Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > સેન્સેક્સ ૭૪ની પાર થઈ બીજા દિવસે પાછો પડ્યો, રોકડું બ્રૉડર માર્કેટ મજબૂત, મેટલ ઝમકમાં

સેન્સેક્સ ૭૪ની પાર થઈ બીજા દિવસે પાછો પડ્યો, રોકડું બ્રૉડર માર્કેટ મજબૂત, મેટલ ઝમકમાં

25 April, 2024 06:56 AM IST | Mumbai
Anil Patel

આગલા દિવસનું રી-રન હોય એમ સેન્સેક્સ સારા ઓપનિંગ બાદ છેવટે ૧૧૪ પૉઇન્ટના મામૂલી સુધારામાં ૭૩,૮૫૪ અને નિફ્ટી ૨૪ પૉઇન્ટ જેવો પરચૂરણ વધીને ૨૨,૪૦૨ બંધ થયો છે.

પ્રતીકાત્મક તસવીર

માર્કેટ મૂડ

પ્રતીકાત્મક તસવીર


સ્મૉલકૅપ ઇન્ડેક્સ માર્ચની બૉટમથી ૧૫.૫ ટકા વધી નવી વિક્રમી સપાટીએ : ખાતર, ઍગ્રો કેમિકલ્સ અને શુગર શૅરોમાં એકંદર સુધારો ચાલુ : નફો સાડાચાર ટકા નીચો આવતાં તાતા ઍલેક્સી પાંચ ટકા ધોવાયો, મોસ્ચીપ સતત નવા શિખરે : રિઝર્વ બૅન્કનો આદેશ કોટક મહિન્દ્ર બૅન્કને નડશે, પૂર્વાન્કારાને પાલી હિલનો પ્રોજેક્ટ વધુ ફળશે : એશિયન બજારો મજબૂત, પાકિસ્તાની શૅરબજાર નવા બેસ્ટ લેવલે

આગલા દિવસનું રી-રન હોય એમ સેન્સેક્સ સારા ઓપનિંગ બાદ છેવટે ૧૧૪ પૉઇન્ટના મામૂલી સુધારામાં ૭૩,૮૫૪ અને નિફ્ટી ૨૪ પૉઇન્ટ જેવો પરચૂરણ વધીને ૨૨,૪૦૨ બંધ થયો છે. શેર આંક બુધવારે ઉપરમાં ૭૪,૧૨૨ નજીક અને નીચામાં ૭૩,૭૮૮ થયો હતો. ટેલિકૉમ, આઇટી, ટેક્નૉલૉઝિસ જેવા જૂજ અપવાદ સિવાય બન્ને બજારના તમામ ઇન્ડાઇસિસ વધ્યા છે. માર્કેટ બ્રેડ્થમાં મજબૂતી જળવાઈ રહેતાં એનએસઈ ખાતે વધેલી ૧૩૬૬ જાતો સામે ૮૪૦ આઇટમ ઘટી છે. બજારનું માર્કેટકૅપ ૧.૭૨ લાખ કરોડના ઉમેરામાં ૪૦૧.૩૭ લાખ કરોડ રૂપિયાને વટાવી ગયું છે. 
સ્મૉલકૅપ ઇન્ડેક્સ ૪૬,૯૫૮ની ઑલટાઇમ હાઈ બનાવી પોણો ટકો વધી ૪૬,૮૫૮ ઉપર બંધ આવ્યો છે. મિડકૅપ બેન્ચમાર્ક એક ટકા નજીક તો બ્રૉડર માર્કેટનો બીએસઈ-૫૦૦ અડધા ટકા નજીકના સુધારામાં માર્કેટ આઉટ પર્ફોર્મર રહ્યો છે. સ્મૉલ કંપનીની ૧૦૦૦ જાતોમાંથી ૬૩૦ શૅર પ્લસ હતા. ૧૩ માર્ચે આ આંક ૪૦,૬૪૧ના તળિયે ગયો હતો. લગભગ દોઢ મહિનામાં અત્રે ૧૫.૫ ટકાની તેજી જોવાઈ છે. કેટલી આગળ વધશે એ સવાલ છે. વિકસ ઇન્ડેક્સ પોણાત્રણેક ટકા સુધરી સાડાદસ આસપાસ જોવાયો છે. 



વિશ્વબજારોનો બુધવાર પણ સારો ગયો છે. તમામ અગ્રણી એશિયન બજારો સારા એવા પ્લસ થયાં છે. તાઇવાન અઢી ટકા, જપાન સવાબે ટકાથી વધુ, હૉન્ગકૉન્ગ સવાબે ટકા નજીક, સાઉથ કોરિયા બે ટકા, ચાઇના તથા ઇન્ડોનેશિયા પોણો ટકો, સિંગાપોર અડધો ટકો મજબૂત હતું. યુરોપ રનિંગમાં સામાન્યથી અડધો ટકો ઉપર દેખાયું છે. ઇવન પાકિસ્તાની શૅરબજાર ૭૨,૪૧૪ની ઑલટાઇમ હાઈ બનાવી એક ટકો કે ૭૨૭ પૉઇન્ટ વધીને ૭૨,૦૮૬ની ટોચે બંધ આવ્યું છે. 


ઇલૉન મસ્ક અને ટેસ્લા તરફથી આપણા માટે વધુ એક માઠા સમાચાર આવ્યા છે. કંપની તરફથી ટેસ્લાના સસ્તા કે અફૉર્ડેબલ ઇલેક્ટ્રિક કારના ઉત્પાદન માટે મેક્સિકો અને ભારત ખાતે નવો પ્લાન્ટ નાખવાની જે યોજના હતી એને બદલી હવે હાલની પ્રોડક્શન લાઇનમાં જ એનું ઉત્પાદન કરવાનું વિચારાયું છે. કંપનીએ આ વેળા જે ત્રિમાસિક પરિણામ રજૂ કર્યાં છે એ છેલ્લાં સાત વર્ષમાં સૌથી ખરાબ રિઝલ્ટ છે. કારનું વેચાણ ૮ ટકા ઘટ્યું છે, રેવન્યુ ૯ ટકા ઘટી છે અને નફો ૫૫ ટકા સાફ થયો છે. નવો પ્લાન્ટ નાખવાના બદલે વર્તમાન ક્ષમતાનો મહત્તમ ઉપયોગ કરવાની જાહેરાતથી શૅર ઘટવાના બદલે સુધર્યો છે. ટેસ્લાના આગમનની શક્યતા પાછળ એને સંબંધિત સ્થાનિક શૅરોમાં આપણે ત્યાં જે ધમાધમી શરૂ થઈ હતી એનું હવે શું થશે?

દરમ્યાન ખાતર શૅર ડિમાન્ડમાં રહ્યા છે. ચંબલ ફર્ટિલાઇઝર, આરસીએફ, ફેક્ટ, જીએસએફસી, નાગાર્જૂના ફર્ટિલાઇઝર, નૅશનલ ફર્ટિલાઇઝર, પારાદીપ ફૉસ્ફેટ, સ્પીક જેવી જાતો ત્રણથી પોણાછ ટકા મજબૂત હતી. ઉદ્યોગના ૨૫માંથી માત્ર ૪ શૅર માઇનસ થયા છે. ઍગ્રોકેમ પેસ્ટિસાઇડ્સમાં ૨૪માંથી ૧૬ શૅર પ્લસ હતા. મેઘમણિ ઑર્ગેનિક્સ, એઇમ્કો પેસ્ટિસાઇડ્સ અને ઇનસેક્ટિસાઇડ્સ ઇન્ડિયા અઢીથી સાડાચાર ટકા અપ હતી. શુગર ક્ષેત્રે ૩૭માંથી ૨૪ શૅર મીઠા થયા હતા. પિકાડેલી ઍગ્રો અને પિકાડેલી શુગર ૫-૫ ટકાની ઉપલી સર્કિટે આગળ વધી છે. કેસીપી શુગર પોણાપાંચ ટકા ઊંચકાઈ હતી. 


લંડન ધાતુબજારમાં નરમાઈ વચ્ચે ઘરઆંગણે મેટલ શૅરોની તેજી
લંડન ધાતુબજાર ખાતે ટીન વાયદો સવાસાત ટકા, ઍલ્યુમિનિયમ સાડાત્રણેક ટકા, ઝિન્ક દોઢ ટકા નજીક અને કૉપર વાયદો સવા ટકો ઘટીને બંધ રહેવા છતાં ગઈ કાલે ઘરઆંગણે મેટલ શૅરોમાં જે મજબૂતી જોવાઈ એની નવાઈ છે. મેટલ ઇન્ડેક્સ ૯૫૪ પૉઇન્ટ કે પોણાત્રણ ટકાની તેજીમાં ઑલટાઇમ હાઈ થયો છે. સેઇલ સવાઆઠ ટકા, એનએમડીસી પોણાછ ટકા, જિંદાલ સ્ટીલ અઢી ટકા, વેદાન્ત પોણાબે ટકા નજીક, હિન્દુસ્તાન ઝિન્ક સવા ટકો, હિન્દુસ્તાન કૉપર સવાબે ટકા, નાલ્કો અઢી ટકા વધીને બંધ થઈ છે. હિન્દાલ્કો, જેએસડબ્લ્યુ સ્ટીલ, તાતા સ્ટીલ સેન્સેક્સ નિફ્ટી ખાતે ટૉપ ગેઇનર બની છે. 

કોટક બૅન્કનાં પરિણામ ૪ મેએ છે, પણ શૅર દોઢ ટકાથી વધુના સુધારામાં ૧૮૪૩ બંધ આપી બજારને સર્વાધિક ૩૭ પૉઇન્ટ ફળ્યો છે. તાતા સ્ટીલ પોણાત્રણ ટકા વધી ૧૬૫ બંધ થતાં એમાં બીજા ૩૧ પૉઇન્ટનો ઉમેરો થયો છે. જ્યારે રિલાયન્સ પરિણામ પછી નરમાઈની આગેકૂચમાં અડધા ટકા પ્લસની નબળાઈમાં ૨૯૦૦ બંધ આપી બજારને ૫૪ પૉઇન્ટ નડ્યો છે. પરિણામ પૂર્વે ઍક્સિસ બૅન્ક પોણો ટકો સુધરી ૧૦૬૪ અને હિન્દુસ્તાન યુનિલીવર નજીવી નરમાઈમાં ૨૨૫૯ બંધ રહ્યો છે. બજાર બંધ થયા પછી રિઝર્વ બૅન્ક દ્વારા કોટક મહિન્દ્ર બૅન્ક સામે નવા ક્રેડિટ કાર્ડ ઇશ્યુ કરવા તથા ઑનલાઇન મોબાઇલ બૅન્કિંગ મારફત નવા ગ્રાહક મેળવવાની મનાઈ ફરમાવી હોવાના સમાચાર આવ્યા છે, જે ગુરુવારે કોટક બૅન્કને કનડશે. હિન્દુસ્તાન યુનિલીવરે ૨૫૫૮ કરોડ નેટ પ્રૉફિટ બતાવ્યો છે. ધારણા ૨૪૩૫ કરોડની હતી. એમ્કે રિસર્ચવાળા ૯૦૦૦ની ટાર્ગેટ પ્રાઇસ સાથે બજાજ ફાઇનૅન્સમાં તેજીની વાત લાવ્યા છે. રિઝલ્ટ ગુરુવારે છે. શૅર એકાદ ટકો વધી ૭૩૨૮ બંધ હતો. જિયો ફાઇનૅન્સ દોઢ ટકાના ઘટાડે ૩૮૨ રહ્યો છે. 

પૂર્વાન્કારાને મુંબઈમાં પાલી હિલ ખાતે રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ મળ્યો છે, જેની વૅલ્યુ ૨૦૦૦ કરોડની છે. શૅર પાંચ ટકાની તેજીની સર્કિટમાં ૩૭૭ બંધ રહ્યો છે. વર્ષ પૂર્વે ભાવ ૭૫ના તળિયે હતો. સનફાર્માની સ્પાર્ક એક વધુ મંદીની સર્કિટમાં ૫ ટકા તૂટી ૨૮૬ થઈ છે. આ કાઉન્ટર ૯મી પછી સતત નીચલી સર્કિટમાં છે. 

ઢીલાં પરિણામમાં તાતા ઍલેક્સી ગગડ્યો, ૭૦ રૂપિયા ડિવિડન્ડ બેકાર ગયું 
તાતા ઍલેક્સીએ માર્ચ ક્વૉર્ટરમાં ૯૦૬ કરોડની આવક પર ૧૯૭ કરોડ નફો કરી શૅરદીઠ ૭૦ રૂપિયા ડિવિડન્ડ જાહેર કર્યું છે. નફો જ્યારે ડિસેમ્બર ક્વૉર્ટરના મુકાબલે આવક એકાદ ટકો તથા નફો સાડાચાર ટકા નીચો આવ્યો છે. વર્ષ ૨૦૨૦-૨૧ના પ્રથમ ક્વૉર્ટર પછી ક્યુ-ટુ-ક્યુ ધોરણે ઘટાડાની આ પ્રથમ ઘટના છે. મૉર્ગન સ્ટેનલીએ ૬૮૦૦ અને કોટકવાળાએ ૫૨૦૦ આસપાસની ટાર્ગેટ પ્રાઇસથી વેચવાની ભલામણ કરી છે. શૅર ગઈ કાલે ૪ ગણા કામકાજે નીચામાં ૭૦૦૧ અંદર જઈ પાંચેક ટકા કે ૩૫૯ રૂપિયા ખરડાઈ ૭૦૩૫ બંધ આવી આઇટીમાં ટૉપ લૂઝર બન્યો હતો. મોસ્ચીપ તેજીનો તાલ પકડી રાખતાં ૧૦ ટકાની ઉપલી સર્કિટે ૧૭૬ની ટોચે જઈ ૪.૮ ટકાની મજબૂતીમાં ૧૬૮ થઈ છે. તાન્લા પ્લૅટફૉર્મ સાડાછ ટકા અને ઝગલ તથા મેગ્લેનિક ૫-૫ ટકા અપ હતી. સિએન્ટ ડીએલએમનો ત્રિમાસિક નફો ૮૧ ટકા વધીને ૨૩ કરોડ નજીક આવતાં શૅર ૧૭ ગણા કામકાજે ૭૭૯ની ઇન્ટ્રા-ડે હાઈ બાદ પાંચ ટકા વધી ૭૨૧ હતો. આઇટી હેવી વેઇટ્સમાં ઇન્ફી પોણો ટકો, ટીસીએસ અને ટેક મહિન્દ્ર એકાદ ટકો, એચસીએલ ટેક્નૉલૉજી અને વિપ્રો સાધારણ નરમ રહેતાં ઇન્ડેક્સ ૬૦માંથી ૩૬ શૅર વધવા છતાં અડધો ટકો માઇનસ થયો છે. 
વોડાફોનમાં ૧૮,૦૦૦ કરોડના મેગા ફૉલોઑન ઇશ્યુના શૅર ગુરુવારે ટ્રેડિંગમાં દાખલ થવાના હોવાથી શૅર બમણા વૉલ્યુમે બેતરફી વધઘટ દાખવી નવ ટકા તૂટી ૧૩ ઉપર બંધ રહ્યો છે. ઇન્ડ્સ ટાવર તાજેતરની રૅલી બાદ સવાત્રણ ટકા ઘટી ૩૪૮ હતો. ભારતી ઍરટેલ ૧૩૬૪ની વિક્રમી સપાટી નોંધાવી અડધો ટકો ઘટી ૧૩૩૬ રહ્યો છે. એનો પાર્ટપેઇડ ૯૮૨ની ઑલટાઇમ હાઈ બનાવી ૯૪૫ના લેવલે ફ્લૅટ બંધ આવ્યો છે. ભારતી હેક્સાકોમ ૧.૪ ટકા ઘટી ૯૧૫ હતો. પરિણામ પાછળ બે દિવસમાં ૩૧૧ની તેજી દર્શાવનાર તેજસ નેટ ગઈ કાલે ૧૧૩૫ના બેસ્ટ લેવલ બાદ પ્રૉફિટ બુકિંગમાં ૧૦૪૧ થઈ પોણાબે ટકા ઘટી ૧૦૬૮ રહ્યો છે. વૉલ્યુમ બમણું હતું. અવાન્ટેલ પોણાપાંચ ટકાની આગેકૂચમાં ૧૨૮ વટાવી ગયો છે. ૮ મેએ ભાવ ૩૧ના તળિયે હતો. રિલાયન્સની નેટવર્ક-૧૮ પાંચ ટકાની ઉપલી સર્કિટમાં તથા ટીવી-૧૮ પોણાત્રણ ટકા જેવી વધીને બંધ થઈ છે. ઝી એન્ટરપ્રાઇઝ અઢી ટકા ગગડી ૧૪૯ હતી. 

એમસીએક્સનાં પરિણામને મૉર્ગન સ્ટેનલીનો બેરિશ વ્યુ ભારે પડ્યો 
એમસીએક્સ દ્વારા માર્ચ ક્વૉર્ટરમાં ૩૫ ટકાના વધારામાં ૧૮૧ કરોડની આવક પર ૫.૪૫ કરોડની સામે ૮૮ કરોડ જેવો નેટ પ્રૉફિટ દર્શાવાયો છે. માર્જિન દોઢ ટકાથી ઊછળી ૫૬ ટકા નોંધાયું છે, પરંતુ શૅર ત્રણ ગણા કામકાજમાં નીચામાં ૩૭૧૫ થઈ ૪.૭ ટકા કે ૧૯૧ રૂપિયા ગગડી ૩૮૩૮ રહ્યો છે. આટલાં સારાં પરિણામ પછી મૉર્ગન સ્ટેનલીને ન જાણે શું થયું છે કે તેણે ૨૦૮૫ની ટાર્ગેટ પ્રાઇસ સાથે જબરો બેરિશ વ્યુ જારી કર્યો છે, જેમાં શૅર ખરડાયો છે. મૉર્ગનવાળા કહે છે અમારી ધારણા કરતાં આવક આઠ ટકા અને નેટ પ્રૉફિટ ૧૫ ટકા નીચો આવ્યો છે, પરંતુ એમાં આવડું મોટું ડાઉન ગ્રેડિંગ? બીએસઈમાં બોનસ, ઊંચું ડિવિડન્ડ, શૅર વિભાજન વગેરે આવી ગયું. હવે કહે છે કે પરિણામ બહુ જોરદાર આવવાનાં છે. વધુમાં ઑપ્શન્સનું વૉલ્યુમ જે રીતે જોર પકડી રહ્યું છે, એના પગલે અલ્ગો ટ્રેડિંગના કેટલાક માતબર ખેલાડીઓ એક્સચેન્જની કો-લોકેશન સર્વર ફેસિલિટી લેવા માટે ઉત્સુક હોવાની પણ હવા ચાલી રહી છે. સરવાળે શૅર ફેન્સીમાં છે. ભાવ આગલા દિવસના લગભગ ૩૫૦ રૂપિયાના ઉછાળા બાદ ગઈ કાલે ૩૨૬૫ની નવી સર્વોચ્ચ સપાટીએ ગયા પછી આંશિક પ્રૉફિટ બુકિંગમાં નીચામાં ૩૦૭૦ થઈ સવાબે ટકા ઘટીને ૩૧૩૦ નજીક બંધ આવ્યો છે. શૅર મહિનામાં ૪૨ ટકા અને વર્ષમાં ૫૮૧ ટકા વધી ગયો છે. વર્ષની બૉટમ ૪૫૨ની છે. 

તાતા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સની ત્રિમાસિક આવકમાં નેટ પ્રૉફિટ ૧૯ ટકા ઘટી ૨૧૭ કરોડ આવ્યો છે. નફા માર્જિન ૧૬ ટકાની સાડાત્રણ વર્ષની ટોચે ગયું છે. એક્સેપ્શનલ આઇટમ નફામાં ઘટાડાનું કારણ બની છે. બ્રોકરેજ હાઉસ ૧૩૦૦થી ૧૪૦૦ની ટાર્ગેટ પ્રાઇસ સાથે બુલિશ છે, પણ શૅર બુધવારે સાડાત્રણ ગણા વૉલ્યુમે નીચામાં ૧૧૦૪ થઈ સાડાપાંચ ટકા ગગડી ૧૧૧૦ બંધ રહ્યો છે. યુએસ નેવી સાથેના ઍગ્રીમેન્ટના પગલે આગલા દિવસે ૧૪૭ રૂપિયા કે સવાતેર ટકાની તેજી પછી કોચીન શિપયાર્ડ ગઈ કાલે બમણા વૉલ્યુમે ૧૩૨૨ની નવી ટૉપ બનાવી ૧.૭ ટકા વધી ૧૨૭૩ રહ્યો છે. ભાવ એક મહિનામાં ૪૨ ટકા અને વર્ષમાં ૪૧૧ ટકા ઊંચકાયો છે. એની હૂંફમાં ગાર્ડન રિચ શિપબિલ્ડર્સ પણ વૉલ્યુમ સાથે ૧૦૧૮ના શિખરે જઈ અઢી ટકા વધી ૯૮૩ થઈ છે. માઝગાવ ડૉક ૨૩૪૬ની ઇન્ટ્રા-ડે હાઈ બાદ બે ટકા વધી ૨૩૦૭ હતી.

ચેન્નઈ પેટ્રો બમણા ડિવિડન્ડના જોરમાં ૧૪૮ રૂપિયા ઊંચકાયો
ઇન્ડિયન ઑઇલની સબસિડિયરી ચેન્નઈ પેટ્રો ૧૦ ગણા કામકાજમાં ૧૦૯૮ની ઑલટાઇમ હાઈ બનાવી ૧૬ ટકા કે ૧૪૮ની તેજીમાં ૧૦૭૬ બંધ આવી છે. કંપનીએ માર્ચ ક્વૉર્ટરમાં ૨૦,૮૨૬ કરોડની આવક પર ૬૩૧ કરોડ નેટ પ્રૉફિટ કર્યો છે, જે ડિસેમ્બર ક્વૉર્ટરના ૩૬૫ કરોડ કરતાં ઘણો વધુ છે, પરંતુ ૨૦૨૨-’૨૩ના માર્ચ ક્વૉર્ટરના ૯૯૯ કરોડ કરતાં નોંધપાત્ર ઓછો છે સાથે-સાથે અગાઉના સમગ્ર વર્ષના ૩૫૧૮ કરોડના મુકાબલે ૨૦૨૩-’૨૪નો કંપનીનો નેટ પ્રૉફિટ ૨૭૪૮ કરોડ આવ્યો છે. આમ છતાં શૅરના ભાવમાં ઉછાળો આવ્યો છે, કારણ કે કંપનીએ ગયા વર્ષ માટે શૅરદીઠ ૫૫ રૂપિયા કે ૫૫૦ ટકાનું ડિવિડન્ડ જાહેર કર્યું છે, જે અગાઉ કરતાં ડબલ છે. ચેન્નઈ પેટ્રોની પાછળ એમઆરપીએલ પણ ૪ ગણા કામકાજે ૨૫૪ની ઇન્ટ્રા-ડે હાઈ બાદ ૧૦.૮ ટકાના જમ્પમાં ૨૪૮ થઈ છે. આ કંપનીમાંય ઇન્ડિયન ઑઇલ ૭૧ ટકા હિસ્સો પ્રમોટર્સ તરીકે ધરાવે છે, એનાં પરિણામ ૩ મેએ છે. ઇન્ડિયન ઑઇલનાં રિઝલ્ટ ૩૦મીએ છે. શૅર સામાન્ય સુધરી ૧૬૯ હતો. એનર્જી સેગમેન્ટમાં એજીસ લૉજિસ્ટિક ૬૧૦ના શિખરે જઈ ૧૨.૨ ટકાની તેજીમાં ૬૦૪ થઈ છે. ૩ નવેમ્બરે ભાવ ૨૮૦ના તળિયે હતો. એનર્જી ઇન્ડેક્સ ૩૦માંથી ૨૧ શૅરના સથવારે ગઈ કાલે પોણો ટકો વધ્યો હતો. ઑઇલ ઇન્ડિયા ૩ ટકા, ગેઇલ ચારેક ટકા, કેસ્ટ્રોલ બે ટકા, ગાંધાર ઑઇલ અઢી ટકા મજબૂત બની હતી. જીએસપીએલ બે ટકા ઘટી ૨૯૬ હતી. સાંડૂર મૅન્ગેનીઝ પાંચ ટકાની ઉપલી સર્કિટમાં ૫૪૪ નજીક જઈ ત્યાં જ રહી છે. પાવર યુટિલિટીઝમાં વારિ રીન્યુએબલ અને કેપીઆઇ ગ્રીન ૫-૫ ટકાની ઉપલી સર્કિટમાં નવા શિખરે ગઈ છે. વારિ રીન્યુએબલ એક વર્ષમાં ૧૪૦૨ ટકા અને કેપીઆઇ ગ્રીન ૫૨૩ ટકા વધી ગયો છે. 

 

Whatsapp-channel Whatsapp-channel

25 April, 2024 06:56 AM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK