પેમા ખાંડુનાં પત્ની, ભાઈ, ભાભીની ૪ કંપનીઓને ૧૧ વર્ષમાં મળ્યા ૩૮૩.૭૪ કરોડના સરકારી કૉન્ટ્રૅક્ટ
અરુણાચલ પ્રદેશના મુખ્ય પ્રધાન પેમા ખાંડુ
અરુણાચલ પ્રદેશના મુખ્ય પ્રધાન પેમા ખાંડુના પરિવાર વિશે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલા એક ઍફિડેવિટમાં ખુલાસો થયો હતો કે મુખ્ય પ્રધાનના પરિવાર સાથે જોડાયેલી ૪ કંપનીઓને ૨૦૧૨ અને ૨૦૨૩ વચ્ચે તવાંગ જિલ્લામાં ૩૮૩.૭૪ કરોડ રૂપિયાના ૧૪૬ સરકારી કૉન્ટ્રૅક્ટ મળ્યા હતા. આમાંથી ૫૯ કૉન્ટ્રૅક્ટ ટેન્ડર વિના સીધા વર્ક-ઑર્ડર દ્વારા આપવામાં આવ્યા હતા, જેની કિંમત ૧૬.૮૩ કરોડ રૂપિયા હતી. આમાંથી ઓછામાં ઓછા ૧૧ વર્ક-ઑર્ડરે ૨૦૨૦માં ટેન્ડર વિના કૉન્ટ્રૅક્ટ આપવા માટે નિર્ધારિત ૫૦ લાખ રૂપિયાની મર્યાદાને વટાવી દીધી હતી.
અરુણાચલસ્થિત બે સંસ્થાઓ સેવ મોન રીજન ફેડરેશન અને વૉલન્ટરી અરુણાચલ સેનાએ સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કર્યા બાદ આ કેસ પ્રકાશમાં આવ્યો હતો. અરજીમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે મુખ્ય પ્રધાનના પરિવાર સાથે જોડાયેલી કંપનીઓને સરકારી કામના કૉન્ટ્રૅક્ટ આપવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટે આ મામલે વિગતવાર માહિતી માગી છે અને આગામી સુનાવણી ૨૦૨૬ની ૩ ફેબ્રુઆરીએ થવાની છે.
અરુણાચલ પ્રદેશના મુખ્ય પ્રધાન પેમા ખાંડુની પત્ની, ભાઈ અને ભાભીની માલિકીની આ કંપનીઓએ મળીને ૩૮૩.૭૪ કરોડનાં કામ મેળવ્યાં હતાં. ચાર કંપનીઓમાં બે મુખ્ય પ્રધાન પેમા ખાંડુની પત્ની ત્સેરિંગ ડોલ્માની, એક તેમના ભાઈ તાશી ખાંડુની અને એક તેમની ભાભી નીમા ડ્રેમાની છે.
ADVERTISEMENT
મુખ્ય પ્રધાનના પરિવારમાં કરારોનું આટલું કેન્દ્રીકરણ એક અસાધારણ સંયોગ હોવાનું નોંધીને જસ્ટિસ વિક્રમ નાથ અને સંદીપ મહેતાની બેન્ચે રાજ્યને ૮ અઠવાડિયાંમાં ૨૦૧૫-૨૦૨૫ માટે તમામ ૨૮ જિલ્લાઓને આવરી લેતું એક વ્યાપક ઍફિડેવિટ રજૂ કરવાનો નિર્દેશ આપ્યો છે.
સરકારે શું બચાવ કર્યો
બીજી તરફ રાજ્ય સરકારે ફાળવણીનો બચાવ કરતાં કહ્યું છે કે ૯૫ ટકા કૉન્ટ્રૅક્ટ ટેન્ડર દ્વારા આપવામાં આવ્યા હતા અને પ્રદેશના સામાજિક-આર્થિક માળખાને કારણે ટેન્ડર વિના વર્ક-ઑર્ડર આપવાનું સામાન્ય છે.
CBI અથવા SIT દ્વારા તપાસની માગણી
ઍફિડેવિટમાં રસ્તાઓ, પુલો, સિંચાઈ ચૅનલો, પ્રવાસન સુવિધાઓ અને યુદ્ધ સ્મારક માટેના કરારોની વિગતો આપવામાં આવી છે. અરજદારોએ કથિત પક્ષપાતની તપાસ માટે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) અથવા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) દ્વારા તપાસની માગણી કરી છે.


