નરેન્દ્ર મોદીએ દુખઃ વ્યક્ત કરીને બે-બે લાખ રૂપિયાની સહાય જાહેર કરી દીધી
ગઈ કાલે વહેલી સવારે આંધ્ર પ્રદેશમાં ખીણમાં પલટી ખાઈ ગયેલી બસમાંથી પ્રવાસીઓને બચાવવા માટે સ્થાનિકો મદદે દોડી આવ્યા હતા
આંધ્ર પ્રદેશના અલ્લુરી સીતારામ રાજુ (ASR) જિલ્લામાં ગઈ કાલે સવારે ૪.૩૦ વાગ્યે એક ખાનગી બસ ખીણમાં પડી જતાં ૯ પ્રવાસીઓએ જીવ ગુમાવ્યો હતો અને ૨૦ અન્ય ઘાયલ થયા હતા. ચિત્તુરથી પાડોશી તેલંગણમાં જઈ રહેલી બસમાં ડ્રાઇવર અને ક્લીનર સહિત ૩૭ લોકો સવાર હતા. એમાંથી છ લોકો સુરક્ષિત છે. ભારે ધુમ્મસને કારણે વળાંકને બસ-ડ્રાઇવરે જોયો ન હોવાની શક્યતા છે. બસના મુસાફરો ચિત્તુરથી તેલંગણના ભદ્રાચલમમાં શ્રી રામ મંદિર જઈ રહ્યા હતા.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે આંધ્ર પ્રદેશની ખાડીમાં થયેલા દુ:ખદ અકસ્માતના લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી જીવ ગુમાવનારા લોકોના નજીકના સંબંધીઓ માટે બે-બે લાખ રૂપિયા અને ઘાયલો માટે પચાસ-પચાસ હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી. તેમણે એક પોસ્ટમાં લખ્યું હતું કે ‘આંધ્ર પ્રદેશમાં બસ-અકસ્માતમાં થયેલી જાનહાનિથી દુઃખી છું. આ મુશ્કેલ સમયમાં મારી સંવેદનાઓ અસરગ્રસ્ત લોકો અને તેમના પરિવારો સાથે છે. ઘાયલોના ઝડપી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરું છું.’


