ રંગ વિજ્ઞાનને પણ યોગ સાથે જોડી શકાય. રંગોના તહેવારનું સેલિબ્રેશન ભલે પૂરું થઈ ગયું હોય, પરંતુ હજીયે તમે તમારા જીવનમાં રંગને સ્થાન આપીને એની પ્રભાવકતાથી તન અને મનનું જતન કરવાની દિશામાં આગળ વધી શકો છો. કઈ રીતે? એ જાણવા વાંચો આગળ...

આ બ્રહ્માંડમાં જેકંઈ છે એ બધું જ ઊર્જાના પ્રતિબિંબ સમું છે. આ યુગના મહાન વૈજ્ઞાનિક નિકોલો ટેસ્લા કહી ગયા કે આ દુનિયામાં જેકંઈ છે એ જડ હોય કે ચેતન, એ એક તરંગ છે. આ જ વાત આઇન્સ્ટાઇને જરા જુદા શબ્દોમાં કહી છે. આઇન્સ્ટાઇનનું કહેવું હતું કે એવરીથિંગ ઇઝ એનર્જી. મૂળ સ્વરૂપ સુધી જઈને તો બધું ઊર્જામય જ છે. આ બન્ને વૈજ્ઞાનિકોએ જે કહ્યું એ વાત આપણા યોગીઓએ હજારો વર્ષ પહેલાં અનુભવી હતી અને એટલે જ વેદો-ઉપનિષદોમાં સતત એનો ઉલ્લેખ પણ આવે છે. આ વિશાળ બ્રહ્માંડ એ પ્રાણઊર્જાથી બનેલું છે. સજીવ હોય કે નિર્જીવ પદાર્થ, દરેક પ્રાણઊર્જાથી સંચારિત છે. આપણા શાસ્ત્રીય વિધાનનો જ પડઘો વૈજ્ઞાનિકોએ જુદી રીતે પાડ્યો, પણ અલ્ટિમેટ સત્ય એ જ છે કે તમારી પાસે રહેલી પેનના સૂક્ષ્મ રૂપમાં જાઓ તો એ એક તરંગ એટલે ફ્રીક્વન્સી એટલે કે ઊર્જા મળશે તો બાજુમાં રહેલા ઘાસના તણખલામાં પણ આ જ એનર્જી તરંગ રૂપે મળશે. ઊંહકારભર્યા અવાજથી લઈને રંગોના સૂક્ષ્મ રૂપ સુધી પહોંચીએ તો એક તરંગ મળશે. આપણે એમ કહેતા હોઈએ કે બધું જ એનર્જી છે, બધી જ વસ્તુ એક ફ્રીક્વન્સી ધરાવે છે અને બધાનું જ સૂક્ષ્મ રૂપ તરંગ છે તો એ તરંગનો આપણા શરીર પર, આપણા માનસ પર અને આખા આ બ્રહ્માંડ પર ચોક્કસ પ્રભાવ પડે છે. બટરફ્લાય ઇફેક્ટ વિશે તમે સાંભળ્યું હશે. એક પતંગિયાનો એક ચોક્કસ ફ્રીક્વન્સી સાથે થતો ફફડાટ ધરતીકંપ લાવવામાં નિમિત્ત બને છે એ સાબિત થયેલી વાત છે અને એ સાબિત કરનારા ફિઝિસિસ્ટને નોબેલ પુરસ્કાર મળી ચૂક્યો છે. જે રંગોની વાત આપણે આગળ કરવાના છીએ એની પાછળનું વિજ્ઞાન પણ આ જ છે. વસ્તુઓની જેમ રંગો પણ અમુક પ્રકારની ફ્રીક્વન્સી અને વિદ્યુત તરંગોને રિફ્લેક્ટ કરે છે, પ્રસારિત કરે છે. જેનો પ્રભાવ આપણા શરીર અને મન પર પડે છે અને એટલે જ અમુક રંગો ગ્લાનિ આપે છે તો અમુક રંગો ઉત્સાહ વધારે છે. અમુક ડલ રંગો મનની ડલનેસને વધારવાનું કામ કરે છે, તો અમુક ખૂલતા રંગો મનના બારણાને પણ ખોલવાનું કામ કરે છે. ક્રોમોથેરપી નામની એક અલાયદી ઉપચારપદ્ધતિ છે જેનો ઇલાજ માટે ભરપૂર ઉપયોગ થઈ રહ્યો છે ત્યારે જાણીએ કે રંગોની રંગીન દુનિયા આપણને કઈ રીતે પ્રભાવિત કરે છે અને રંગોનો પ્રભાવ મેળવવા માટે શું કરવું જોઈએ.



 


સાત ચક્રોના સાત રંગ

 

નંબર

ચક્ર

રંગ

રંગની ઇમોશન પર થતી અસર

સંતુલિત

વિટામિન

સર્વાધિક પ્રભાવ પડે

સહસ્રાધાર

જાંબલી

શાંતિ અને સંતુલન આપે, આધ્યાત્મિક ઉન્નતિ આપે.

K

સ્પ્લીન

આજ્ઞા

ભૂરો

વિવેકબુદ્ધિ વિકસાવે, ઇન્ટ્યુશન પાવર વધારે, આત્મવિશ્વાસ વધારે.

E

પૅરાથાઇરૉઇડ

વિશુદ્ધિ

વાદળી

મનના દરવાજા ઉઘાડવાનું અને વૈચારિક સ્પષ્ટતા લાવવાનું અને મનની વાતોને સ્પષ્ટતાપૂર્વક કહેવાનું કૌવત આ રંગ આપે

D

પિનિઅલ

અનાહત

લીલો

પ્રકૃતિનો આ રંગ ગ્રોથનો, હીલિંગનો કલર છે અને પ્રેમ, લાગણી અને કરુણાભાવને વધારે.

C

પિચ્યુટરી

મણિપુર

પીળો

આશાવાદ, આત્મવિશ્વાસ અને સેલ્ફ એસ્ટિમને વધારનારો રંગ છે.

B

રેટિના

સ્વાધિષ્ઠાન

કેસરી

ઉત્સાહ અને રચનાત્મકતા વધારનારો રંગ છે.

B12

થાઇરૉઇડ

મૂલાધાર

લાલ

શારીરિક ક્ષમતા વધારનારો અને કોઈ પણ પરિસ્થિતિમાં સંતુલિત રહેવા માટે પ્રેરિત કરનારો રંગ છે.

A

લિવર

પ્રકૃતિ સાથે તાલથી તાલ
આપણે ત્યાં રંગનું મહત્ત્વ પહેલાંથી જ અદકેરું રહ્યું છે અને એને આપણી પરંપરામાં વણી લેવાયા. જ્યારે કોઈ પણ જાતનાં ઓરા મશીન નહોતાં શોધાયાં કે ફ્રીક્વન્સી માપનારાં ડિવાઇસ બનાવવાનો વિચાર સુધ્ધાં કોઈના મનમાં નહોતો પનપ્યો ત્યારથી અમુક ઓકેઝન પર અમુક રંગનો દબદબો હતો એ જ એની પ્રાચીનતા અને અકસીરતા બન્ને દર્શાવે છે. વેદિક સાયન્ટિસ્ટ, રિસર્ચર, ડ્રગલેસ મેડિસિનના પ્રણેતા અને મોટિવેશનલ સ્પીકર ડૉ. અભિલાષા દ્વિવેદી અહીં કહે છે, ‘આપણે ત્યાં સાધુઓ સફેદ અથવા ભગવાં વસ્ત્રો પહેરતા તો એની પાછળ પણ આ રંગવિજ્ઞાનનો પ્રભાવ જ છુપાયેલો હતો. લગ્નમાં લાલ અને ભડક વસ્ત્રો અને શોકસભામાં સફેદ વસ્ત્રો પહેરવાની પરંપરા રંગવિજ્ઞાનની ફળશ્રુતિ છે. દરેક વ્યક્તિથી લઈને વસ્તુનું એક આભામંડળ હોય છે અને એ આભામંડળને સમજવાનું કામ પણ રંગોથી થાય છે. આભામંડળમાં કયા રંગનું પ્રમાણ કેટલું વધારે છે એના પરથી વ્યક્તિના તનના અને મનના વિકારો અને તેનું ભવિષ્ય સુધ્ધાં જાણી શકાય છે. રંગોના ઉદ્ભવની વાત કરીએ તો સૂર્યનાં પ્રત્યેક કિરણોમાં ૭ રંગોનું મેઘધનુષ સમાયેલું છે અને આપણા શરીરનાં ૭ ચક્રોમાં પણ આ ૭ રંગોનું જ પ્રતિનિધિત્ત્વ મળે છે. ૭ રંગનો એ રીતે આપણા શરીર પર પ્રભાવ પડે છે. હોળીમાં વિવિધ રંગોનો ઉપયોગ થાય છે એની પાછળનું કારણ પ્રકૃતિ સાથે જોડાયેલું છે. આ સમય સંધિકાળનો છે અને શિયાળામાંથી ઉનાળા તરફ ગતિ કરી રહેલી ઋતુમાં પ્રકૃતિમાં પણ નોંધનીય બદલાવ આવે છે. વ્યક્તિનું મન ઉદાસી અને ખાલીપા તરફ હોય છે ત્યારે ફરી તેને ઉત્સાહ અને આનંદથી ભરવા માટે રંગોના આ તહેવારની ગોઠવણ આ જ ઋતુમાં થઈ છે. વાઇબ્રન્ટ કલર્સ વ્યક્તિમાં સકારાત્મક ઊર્જા ભરવાનું કામ કરે છે. દરેક રંગની એક ઇલેક્ટ્રો મૅગ્નેટિક વેવલેંગ્થ હોય છે અને જો વ્યક્તિની માનસિક અને શારીરિક કન્ડિશનને સમજીને એને અનુકૂળ રંગનો પ્રયોગ કરવામાં આવે તો ઉત્કૃષ્ટ પરિણામ આવી શકે છે.’


વાત, પિત્ત અને કફ પર અસર
રંગ વિનાની દુનિયાની આપણે કલ્પના પણ કરી ન શકીએ. સૂર્યના કિરણમાંથી નીકળતા મુખ્ય ૭ રંગો એ જ આપણા શરીરમાં ઊર્જાના કેન્દ્ર ગણાતા મુખ્ય સાત ચક્રોના રંગો પણ છે અને દરેક રંગનો આપણા શરીર પર વિશિષ્ટ પ્રભાવ હોય છે. ડૉ. અભિલાષા દ્વિવેદી કહે છે, ‘જાંબલી રંગ આધ્યાત્મિક ઉન્નતિ સાથે સંકળાયેલો રંગ છે તો કેસરી રંગ દૂરંદેશી સાથે જોડાયેલો રંગ મનાય છે. કોઈ પણ કાર્યની શરૂઆત લાલ રંગથી થતી આવી છે તો બ્લુ કલર ઇમોશનલ મૅચ્યોરિટીને પ્રતિપાદિત કરે છે. જોકે હેલ્થની દૃિષ્ટએ રંગોનું જુદું મહત્ત્વ છે. રંગોની મદદથી આપણે વાત, પિત્ત અને કફને બૅલૅન્સ કરી શકીએ છીએ, જેમ કે પિત્તની સમસ્યા હોય અને એને કારણે ઍસિડિટી, શરીરમાં બળતરા, નબળી આંખો, વાળોના ખરવા જેવી સમસ્યા હોય એ લોકો જાંબલી રંગનો પ્રયોગ કરે, વાદળી અને ભૂરા રંગનો પ્રયોગ વધારે તો લાભ થાય. જાંબલી રંગનો ઉપયોગ વ્યક્તિના માથે પડેલી ટાલને દૂર કરવામાં પણ ઉપયોગી સાબિત થયો છે એવું પણ સર્વેક્ષણોમાં સાબિત થઈ ચૂક્યું છે. પિત્તની સમસ્યાવાળાઓએ લાલ, ગુલાબી જેવા ભડકીલા રંગોથી દૂર રહેવું જોઈએ. જેમના શરીરમાં કફનું પ્રમાણ વધારે હોય, શરદી રહેતી હોય એ લોકો લાલ, કેસરી અને પીળા રંગનાં ફ્રૂટ ખાય અને પોતાની દિનચર્યામાં પણ આ રંગ વધારે તો લાભ થાય. રંગચિકિત્સા અનુસાર ભૂરા રંગના ઉપયોગથી આંખના રોગ, પેટનું કૅન્સર અને સ્ત્રીરોગમાં પર લાભ થાય છે. લિવર અને કિડનીના રોગોમાં પીળો રંગ ઉપયોગી છે. વાયુને લગતી સમસ્યા હોય, સાંધાનો દુખાવો હોય, શરીરમાં કોઈ પણ જાતનું પેઇન હોય એ લોકો લાલ, કેસરી, પીળો અને સફેદ રંગનો ઉપયોગ કરે તો લાભ થાય. જોકે આ રંગોનો પેસ્ટલ શેડ લેવાથી એ મસ્તિષ્કના નકારાત્મક રીતે ઉત્તેજિત કરતાં અટકાવે છે. વાતની સમસ્યા હોય એ લોકોએ કાળો, બ્રાઉન અને ગ્રે કલરનો ઉપયોગ સંપૂર્ણપણે ટાળવો જોઈએ.’

રંગોને અપનાવો આ રીતે


જે-તે રંગનાં વસ્ત્રો ધારણ કરીને, જે-તે રંગનાં ફળ અને શાકભાજીને આહારમાં સામેલ કરીને, જરૂરિયાત મુજબના રંગવાળી કાચની પાણીની બાટલીને તડકામાં રાખીને એ પાણી પીઓ તો એ હીલિંગ વૉટર જેવું કામ કરે છે. જે રંગ તમને સૂટ કરનારો હોય એ રંગની શીશીમાં તેલ ભરીને રાખવાથી પણ એનો લાભ થાય છે. તમારા ઘરની દીવાલોના રંગ, પડદાના રંગ, તમારી બેડશીટ અને પિલો-કવરના રંગને પણ તમારા શરીરની જરૂરિયાત મુજબ પસંદ કરો તો એ હીલિંગનું કામ કરી શકે છે. વિવિધ રંગનાં રત્નો પહેરવાની પરંપરા પણ રંગવિજ્ઞાનનું જ પરિણામ છે.
ડૉ. અભિલાષા દ્વિવેદી

Whatsapp-channel Whatsapp-channel

27 March, 2024 09:02 AM IST | Mumbai | Ruchita Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK