કાંદિવલીનો ૧૪ વર્ષનો ધ્યેય પારેખ ગુરુવારથી મિસિંગ છે એવો મેસેજ ગઈ કાલે બધાના મોબાઇલમાં ફરી વળ્યો એને પગલે આખા મુંબઈના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા, ધ્યેય શા માટે જતો રહ્યો છે એના વિશે પણ અટકળો થઈ; પણ ગુડ ન્યુઝ એ છે કે ગઈ કાલે રાત્રે તે અમદાવાદમાં મળી આવ્યો
ગઈ કાલે ધ્યેયના ગુમ થવાનો મેસેજ તેના આ ફોટો સાથે વાઇરલ થયો હતો (ડાબે), ધ્યેય અમદાવાદમાં મળ્યો એ પછી કાલે રાત્રે વિડિયો-કૉલ પર પેરન્ટ્સ સાથે (જમણે)
કાંદિવલીમાં મહાવીરનગરમાં રહેતો અને કાંદિવલી-ઈસ્ટમાં આવેલી રાયન ઇન્ટરનૅશનલ સ્કૂલમાં નવમા ધોરણમાં ભણતો ધ્યેય પારેખ ગુરુવારે સવારે તેની સ્કૂલની બહારથી ગાયબ થઈ ગયો હતો. તે આખરે શુક્રવારે રાત્રે ૮.૩૦ની આસપાસ અમદાવાદથી મળી આવ્યો હતો. આ ઘટના બાદ ધ્યેયના પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો છે અને મુંબઈ પોલીસનો, ખાસ કરીને કાંદિવલીની સમતાનગર પોલીસનો આભાર વ્યક્ત કર્યો છે.
ગઈ કાલે સવારથી દરેકના મોબાઇલમાં ધ્યેય ગુમ થઈ ગયો હોવાનો અહેવાલ વૉટ્સઍપ પર તેના ફોટો સાથે ફરતો થઈ ગયો હતો એટલું જ નહીં, તેના ગુમ થવાનાં અલગ-અલગ કારણો પણ ફરતાં થયાં હતાં. વૉટ્સઍપ પર ફરતા અમુક મેસેજમાં એવું કહેવામાં આવી રહ્યું હતું કે ધ્યેય દીક્ષા લેવા માગતો હતો, પરંતુ પરિવારના લોકોએ તેને હાલ દીક્ષા લેવા માટે ના પાડી હોવાથી તે ઘર છોડીને જતો રહ્યો છે. જોકે આ વાતની પુષ્ટિ તેના પરિવારના સભ્યોએ હજી આપી નથી. ત્યાં સુધી કે ધ્યેય મળી ગયો હોવાના ખોટા મેસેજ અને ફોટો પણ ખૂબ વાઇરલ થઈ રહ્યા હતા જેને લીધે તેના પેરન્ટ્સ વધારે ચિંતિત થયા હતા.
ADVERTISEMENT
સમગ્ર ઘટનાક્રમની માહિતી આપતાં ધ્યેયનાં મમ્મી ઉર્ષિતા પારેખે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારો દીકરો રોજની જેમ ગુરુવારે સવારે તેની વૅનમાં સ્કૂલમાં જવા નીકળ્યો હતો. ૧૧ વાગ્યાની આસપાસ તેની વૅન સ્કૂલમાં પહોંચી ત્યારે અન્ય બાળકો વૅનમાંથી સ્કૂલમાં જવા નીકળી ગયાં હતાં, પરંતુ ધ્યેય તેના મિત્રને એમ કહીને નીકળી ગયો હતો કે તે આજે બન્ક મારી રહ્યો છે એટલે સ્કૂલમાં નહીં જશે. તેનો મિત્ર ત્યાર બાદ સ્કૂલમાં જતો રહ્યો હતો. મોડી સાંજ સુધી ધ્યેય ઘરે ન આવતાં અમને ચિંતા થઈ એટલે અમે તપાસ કરી અને સમતાનગર પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તપાસ કરતાં સ્કૂલના CCTV કૅમેરાનાં ફુટેજમાં જોવા મળ્યું કે ધ્યેય સ્કૂલની બહારથી રિક્ષા પકડીને નીકળી ગયો છે. ત્યાર બાદથી તેના કોઈ ખબર મળ્યા નહોતા. જોકે પોલીસની ટીમે તરત કાર્યવાહી શરૂ કરી દીધી હતી.’
મુંબઈમાં જ નહીં, ધ્યેય ગુમ થયો હોવાના અહેવાલ ગુજરાતમાં પણ વાયુવેગે પ્રસરી ગયા હતા જેને લીધે તે ગુજરાતમાં હોવાની બાતમી મળી હતી એમ જણાવીને ધ્યેયના મામા ક્ષિતિજ કોઠારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે , ‘મુંબઈ પોલીસ અને જાગૃત નાગરિકોને લીધે ધ્યેય અમદાવાદમાં મળી ગયો છે. એક વ્યક્તિને ધ્યેય મળતાં તેણે પોલીસને માહિતી આપી હતી અને પછી વિડિયો-કૉલ કરીને પેરન્ટ્સની સાથે વાત કરાવી હતી.’
ધ્યેયને પાછો લાવવા માટે તેના પરિવારના સભ્યો અને પોલીસની એક ટુકડી શુક્રવારે રાત્રે અમદાવાદ જવા રવાના થઈ ગઈ હતી.


