Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > અનેક પ્રદર્શનોનું મૂક સાક્ષી રામલીલા મેદાન

અનેક પ્રદર્શનોનું મૂક સાક્ષી રામલીલા મેદાન

Published : 01 November, 2026 12:18 PM | IST | Delhi
Rashmin Shah | rashmin.shah@mid-day.com

ભારત સ્વતંત્ર થયું એ પછીથી આ મેદાને અનેક પ્રોટેસ્ટ જોયા છે. અનેક ક્રાન્તિને પોતાની આંખમાં ભરનારું આ મેદાન એક સમયે તળાવ હતું. ચોમેરથી ધમધમતી માર્કેટ્સથી ઘેરાયેલા આ મેદાનમાં કઈ-કઈ ઐતિહાસિક ઘટનાઓએ આકાર લીધો છે એની રસપ્રદ વાતો જાણીએ

છેલ્લાં કેટલાંક વર્ષોમાં રામલીલા મેદાનમાં અનેક રાજકીય પ્રદર્શનો થયાં છે.

છેલ્લાં કેટલાંક વર્ષોમાં રામલીલા મેદાનમાં અનેક રાજકીય પ્રદર્શનો થયાં છે.


દિલ્હીનું નામ પડે એટલે તરત આંખ સામે લાલ કિલ્લો, કુતુબમિનાર, ઇન્ડિયા ગેટ કે સંસદભવન આવી જાય અને એમાં કશું ખોટું પણ નથી. જોકે દિલ્હીની વાત કરવાની હોય ત્યારે જો રામલીલા મેદાનને યાદ કરવામાં ન આવે તો એ ભારતીય ઇતિહાસનું અપમાન કરવા બરાબર છે. રામલીલા મેદાન આ દેશની જર્ની તો વર્ણવે જ છે, એની સાથે દેશમાં આવતા ઉતાર-ચડાવ, સામાન્ય લોકોના આક્રોશ અને ઐતિહાસિક પરિવર્તનોનું પણ સાક્ષી રહ્યું છે અને એટલે જ દિલ્હી સરકાર દ્વારા અનાઉન્સ કરવામાં આવેલા દિલ્હીના આ નવા પ્રોટેસ્ટ લોકેશનને નજીકથી જોવું જોઈએ અને સાથોસાથ રામલીલા મેદાનના ભૂતકાળમાં પણ નજર કરવી જોઈએ.

૧૧.૧૧ એકર જમીન પર પથરાયેલા રામલીલા મેદાનના ભૂતકાળમાં જાઓ તો તમને ખબર પડે કે એક સમયે રામલીલા મેદાન એક તળાવ હતું. હા, બ્રિટિશકાળ પહેલાંના સમયની આ વાત છે. દિલ્હીના આર્કિયોલૉજી ડિપાર્ટમેન્ટના કહેવા મુજબ જૂની દિલ્હીના જ્યોગ્રાફિકલ વિસ્તરણ અને જમીનનો ઢોળાવ કહે છે કે એક સમયે આ સ્થળે કુદરતી પ્રવાહના કારણે તળાવ જન્મી ગયું હતું, જેમાં વરસાદી પાણી સ્ટોર થતું.



દિલ્હીના શહેરીકરણની શરૂઆત થતાં આ તળાવ ધીમે-ધીમે પુરાયું અને સમથળ ખુલ્લી જગ્યામાં ટ્રાન્સફર થયું. ઓગણીસમી સદીના અંતભાગમાં જૂની દિલ્હીમાં પરંપરાગત રામલીલા ઉત્સવ મનાવવાની જગ્યા ટૂંકી પડવા લાગી એટલે બ્રિટિશ ગવર્નમેન્ટે જ આ સ્થળને રામલીલા ઉત્સવ મનાવવા માટે સોંપ્યું અને રામલીલા આ ખુલ્લી જગ્યામાં આવી ગઈ. આજે તો રામલીલા મોટા ભાગે નવરાત્રિના ૯ દિવસ દરમ્યાન થાય છે, પણ એ સમયે રામલીલા એકેક મહિનો ચાલતી એટલે ટ્રાફિકની કોઈ સમસ્યા રહે નહીં એવા ભાવથી પણ આ મેદાન ફાળવવામાં આવ્યું હતું. અલબત્ત, એ પણ કહેવું પડે કે આ વિશાળ ખાલી જગ્યાનો ઉપયોગ માત્ર રામલીલા માટે જ નહીં, અન્ય ધાર્મિક કે સાંસ્કૃતિક તહેવારો માટે પણ કરવામાં આવતો.


સમય જતાં આ વિસ્તારનો ઉપયોગ વધવા માંડ્યો અને ૧૯૩૦નું વર્ષ શરૂ
થતાં-થતાં બ્રિટિશરો પણ આ સ્થળનો ઉપયોગ કરવા માંડ્યા, પણ આઝાદ ભારતમાં ઘટેલી એક ઘટનાએ આ મેદાનની હિસ્ટરીમાં એક જબરદસ્ત ટર્ન આપ્યો અને રામલીલા મેદાન દેશભરમાં પૉપ્યુલર થઈ ગયું.

વાત છે ૧૯૬૧ની


બ્રિટનનાં મહારાણી એલિઝાબેથ-બીજાં ભારતની સત્તાવાર મુલાકાતે આવ્યાં ત્યારે દિલ્હીવાસીઓ તરફથી તેમના સ્વાગત અને સન્માન માટે આ જગ્યા પર પહેલી વાર કાયમી સ્ટેજ બનાવવામાં આવ્યું અને રામલીલા મેદાનની કાયાપલટ થઈ. હવે એ માત્ર ધાર્મિક ઉત્સવ પૂરતું સીમિત ન રહેતાં દેશના અન્ય મોટા અને સાર્વજનિક કાર્યક્રમોનું પણ સેન્ટર પૉઇન્ટ બન્યું. જોકે એ પછી પણ રામલીલા મેદાનના નામને કોઈ અસર થઈ નહીં! હા, આજે દેશમાં બહુ ઓછી જગ્યાઓ એવી છે જેમનાં નામ લોકો દ્વારા એમ જ પડી ગયાં હોય અને સરકારે એ નામોને અકબંધ રહેવા દીધાં હોય. આવાં સ્થળોમાં રામલીલા મેદાનનું નામ સૌથી ઉપર આવે છે. લોકો દ્વારા સામાન્ય વાતચીતમાં આ પ્રકારનું નામકરણ થઈ ગયું અને એ પછી ભગવાન શ્રીરામ સાથે નામ જોડાયેલું હોવાથી એ સમયની સૌથી મોટી પૉલિટિકલ પાર્ટી એવી કૉન્ગ્રેસે મેદાનને સત્તાવાર રીતે કોઈ નામ આપવાને બદલે એને રામલીલા મેદાન તરીકે જ દિલ્હી મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં રજિસ્ટર કરીને રહેવા દીધું.

ઇતિહાસનું છે મૂક પ્રેક્ષક

રામલીલા મેદાનની માટીએ અનેક એવી ઘટનાઓ જોઈ છે જે આજના ઇતિહાસમાં નોંધાયેલી છે.

૧૯૬૧માં બ્રિટિશ ક્વીનના સન્માન માટે રામલીલા મેદાનનો ઉપયોગ અને એમાં લોકોનો મળેલો પ્રતિભાવ જોઈને એ સમયના વડા પ્રધાન જવાહરલાલ નેહરુએ રામલીલા મેદાનનો ઉપયોગ આ પ્રકારનાં ફંક્શન્સમાં કરવાનું નક્કી કર્યું, પણ પછીના જ વર્ષે ૧૯૬૨માં ભારત-ચીન વચ્ચે યુદ્ધ થયું અને આપણા અનેક સૈનિકો શહીદ થયા. આ શહીદ સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવા ૧૯૬૩ની ૨૬ જાન્યુઆરીએ સાંજે રામલીલા મેદાનમાં દેશભક્તિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં પંડિત જવાહરલાલ નેહરુની હાજરીમાં લતા મંગેશકરે પહેલી વાર ગીત ‘અય મેરે વતન કે લોગોં, જરા આંખ મેં ભર લો પાની...’ ગાયું અને પંડિત નેહરુ સહિત હજારો લોકોની આંખો ભીની થઈ.

આજે પણ એ ઘટનાને રામલીલા મેદાનના ઇતિહાસનું સૌથી મોટું લૅન્ડમાર્ક માનવામાં આવે છે. એ પછી તો રામલીલા મેદાન રાજકીય પક્ષોથી લઈને સામાજિક સંસ્થાઓ અને પ્રોટેસ્ટ માટે પૉપ્યુલર થઈ ગયું અને તમને જાણીને નવાઈ પણ લાગશે કે રામલીલા મેદાન પર થયેલા વિચારોના વાવેતરને લીધે જ દેશને પહેલી વાર બિનકૉન્ગ્રેસ ગવર્નમેન્ટ મળી હતી.

આ વાત છે સિત્તેરના દશકની.

૨૦૧૧ની અણ્ણા હઝારેની ભ્રષ્ટાચાર વિરુદ્ધની મૂવમેન્ટ પછી અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી આ જ મેદાનમાં ઊગી હતી. 

ગાંધી સામે ક્રાન્તિ

પૉલિટિકલ પાર્ટીના જન્મદાતા બનેલા રામલીલા મેદાને ક્રાન્તિઓ પણ આપી છે. આ મેદાન પર આઝાદી પછી થયેલા સૌથી પહેલા પ્રોટેસ્ટે ભારતીય લોકશાહીની હિસ્ટરી બદલવાનું કામ કર્યું હતું. વાત છે ૧૯૭પની પચીસમી જૂનની.

લોકનાયક તરીકે દેશભરમાં પૉપ્યુલર થયેલા જયપ્રકાશ નારાયણને મળેલું આ લોકનાયકનું બિરુદ પણ રામલીલા મેદાનની જ દેણ. જયપ્રકાશ નારાયણે એ સમયનાં વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીની સરકારી નીતિઓ, સતત વધતી મોંઘવારી, બેરોજગારી અને દેશમાં વધતી જતી ઇન્દિરા ગાંધીની તાનાશાહી સામે દેશવ્યાપી આંદોલન શરૂ કર્યું.

કોર્ટના મનાઈહુકમ અને સરકારની મનાઈ હોવા છતાં ઇન્દિરા ગાંધીના રાજીનામાની માગણી સાથે જયપ્રકાશ નારાયણે રામલીલા મેદાન પરથી સંપૂર્ણ ક્રાન્તિનું એલાન કર્યું. એ જાહેર સભાના મંચ પરથી ખ્યાતનામ હિન્દી કવિ રામધારી સિંહ ‘દિનકર’એ આગ ઓકતી કવિતા ‘સિંહાસન ખાલી કરો, કી જનતા આતી હૈ...’ રજૂ કરી.

રામલીલા મેદાન પર એકઠી થયેલી લાખોની જનમેદનીના જુસ્સાને જોઈને ગાંધી ગવર્નમેન્ટ એ હદે ડરી ગઈ કે એ જ મધરાતથી ઇન્દિરા ગાંધીએ દેશમાં ઇમર્જન્સીની જાહેરાત કરી દીધી અને વિપક્ષી નેતાઓની મોટા પાયે ધરપકડ કરવામાં આવી. આમ ઇમર્જન્સીના પાયામાં પણ રામલીલા મેદાન અને આ જ મેદાન પર રોપાયેલા સરકાર વિરુદ્ધના અસંતોષના બીજે ૧૯૭૭માં દેશમાં પહેલી વાર બિનકૉન્ગ્રેસી ગવર્નમેન્ટ આપવાનું કામ કર્યું તો આ જ રામલીલા મેદાન પૉલિટિકલ પાર્ટીનું જન્મદાતા પણ રહ્યું છે.

રામલીલા ભજવવા ફાળવાયેલું આ મેદાન હવે સાંસ્કૃતિક કાર્યક્રમો માટે છે.

AAP અને રામલીલા

એકવીસમી સદીનો પહેલો દશક પૂરો થતાં સુધીમાં ભારતમાં એક એવા પ્રોટેસ્ટની શરૂઆત થઈ જેણે સંસદભવનમાં બેઠેલી કૉન્ગ્રેસની ગવર્નમેન્ટના પાયા હચમચાવી નાખ્યા. વાત છે ૨૦૧૧ના અણ્ણા હઝારેએ કરેલા ભ્રષ્ટાચાર વિરુદ્ધના લોકપાલ બિલ પ્રોટેસ્ટની. અણ્ણા હઝારેના પ્રોટેસ્ટની વાત શરૂ કરતાં પહેલાં તમને બાબા રામદેવના પ્રોટેસ્ટની વાત કરી દઈએ.

ભ્રષ્ટાચાર અને ફૉરેનમાં રહેલું ભારતનું કાળું નાણું દેશમાં પાછું લાવવા માટે બાબા રામદેવ રામલીલા મેદાનમાં જ પ્રોટેસ્ટ પર બેઠા હતા, પણ થોડા જ દિવસોમાં દિલ્હી પોલીસે લાઠીચાર્જ કરીને એ આંદોલન ફ્લૉપ કર્યું.

અણ્ણા હઝારેએ પણ ભ્રષ્ટાચારના વિરોધમાં અને લોકપાલ બિલના અમલની માગણી સાથે રામલીલા મેદાન પર આમરણાંત અનશન અને વિશાળ ધરણાં શરૂ કર્યાં અને તેમને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો. આ આંદોલનમાં દેશભરના યંગસ્ટર્સ અને મિડલ ક્લાસ લોકો જોડાયા, દેશ આખો રસ્તા પર આવી ગયો અને ન્યુઝ-ચૅનલોએ રામલીલા મેદાનને દેશની રાજધાનીનું સેન્ટર પૉઇન્ટ બનાવી દીધું.

૨૦૧૧ના આ જ ઐતિહાસિક આંદોલનની કોથળીમાંથી અનેક મહત્ત્વાકાંક્ષાઓ જન્મી અને દેશને પહેલી વાર થર્ડ ફોર્સના રૂપમાં પૉલિટિકલ વિકલ્પ એવી આમ આદમી પાર્ટી (AAP) મળી. ભ્રષ્ટાચારવિરોધી લડાઈમાં અણ્ણા હઝારેના પડખે માનસ સંતાન તરીકે સતત ઊભા રહેનારા અરવિંદ કેજરીવાલ માટે રામલીલા મેદાન મંદિરથી સહેજ પણ ઓછું નથી. આ જ કારણે કેજરીવાલે જ્યારે દિલ્હીના મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા ત્યારે તેમણે શપથગ્રહણ માટે કોઈ ગવર્નર હાઉસ કે અન્ય કોઈ ગવર્નમેન્ટ પ્લેસનો ઉપયોગ કરવાને બદલે ઐતિહાસિક રામલીલા મેદાનને પસંદ કર્યું, કારણ કે રામલીલા મેદાન તેમના જનસંઘર્ષનું સાક્ષાત્ સાક્ષી હતું.

લતાજીએ પહેલી વાર આ મેદાનમાં ગાયેલું ‘અય મેરે વતન કે લોગોં...’

અણ્ણા હઝારેના આંદોલન સુધી રામલીલા મેદાન પર નજીવો કે મામૂલી ચાર્જ લેવામાં આવતો હતો જેની શરૂઆત ૧૯૯૦થી થઈ હતી, પણ એ પછી રામલીલા મેદાનનો ચાર્જ તોતિંગ કરવામાં આવ્યો અને એ પણ એક કારણ છે કે પ્રોટેસ્ટ માટે સેન્ટ્રલ ગવર્નમેન્ટે હવે રામલીલા મેદાન ફાળવી દીધું છે.

જંતરમંતર પર મફતમાં બેસી જવાતું અને એટલે જ હાલતાં ને ચાલતાં લોકો જંતરમંતર પર પહોંચી જતા હતા, પણ હવે જો કોઈને પ્રોટેસ્ટ કરવો હોય તો રામલીલા મેદાનમાં જવું પડશે અને જો એ રામલીલા મેદાન જશે તો તેનું ગજવું ખાલી થઈ જશે!

હા, આ ૧૧.૧૧ એકરમાં પથરાયેલું રામલીલા મેદાન તોતિંગ ભાડા સાથે હવે દિલ્હી સરકાર ભાડે આપે છે.

૧૯૬૧માં મહારાણી એલિઝાબેથ-બીજાં ભારત આવ્યાં ત્યારે અહીં કાયમી બનાવવામાં આવ્યું હતું.

વ્યથા વેપારીઓની
જ્યારે રામલીલા મેદાન પર લાંબા સમય માટે પ્રોટેસ્ટ કે પૉલિટિકલ મહાસભાઓનું આયોજન થાય છે ત્યારે એની સીધી આડઅસર આ મેદાનની આસપાસ આવતા માર્કેટના વેપારીઓએ સીધી ભોગવવી પડે છે. 
રામલીલા મેદાનની ચારેય બાજુ દિલ્હીની સૌથી પૉપ્યુલર માર્કેટ આવેલી છે જેમાં ચાંદની ચૌક, અજમેરી ગેટ, કમલા માર્કેટ અને ચાવડી બજાર મુખ્ય છે.
ચાંદની ચૌકની વાત કરીએ તો એશિયાની આ પૉપ્યુલર માર્કેટમાં ટેક્સટાઇલ અને રેડીમેડ ગાર્મેન્ટ્સના હોલસેલર અને રીટેલરની શૉપ્સ છે તો આ ઉપરાંત આ એરિયામાં સાડી, સોના-ચાંદીની જ્વેલરી, ડ્રાયફ્રૂટ્સ અને સ્ટેશનરીની અંદાજે ૫૦૦૦ જેટલી દુકાનો છે. ચાંદની ચોકમાં રોજ સરેરાશ પાંચ લાખથી વધુ લોકોની અવરજવર રહે છે જેને કારણે આ એરિયામાં ઓછામાં ઓછા ૧૦૦ પ્રકારની વાનગી પીરસતા ફૂડ-સ્ટૉલ્સ અને 
ફેરિયાઓ છે. 
રામલીલા મેદાન પાસે આવેલા અજમેરી ગેટ અને કમલા માર્કેટ એરિયા હાર્ડવેર, ઑટોમોબાઇલ સ્પેરપાર્ટ્સ, ફૅન-કૂલર અને વુડન સામાન માટે જાણીતો છે. આ બન્ને એરિયામાં પણ સેંકડો દુકાનો છે અને દોઢથી બે લાખ લોકોની અવરજવર હોવાથી પાંચ હજારથી વધારે ફેરિયાઓ પણ અહીં ઊભા રહે છે.
ચાવડી બજાર એશિયાનું સૌથી મોટું પેપર, પ્રિન્ટિંગ મટીરિયલ અને વેડિંગ કાર્ડ્સનું માર્કેટ છે તો છેલ્લા બે દશકમાં આ એરિયા સૅનિટરીવેઅર માર્કેટ તરીકે પણ ઊભરી આવ્યો છે. અહીં ૪૦૦ દુકાનો છે અને ૨૫૦ જેટલા ફેરિયાઓ ઊભા રહે છે. ચાવડી બજારમાં રોજ એકાદ લાખ લોકોની અવરજવર કરે છે.
રામલીલા મેદાનમાં પ્રોટેસ્ટ કે કોઈ પણ મોટું સંમેલન હોય ત્યારે ચારેય બાજુ બૅરિકેડિંગ, પોલીસ-પ્રોટેક્શન અને અસહ્ય ભીડને કારણે સામાન્ય કસ્ટમર આ માર્કેટમાં જવાનું ટાળે છે. એની સીધી અસર વેપારીઓ 
પર પડે છે અને રોજનું કરોડો રૂપિયાનું ટર્નઓવર ડિસ્ટર્બ થાય છે. અગાઉ તો જંતર મંતર પ્રોટેસ્ટનું મેઇન સેન્ટર બની ગયું હતું, પણ હવે એ રામલીલા મેદાનમાં આવશે એટલે આ હાડમારીમાં જ નહીં, આર્થિક નુકસાનીમાં પણ ઉમેરો થશે. એના વિરોધમાં દિલ્હીની ચેમ્બર ઑફ ટ્રેડ ઍન્ડ ઇન્ડસ્ટ્રી અને બીજાં અનેક વેપારી સંગઠનો સરકાર સામે રજૂઆત કરી ચૂક્યાં છે, પણ ગવર્નમેન્ટ કોઈ સ્ટેપ લે એવું લાગતું ન હોવાથી આ વેપારી સંગઠનો દિલ્હી હાઈ કોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન દાખલ કરીને માગણી કરવા માગે છે કે મહત્ત્વના માર્કેટની તદ્દન નજીક આવેલા આ મેદાન પર લાંબા સમય સુધી ચાલતા પ્રોટેસ્ટ અને સંમેલનો પર નિયંત્રણ મૂકવામાં આવે અને દિલ્હી મ્યુનિસિપલ કૉર્પોરેશન તથા દિલ્હી સરકાર શહેરની બહાર વૈકલ્પિક પ્રોટેસ્ટ ઝોન નક્કી કરે જેથી લાખો વેપારીઓની રોજી-રોટી સિક્યૉર રહે.

૧૯૭૫માં જયપ્રકાશ નારાયણે ઇન્દિરા ગાંધીની તાનાશાહી સામે કરેલી સભા.

રામલીલા મેદાન : અતથી ઇતિ
૧૧.૧૧ એકરમાં ફેલાયેલા રામલીલા મેદાનમાં આયોજન અને ભીડની વ્યવસ્થા મુજબ એકસાથે અંદાજે ૨૫,૦૦૦થી ૫૦,૦૦૦ લોકો એકઠા થઈ શકે છે. રામલીલા મેદાનનો મુખ્ય ભાગ ખુલ્લો માટી-ઘાસવાળો છે. મેદાનમાં એક કાયમી પાકું સ્ટેજ છે જેની આસપાસ જરૂરિયાત મુજબ સ્ટેજ વધારી શકાય એવી વ્યવસ્થા છે.
દિલ્હી મ્યુનિસિપલ કૉર્પોરેશને રામલીલા મેદાનની ચારેય બાજુ ઊંચી લાઇટ્સ અને જરૂરિયાત મુજબના ઇલેક્ટ્રિસિટી પૉઇન્ટ્સની વ્યવસ્થા કરી છે. અલબત્ત, એ પછી પણ આયોજકે પોતાની જરૂરિયાત મુજબ જનરેટર સેટ્સ અને વધારાની હેવી હેલોજન-LED ફ્લડ-લાઇટ્સનું ટેમ્પરરી ઇન્સ્ટૉલેશન કરવું પડે છે. સિક્યૉરિટીના અત્યારના નિયમો મુજબ રાતે મેદાનમાં વિઝિબિલિટી જળવાઈ રહેવી કમ્પલ્સરી છે એટલે આ એક્સ્ટ્રા લાઇટ્સ 
જરૂરી છે.
એન્ટ્રીની વાત કરીએ તો રામલીલા મેદાનની ચારેય બાજુ રસ્તાઓ હોવાથી એમાં મલ્ટિપલ એન્ટ્રી ગેટ છે, પણ મેઇન એન્ટ્રી અશરફ અલી રોડ અને જવાહરલાલ નેહરુ માર્ગ પર છે. સિક્યૉરિટી અને ક્રાઉડ મૅનેજમેન્ટ માટે દિલ્હી પોલીસની ગાઇડલાઇન્સ છે કે મેદાનમાં VIP એન્ટ્રી, જનરલ પબ્લિક એન્ટ્રી અને આકસ્મિક દુર્ઘટના સમયે નીકળવા માટે ઇમર્જન્સી ગેટ્સ બનાવવા. આ બધા ગેટ્સ ક્યાં બનશે એ નક્કી કરવાનું કામ દિલ્હી પોલીસનું છે. આ ઉપરાંત હવેની ટેક્નૉલૉજીને ધ્યાનમાં રાખીને મેદાનની ચારેય બાજુએ CCTV કૅમેરા ગોઠવવા અને કન્ટ્રોલ-રૂમ બનાવવો ફરજિયાત છે, જે કન્ટ્રોલ-રૂમ પર દિલ્હી પોલીસનો કબજો રહે છે. 
રામલીલા મેદાનમાં તમને માત્ર મેદાન જ મળે છે એટલે મેદાનની અંદર કે એની આસપાસ (જાહેર રસ્તા પર નહીં) ટેમ્પરરી વૉશરૂમ બનાવવાની જવાબદારી આયોજકની રહે છે તો પીવાના પાણીની વ્યવસ્થા અને મેદાનમાં થતા કચરાના નિકાલની સુવિધા પણ આયોજકે કરવાની રહે છે.
દિલ્હી મ્યુનિસિપલ કૉર્પોરેશનના બાગબગીચા એટલે કે હૉર્ટિકલ્ચર ડિપાર્ટમેન્ટ દ્વારા રામલીલા મેદાનનો વહીવટ થાય છે.

બકાસુર છે રામલીલા મેદાન

આજના સમયમાં રામલીલા મેદાન પર પ્રોટેસ્ટ જ નહીં, કોઈ સાર્વજનિક કાર્યક્રમ કરવો હોય તો પણ બજેટ મોટું રાખવું પડે છે. જો અત્યારની વાત કરીએ તો દિલ્હી મ્યુનિસિપલ કૉર્પોરેશન રામલીલા મેદાનના બેઝિક બુકિંગ-ચાર્જરૂપે એક દિવસના ૫૦,૦૦૦ રૂપિયા લે છે. કહ્યું એમ આ તો બેઝિક બુકિંગ-ચાર્જ છે. આ સિવાય મેદાનની સાફસફાઈ અને સિક્યૉરિટીની ગૅરન્ટીરૂપે બીજા ૫૫,૦૦૦ રૂપિયાની ડિપોઝિટ જમા કરાવવી પડે છે. આ જે ડિપોઝિટ છે એ પણ એક દિવસના બુકિંગ પર લેવામાં આવે છે. મતલબ કે જેટલા દિવસનું બુકિંગ એટલા જ દિવસની ડિપોઝિટ પણ ભરવાની.

વાત અહીં જ નથી પૂરી થતી. આ બન્ને ખર્ચ ઉપરાંત અલગ-અલગ જાતના ટૅક્સ અને બીજા ઍડ્મિનિસ્ટ્રેટિવ ખર્ચ ઉમેરીને એક દિવસના બુકિંગનો કુલ ખર્ચ અંદાજે ૧,૨૧,૦૦૦ રૂપિયા સુધી પહોંચે છે. તમારી જાણ ખાતર આ બુકિંગ મેળવતાં પહેલાં વ્યક્તિએ દિલ્હી પોલીસ પાસેથી ‘નો ઑબ્જેક્શન સર્ટિફિકેટ’ લેવું ફરજિયાત છે. એ સર્ટિફિકેટ તમારા હાથમાં હોય તો જ તમે બુકિંગ કરી શકો.

રામલીલા મેદાનમાંથી જે ઇન્કમ થાય છે એ ઇન્કમનો ઉપયોગ દિલ્હી મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા મેદાનની સાફસફાઈ, ઇલેક્ટ્રિસિટી, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જાળવણી અને એના સંચાલન માટે કરવામાં આવે છે અને એ પછી પણ રામલીલા મેદાન બકાસુર બનીને દિલ્હી મ્યુનિસિપલ કૉર્પોરેશન પાસેથી જાળવણીરૂપે દર વર્ષે ઓછામાં ઓછા એક કરોડ રૂપિયા ખર્ચ કરાવે છે.

જંતર મંતર તો બધા માટે ખુલ્લું રહેતું, પણ બુકિંગ-સિસ્ટમ હોવાને લીધે રામલીલા મેદાનની અવેલેબિલિટીની સમસ્યા પણ સતત ઊભી રહે છે.

જાતજાતના ધાર્મિક ઉત્સવો, સામાજિક સંમેલન, એક્ઝિબિશન અને અગાઉથી પરમિશન મેળવેલા દિલ્હી મ્યુનિસિપલ કૉર્પોરેશનના, દિલ્હી અને સેન્ટ્રલ ગવર્નમેન્ટના કાર્યક્રમોને કારણે રામલીલા મેદાન ઑલમોસ્ટ આખું વર્ષ બુક રહે છે. પરિણામે પ્રોટેસ્ટ કે આંદોલન માટે સંસ્થા કે સંગઠનોને માંડ ગણતરીના દિવસો મળતા હોય છે. આ જ મુદ્દાને અત્યારે વિરોધ પક્ષે મોટો કર્યો છે.

વિરોધ પક્ષોનું કહેવું છે કે લોકશાહીમાં ગરીબ જનતા, મજૂર વર્ગ કે સ્ટુડન્ટ્સે સરકાર સામે પોતાના હક માટે બોલવા, અવાજ બુલંદ કરવા લાખોનું ભાડું ચૂકવવું પડે તો સામાન્ય માણસ ન્યાયની લડાઈ નહીં લડી શકે. વિરોધ પક્ષની દલીલ છે કે ઊંચા બુકિંગ-ચાર્જિસ અને કડક શરતો દ્વારા ગવર્નમેન્ટ લોકશાહીના અવાજ પર સીધો અંકુશ મૂકવા માગે છે જે ગેરકાનૂની છે. હવે જોવાનું એ છે કે રામલીલા મેદાન પહેલાંની જેમ જ દેશની ક્રાન્તિને પોતાની માટીની આંખથી જોશે કે પછી એ આંખોને હવે કોઈ ક્રાન્તિ જોવા નહીં મળે?

હોપ ફૉર ધ બેસ્ટ.

Whatsapp-channel Whatsapp-channel

01 November, 2026 12:18 PM IST | Delhi | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK