વરસાદ શરૂ થતાં જ મુંબઈ-અમદાવાદ હાઇવે પર લોકોને શરૂ થઈ ગયો પ્રૉબ્લેમ: રસ્તા પર પાણી ભરાવાને લીધે તેમ જ રોડ પર થયેલા કીચડમાં વાહનો ફસાઈ જતાં મોટરિસ્ટોએ કલાકો ટ્રાફિક જૅમમાં અટવાઈ રહેવું પડે છે
મુંબઈ-અમદાવાદ નૅશનલ હાઇવે પર કામમાં આયોજનના અભાવે રસ્તાઓના હાલહવાલ થવાથી લોકોને અવરજવર કરવામાં મુશ્કેલી થાય છે.
હજી તો પહેલો વરસાદ પડ્યો છે અને મુંબઈ-અમદાવાદ હાઇવે પર ઘોડબંદર રોડથી લઈને વિરાર સુધી બદતર હાલતમાં રહેલા રોડને લીધે પ્રવાસીઓના હાલહવાલ થવાના શરૂ થઈ ગયા છે. ચોમાસા પહેલાં જ મોટરિસ્ટોને આની ચિંતા સતાવતી હતી અને એ સાચી પડી રહી છે. કૉન્ક્રીટીકરણનું કામ હજી પણ ચાલુ હોવાથી રસ્તા પર ખાડા છે તેમ જ અમુક જગ્યાએ હાઇવે પૂરો ખુલ્લો મૂકવામાં પણ નથી આવ્યો. આવી હાલતને લીધે મોટરિસ્ટો જ્યાં અડધો કલાકમાં પહોંચતા હતા ત્યાં પહોંચવામાં અત્યારે દોઢ કલાક લાગે છે.



