Mumbai Rains Updates: હવામાન વિભાગે ભારે વરસાદની શક્યતાને પગલે મુંબઈ અને આસપાસના જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું; થાણે અને રાયગઢમાં પણ ભારે વરસાદની ચેતવણી; પાલઘર જિલ્લા માટે રેડ એલર્ટ જાહેર કરાયું; સમગ્ર મહારાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી
ફાઇલ તસવીર
ભારતીય હવામાન વિભાગ (India Meteorological Department)એ ગુરુવારે મુંબઈ (Mumbai) અને આસપાસના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ (Mumbai Rains Updates)ની ચેતવણી આપતા ઓરેન્જ એલર્ટ (Orange Alert in Mumbai) જાહેર કર્યું છે.
હવામાન વિભાગ (IMD)એ આગામી ૨૪ કલાક દરમિયાન મહારાષ્ટ્ર (Maharashtra)ના અનેક ભાગોમાં, ખાસ કરીને કોંકણ (Konkan Region) વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. તીવ્ર વરસાદની શક્યતાને કારણે મુંબઈ, થાણે (Thane), પાલઘર (Palghar), રાયગઢ (Raigad), રત્નાગિરી (Ratnagiri) અને સિંધુદુર્ગ (Sindhudurg) જિલ્લાઓને ઓરેન્જ એલર્ટ હેઠળ રાખવામાં આવ્યા છે. IMDના નાઉકાસ્ટ ચેતવણી અનુસાર, મુંબઈ સવારે ૧૦ વાગ્યા સુધી ઓરેન્જ એલર્ટ હેઠળ રહેશે.
ADVERTISEMENT
શું મુંબઈમાં શાળાઓ ખુલ્લી રહેશે?
પાલઘર જિલ્લામાં અત્યંત ભારે વરસાદની રેડ એલર્ટની ચેતવણી બાદ જિલ્લા વહીવટીતંત્રે ગુરુવારે તમામ શાળાઓ, કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરી છે.
જોકે, બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)એ સ્પષ્ટતા કરી છે કે મુંબઈમાં શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓ ખુલ્લી રહેશે. મુંબઈની શાળાઓ માટે કોઈ રજા જાહેર કરવામાં આવી નથી.
ગુરુવારે મુંબઈમાં દરિયાઈ ભરતી અને ઓટનો સમય
મુંબઈ પોર્ટના જણાવ્યા અનુસાર, ગુરુવારે શહેરમાં બે વાર ભરતી અને બે વાર ઓટ આવશે. પ્રથમ ઓટ મધ્યરાત્રિએ ૧૨:૧૩ વાગ્યે ૧.૫૯ મીટરની અને પ્રથમ ભરતી સવારે ૭:૨૮ વાગ્યે ૩.૨૨ મીટરની નોંધાશે. તે પછી બીજી ઓટ બપોરે ૧:૩૨ વાગ્યે ૨.૬૪ મીટરની અને બીજી ભરતી સાંજે ૬:૨૨ વાગ્યે ૩.૦૬ મીટરની આવશે. આ ભરતી-ઓટ દરિયાના સામાન્ય તબક્કા દરમિયાન આવવાની ધારણા છે.
મુંબઈ હવામાન સંબંધિત સલાહ
મુંબઈ અને આસપાસના જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવનાને પગલે નાગરિકોને, ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને અને ભારે વરસાદના સમયગાળા દરમિયાન સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે. સમગ્ર મહારાષ્ટ્રમાં ચોમાસું સક્રિય રહેતા સત્તાવાળાઓ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે.
સમગ્ર મહારાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી
મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ૨૩ જુલાઈએ ભારે વરસાદ પડવાની સંભાવના હોવાથી હવામાન વિભાગે રાજ્યભરમાં વિવિધ એલર્ટ જાહેર કર્યા છે. કોંકણ ક્ષેત્રમાં મુંબઈ, પાલઘર, થાણે, રાયગઢ, રત્નાગિરી અને સિંધુદુર્ગ ઓરેન્જ એલર્ટ હેઠળ છે, જ્યાં આ જિલ્લાઓના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે.
ઉત્તર મહારાષ્ટ્રના ધૂળે (Dhule), નંદુરબાર (Nandurbar), જળગાંવ (Jalgaon) અને નાસિક (Nashik)માં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદની આગાહી કરીને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે નાસિકના ઘાટમાથા વિસ્તાર માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. પશ્ચિમ મહારાષ્ટ્રના પુણે (Pune), સતારા (Satara), સાંગલી (Sangli), અહલ્યાનગર (Ahilyanagar) અને કોલ્હાપુર (Kolhapur)માં હળવાથી મધ્યમ વરસાદની અપેક્ષા છે, જ્યારે પુણે ઘાટમાથા વિસ્તાર માટે રેડ એલર્ટ અને સતારા ઘાટમાથા માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. સોલાપુર (Solapur)માં હળવો વરસાદ પડી શકે છે.
મરાઠવાડા અને વિદર્ભમાં વરસાદની આગાહી
મરાઠવાડા (Marathwada)ના કેટલાક ભાગોમાં પણ વરસાદ થવાની સંભાવના છે. છત્રપતિ સંભાજીનગર (Chhatrapati Sambhajinagar) અને હિંગોળી (Hingoli)માં મધ્યમ વરસાદની શક્યતા છે, જ્યારે જાલના (Jalna), પરભણી (Parbhani), બીડ (Beed) અને નાંદેડ (Nanded)માં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. લાતુર (Latur) અને ધારાશિવ (Dharashiv)માં હળવા ઝાપટાં પડવાની અપેક્ષા છે.
વિદર્ભ (Vidarbha)માં વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને અકોલા (Akola), અમરાવતી (Amravati), ભંડારા (Bhandara), બુલઢાણા (Buldhana), ચંદ્રપુર (Chandrapur), ગઢચિરોલી (Gadchiroli), ગોંદિયા (Gondia), નાગપુર (Nagpur), વર્ધા (Wardha), યવતમાળ (Yavatmal) અને વાશિમ (Washim) માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
