રેટિના ડિટૅચમેન્ટ પ્રિવેન્શન માટેની આ સર્જરી શું છે એ સમજવાની કોશિશ કરીએ
રાઘવ ચઢ્ઢાની તસવીર
રાજકારણી અને બૉલીવુડ ઍક્ટ્રેસ પરિણીતિ ચોપડાના હસબન્ડ રાઘવ ચઢ્ઢાએ દૃષ્ટિની ગંભીર સમસ્યાને કારણે લંડનમાં વિટ્રેક્ટમી નામની સર્જરી કરાવી છે. દિલ્હીના મિનિસ્ટર સૌરભ ભારદ્વાજના નિવેદન મુજબ જો રાઘવે આ સર્જરી ન કરાવી હોત તો દૃષ્ટિહીનતા આવે એવું જોખમ હતું. રેટિના ડિટૅચમેન્ટ પ્રિવેન્શન માટેની આ સર્જરી શું છે એ સમજવાની કોશિશ કરીએ
લોકસભાની ચૂંટણીઓ માથે છે ત્યારે આમ આદમી પાર્ટીના સિનિયર નેતા રાઘવ ચઢ્ઢા લંડનમાં જઈને બેઠા છે એ બાબતે સવાલ ઊઠતાં દિલ્હીના મિનિસ્ટરે રાઘવ ચઢ્ઢાના બચાવમાં તેમની આંખની ક્રિટિકલ સર્જરી થઈ હોવાનું જાહેર કર્યું હતું. વિટ્રેક્ટમી નામની આ સર્જરીને કારણે તેઓ હમણાં ત્રણ-ચાર અઠવાડિયાં ટ્રાવેલ કરી શકે એમ નથી. જો તેમણે આ સર્જરી તાત્કાલિક ન કરાવી હોત તેમની દૃષ્ટિ જતી રહે એવું જોખમ હતું. જસ્ટ ૩૫ વર્ષની વયે એવું તો રાઘવ ચઢ્ઢાને શું થયું હશે કે આંખની આવી ક્રિટિકલ સર્જરી કરાવવી પડી? આ બાબતે કોઈએ ખુલાસો નથી કર્યો, પરંતુ રેટિનલ ડિટૅચમેન્ટ અટકાવવા માટે વિટ્રેક્ટમી કરવી જરૂરી હતી એવું કહેવામાં આવી રહ્યું છે. ધારો કે પડદો છૂટો પડી જાય તો એને કારણે સંપૂર્ણ વિઝન લૉસ થઈ શકે છે. તો શું આ કોઈ એવી બીમારી છે જે ભાગ્યે જ થાય છે? શું આ પ્રકારની સર્જરી ભારતમાં નથી થતી? આ સર્જરી કરવાની જરૂરિયાત શા માટે ઊભી થાય છે? જેવા સવાલોના જવાબ મેળવવાની આજે કોશિશ કરીએ.
સર્જરી પછી અતિશય કાળજી જરૂરી છે
જેમ કૅટરૅક્ટમાં તમે ૨૪ કલાકમાં જ જોતા થઈ જાઓ છો એટલી ઝડપી વિટ્રેક્ટમી પછીની રિકવરી નથી હોતી. ઇન ફૅક્ટ, આ સર્જરી પછીની હીલિંગ પ્રોસેસ માટે બહુ ધીરજ રાખવી પડે. સોજો ઘટાડવા સતત ડ્રૉપ્સ નાખવાનાં હોય. ઇન્ફેક્શન ન થાય એની સતત કાળજી રાખવી પડે. ઑઇલ કે ગૅસ જે વાપર્યું હોય એનું આંખમાં ચોક્કસ પ્રેશર જળવાઈ રહે એ માટે સર્જરી પછીનાં મિનિમમ એકથી બે અઠવાડિયાં માથું નીચે ઊંધી પોઝિશનમાં રાખવું પડે.
ADVERTISEMENT
વિટ્રેક્ટમી છે શું?
આંખમાં વિટ્રિઅસ નામનું લિક્વિડ હોય છે એ લિક્વિડ જાડું થઈ જાય, એમાં લોહી ભળે કે બીજી કોઈક ગરબડ થવાથી રેટિના પર પ્રેશર આવે ત્યારે આ સર્જરી કરવી પડે. આ સર્જરી શું છે એ સમજવા માટે પહેલાં તો થોડીક આંખની રચના સમજીએ કે વિટ્રિઅસ લિક્વિડ છે ક્યાં. જુહુના સેલિબ્રિટી આઇ-સર્જ્યન ડૉ. હિમાંશુ મહેતા એ સમજાવતાં કહે છે, ‘તમે આંખની રચના સમજો તો સૌથી બહારની તરફ કૉર્નિયા હોય. એની પર ટ્રાન્સપરન્ટ કીકી હોય જે વિન્ડશીલ્ડ પૂરું પાડે. પ્યુપિલથી લાઇટ-કન્ટ્રોલ થાય. એની પાછળ લેન્સ આવે. અને લેન્સની પણ છેક પાછળ રેટિના એટલે કે પડદો આવે. લેન્સ અને રેટિના એ બન્ને વચ્ચે ખૂબ મોટી કૅવિટી છે. એ ખાલી જગ્યા છે જેમાં કોઈ જ અવયવ નથી. એમાં ટ્રાન્સપરન્ટ લિક્વિડ જેલ છે એને વિટ્રિઅસ કહેવાય. આ વિટ્રિઅસ જે રીતે ભરેલું હોય એનાથી ચોક્કસ પ્રેશર ક્રીએટ થાય જે આઇબૉલને શેપ આપે છે. આ લિક્વિડ આંખના વિવિધ ભાગોને વચ્ચે પકડી રાખે છે. હવે જ્યારે લેન્સ ધૂંધળો થઈ જાય તો એને મોતિયાની સર્જરી કહેવાય. કૉર્નિયા પર સફેદી જામી જાય તો કૉર્નિયા ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે એ જ રીતે વિટ્રિઅસ લિક્વિડમાં ગરબડ થાય તો એને રિપેર કરવાની સર્જરી વિટ્રેક્ટમી કહેવાય.’
શા માટે ગરબડ થાય?
વિટ્રિઅસ જેલમાં બદલાવ આવવાનાં ઘણાં કારણો છે એમ જણાવતાં ડૉ. હિમાંશુ કહે છે, ‘કોઈને ખૂબ હાઈ માઇનસ નંબર હોય, હાઇપરટેન્શન કાબૂમાં ન રહેતું હોય, લાંબા સમયથી ડાયાબિટીઝ હોય તેમને વિટ્રિઅસમાં તકલીફ થાય. પ્રેશર વધી જવાથી પડદો જે ટિશ્યુ સાથે જોડાયેલો હોય એ ડિટૅચ થઈ જાય ત્યારે પણ આ ગંભીર સમસ્યા થાય. સામાન્ય રીતે પડદો એમ જ ડિટૅચ ન થઈ જાય. પહેલાં એમાં કાણું પડે અને જો એ જગ્યાએ રક્તવાહિનીઓ વહેતી હોય તો એ ફાટીને વિટ્રિઅસ જેલમાં લોહી ભળે. ક્યારેક બહારથી બૉલ વાગવાથી, આંખમાં કચરો ઊંડે સુધી જતો રહેવાથી, બૉક્સિંગ કે મારામારી કરતી વખતે આંખમાં વાગવાથી અંદર બ્લીડિંગ થાય છે. જોકે વિટ્રિઅસ હૅમરેજ એટલે કે જે બ્લીડિંગ થવાની પ્રક્રિયા છે એ ડેન્જરસ એટલા માટે છે કેમ કે એ લોહી તમને બહારથી દેખાતું નથી. એનું લક્ષણ હોય છે અચાનક દેખાવાનું બંધ થઈ જવું. યસ, આ ઇમર્જન્સી છે. અચાનક વિઝન લૉસ થઈ જાય ત્યારે જેટલું બને એટલું જલદી આની સારવાર શરૂ કરી દેવી પડે.’

સર્જરી છેલ્લો ઉપાય
અચાનક દૃષ્ટિ જતી રહે એ લક્ષણને હળવાશથી ક્યારેય લેવાય જ નહીં. જોકે દરેક વખતે સૌથી પહેલાં સર્જરી જ કરવાની હોય એવું નથી એ સમજાવતાં ડૉ. હિમાંશુ મહેતા કહે છે, ‘આપણા બૉડીનું નૅચરલ મેકૅનિઝમ એવું છે કે ધારો કે ક્યાંક બ્લીડિંગ થયું હોય તો એ ઍબ્સૉર્બ થઈ શકે છે. સૌથી પહેલાં તો સમસ્યા થવાનું મૂળ કારણ શોધવું પડે. શા કારણે બ્લીડિંગ થયું છે કે પડદામાં હોલ થઈ રહ્યું છે એનું મૂળ સમજવું પડે. ડાયાબિટીઝ, બ્લડ-પ્રેશર, ઇન્જરી એમ શું કારણ છે એ જાણ્યા પછી સારવાર થાય. દરેક વખતે ચીરફાડ પર ન ઊતરી આવવું જોઈએ. આ કન્ઝર્વેટિવ અપ્રોચ છે. પહેલાં દવાઓ આપી શકાય. અમે ક્યારેક ઇન્સ્ટન્ટ રિઝલ્ટ માટે દવાઓનાં ઇન્જેક્શન્સ એ જગ્યાએ આપીએ જેથી બ્લડ ઍબ્સૉર્બ થઈ જાય. પણ જો ઇન્જેક્શન્સની પણ અસર ન થાય તો વિટ્રેક્ટમી કરવી જ પડે. અલબત્ત, આમાં કેટલો સમય રાહ જોવી એ નિષ્ણાત પર આધારિત છે. ક્યારેક વિટ્રિઅસ જેલી સંકોચાઈ જાય તો એનાથી રેટિના ટિશ્યુથી ડિટૅચ થઈ જાય છે, જે સુપર ઇમર્જન્સી ખડી કરી દઈ શકે છે. આંખની બહુ ઓછી સમસ્યાઓ છે જેમાં ઇમર્જન્સી સર્જરી કરવાની આવે છે. એ છે રેટિનલ ડિટૅચમેન્ટની સર્જરી.’ આ ખૂબ જ સૉફેસ્ટિકેટેડ અને હાઈલી સ્કિલ્ડ સર્જ્યન દ્વારા કરવી પડે એવી સર્જરી છે. જોકે ભારતમાં એને લગતી ટેક્નૉલૉજી અને નિષ્ણાતોની અવેલેબિલિટી બ્રિટન કરતાંય વધુ સારી છે એવો ભારતીય નિષ્ણાતોનો મત છે.
સર્જરીમાં શું થાય?
આપણી આંખમાં જે સફેદ ભાગ છે એને સ્ક્લેરા કહેવાય. એમાં ખૂબ ઝીણા કાપા મૂકીને સ્પેશ્યલાઇઝ્ડ ઇન્સ્ટ્રુમેન્ટ્સ અંદર નાખવામાં આવે. એની પણ અંદરના લેયરમાં જઈને રેટિનાના ઇશ્યુને સૉલ્વ કરવામાં આવે. આ સર્જરી કરવી પડે એનું સૌથી કૉમન કારણ રેટિના ડિટૅચમેન્ટ છે. પડદો જ્યારે છૂટો પડી જાય ત્યારે અચાનક વિઝન જતું રહે છે અને એને ફરીથી પાછો પોતાની જગ્યા પર બેસાડવા માટે વિટ્રેક્ટમી કરીને પછી રેટિનલ અટૅચમેન્ટ કરવું પડે છે. આ પ્રક્રિયાની બીજી ખાસિયત જણાવતાં ડૉ. હિમાંશુ કહે છે, ‘જો રેટિના પાછો બેસાડવાનો હોય તો પ્રૉપર પ્રેશર બિલ્ડ થાય એ માટે કાં તો સિલિકૉન ઑઇલ ભરવામાં આવે છે. ઑઇલ થોડુંક ભારે હોય છે જેનાથી પડદો પોતાની જગ્યાએ પાછો ચોંટી જાય એટલું પ્રેશર ક્રીએટ કરે છે. જ્યારે રેટિના હીલ થઈ જાય એ પછીથી થોડાક મહિનાઓ બાદ એ ઑઇલ કાઢી નાખવા માટેની ફરી એક નાની પ્રોસીજર કરવી પડે છે. ઑઇલ ન વાપરી શકાય એમ હોય તો ખાસ ગૅસ આવે છે, જે રેટિના અને લેન્સ વચ્ચે પ્રેશર ક્રીએટ કરે છે અને આ ગૅસ એનું કામ પતાવીને આપમેળે જ નીકળી જાય છે.’


