નૈઋત્યનું ચોમાસું આગળ વધી રહ્યું હોવાથી ૧૯ જૂન પછી વરસાદ પડવાની શક્યતા
ગરમીનો ભારે પ્રકોપ
સામાન્ય રીતે મુંબઈ અને આસપાસમાં ૧૦ જૂનથી વરસાદની શરૂઆત થઈ જાય છે. આ વખતે ૧૭ જૂન થઈ ગઈ હોવા છતાં છૂટોછવાયો વરસાદ જ પડી રહ્યો છે, પણ ચોમાસું જામતું નથી. ચારેક દિવસ પહેલાં કેટલાંક સ્થળે સારોએવો વરસાદ પડતાં લાગતું હતું કે હવે ચોમાસું બેસી જશે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ હવામાનની પૅટર્નમાં અચાનક થયેલા ફેરફારને લીધે વરસાદ લંબાયો છે. કોલાબા હવામાન વિભાગના ડિરેક્ટર સુનીલ કાંબળેએ કહ્યું હતું કે ‘મુંબઈમાં અત્યારે ચોમાસાનું હવામાન નબળું છે. જોકે હવામાનમાં ૧૯ જૂન સુધીમાં સુધારો થવાની શક્યતા છે એટલે ત્યાર બાદ મુંબઈમાં વરસાદ પડી શકે છે.’
હવામાન વિભાગના આંકડા મુજબ પહેલી જૂને કોલાબા અને સાંતાક્રુઝમાં અનુક્રમે ૧૯૭.૬ મિલીમીટર અને ૧૨૮ મિલીમીટર વરસાદ નોંધાયો હતો. જોકે ૨૪ કલાક બાદ વરસાદ બંધ થઈ જતાં બન્ને સ્થળોએ ૦ મિલીમીટર વરસાદ નોંધાયો હતો. કોલાબા અને સાંતાક્રુઝમાં અત્યાર સુધી કુલ ૨૦૧.૨ મિલીમીટર અને ૧૫૦.૩૧ મિલીમીટર વરસાદ જ નોંધાયો છે.

