Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

હોમ > પોડકાસ્ટ > Hoon, Baavo Ane Mangaldas

Hoon, Baavo Ane Mangaldas

Hoon, Baavo Ane Mangaldas
રોજબરોજની ભાગદોડ, લેટેસ્ટ ટ્રેન્ડ્સ અને સામાન્ય માણસના જીવનને સ્પર્શતા તમામ સમાચારોની અનોખી જુગલબંધી! હું, બાવો અને મંગળદાસ પોડકાસ્ટમાં મેળવોદેશ-દુનિયાની હલચલ, પ્રવાહો અને વાયરલ સમાચારોનું એકદમ સરળ અને મસાલેદાર વિશ્લેષણ. સામાન્ય માણસના દ્રષ્ટિકોણથી રજૂ થતો આ એક એવો શો છે, જે તમને દરેકમહત્વની વાતથી અપ-ટુ-ડેટ રાખશે અને સાથે જ મનોરંજન પણ પૂરું પાડશે.

Total Episodes : 15

ખાંડ મોંઘી અને ભાષા પર બબાલઃ શું આ બધું ચૂંટણીનું રાજકારણ છે?

28 Aug, 2026 7:09 PM IST

Ep. 15: ખાંડ મોંઘી અને ભાષા પર બબાલઃ શું આ બધું ચૂંટણીનું રાજકારણ છે?

એક તરફ ખાંડના ભાવમાં અચાનક વધારો અને ડિલિવરી ઍપ્સ પર રૅશનિંગ, તો બીજી તરફ મુંબઈમાં રિક્ષા ડ્રાઇવરો સાથે જોડાયેલો ભાષાનો વિવાદ. શું રોજિંદી લાગતી આ બંને સમસ્યાઓ પાછળ ચૂંટણીલક્ષી રાજકારણ કામ કરી રહ્યું છે? જાણો ‘હું બાવો અને મંગળદાસ’ના આ એપિસોડમાં. એકબીજા સાથે કેવી રીતે જોડાય છે? આ એપિસોડમાં યુક્તા મહેતા, મીત પંચાલ અને ચિરંતના ભટ્ટ ખાંડના વધતા ભાવ, ડિલિવરી ઍપ્સ પર રૅશનિંગ, મુંબઈના ભાષાકીય વિવાદ અને તેની પાછળના ચૂંટણીલક્ષી રાજકારણની હળવી છતાં માહિતીપ્રદ અંદાજમાં ચર્ચા કરે છે.  

ગુજરાતી ભાષા ક્યારેય નહીં મરે, પણ એને જીવંત રાખવા આપણે શું કરવું પડશે?

21 Aug, 2026 6:55 PM IST

Ep. 14: ગુજરાતી ભાષા ક્યારેય નહીં મરે, પણ એને જીવંત રાખવા આપણે શું કરવું પડશે?

વિશ્વ માતૃભાષા દિવસના સંદર્ભમાં ગુજરાતી ભાષાનું વર્તમાન અને ભવિષ્ય કેવું છે? ગુજરાતી ભાષા શા માટે ક્યારેય નહીં મરે અને નવી પેઢીને ગુજરાતી શીખવવા માટે ઘરમાં ગુજરાતી બોલવું કેમ જરૂરી છે? ‘હું બાવો અને મંગળદાસ’ના આ એપિસોડમાં ધાર્મિક પરમાર, મીત પંચાલ અને ચિરંતના ભટ્ટે ગુજરાતી ભાષા, વાંચનની ટેવ, સાહિત્ય, કવિતા, લોકસાહિત્ય અને અનુવાદ વિશે રસપ્રદ ચર્ચા કરી છે. નવી પેઢી ગુજરાતી બોલતી, વાંચતી અને સમજતી થાય એ માટે સૌથી પ્રથમ અને અગત્યની શરૂઆત ઘરેથી થાય છે. માતા-પિતા ઘરમાં બાળકો સાથે ગુજરાતી બોલે, ગુજરાતી શબ્દોનો સહજ ઉપયોગ કરે અને ભાષાને માત્ર એક શાળાકીય વિષય ન બનાવે, તો બાળક માટે ગુજરાતી તેની જીવંત માતૃભાષા બની રહે છે. પરંતુ માત્ર બોલવું પૂરતું છે કે વાંચવું પણ એટલું જ જરૂરી છે? વાંચનની મૂળભૂત ટેવ કેવી રીતે વિકસાવી શકાય? ગુજરાતી સાહિત્યને અઘરું કે જૂના જમાનાનું માનીને તેનાથી દૂર રહેવાને બદલે બાળકો અને યુવાનોને તેમની ઉંમર તથા રસ પ્રમાણે યોગ્ય પુસ્તકો સુધી કેવી રીતે લઈ જઈ શકાય? ચર્ચામાં આધુનિક ગુજરાતી ભાષા અને સાહિત્યના પાયાના સર્જક નર્મદથી લઈને કનૈયાલાલ માણેકલાલ મુનશી, ઝવેરચંદ મેઘાણી, રમેશ પારેખ અને સિતાંશુ યશશ્ચંદ્ર જેવા મહત્ત્વના સાહિત્યકારોનો ઉલ્લેખ થાય છે. ગુજરાતી કવિતા, નવલકથા, લોકસાહિત્ય અને લોકપ્રિય લેખન વચ્ચેના સંબંધની સાથે ‘ક્લાસિક’ સાહિત્ય અને સામાન્ય વાચકને આકર્ષતા સાહિત્ય વચ્ચે ખરેખર કોઈ અંતર હોવું જોઈએ કે નહીં, એ પ્રશ્ન પણ ચર્ચાય છે. મેઘાણીનું લોકસાહિત્ય હોય, રમેશ પારેખની કવિતા હોય કે મુનશીની ઐતિહાસિક કથાઓ, ગુજરાતી સાહિત્યની વિવિધતા દરેક પ્રકારના વાચક માટે કંઈક લઈને આવે છે. સારો વાચક બનવા માટે હંમેશાં ગંભીર કે ક્લાસિક કૃતિથી જ શરૂઆત કરવી જરૂરી નથી; વાંચનનો આનંદ જગાડે એવું કોઈપણ પુસ્તક સાચી શરૂઆત બની શકે છે. આ એપિસોડમાં અનુવાદના મહત્ત્વની પણ ચર્ચા કરવામાં આવી છે. વિશ્વસાહિત્યની શ્રેષ્ઠ કૃતિઓ ગુજરાતી ભાષામાં ઉપલબ્ધ થાય અને ગુજરાતી સાહિત્યનો અન્ય ભારતીય તથા વિદેશી ભાષાઓમાં અનુવાદ થાય, તો ગુજરાતી ભાષાની પહોંચ, વાચકવર્ગ અને સાંસ્કૃતિક અસર વધુ વિસ્તરી શકે છે.

આઝાદીના ઓછા જાણીતા અધ્યાયો: રસપ્રદ ટ્રિવિયા અને ગુજરાતી સ્વાતંત્ર્યસેનાનીઓ

14 Aug, 2026 6:30 PM IST

Ep. 13: આઝાદીના ઓછા જાણીતા અધ્યાયો: રસપ્રદ ટ્રિવિયા અને ગુજરાતી સ્વાતંત્ર્યસેનાનીઓ

ભારતનો સ્વાતંત્ર્યસંગ્રામ માત્ર જાણીતા નેતાઓ, ઐતિહાસિક ભાષણો અને મોટી રાજકીય ઘટનાઓ પૂરતો મર્યાદિત નહોતો. તેની પાછળ અસંખ્ય સામાન્ય નાગરિકો, મહિલાઓ, આદિવાસી નેતાઓ, કારીગરો અને સ્થાનિક કાર્યકરોનું યોગદાન હતું. ગાંધીજી અને સરદાર પટેલ ઉપરાંત ઘણાં મોટા નામો આ સંગ્રામનો હિસ્સો હતા. અંગ્રેજોએ દેશનો દાટ કેવી રીતે વાળ્યો? હું બાવો અને મંગળદાસના આ એપિસોડમાં યુક્ત મહેતા, મીત પંચાલ અને ચિરંતના ભટ્ટે એક બહુ મોટી ઐતિહાસિક ઘટનાની કેટલીક વાતોને સ્પર્શવાનો પ્રયાસ કર્યો છે. સ્વતંત્રતા દિવસના આ વિશેષ એપિસોડમાં આપણે ભારતની આઝાદી સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ અને ઘણીવાર ગેરસમજ ઊભી કરતી હકીકતોની ચર્ચા કરીશું. શું ભારતની કોઈ રાષ્ટ્રીય ભાષા છે? શું હોકી ભારતની સત્તાવાર રાષ્ટ્રીય રમત છે? ભારત 15 ઑગસ્ટ 1947ના રોજ સ્વતંત્ર થયું હોવા છતાં ભારત–પાકિસ્તાનની સરહદ 17 ઑગસ્ટે કેમ જાહેર કરવામાં આવી? સિરિલ રેડક્લિફને કેટલા સમયમાં સરહદો નક્કી કરવાની જવાબદારી સોંપવામાં આવી? આ સાથે આપણે મીઠુબહેન પેટિટ, ભક્તિબા દેસાઈ, દરબાર ગોપાળદાસ દેસાઈ, જુગતરામ દવે, મણિબહેન પટેલ, મોતીલાલ તેજાવત અને અબ્બાસ તૈયબજી જેવા ઓછા જાણીતા પરંતુ મહત્ત્વપૂર્ણ સ્વાતંત્ર્યસેનાનીઓને પણ યાદ કર્યા.  અંતે, ભારતના સ્વાતંત્ર્યસંગ્રામ અને વિભાજનને વધુ ઊંડાણથી સમજવા માટે ઉપયોગી પુસ્તકોની નાનકડી યાદી પણ અહીં શૅર કરી છે તો સાથે એ ફિલ્મો પણ યાદ કરી જે જોવી અનિવાર્ય છે.આ એપિસોડ આપણને યાદ અપાવે છે કે આઝાદી માત્ર એક તારીખ કે ઉજવણી નથી—તે અસંખ્ય લોકોના સંઘર્ષ, બલિદાન, આર્થિક સ્વાવલંબન અને સામાજિક પરિવર્તનની જીવંત વારસાગાથા છે.

કલ્ટ ક્લાસિકથી હોરર અને રોમકોમ સુધી: સ્ટોરી ટેલિંગ, ટ્રેન્ડ્ઝ અને મનગમતા કોન્ટેન્ટની વાતો

07 Aug, 2026 6:37 PM IST

Ep. 12: કલ્ટ ક્લાસિકથી હોરર અને રોમકોમ સુધી: સ્ટોરી ટેલિંગ, ટ્રેન્ડ્ઝ અને મનગમતા કોન્ટેન્ટની વાતો

આપણે ફિલ્મ કે શો પસંદ કરીએ છીએ ત્યારે ખરેખર શું શોધતા હોઈએ છીએ, મનોરંજન, આરામ, રોમાંચ, ડર, nostalgia કે પોતાની જિંદગીથી થોડા સમય માટે છૂટકારો? “હું બાવો અને મંગળદાસ”ના આ એપિસોડમાં અમે એટલે કે વિરેન છાયા, યુક્તા મહેતા અને ચિરંતના ભટ્ટ વાત કરીએ છીએ કે આજકાલ અમે શું જોઈ રહ્યા છીએ અને અમને કેવા પ્રકારની ફિલ્મો તથા શોઝ ગમે છે. ચર્ચામાં કલ્ટ ક્લાસિક્સની આગવી દુનિયાથી લઈને હોરરનો રોમાંચ, રોમકોમ્સની હળવાશ અને Off Campus, Morning Show, Type Writer જેવા શોઝ અને  રામ ગોપાલ વર્મા અને રામસે બ્રધર્સની ફિલ્મોનો સમાવેશ થાય છે.  દરેક વ્યક્તિનું watchlist અલગ કેમ હોય છે? કોઈ એક જ ફિલ્મ વારંવાર કેમ જોઈ શકે છે, જ્યારે કોઈને હંમેશાં કંઈક નવું જોઈએ છે? કેટલીક ફિલ્મો રિલીઝ સમયે ખાસ સફળ ન હોવા છતાં પછીથી cult classic કેવી રીતે બને છે? અને દાયકાઓ જૂની ફિલ્મો આજે પણ નવી પેઢીને કેમ આકર્ષે છે? આ વાતચીત માત્ર અમારી પસંદગી વિશે નથી. અમે એ પણ સમજવાનો પ્રયાસ કરીએ છીએ કે ફિલ્મો અને શોઝ સાથે આપણી લાગણીઓ, યાદો તથા જીવનના અનુભવો કેવી રીતે જોડાય છે. રામ ગોપાલ વર્માથી માંડીને ગુલઝારનાં સર્જનો તો શાહરૂખ ખાન અને સમલાન ખાનનો કામ કરવાનો એપ્રોચ બદલાઇ રહ્યો છે, એટલું જ નહીં પણ ટેકનોલોજી, પ્લેટફોર્મ્સ અને વ્યુઇંગ હેબિટ્સ સતત બદલાય છે, પરંતુ યાદ રહી જાય તેવાં પાત્રો અને દિલને સ્પર્શતી વાર્તાઓનું મહત્ત્વ બદલાતું નથી. કારણ કે genres અને trends આવે-જાય, પણ સારું સ્ટોરી ટેલિંગ ક્યારેય આઉટ ઑફ ફેશન નથી થતું. તો તમારી comfort film કઈ છે? કઈ classic ફિલ્મ આજે પણ એટલી જ અસરકારક લાગે છે? અને તમારા watchlistમાં અત્યારે શું ચાલી રહ્યું છે? સાંભળો આ મજેદાર અને ફિલ્મી ચર્ચા, "હું બાવો અને મંગળદાસ"ના નવા એપિસોડમાં.

ક્રિકેટથી આગળ વધી રહ્યું છે ભારત, શું આપણે બનીશું સ્પોર્ટ્સ સુપરપાવર?

31 Jul, 2026 6:00 PM IST

Ep. 11: ક્રિકેટથી આગળ વધી રહ્યું છે ભારત, શું આપણે બનીશું સ્પોર્ટ્સ સુપરપાવર?

ભારતને લાંબા સમયથી ‘ક્રિકેટ નેશન’ તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ હવે દેશનું રમતગમતનું ચિત્ર ઝડપથી બદલાઈ રહ્યું છે. ડી. ગુકેશ વિશ્વના સૌથી યુવા ચેસ વર્લ્ડ ચૅમ્પિયન બન્યા છે, જ્યારે આર. પ્રજ્ઞાનાનંદ અને અર્જુન એરિગૈસી જેવા ખેલાડીઓએ ભારતને વૈશ્વિક ચેસ શક્તિ તરીકે સ્થાપિત કર્યું છે. નીરજ ચોપડાના ટોક્યો ઑલિમ્પિક્સના ગોલ્ડ અને પૅરિસ ઑલિમ્પિક્સના સિલ્વર મેડલે ઍથ્લેટિક્સ અને જૅવલિન પ્રત્યે યુવાનોની રુચિ વધારી છે. ભારતીય પુરુષ હૉકી ટીમે સતત બે ઑલિમ્પિક્સમાં બ્રૉન્ઝ જીતીને પોતાની જૂની ઓળખ ફરી મજબૂત કરી છે. બર્મિંગહામ કૉમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતે 22 ગોલ્ડ સહિત કુલ 61 મેડલ જીત્યા હતા. આવી સફળતાઓએ ક્રિકેટ સિવાયની રમતોમાં પણ વૈશ્વિક સ્તરની અપેક્ષાઓ ઊભી કરી છે. ગલી ક્રિકેટ, ફુટબૉલ, ખો-ખો અને કબડ્ડી જેવી બાળપણની રમતો ટીમવર્ક, ફિટનેસ, નેતૃત્વ અને સ્પર્ધાત્મક ભાવના વિકસાવવામાં કેવી ભૂમિકા ભજવે છે? બીજી તરફ IPL, મોટા સ્પૉન્સર, સેલિબ્રિટી કલ્ચર અને સતત મીડિયા કવરેજને કારણે ક્રિકેટને મળતું ધ્યાન અન્ય રમતો કરતાં ઘણું વધારે કેમ છે?  ખેલો ઇન્ડિયા જેવી યોજનાઓથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને તાલીમની તકો વધી રહી છે, છતાં ગ્રામીણ વિસ્તારોમાં સુવિધાઓનો અભાવ, રમતો વચ્ચે અસમાન ફન્ડિંગ, ફેડરેશનનું રાજકારણ, ગુણવત્તાયુક્ત કોચિંગનો અભાવ અને ખેલાડીઓ માટે મર્યાદિત આર્થિક સુરક્ષા મોટા પડકારો છે. આ સાથે ઑનલાઇન બેટિંગ, ગેરકાયદે સટ્ટાબજાર, મૅચ-ફિક્સિંગ, જુગારનું વ્યસન અને યુવા દર્શકો પર તેની અસર રમતની વિશ્વસનીયતા માટે ગંભીર જોખમ છે. ભારતમાં ઑનલાઇન મની ગેમ્સ, તેની જાહેરાત અને તેને લગતા નાણાકીય વ્યવહારો પર પ્રતિબંધ હોવા છતાં ગેરકાયદે અને વિદેશી પ્લૅટફૉર્મ્સનું જોખમ યથાવત્ છે. ભારત 2036 ઑલિમ્પિક્સની યજમાનીનું સ્વપ્ન જોઈ રહ્યું છે ત્યારે પ્રશ્ન એ છે, શું યોગ્ય ગ્રાસરૂટ વિકાસ, પારદર્શક વહીવટ, સમાન ફન્ડિંગ અને લાંબા ગાળાના ખેલાડી કલ્યાણ દ્વારા ભારત સાચું વૈશ્વિક સ્પોર્ટ્સ પાવરહાઉસ બની શકશે?

ધી ઑડિસી, યુવા આંદોલનનો માહોલ અને નિષ્કર્ષ પર ન પહોંચતી ઘટનાઓ

24 Jul, 2026 6:27 PM IST

Ep. 10: ધી ઑડિસી, યુવા આંદોલનનો માહોલ અને નિષ્કર્ષ પર ન પહોંચતી ઘટનાઓ

બે સાવ અલગ મુદ્દાઓ અને બંન્ને સાથે જોડાયેલો સાવ અલગ મિજાજ, એક છે ધુંઆધાર ડિરેક્ટરે બનાવેલી ફિલ્મ. આમ તો હૉલીવુડની ફિલ્મ છે પણ તેનું માર્કેટિંગ કરવા માટે ભારતના આંગણે ક્રિસ્ટોફર નોલાન તેની પ્રોડ્યુસર પત્ની અને લીડ એક્ટર્સ મેટ ડિમન અને ટોમ હોલેન્ડ સાથે પધાર્યા હતા. ફિલ્મનું મૂળ છે હોમરનું મહાકાવ્ય, સાથે કેટકેટલીય વાયકાઓ. આજના એપિસોડમાં ધી ઑડિસી જોયા પછી શું લાગ્યું, કેવી વાર્તા અને કેમ નોલાન ઉત્તમ છે એવાં ટોળટપ્પાં કરે છે વિરેન છાયા, મીત પંચાલ અને ચિરંતના ભટ્ટ. આપણા દેશમાં આંદોલનનો વાયરો ફૂંકાયો છે, સોશ્યલ મીડિયા પર પર પ્રો અને એન્ટી કોન્ટેન્ટ સતત ઉભરાય છે. આ માહોલમાં ખરો મુદ્દો નેવે મૂકાઈ જાય છે ત્યારે શું થવું જોઇએ અને શું થઈ શકેની વાત કેટલીક આશા અને કેટલાક નિસાસા સાથે કરવાનો પ્રયાસ પણ આ એપિસોડમાં અમારી ટીમે કર્યો છે. CJP, દિલ્હી, જંતરમંતર અને કોહવાઇ ગયેલી શિક્ષણ વ્યવસ્થા એવી બાબતો છે જેનો શોર જલ્દી શમવાનો નથી. 

બહાર ખાણી-પીણીને મામલે કેટલી તકેદારી અનિવાર્ય?

17 Jul, 2026 7:07 PM IST

Ep. 9: બહાર ખાણી-પીણીને મામલે કેટલી તકેદારી અનિવાર્ય?

તુકારામ મુંઢે એક એવા અધિકારી છે જેમણે મુંબઈમાં ખાણી-પીણીમાં થતી ભેળસેળ અને ગંદકી સામે જંગ છેડ્યો છે. સ્ટ્રીટ ફૂડના રસિયાઓને તો આ કામ ગમી રહ્યું છે પણ વિક્રેતાઓના બાર વાગી ગયા છે. લોકો તેમની મુલાકાતની વાત સાંભળીને પણ પોતાની લારી કે આઉટલેટ્સ બંધ રાખે છે. આજે શાકભાજીમાં વપારાતા પેસ્ટી સાઇડ્ઝથી માંડીને માત્ર લારીઓ નહીં પણ મોટી મોટી રેસ્ટરન્ટ્સમા ચોખ્ખાઈને મામલે થતું સમાધાન ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે હું બાવો અને મંગળદાસના આ એપિસોડમાં શિલ્પા ભાનુશાળી, મીત પંચાલ અને ચિરંતના ભટ્ટ આ મુદ્દે વાત કરે છે. સ્વાદને મામલે સંયમ રાખવો કે પછી જોખમ લેવું યોગ્ય છે? મટન ટેલો, પામ ઓઇલ, જુના તેલનો એકથી વધુ વાર ઉપયોગ જેવા ઘણાં પ્રશ્નો છે ત્યારે આપણે માત્ર ઘરનું જ ખાવું એવા નિયમો રાખવા જોઇએ કે પછી સાફ પ્લેટ જોઇને વિશ્વાસ કરવાનું જોખમ લેવું? ગુણવત્તાના ધારાધોરણોને મામલે સવાલોના બાણથી કોઈપણ મોટી બ્રાન્ડ બચતી નથી, આઇસક્રીમ, પનીર, દૂધ કે ઢોસા સાથે પીરસાતી ચટણીઓમાં હાઇજીનની તકેદારી રાખનારી બ્રાન્ડ્ઝ પારખી લેવી સહેલી નથી પણ એ પણ  સત્ય છે કે સોશ્યલ મીડિયા પર કોઇ બ્રાન્ડ વિશે ચર્ચા થાય એટલે એ ચોખ્ખી જ હોય એવું પણ જરૂરી નથી. ચોખ્ખાઈ તો એ ધારા-ધોરણમાં છે જેનો કોઈ શો-ઑફ નથી હોતો ત્યારે આત્સ સંયમ અને જાત તપાસ પર વિશ્વાસ રાખીને સ્વાદની ઇચ્છાઓને પુરી કરવાની પહેલ કરવી જ કદાચ પહેલું પગલું હોઇ શકે. જેનું લાયસન્સ રદ થાય છે તે આઉટલેટ ફરી લાયસન્ય મેળવશે પણ તેઓ ફરી ગુણવત્તા નહીં જ બગાડે એવી કોઇ ગેરંટી નથી હોતી તેવું કડવું સત્ય આપણે ગળે ઉતરાવું જ રહ્યું.

ચોમાસું આવે એટલે ભગવાન લોકોની વચ્ચે કેમ આવે છે? રથયાત્રાથી જન્માષ્ટમી સુધીની રસપ્રદ પરંપરાઓ

10 Jul, 2026 7:07 PM IST

Ep. 8: ચોમાસું આવે એટલે ભગવાન લોકોની વચ્ચે કેમ આવે છે? રથયાત્રાથી જન્માષ્ટમી સુધીની રસપ્રદ પરંપરાઓ

ભારતમાં સૌથી મોટા ધાર્મિક તહેવારો ચોમાસામાં જ કેમ આવે છે? શું તેનું કારણ માત્ર ધાર્મિક માન્યતાઓ છે કે પછી કૃષિ, ઋતુચક્ર અને માનવજીવન સાથે જોડાયેલું ઊંડું વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક આયોજન? આ એપિસોડમાં રથયાત્રા, પંઢરપુરની વારી, શ્રાવણ, હિંડોળા ઉત્સવ, જન્માષ્ટમી અને ચાતુર્માસ જેવી પરંપરાઓ પાછળનો રસપ્રદ ઇતિહાસ, પ્રતીકો અને જીવનદર્શન સમજવાનો પ્રયાસ કર્યો છે. આ એપિસોડમાં યુક્તા મહેતા, મીત પંચાલ અને ચિરંતના ભટ્ટ વાતો કરે છે તહેવારો, લાગણીઓ, મોસમ સાથે આવતા બદલાવ અને આધ્યાત્મ સાથે જોડતા આ જાહેર તહેરવારો અંગે. તમને  કયો વરસાદી માહોલમાં આવતો કયો તહેવાર સૌથી વધારે ગમે છે? 

લોકોનો સ્ટ્રેસ આક્રોશમાં ફેરવાઇ રહ્યો છે? ગુનાઓની સંખ્યામાં વધારો કેમ?

03 Jul, 2026 7:08 PM IST

Ep. 7: લોકોનો સ્ટ્રેસ આક્રોશમાં ફેરવાઇ રહ્યો છે? ગુનાઓની સંખ્યામાં વધારો કેમ?

છેલ્લા એક અઠવાડિયામાં આપણે સિયા, કેતન અને ચેતનના નામોથી વાકેફ થયાં. આપણને નવાઈ લાગી કે વીસ વર્ષની એક છોકરીએ પોતાના માતા-પિતાની સાથે વાત કરવાને બદલે હત્યા કરવાનું પસંદ કર્યું. સમાજનું દબાણ આટલું કેમ? લગ્ન લેવડ-દેવડ કેમ? મુંબઈમાં છેલ્લા એક વર્ષમાં ક્રાઇમ રેટ કેટલો વધ્યો? ટ્રેનમાં દરવાજો ખોલ-બંધ કરવાની બાબતે કોઈ છરી કાઢીને હત્યા કરવાની હદે કેવી રીતે પહોંચી શકે?  મુંબઈ પોલીસની કામગીરી ઉત્તમ છે પણ લોકોના મનમાં આટલો બધો રોષ કઈ વાતનો છે? મોંઘવારી, બેરોજગારી, ભીડ, સંકડાશ આ બધું મનોસ્થિતિ પર કેટલી અસર કરે છે? શું આપણને લોકો સાથે વાત કરવાની આદત છૂટી ગઈ છે? હું, બાવો અને મંગળદાસના આ એપિસોડમાં વરસાદી મુંબઈમાં ચિરંતના ભટ્ટ, મીત પંચાલ અને શિલ્પા ભાનુશાળી વાત કરે છે બદલાઇ રહેલી સામાજિક સ્થિતિ પર. કોઇ નિષ્કર્શ ન મળે એમ બને પણ કદાચ કોઈ રાહ ચિંધ્યાનો ફાયદો થાય એમ પણ થઇ શકે છે. લોકોએ વાત શરૂ કરવાની જરૂર છે, ફોનની સ્ક્રીન્સમાંથી દરેક  બાબતના જવાબ મળે એવું જરૂરી નથી અને માટે જ સંવાદ અને સંવાદિતાની અનિવાર્યતા વિશે અમે આ એપિસોડમાં જરા ભાર મૂક્યો છે. 

અલ નિનો અને લા નિનાની અસરો, મુંબઈનો વરસાદ, યાદો, ગીતો અને હાલાકી

26 Jun, 2026 11:19 AM IST

Ep. 6: અલ નિનો અને લા નિનાની અસરો, મુંબઈનો વરસાદ, યાદો, ગીતો અને હાલાકી

મુંબઈનો વરસાદ લોકો માટે કોઈ અચરજ સમાન છે. ગુજરાતનો વરસાદ રાહ જોવડાવે એવો છે. ચોમાસામાં મુંબઈ તો ચંદ્ર જેવું થઈ જાય કારણકે ખાડામાં ભરાયેલું પાણી તેનો દેખાવ બદલી દે. વરસાદને મામલે દરેકની પોતાની યાદો હોય છે, પોતાનું વ્હાલ હોય છે અને ક્યારેક પોતાનો ગુસ્સો પણ. હું, બાવો અને મંગળદાસના આ એપિસોડમાં યુક્તા મહેતા, મીત પંચાલ અને ચિરંતના ભટ્ટ વાત કરે છે વરસાદી ગીતોની, પર્યાવરણમાં કઈ બાબતો વરસાદની ગુણવત્તા પર અસર કરે છે અને કેમ આપણા ખેતી પ્રધાન દેશમાં વરસાદ પરનો આધાર એક નસીબ આડેનું પાંદડું ખસેડનારો અથવા નસીબ ડુબાડનારો સાબિત થઇ જાય છે. કોઈને વરસાદમાં અગાસી યાદ આવે છે તો કોઈને યાદ આવે છે મકાઈનો ભુટ્ટો. તમને જાણવા મળશે કે કોણ કેટલું ભીંજાયું અને કોને કોણ યાદ આવ્યું. 

370 રૂપિયાની બિરયાની, સ્ત્રી સન્માન અને નીટની પરીક્ષા સામે ટેલિગ્રામ બાનનું શસ્ત્ર

19 Jun, 2026 11:23 PM IST

Ep. 5: 370 રૂપિયાની બિરયાની, સ્ત્રી સન્માન અને નીટની પરીક્ષા સામે ટેલિગ્રામ બાનનું શસ્ત્ર

પ્રણિત મોરેનો કૉમેડી શો બંધ થવો જોઈએ કે પછી ભારતના પુરુષોએ સ્ત્રીઓને જોવાનો દ્રષ્ટિકોણ બદલવો જોઇએ. છોકરીઓને સતત છેડતીનો ડર કેમ હોય છે? સમસ્યા સમાજમાં છે, તંત્રમાં છે કે પછી મુદ્દો કંઇ અલગ જ છે. આ જે આજે ચાલે છે તે વર્ષો વર્ષ ચાલતું આવ્યું છે, ક્યાંક શાલીનતાનો અભાવ છે તો ક્યાંક એક્સપોઝર જ નથી. ચિરંતના ભટ્ટ, યુક્ત મહેતા અને મીત પંચાલ હું બાવો અને મંગળદાસના આ એપિસોડમાં આ મુદ્દાઓ પર ચર્ચા કરે છે. સાથે એ પણ ઉલ્લેખ થાય છે કે ટેલિગ્રામ પરનો પ્રતિબંધ કેટલો તાર્કિક છે, એનાથી શું ફેર પડશે? કેટલીક આપવીતી પણ સાંભળવા મળશે તો સાથે નીટની પરીક્ષાની તૈયારી કરનારાઓની મનોસ્થિતિ પણ જાણવા મળશે. 

Pride Month: LGBTQIA+ સાંભળીને ગુંચવાતા હો તો આ ચોક્કસ સાંભળો

12 Jun, 2026 7:43 PM IST

Ep. 4: Pride Month: LGBTQIA+ સાંભળીને ગુંચવાતા હો તો આ ચોક્કસ સાંભળો

જૂન મહિનાને પ્રાઇડ મંથ તરીકે કેમ ઉજવવામાં આવે છે એ જાણવું જરૂરી છે. LGBTQIA+નું સ્પેક્ટ્રમ એટલે કે આયામ વિશાળ છે અને ગુંચવે એવું છે પણ લાગણીભીના આ બિંધાસ્ત લોકોને હાંસિયામાં નાખવા કરતા તેમને જાણવાની મજા અલગ છે. વિનય અરોટે જે આજના પૉડકાસ્ટમાં જોડાયા છે તે પોતાની જાતને નર કે માદા કોઇપણ જાતિ સાથે સંલગ્ન નથી માનતા. આવું હોઇ શકે? તેમને મીત અને ચિરંતના પૂછ્યા કેટલાક સીધા સવાલ, સાથે પોતાના અવલોકનો પણ વહેંચ્યા. ગુજરાતના રજવાડાના સજાતીય રાજકુમારની વાર્તા પણ તમને અહીં જ સાંભળવા મળવાની છે. સ્વતંત્રતા અને પ્રેમની વ્યાખ્યાઓમાં મેઘધનુષના રંગ ભરનારા સજાતીય સમુદાયને લગતી માન્યતાઓ, ગેર માન્યતાઓ અને એવું ઘણું ય આજના આ પૉડકાસ્ટનો હિસ્સો છે. 

આ એપિસોડના મહેમાન: Vinay Arote હવે સાંભળો
ઓનલાઇન ડેટિંગ મજા છે કે સજા, જાણવા જેવા અનુભવોની વાત

05 Jun, 2026 4:09 PM IST

Ep. 3: ઓનલાઇન ડેટિંગ મજા છે કે સજા, જાણવા જેવા અનુભવોની વાત

ડેટિંગ એપનો ઉપયોગ કરીને કોઇને ખરેખર સારો પાર્ટનર મળે ખરો? બધી ડેટિંગ એપ વિશ્વાસપાત્ર હોય છે? ગુજરાતી મિડ-ડે પ્રસ્તુત `હું, બાવો અને મંગળદાસ`ના આ ખાસ એપિસોડમાં યુક્તા મહેતા, મીત પંચાલ અને હેત્વી કારિયાએ આ બિંધાસ્ત વિષય પર ચર્ચા માંડી અને કેટલીક રસપ્રદ હકીકતો જાણવા મળી. જેન ઝી ડેટિંગ એપ્સ વિશે માનવું છે કે જેવા સંજોગો હોય તેના આધારે ડેટિંગ એપ સારી કે ખરાબ હોય એમ બને. ત્વિશા શર્મા કેસની વાત પણ આ પૉડકાસ્ટમાં છેડાઈ. કેઝ્યુઅલ સંબંધો માટે ડેટિંગ એપ્સ વાપરનારાની સંખ્યા મોટી હોય ત્યારે સિરિયસ સબંધો માટે ડેટિંગ એપ પર આધાર રાખવો કેટલો જોખમી? સાંભળો આ મોકળી વાતચીત જેમાં સમજાશે નવી પેઢીના પ્રેમ અંગેના વિચારો અને તેમને ડેટિંગ કરવાનું ખરેખર કેટલું ગમે છે?

બાન્દ્રા ગરીબ નગર ડિમોલિશન, કોક્રોચ જનતા પાર્ટી અને ડિજિટલ અને પ્રિન્ટ પત્રકારત્વના પડકારો

05 Jun, 2026 9:52 PM IST

Ep. 1: બાન્દ્રા ગરીબ નગર ડિમોલિશન, કોક્રોચ જનતા પાર્ટી અને ડિજિટલ અને પ્રિન્ટ પત્રકારત્વના પડકારો

ગેરકાયદેસર દબાણો દૂર થાય તો એ સારું કહેવાય કે ખોટું? પણ રેલ્વેએ હજાર વાર સૂચના આપ્યા છતાં બાન્દ્રા ઇસ્ટમાં રહેનારાઓએ રેલ્વેની જગ્યા ખાલી ન કરી તે બરાબર કહેવાય? રાજકારણમાં નાટક કરવા કેટલા જરૂરી છે? એને નાટક ન કહેવાય દોસ્ત, વાયરલ નેતા એટલે એની પૉપ્યુલારિટી પણ મોટી. કોક્રોચ જનતા પાર્ટી, આર્મચેર એક્ટિવિઝમ, બદલાયેલા સમયમાં પત્રકારત્વમાં આવતા પડકારો અને એવી કેટલીક વાતો ગુજરાતી મિડ-ડે પ્રસ્તુત `હું, બાવો અને મંગળદાસ`ના આ ખાસ એપિસોડમાં, ન્યૂઝરૂમમાંથી ચિરંતના ભટ્ટ, મીત પંચાલ અને હેત્વી કારિયા છેડશે.  આ સંવાદમાં કેટલીક હળવી ક્ષણો છે તો કેટલાક ગંભીર મુદ્દા પણ છે. લોકોને બેઘર કરવા જોઇએ? આપણા દેશમાં બાંગ્લાદેશીઓ ઘુસ્યા હોય તો આપણે શું કરવાનું? વાયરલ ટ્રેન્ડને ગંભીરતાથી લેવા જોઇએ જેવી વાતો પર અલગ અલગ જનરેશનના અવાજો સાંભળવા હોય તો સાંભળો આ એપિસોડ. 

પેટ્રોલના વધતા ભાવ, ગંભીર જળ સંકટ અને ગ્લોબલ વોર્મિંગ: 2026માં મુંબઈકર હોવાની કિંમત

05 Jun, 2026 9:52 PM IST

Ep. 2: પેટ્રોલના વધતા ભાવ, ગંભીર જળ સંકટ અને ગ્લોબલ વોર્મિંગ: 2026માં મુંબઈકર હોવાની કિંમત

ઈંધણના આસમાને આંબતા ભાવ, ખાલીખમ નળ અને સતત વધતું તાપમાન—સામાન્ય નાગરિક પર આર્થિક અને માનસિક બોજ ક્યારેય આટલો અસહ્ય નથી રહ્યો. ગુજરાતી મિડ-ડે પ્રસ્તુત `હું, બાવો અને મંગળદાસ` ના આ ખાસ એપિસોડમાં, ન્યૂઝરૂમમાંથી યુક્તા મહેતા, મીત પંચાલ અને હેત્વી કારિયા આપણી આસપાસ દિનપ્રતિદિન વધી રહેલી આર્થિક અને પર્યાવરણીય કટોકટીનું એક વિગતવાર અને સચોટ વિશ્લેષણ કરશે. અમે પેટ્રોલ-ડીઝલના સતત વધતા ભાવો પર ઊંડી ચર્ચા કરીશું, જે મધ્યમવર્ગીય પરિવારોના ઘરના બજેટને સંપૂર્ણપણે વેરવિખેર કરી રહ્યા છે. સાથે જ, વિવિધ ક્ષેત્રોમાં પગાર ન વધવાની કડવી વાસ્તવિકતા વિશે પણ વાત કરીશું. જ્યારે આવક સ્થિર છે, ત્યારે રોજબરોજનો ખર્ચ કેમ આટલો ઝડપથી વધી રહ્યો છે? ત્યારબાદ, આપણું ધ્યાન શહેરોની બે ગંભીર કટોકટી તરફ દોરીશું: શહેરોમાં આગની ઘટનાઓમાં થઈ રહેલો ચિંતાજનક વધારો. ઉનાળાની શરૂઆત સાથે જ ઘેરાતું ભયાનક જળ સંકટ.


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK