BJPએ અલગ વિદર્ભ રાજ્ય વિશે ફરી કટિબદ્ધતા વ્યક્ત કરી એટલે પૂછ્યું કે આ મુદ્દે તમારું શું સ્ટૅન્ડ છે? પૂછવાનું કારણ એ કે બાળ ઠાકરેના સમયથી શિવસેનાએ આ માગણીનો હંમેશાં વિરોધ કર્યો છે
ઉદ્ધવ ઠાકરે, એકનાથ શિંદે
ઉદ્ધવ ઠાકરેએ ગઈ કાલે એકનાથ શિંદે અને તેમની શિવસેનાને સ્વતંત્ર વિદર્ભ રાજ્યના મુદ્દે ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. તાજેતરમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના કેટલાક નેતાઓએ ફરી એ વાત પર ભાર મૂક્યો હતો કે વિદર્ભને સ્વતંત્ર રાજ્યનો દરજ્જો અપાવવાના વચન પર BJP હજી કાયમ છે. નોંધનીય છે કે સ્વતંત્ર વિદર્ભ રાજ્યનો શિવસેનાએ હંમેશાં ઉગ્ર વિરોધ કર્યો છે.
વિધાનસભાના શિયાળુ સત્ર દરમ્યાન ગઈ કાલે પત્રકારો સાથે વાતચીત કરતી વખતે ઉદ્ધવ ઠાકરેએ એકનાથ શિંદે પર નિશાન સાધતાં કહ્યું હતું કે આ બાબતે એ લોકોનો શો મત છે જેઓ ચીફ મિનિસ્ટરની બાજુમાં બેસે છે?
ADVERTISEMENT
ચીફ મિનિસ્ટર દેવેન્દ્ર ફડણવીસ પોતે વિદર્ભ વિસ્તાર એટલે કે નાગપુરના છે અને તેમણે પણ હંમેશાં સ્વતંત્ર વિદર્ભ રાજ્યને ટેકો આપ્યો છે.
ઉદ્ધવ ઠાકરેએ વિદર્ભના મુદ્દે પ્રશ્ન પૂછીને એકનાથ શિંદેની મુશ્કેલીમાં વધારો કર્યો છે. એકનાથ શિંદે માટે આ મુદ્દાનો સામનો કરવો એ ગુગલી બૉલનો સામનો કરવા બરાબર છે એવો રાજકીય વિશ્લેષકોનો મત છે. શિવસેના (UBT)ના એક નેતાએ કહ્યું હતું કે ‘જો એકનાથ શિંદે સ્વતંત્ર વિર્દભની માગણીને સપોર્ટ કરશે તો બાળાસાહેબ ઠાકરેએ જે સ્ટૅન્ડ લીધું હતું એની વિરુદ્ધ ગણાશે. બીજી તરફ જો તેઓ વિરોધ કરશે તો તેમના સત્તાધારી ગઠબંધનમાં વધુ એક મુદ્દે મોટી તિરાડ પડશે. આ મુદ્દે તેઓ ગમે એ સ્ટૅન્ડ લેશે, તેમના માટે પડકાર ઊભો થવાનો જ છે.’
૧૯૬૦માં સ્વતંત્ર રાજ્ય બનેલા મહારાષ્ટ્રના વિદર્ભમાં બે રેવન્યુ ડિવિઝન (નાગપુર અને અમરાવતી) છે અને ૧૧ જિલ્લા છે. ઘણા લાંબા સમયથી અટકી પડેલાં વિકાસકામો અને ઍડ્મિનિસ્ટ્રેશનની સરળતાનું કારણ આપીને વિદર્ભના લોકો વર્ષોથી સ્વતંત્ર રાજ્યની માગણી કરતા આવ્યા છે. આ માગણીને BJPએ હંમેશાં સપોર્ટ આપ્યો છે અને એના સાથી શિવસેનાએ એનો હંમેશાં વિરોધ કર્યો છે.


