Mumbai Rains: મુંબઈમાં આજે સવારથી ભારે પવન સાથે વરસાદ ચાલુ; મુશળધાર વરસાદને કારણે તાનસા તળાવ ઓવરફ્લો થયું; મુંબઈને પાણી પૂરું પાડતા સાત જળાશયોમાં પાણીનો કુલ સંગ્રહ ૬૧.૯૦ ટકા ક્ષમતા સુધી પહોંચી; આજે શહેરમાં યેલો એલર્ટ
મુશળધાર વરસાદને લીધે તાનસા તળાવ છલકાયું (તસવીરોઃ એક્સ)
પશ્ચિમ કિનારે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું વધુ સક્રિય થતાં બુધવારે મુંબઈ (Mumbai)માં ભારે વરસાદ અને તેજ પવનો ફૂંકાયા હતા. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતીય હવામાન વિભાગ (India Meteorological Department)એ શહેર માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. આ ભારે વરસાદથી (Mumbai Rains) મુંબઈના જળ સંચયમાં મોટો સુધારો થયો છે. શહેરને પાણી પૂરું પાડતા સાત જળાશયોની કુલ સંગ્રહ ક્ષમતા (Mumbai Lake levels) લગભગ ૬૨ ટકા સુધી પહોંચી ગઈ છે, જ્યારે તાનસા તળાવ ઓવરફ્લો થવાનું શરૂ થયું છે.
બુધવારે સવારે ૮ વાગ્યા સુધીના ૨૪ કલાકમાં મુંબઈના મૂળ શહેરી વિસ્તારમાં સરેરાશ ૩૬.૬૫ મીમી, પૂર્વ ઉપનગરોમાં ૪૮.૭૦ મીમી અને પશ્ચિમ ઉપનગરોમાં ૬૪.૯૧ મીમી વરસાદ નોંધાયો હતો. શહેરના ઘણા ભાગોમાં ભારે પવન સાથે મુશળધાર વરસાદ પડ્યો હતો, જેના કારણે કેટલાક વિસ્તારોમાં દૈનિક વાહનવ્યવહાર પર અસર પડી હતી.
ADVERTISEMENT
મુશળધાર વરસાદથી મુંબઈનો વોટર સ્ટોક વધીને ૬૧.૯૦ ટકા થયો
જળાશય વિસ્તારોમાં સતત પડી રહેલા વરસાદને કારણે મુંબઈની પાણીની સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થયો છે. શહેરને પીવાનું પાણી પૂરું પાડતા સાત જળાશયોમાં કુલ પાણીનો જથ્થો તેમની કુલ ઉપયોગી ક્ષમતાના ૬૧.૯૦ ટકા સુધી પહોંચી ગયો છે.
ભાંડુપ કોમ્પ્લેક્સ સ્થિત હાઇડ્રોલિક એન્જિનિયરિંગ વિભાગના જણાવ્યા અનુસાર, બુધવારે સવારે ૬ વાગ્યે સાતેય જળાશયોમાં મળીને કુલ ૮,૯૫,૯૦૭ મિલિયન લિટર (ML) ઉપયોગી પાણી ઉપલબ્ધ હતું, જેમાં અગાઉના દિવસની સરખામણીએ ૪.૧૫ ટકાનો વધારો થયો છે. મુંબઈના સાત જળાશયોની કુલ પાણી સંગ્રહ ક્ષમતા ૧૪,૪૭,૩૬૩ મિલિયન લિટર છે. ગયા વર્ષે આ જ સમયગાળા દરમિયાન જળાશયો ૮૫.૩૨ ટકા ભરેલા હતા, જ્યારે ૨૦૨૪ માં આ સ્તર ૪૭.૨૯ ટકા નોંધાયું હતું.
તાનસા તળાવ છલકાયું, ડેમના દરવાજા ખોલાયા
મુશળધાર વરસાદને કારણે બુધવારે સવારે ૮:૫૧ વાગ્યે તાનસા તળાવ ઓવરફ્લો (Tansa Lake overflows) થવા લાગ્યું હતું, ત્યારબાદ વધારાના પાણીના પ્રવાહને નિયંત્રિત કરવા માટે સત્તાવાળાઓએ ડેમના દરવાજા નંબર ૧ અને ૯ ખોલી નાખ્યા હતા.
ઠાણે જિલ્લાના શાહપુર તાલુકામાં આવેલું તાનસા તળાવ મુંબઈના પીવાના પાણીના મુખ્ય સ્ત્રોતોમાંથી એક છે. વિહાર (Vihar Lake) અને તુલસી તળાવ (Tulsi Lake) પછી આ ચોમાસામાં છલકાનારું તે ત્રીજું જળાશય બન્યું છે. વિહાર અને તુલસી તળાવ ૭ જુલાઈના રોજ તેમની પૂર્ણ ક્ષમતાએ પહોંચી ગયા હતા.
હવામાન વિભાગની વધુ વરસાદ અને તેજ પવનની આગાહી
હવામાન વિભાગ (IMD)એ મુંબઈ અને તેના ઉપનગરોમાં વાદળછાયું આકાશ રહેવાની અને કેટલાક સ્થળોએ મધ્યમથી ભારે વરસાદની (Mumbai Rains) આગાહી કરી છે. હવામાન વિભાગે ક્યારેક ક્યારેક ૫૦ થી ૬૦ કિમી/કલાકની ઝડપે તેજ પવન ફૂંકાવાની પણ ચેતવણી આપી છે.
સવારે ૭ વાગ્યાના નાઉકાસ્ટ (Nowcast)માં, IMD એ યલો એલર્ટ જાહેર કરીને આગામી કેટલાક કલાકોમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં સાથે ૪૦ થી ૫૦ કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરી છે.
મુંબઈમાં બુધવારે દરિયામાં હાઈટાઈડ (દરિયાઈ મોજાં) પણ જોવા મળી શકે છે, જેમાં સવારે ૫:૫૭ વાગ્યે ૩.૨૭ મીટર અને સાંજે ૫:૩૦ વાગ્યે ૩.૩૨ મીટર સુધી મોજાં ઉછળવાની આશંકા છે.
