આ સવાલનો જવાબ ક્રૅશનાં કારણો જણાવી શકે છે
એક નાનું પ્રોપેલર જેવું ઉપકરણ રૅમ ઍર ટર્બાઇન (RAT) આપમેળે તહેનાત થયું
ગયા અઠવાડિયે અમદાવાદમાં થયેલી વિમાન-દુર્ઘટનામાં નવા પુરાવા સૂચવે છે કે ઍર ઇન્ડિયાના બોઇંગ ડ્રીમલાઇનર 787-8ના બન્ને એન્જિન નિષ્ફળ ગયાં હોઈ શકે છે અથવા એમાં સંપૂર્ણ ઇલેક્ટ્રિકલ અથવા હાઇડ્રોલિક ખામી હોઈ શકે છે.
૧૨ જૂને થયેલા ક્રૅશના સ્પષ્ટ ઑડિયો અને વિડિયો દર્શાવે છે કે એક નાનું પ્રોપેલર જેવું ઉપકરણ રૅમ ઍર ટર્બાઇન (RAT) આપમેળે તહેનાત થયું હતું. વિમાનમાં બન્ને એન્જિન એકસાથે નિષ્ફળ જાય અથવા સંપૂર્ણ ઇલેક્ટ્રિક અથવા હાઇડ્રોલિક નિષ્ફળતા સર્જાય તો RAT આપમેળે તહેનાત થાય છે. અમદાવાદ ઍરપોર્ટ પરથી ઉડાન ભર્યાની માત્ર ૩૨ સેકન્ડ પછી વિમાન ક્રૅશ થયું હતું.
ADVERTISEMENT
વિમાનના જેટ એન્જિનની ગર્જનાની ગેરહાજરીમાં RATનો સ્પષ્ટ હાઈ-પિચ અવાજ ઑડિયોમાં સ્પષ્ટપણે સાંભળી શકાય છે અને વિડિયોમાં દેખાય છે કે વિમાન ઊંચાઈ જાળવવા માટે સંઘર્ષ કરી રહ્યું છે અને પછી ઝડપથી નીચે ઊતરવાનું શરૂ કરે છે. એ દર્શાવે છે કે RAT કાર્યરત થયું છે. RAT કટોકટી વખતે વિમાનમાં પાવર ઉત્પન્ન કરવા માટે પવનની ગતિનો ઉપયોગ કરે છે અને નિષ્ણાતો કહે છે કે એ આપમેળે કાર્યરત થાય છે. RAT કાર્યરત થાય તો એ ત્રણ સંભવિત પરિસ્થિતિઓ તરફ નિર્દેશ કરે છે; વિમાનનાં બન્ને એન્જિન નિષ્ફળ ગયાં છે, એમાં ઇલેક્ટ્રિક નિષ્ફળતા આવી છે અથવા એનું હાઇડ્રોલિક્સ નિષ્ફળ ગયું છે.
આ સંદર્ભમાં ઇન્ડિયન ઍર ફોર્સના અનુભવી પાઇલટ અને ઉડ્ડયન-નિષ્ણાત કૅપ્ટન એહસાન ખાલિદે જણાવ્યું હતું કે ‘વિમાનના ઉડ્ડયનનો વિડિયો જોયા બાદ દુર્ઘટનાના દિવસે જ મને બન્ને એન્જિન નિષ્ફળ ગયાં હોવાની આશંકા હતી, કારણ કે વિમાન ઉપર ચડતું નહોતું અને પક્ષીઓ એક જ સમયે બન્ને એન્જિન સાથે અથડાય એ લગભગ અશક્ય છે. બે એન્જિન નિષ્ફળ થવાની શક્યતા લગભગ દરેક વ્યક્તિનું અનુમાન હતું. દુર્ઘટનામાં બચી ગયેલા એકમાત્ર વ્યક્તિએ પણ એમ કહ્યું હતું કે તેણે એક અવાજ સાંભળ્યો હતો જે RAT કાર્યરત થયું એનો હોઈ શકે છે. તેણે વિમાનમાં લાલ અને બ્લુ લાઇટ્સ જોઈ હતી જે ઇમર્જન્સી પાવર કનેક્ટિંગ અને ઇમર્જન્સી લાઇટ્સ ચાલુ થવાની હોઈ શકે છે.’

