અમેરિકા, રશિયા, ચીન, ભારત અને જપાનનો સમાવેશ કરતું C5 હટાવી દેશે G7ને
ડોનલ્ડ ટ્રમ્પની ફાઇલ તસવીર
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પ ભારત, રશિયા, ચીન અને જપાન સહિત એક નવું જૂથ કોર ફાઇવ (C5) બનાવવાનું વિચારી રહ્યા છે. અમેરિકન વેબસાઇટ પૉલિટિકો અનુસાર આ ફોરમ યુરોપનું પ્રભુત્વ ધરાવતા ગ્રુપ ઑફ સેવન (G7)નું સ્થાન લેશે. C5 અમેરિકા, રશિયા, ચીન, ભારત અને જપાનને એકસાથે લાવશે.
G7 એ સમૃદ્ધ, લોકશાહી રાષ્ટ્રોનું એક ફોરમ છે જેમાં અમેરિકા, બ્રિટન, જર્મની, ફ્રાન્સ, કૅનેડા, ઇટલી અને જપાનનો સમાવેશ થાય છે. જોકે ટ્રમ્પ શક્તિશાળી રાષ્ટ્રો માટે નવા યુગ પ્રમાણે એક નવું ફોરમ બનાવવા માગે છે. આ અંગે હજી સુધી કોઈ સત્તાવાર વાત કરવામાં આવી નથી. પૉલિટિકોના જણાવ્યા અનુસાર આ નવો C5નો વિચાર મૂળ રીતે રાષ્ટ્રીય સુરક્ષા વ્યૂહરચનાના લાંબા ડ્રાફ્ટમાં લખવામાં આવ્યો હતો જે જાહેર જનતા માટે જાહેર કરવામાં આવ્યો નથી. G7ની જેમ C5 ચોક્કસ વિષયો પર સમિટમાં નિયમિતપણે મળશે. પ્રસ્તાવિત C5 એજન્ડામાં મિડલ ઈસ્ટમાં સુરક્ષા ઊભી કરવી અને ખાસ કરીને ઇઝરાયલ અને સાઉદી અરેબિયા વચ્ચેના સંબંધો સામાન્ય બનાવવાનો સમાવેશ છે.


