Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > જો હલશો નહીં તો ખીલશો નહીં!

જો હલશો નહીં તો ખીલશો નહીં!

27 March, 2024 10:48 AM IST | Mumbai
Sameera Dekhaiya Patrawala | feedbackgmd@mid-day.com

કસરત માનસિક સ્વાસ્થ્ય માટે સારી છે. એને લીધે મૂડ સારો થાય છે, આત્મસન્માન વધે છે, તણાવ ઘટે છે અને ઊંઘ પણ સારી આવે છે.

પ્રતીકાત્મક તસવીર

હેલ્થ ઇઝ વેલ્થ

પ્રતીકાત્મક તસવીર


તળાવમાં રહેલું પાણી જેમ ગતિ ન મળતાં ગંધાઈ જાય છે અને કશા કામનું નથી રહેતું એવું જ કશુંક આપણા મન અને શરીરનું પણ છે. શરીરમાં યોગ્ય પ્રમાણમાં હલનચલન ન થાય તો આપણું શરીર તો એક સમયે જવાબ આપે જ છે, પણ મગજનોય આની સાથે સીધો સંબંધ છે. સંશોધનો કહે છે કે સામાન્ય એવા ખરાબ મૂડથી લઈને ડિપ્રેશન જેવી માનસિક બીમારીમાં પણ સાદું એવું હલનચલન વરદાનરૂપ સાબિત થાય છે. ખાસ કરીને ડિપ્રેશન નામની બલા માટે આજીવન કાઉન્સેલર પાસે ન જવું હોય તો નાનામાં નાની મૂવમેન્ટ આપીને પણ શરીરને સ્ફૂર્તિલું અને મૂડને મસ્ત રાખો!

જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU) મેડિકલ કૉલેજ ઑફ સ્ટડીઝ, નવી દિલ્હીના સાઇકિયાટ્રી વિભાગ દ્વારા થયેલું એક સંશોધન દર્શાવે છે કે કસરત માનસિક સ્વાસ્થ્ય માટે સારી છે. એને લીધે મૂડ સારો થાય છે, આત્મસન્માન વધે છે, તણાવ ઘટે છે અને ઊંઘ પણ સારી આવે છે. એ સિવાય વ્યાયામને લીધે થોડા કલાકો માટે ધ્યાન, યાદશક્તિ અને નિર્ણયશક્તિ સારી થાય છે. એનાથી કોર્ટિસોલ, લેપ્ટિન અને ઘ્રેલિન જેવાં હૉર્મોન્સનું નિયમન થતાં માનસિક સુખાકારી વધે છે. આવું જ એક સંશોધન યુનિવર્સિટી ઑફ સાઉથ ઑસ્ટ્રેલિયાએ કરેલું જેમાં કહેવાય છે કે ડિપ્રેશનને નિયંત્રિત કરવા માટે કસરત એ મુખ્ય આધાર બની શકે છે. એ મુજબ કાઉન્સેલિંગ કે દવાઓ કરતાં શારીરિક પ્રવૃત્તિઓ લગભગ ૧.૫ ગણી વધુ અસરકારક હોય છે. આ અભ્યાસ મુજબ ડિપ્રેશન ધરાવતા લોકો ઉપરાંત સગર્ભા અને ડિલિવરી પછી માનસિક તાણ અનુભવતી મહિલાઓ, HIV અથવા કિડની રોગનું નિદાન કરાયેલા લોકોમાં પણ શારીરિક પ્રવૃત્તિઓના મોટા ફાયદા જોવા મળે છે. 



આ સંશોધન વિશે કન્સલ્ટન્ટ સાયકોલૉજિસ્ટ સૃષ્ટિ અગ્રવાલ સમજાવે છે કે કોઈ ને કોઈ પ્રવૃત્તિમાં સક્રિય રહેવું આપણા માટે બહુ ફાયદાકારક છે. તેઓ કહે છે કે ‘યોગ, વર્કઆઉટ અને વૉક આપણું જીવન કઈ રીતે બદલે છે એના વિશે તો આપણે અવારનવાર સાંભળતા જ રહીએ છીએ, પણ આવું શું  કામ કહેવામાં આવે છે? ડિપ્રેશનના એક દરદીએ એક દિવસ નક્કી કરી લીધું કે આમ પોસાય એમ નથી, મારે પ્રયત્ન તો કરવા જ પડશે. એ વ્યક્તિ રોજ એનાથી થઈ શકે એટલું ચાલતી. એક વાર મન બનાવીને પહેલાં ઘરમાં ચાલીને તેણે આ પ્રવૃત્તિ કર્યા બાદ તે બહાર ચાલવા માંડી અને તેને સારું લાગવા માંડ્યું. આ જ રીતે એક સુખી-સંપન્ન ગૃહિણીને કોઈક પ્રવૃત્તિમાં રહેવાનું કહેલું તો તે કઈં નહીં તો ઘરમાં પ્લાન્ટ્સ વાવવાની પ્રવૃત્તિ કરવા માંડી અને જલદીથી સારું અનુભવવા લાગી. હા, શરૂઆતમાં તેને તકલીફ ચોક્કસ થતી હતી.’


પ્રવૃત્તિ શરીર અને મગજનો ખોરાક છે 
કોઈએ સાચું જ કહ્યું છે કે બે વખતની રોજીરોટી માટે સતત સ્ટ્રગલ કરતા લોકોને ડિપ્રેશન નથી થતું, કારણ કે તેમના જીવનમાં બીમાર પડવા માટેનો ફાજલ સમય નથી હોતો! એટલે જ ડિપ્રેશન જેવો રોગ સુખી લોકોનો વ્યાધિ કહેવાય છે. પ્રવૃત્તિ આપણા મગજનો ખોરાક છે, જો એને એ ખોરાક ન મળે તો એ જાતજાતના રોગ ઊભા કરી શકે એમ છે. માટે જ કોઈ ને કોઈ કામમાં વ્યસ્ત રહેવું જ જોઈએ. આ વાત સાથે સહમત થતાં સૃષ્ટિ અગ્રવાલ કહે છે, ‘જે લોકો સક્રિય જીવનશૈલી જીવે છે એ લોકો માનસિક સ્વાસ્થ્ય અને ભાવનાત્મક સુખાકારીનો એકસાથે અનુભવ કરે છે. શરીરમાં થતી મૂવમેન્ટ્સને લીધે એન્ડોર્ફિન જેવાં હૉર્મોન્સ રિલીઝ થાય છે, જે તણાવ દૂર કરવામાં મદદ કરે છે. કોઈ પણ રીતનો વ્યાયામ ડોપામાઇન, સેરોટોનિન અને નોરેપીનેફ્રાઇન જેવાં ન્યુરોટ્રાન્સમીટરને પ્રોત્સાહન આપે છે; જે આપણાં મૂડ, સેલ્ફ-મોટિવેશન અને ધ્યાનને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.’

આ વિશે વધુ વાત કરતાં હીલિંગ હૅન્ડ્સનાં ફિઝિયોથેરપીનાં મૂવમેન્ટ સ્પેશ્યલિસ્ટ ડૉ. કૃતિ મહેતા કહે છે, ‘પહેલાં તો કસરતનું આપણા જીવનમાં યોગદાન શું છે એ જાણવા જેવું છે. આપણા શરીરમાં રહેલા દરેક અવયવ, ચેતાકોષો, નર્વસ સિસ્ટમ, ચેતાઓ, લિગમન્ટ, મજ્જા વગેરે એક પ્રકારની પેશીથી ઢંકાયેલા છે જેને ‘ફેશિયા’ કહેવાય છે. ફેશિયા જે-તે અવયવના બંધારણમાં સપોર્ટ કરે છે, એનાથી સ્નાયુઓને પણ સપોર્ટ મળે છે. એક રીતે શરીરના સ્મૂધ સ્લાઇડિંગ અને ગ્લાઇડિંગ માટે ફેશિયા જવાબદાર હોય છે. તમે જો બેઠાડુ જીવન જીવો કે તમારી મૂવમેન્ટ સાવ ઓછી હોય ત્યારે ફેશિયા પર એની અસર વર્તાય છે. જેને લીધે પેઇન ઉપરાંત મસ્ક્યુલોસ્કેલેટન ડિસીઝ પણ થઈ શકે છે. આપણી નર્વસ સિસ્ટમ જો સારી હોય તો આપણને ઊંઘ સારી આવે છે અને પેઇન પણ ઓછું થાય છે. એટલા માટે જો તમે હેવી કસરત કે કાર્ડિયો કે વર્કઆઉટ ન કરી શકો તો પણ તમે સીધીસાદી મૂવમેન્ટ્સ કરો જેથી આવી પરિસ્થિતિ ન આવે.’


શરીરને કેવી મૂવમેન્ટ આપવી?
કોઈ પણ ફૉર્મમાં કસરત કરો. એ દરેક ફૉર્મ સાવ જ બેસી રહેવા કરતાં તો બહેતર જ છે એવું જણાવતાં ડૉ. કૃતિ મહેતા કહે છે, ‘કોઈ પણ પ્રવૃત્તિ કરો. ચાહે એ ઘરનો કબાટ સાફ કરવાનું હોય કે ઘરમાં ઝાડુ કાઢવાનું કે ગાર્ડનિંગ કરવાનું કે પછી બહાર નીકળીને કમ્પાઉન્ડમાં ખુરસી ઢાળીને બેસવાનું જ કેમ ન હોય! શરીરને મૂવમેન્ટ મળે ત્યારે એ સારું અને મોટિવેટેડ અનુભવતા તબિયત પર તરત જ અસર દેખાય છે. મોટા ભાગે લોકો વર્ક એટલે વ્યવસાય એવું જ માને છે. ઘરકામ પણ કામ-પ્રવૃત્તિ છે. વૃદ્ધ દાદા-દાદી તેમનાં પૌત્ર-પૌત્રીને રમાડે, સાચવે, તેમને ઉઠાવે છે એવું ઝીણું-ઝીણું કામ કરીને પ્રવૃત્તિમય રહે છે એ પણ ઉત્તમ કામ છે. અમારી પાસે જ્યારે કોઈ વ્યક્તિ કશોક ગોલ અચીવ કરવાના હેતુથી આવે છે ત્યારે અમે તેમની સ્થિતિ મુજબ તેમને કેટલી કસરત અને કેટલું હલનચલન કરવું એની સલાહ આપીએ છીએ. કોઈને ઘડપણમાં જો એવરેસ્ટ ચડવો હોય તો તેમની તૈયારીઓ એ રીતની હોવી જોઈએ. અમુક લોકોને જૉઇન્ટ મોબિલિટી વધુ હોય છે તેમના જૉઇન્ટને જો પ્રોટેક્શન ન મળે તો તે વધુ મૂવમેન્ટ ન કરી શકે. તેમના સ્નાયુઓ ચુસ્ત બનાવવા, એને સ્ટેબલ કરવા સ્ટ્રેચિંગની મનાઈ કરવામાં આવે છે. જો સ્નાયુઓ સ્ટેબલ હોય તો જ સ્ટ્રેચિંગ આપી શકાય. ઘણા લોકો હેવી જિમિંગ અને શિફ્ટ કરીને સ્નાયુઓ ચુસ્ત રાખે છે તેમને સ્ટ્રેચિંગ આપી શકાય છે. ફિઝિયોથેરપી પણ ખરેખર ડેન્ટલ ચેકઅપની જેમ નાનપણથી જ નિયમિત કરાવવી જોઈએ. આપણા શરીરમાં ક્યારે કેટલા પ્રમાણમાં કેવી કસરતની જરૂર છે એ આવા ચેકઅપથી તરત સમજી શકાય છે. ડિપ્રેશનવાળા પેશન્ટ માટે તો મૂવમેન્ટ ખૂબ જરૂરી હોય છે. તેની માનસિક અને શારીરિક બન્ને અસર હોય છે. સાવ જ બેઠાડુ જીવનારને ઓબેસિટી, બૉડીપેઇન અને જૉઇન્ટ પેઇન, નેક પેઇન જેવી તકલીફ થઈ શકે છે. એવા સમયે શરીર કરી શકે એવી કસરત કામ લાગે છે. એક નાની એવી વસ્તુ. નાનાં-નાનાં કામ જેમ કે ડસ્ટિંગ, ઘરનાં કામ કરવા માટે પણ તેમને જો પ્રોત્સાહન આપવામાં આવે તો એ કામ તેઓ કરી શકે છે. પહેલાં ઘરની પ્રવૃત્તિઓમાં ઍક્ટિવ થાય, પછી ધીરે-ધીરે બહાર નીકળવાનું અને પછી થોડી વધુ પ્રવૃત્તિ કે કસરત કરવાની. આવા સમયે પ્રવૃત્તિથી જો વૉક કરવા સુધી જઈ શકાય તો સારો ફેર જોવા મળે છે.’

મૂવમેન્ટ થેરપ્યુટિક છે, થેરપી નથી 
મૂવમેન્ટ સારું લગાડવામાં મદદરૂપ થાય છે, પણ એ કાઉન્સેલિંગનું રિપ્લેસમેન્ટ નથી એ વાત ભૂલવી ન જોઈએ એમ જણાવતાં ડૉ. સૃષ્ટિ અગ્રવાલ કહે છે, ‘હા, જો નાનકડી એવી વૉક કે અમુક રીતની કસરત કરવાથી ડિપ્રેશન જાય છે એવું લાગે તો એનો મતલબ એવો કે તમારા શરીરે ‘કોપિંગ મેકૅનિઝમ’ એટલે કે તકલીફો સામે લડવાની રીત શીખી લીધી છે. કાઉન્સેલિંગનું કામ તમારા શરીરમાં રહેલા આ કોપિંગ મેકૅનિઝમને શોધવામાં મદદ કરવાનું જ હોય છે, પણ આ વસ્તુનું સામાન્યકરણ ન કરી શકાય. ચાલવું કે કસરત કરવી થેરાપેયુટિક છે, એ થેરપી નથી. જેમ કે સંગીત સાંભળવાથી તમને સારું લાગવા માંડે છે, પણ એ થેરપી નથી, થેરપ્યુટિક છે. એ તમને અસરકારક થેરપીમાં મદદ કરે છે. એવું પ્રવૃત્તિઓનું કે મૂવમેન્ટ્સનું છે. ડિપ્રેશનને લીધે આળસ આવવી સામાન્ય થાય છે. તેમને કશું જ કરવાનું મન નથી થતું. જે લોકોને ડિપ્રેશન હોય છે તેમને ઘણી વાર પલંગ પરથી ઊઠવાનું પણ મન નથી થતું. એવા સમયે તેમને મોટિવેટ કરવા પડે છે. ઘણી વાર તેમને મોટિવેટ કરવા એ લોકો બાળપણમાં શું કરતા એના વિશે યાદ કરીને નાનકડી મૂવમેન્ટ્સથી શરૂ કરી કોઈ ચોક્કસ ઍક્ટિવિટી સુધી લઈ જવાય છે. ધીરે-ધીરે એમાં વધારો થાય છે. ચાલવું પણ એક સારી પ્રવૃત્તિ છે. એ સિવાય ગમતી રમતમાં ઍક્ટિવ થઈ શકાય. જો તમારો દિવસ ખરાબ ઊગ્યો હોય તો બેસી રહેવાને સ્થાને તમારા શરીરનું હલનચલન થતું રહે એવો પ્રયાસ કરો, એનાથી તમને ચોક્કસ સારું લાગશે.’

શરીરને મૂવમેન્ટ મળે ત્યારે એ સારું અને મોટિવેટેડ અનુભવાય છે. દાદા-દાદી પૌત્ર-પૌત્રીને રમાડે, સાચવે, તેમને ઉઠાવે છે એવું ઝીણું-ઝીણું કામ કરીને પ્રવૃત્તિમય રહે છે એ પણ ઉત્તમ કામ છે. 
ડૉ. કૃતિ મહેતા

Whatsapp-channel Whatsapp-channel

27 March, 2024 10:48 AM IST | Mumbai | Sameera Dekhaiya Patrawala

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK