મા એ મા બીજા બધા વગડાના વા. મા એટલે સંસારનો સૌથી પવિત્ર અને મજબૂત સંબંધ. મા એ જગતનું એકમાત્ર એવું પાત્ર છે, જેના માટે સંતાનોનું સુખ સર્વસ્વ છે. આજે આપણે એવી એક માતાની વાત કરવાનાં છીએ કે જેણે દીકરાના ઈલાજ માટે પોતાના નાસ્તા વાનગીઓના શોખને વ્યવસાયમાં ફેરવી "Mumma`s Special"તરીકે સાહસ શરૂ કરીને પોતાની એક આગવી ઓળખ ઉભી કરી છે. અને સમગ્ર સમાજ માટે પ્રેરણા બન્યા છે. ચાલો મળીએ, અમદાવાદના નરોડા વિસ્તારના મુરલીધર હાઇટ્સ, ડી-માર્ટ પાસે, પરિવાર સાથે રહેતા 58 વર્ષીય સુધામાસીને. જે પહેલા શોખથી ઘરના સભ્યો માટે નાસ્તા બનાવતા હતા અને હવે જરૂરિયાત માટે ઘરેથી લોકો માટે નાસ્તા બનાવી વેપાર કરે છે. સુપ્રસિદ્ધ "Mumma`s Special"નાં સંચાલિકા સુધાબેન દેલવાડિયા (પટેલ), જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના મૂળવતની છે. ખેડૂત પરિવારમાં જન્મેલા સુધાબેને બાળપણથી જ જીવનમા અનેક ઊતાર ચઢાવ જોયા છે. લગ્ન પછી વસંતપુર ગામે અને ત્યારબાદ સુરત મહાનગરમાં વસવાટ કર્યો. જોકે તે વખતે હીરા ઉદ્યોગમાં આવેલી મંદીએ પરિવારમાં આર્થિક તંગી લાવી, જેથી આખો પરિવાર 20 વર્ષ પહેલા અમદાવાદ ખાતે નરોડા વિસ્તારમાં સ્થાયી થયો. અહીં પતિએ પાન પાર્લર શરૂ કર્યું અને સુધાબેને સિલાઈનું કામ હાથે ધર્યું. આ નાનકડા ઘર અને નાનકડા સંસાધનો વચ્ચે બંને સંતાનોને ભણાવી એન્જિનિયર બનાવી સમાજમાં તેમને સારી ઓળખ આપી છે.
ગુજરાતમાં રેસ્ટોરન્ટ્સ અને સ્ટ્રીટ ફુડ વિશે લખનારાઓમાં પૂજા સાંગાણીનું નામ જાણીતું છે. મિડ-ડે અખબારમાં લગલગાટ બે વર્ષ સુધી ખાઇ પીને મોજ નામની કોલમથી તેઓએ ગુજરાતી ફુડને સ્વાદ રસિયાઓ સમક્ષ રજૂ કર્યું ત્યારે હવે તેઓ ડિજિટલી સ્વાદની "જ્યાફત" આપણી સાથે શૅર કરશે. ફૂડી પૂજા ગાંધીનગરમાં જન્મ્યાં અને વડોદરામાં ઉછર્યાં. અંગ્રેજી સાહિત્યમાં માર્સ્ટર્સ કરનારા પૂજા ગુજરાતી અને અંગ્રેજી બંન્ને ભાષામાં કોન્ટેન્ટ રાઇટિંગ કરતાં આવ્યા છે. તે ફૂડ રાઇટર જ નહીં પણ ફૂડ બ્લોગર પણ છે અને સોશ્યલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પણ કામ કરે છે. ફૂડ બ્લોગર, ફૂડ લેખિકા અને સોશિયલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પોતાના અનુભવનો લોકોને લાભ આપે છે. તેઓ સોશ્યલ મીડિયા પર પણ પોતાના લખાણો મુકે છે તથા તેમના કામને પગલે બે એવોર્ડ પણ તેઓ મેળવી ચૂક્યાં છે. નવા રેસ્ટરન્ટ્સ ખૂલે કે કોઇ નવો ફૂડ ટ્રેન્ડ હોય તે અચૂક ત્યાં પહોંચે અને સ્વાદ રસિકોને માર્ગદર્શન પણ આપતા રહે છે. ચાલો માણીએ જ્યાફત. (તસવીરો : પૂજા સાંગાણી)
02 May, 2025 11:16 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent