ઊંટનો આગળનો જમણો પગ ઘૂંટણથી જ કાપી નાખ્યો
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
પાકિસ્તાનના સિંધમાં અત્યંત ઘૃણાસ્પદ અને અમાનવીય કહેવડાવે એવી ઘટનાનો વિડિયો સોશ્યલ મીડિયામાં ફરી રહ્યો છે. હૃદય દ્રવી જાય એવા આ વિડિયોમાં અમાનવીય કૃત્ય કર્યા પછી પાછું એનું પ્રદર્શન થઈ રહ્યું છે. વાત એમ છે કે સિંધ પ્રદેશના સંગાર શહેરમાં એક ઊંટ ફરતું-ફરતું કોઈક વ્યક્તિના ખેતરમાં ઘૂસી ગયું અને ત્યાંની પાંખી લીલોતરી ચરવાનું શરૂ કરી દીધું. જોકે એટલી વારમાં તો ખેતરનો માલિક ત્યાં આવી ગયો. તેને ઊંટ પર એટલો ગુસ્સો આવ્યો કે તેણે ઊંટને ભગાડવાને બદલે એના પર હુમલો કરી દીધો. તેના હાથમાં એક ધારદાર હથિયાર હતું એનાથી ઊંટનો આગળનો જમણો પગ ઘૂંટણથી જ કાપી નાખ્યો. એ ઘટના પછી એક્ઝૅક્ટલી શું થયું એ વિડિયોમાં ખબર નથી પડતી, પણ એક પગે લંગડાતા ઊંટની વિડિયો-ક્લિપની સાથે ભાઈસાહેબ ઊંટના કપાયેલા પગનો ટુકડો હાથમાં લઈને બતાવતા જોવા મળે છે. આ વિડિયો જોઈને એક વ્યક્તિએ રીઍક્શન આપ્યું છે કે ‘આ ગ્રહ પર સૌથી ખરાબ કંઈક બન્યું હોય તો એ છે આ માણસનો જન્મ. તો બીજા એકે લખ્યું, ‘આ માત્ર ઍનિમલ અબ્યુઝ નથી, આ બતાવે છે કે આવા લોકો સમાજનો ભાગ બનવાને લાયક જ નથી.’

