અનપુમ ખેરે અત્યાર સુધી ૫૪૧ ફિલ્મોમાં કામ કર્યું છે
અનપુમ ખેર
અનુપમ ખેરે ‘સારાંશ’ ફિલ્મથી ઇન્ડસ્ટ્રીમાં ઍક્ટિંગ કરીઅરની શરૂઆત કરી હતી. આજે એ ફિલ્મની રિલીઝને ચાળીસ વર્ષ પસાર થઈ ગયાં છે. આ ફિલ્મમાં તેમણે ૬૦ વર્ષની વ્યક્તિનો રોલ કર્યો હતો. એ વખતે તેમની ઉંમર ૨૮ વર્ષ હતી. એ રોલને લઈને આજે પણ તેમની પ્રશંસા કરવામાં આવે છે કે યુવાન વયમાં એક વૃદ્ધનો રોલ આટલી સચોટતાથી તેમણે કર્યો હતો. ૧૯૮૪ની પચીસ મેએ રિલીઝ થયેલી એ ફિલ્મને મહેશ ભટ્ટે ડિરેક્ટ કરી હતી. અનપુમ ખેરે અત્યાર સુધી ૫૪૧ ફિલ્મોમાં કામ કર્યું છે. તેઓ હાલમાં ‘તન્વી ધ ગ્રેટ’ને ડિરેક્ટ કરી રહ્યા છે. પોતાની કેટલીક ફિલ્મોના સીનને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અનુપમ ખેરે કૅપ્શન આપી, ‘ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં ચાળીસ વર્ષ થયાં છે અને આજે પણ ઍક્ટિવ છું. મારી પહેલી ફિલ્મ ‘સારાંશ’ ૧૯૮૪ની પચીસ મેએ રિલીઝ થઈ હતી. ‘તન્વી ધ ગ્રેટ’ મારી ૫૪૧મી ફિલ્મ છે, જેને હું ડિરેક્ટ કરી રહ્યો છું. મારા પ્રોડ્યુસર્સ, ડિરેક્ટર્સ અને મારા દર્શકોની મારા પર ખૂબ કૃપા રહી છે. મારી સફળતા અને નિષ્ફળતાને હું એકસમાન દૃષ્ટિએ જોઉં છું. ચાળીસ વર્ષ પહેલાં હું જે રીતે આ ક્રીએટિવ જર્ની પર નીકળી પડ્યો હતો એ જ રીતે આજે પણ હું જર્ની પર આગળ વધી રહ્યો છું. મને આ ફિલ્મમાં તક આપવા માટે મહેશ ભટ્ટ સાબ અને રાજશ્રી ફિલ્મ્સનો હું આભાર માનું છું. ૧૯૮૪ની પચીસ મે બાદ મેં પાછું વળીને જોયું નથી. હજી પણ ભવિષ્યમાં મારે ઘણાં કામ કરવાં છે. હું કોઈ લેજન્ડ, થેસ્પિયન કે વેટરન નથી. દરરોજ હું પોતાને એક ન્યુકમર તરીકે જોઉં છું. વર્ષોનો ઉમેરો થતો રહે છે. તમારા સૌના પ્રેમ, સપોર્ટ અને આશીર્વાદ માટે આભાર. અભી તો પાર્ટી શુરુ હુઈ હૈ. જય માતા દી. જય બજરંગબલી. જય ભોલેનાથ, જય દુલારી માં.’
![Join Whatsapp Channel Whatsapp-channel](https://www.gujaratimidday.com/assets/images/whatsapp-desk-modified.png)
![Join Whatsapp Channel Whatsapp-channel](https://www.gujaratimidday.com/assets/images/whatsapp-mobile.png)