કોઈ ભૂખ્યું સૂએ નહીં એવી ભાવના સાથે ઘાટકોપરમાં શરૂ થયો આ પ્રકલ્પ : શાહ હૅપીનેસ ફાઉન્ડેશન, અમેરિકાના સહયોગથી MLA પરાગ શાહની ટીમના સંચાલનમાં જરૂરિયાતમંદ હજારો ભાવિકોને આ પ્રકલ્પ હેઠળ દરરોજ ગરમાગરમ સાત્ત્વિક ભોજન આપવામાં આવશે
‘ગુરુપ્રસાદ’નો શુભારંભ
ઘાટકોપરમાં રહેતી દરેક જરૂરિયાતમંદ વ્યક્તિના ચહેરા પર ભોજનનો સંતોષ આપવાની રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજસાહેબની કરુણા ભાવનાથી પારસધામના આંગણે દરરોજ હજારો ભાવિકોના ભોજનની વ્યવસ્થા દ્વારા ઘાટકોપરના અલગ-અલગ ક્ષેત્રમાં અર્પણ કરવાના પરમાર્થિક પ્રકલ્પ ‘ગુરુપ્રસાદ’નો શુભારંભ યોજાયેલો. આ અવસર સમગ્ર સમાજને માનવતા અને જીવદયાનાં સત્કાર્યો માટેની એક નવી પ્રેરણા આપી ગયો હતો.
સર્વ મંગલ ફૅમિલી ટ્રસ્ટ, શાહ હૅપીનેસ ફાઉન્ડેશન, અમેરિકાનાં ફાઉન્ડર રીકાબહેન મનુભાઈ શાહની ઉમદા અને ઉદાર ભાવનાના સહયોગથી ચાલનારા આ મહાપ્રકલ્પના શુભારંભ અવસરે મહાનુભાવો સાથે દરેક સમાજના અગ્રણી ભાવિકો તેમ જ ઘાટકોપરના સંઘોના બહોળી સંખ્યામાં ભાવિકો હાજર રહ્યા હતા.
ADVERTISEMENT
કચ્છના ભુજ શહેરમાં દરરોજ ૩૫,૦૦૦ ભાવિકોને અને પનવેલમાં દરરોજ ૧૫,૦૦૦ ભાવિકોને ભોજન અર્પણ કરી રહેલા, કૅટરૅક્ટ જેવી બીમારીથી પીડાઈ રહેલા આંખના હજારો દરદીઓને શાતા-સમાધિ પમાડી રહેલા અને અનેક પ્રકારનાં સત્કાર્યો દ્વારા હજારો જીવોનું દુઃખ દૂર કરવાનો પ્રયત્ન કરી રહેલા સર્વ મંગલ ફૅમિલી ટ્રસ્ટ - અમેરિકાનાં ફાઉન્ડર રિકાબહેન મનુભાઈ શાહની પરમાર્થ ભાવનાની પ્રશસ્તિ કરીને પરમ ગુરુદેવે કહ્યું હતું કે ‘પોતાના સુખ કરતાં બીજાના દુઃખની ચિંતા કરનારી, પોતાની અનુકૂળતાનો વિચાર ન કરીને બીજાની પ્રતિકૂળતાને દૂર કરવાનો વિચાર કરનારી અને બીજાના ચહેરા પર શાંતિ-સંતોષની રેખા લાવનારી પરમાર્થી વ્યક્તિની સ્વયંની ભાગ્યની રેખાઓ પલટાઈ જાય છે. સમાજ પાસેથી આપણે જે કંઈ મેળવ્યું છે એ સમાજને અર્પણ કરવા સ્વરૂપ પરમાર્થનાં કાર્યો કરવાં એ કોઈ એક વ્યક્તિનું નહીં, આપણા સૌનું કર્તવ્ય હોય છે. જીવનની પ્રસન્નતા પદાર્થને ભોગવવા કરતાં પરમાર્થ કરીને વધારે મળતી હોય છે.’
ઘાટકોપરમાં દરરોજ હજારો જરૂરિયાતમંદ ભાવિકોને ભોજન અર્પણ કરવાની વિતરણ-વ્યવસ્થા મેમ્બર ઑફ લેજિસ્લેટિવ ઍસેમ્બલી (MLA) પરાગ શાહના નેતૃત્વમાં કરવામાં આવશે. આ મહાપ્રકલ્પમાં સમય, શક્તિ અને સેવાનું યોગદાન આપી સાથ-સહકાર આપવાનો અનુરોધ પરાગ શાહ દ્વારા આ અવસરે કરવામાં આવતાં સૌએ સંમતિ દર્શાવી હતી. લાઇવના માધ્યમથી આ અવસરે ઉપસ્થિત અમેરિકાસ્થિત મનુભાઈએ આ સત્કાર્યના પ્રારંભ બદલ પરમ ગુરુદેવ પ્રત્યે અહોભાવ અને ઉપકારભાવ પ્રદર્શિત કર્યો હતો.
દરેક જ્ઞાતિના હજારો જરૂરિયાતમંદોની ક્ષુધાતૃપ્તિ કરવા માટે ઘાટકોપરના પારસધામ ખાતે અને કામરાજનગરમાં દરરોજ સવારે ૧૦થી સાંજે ૬ વાગ્યા સુધી કાર્યરત રહેનારા આ પ્રકલ્પનો શુભ ભાવના અને અનુમોદના સાથે શુભારંભ કરવામાં આવતાં સર્વત્ર આનંદ પ્રસરી ગયો હતો. આ મહાપ્રકલ્પની શ્રૃંખલા મુંબઈનાં વિવિધ ક્ષેત્રોમાં સર્જાય એવી પરમ ગુરુદેવની શુભ પ્રેરણા સાથે આ અવસર પૂરો હતો.
બીજાના ચહેરા પર જે સંતોષની રેખા લાવે છે તેની ભાગ્યરેખા બદલાઈ જાય છે. સમાજે આપણને જે આપ્યું છે એ સમાજને અર્પણ કરવું એ આપણું કર્તવ્ય છે! સુખના પદાર્થ જેટલી પ્રસન્નતા આપે એનાથી વધુ પરમાર્થની પ્રસન્નતા હોય. - નમ્રમુનિ મહારાજસાહેબ


