ભારતને બૅટિંગની નિષ્ફળતા ભારે પડી

દસ જીત પછી એક હારમાં બધું હાર્યા
‘બીસ સાલ બાદ વેરનાં વળામણાં’નો અવસર આવ્યો છે એવી બધી વાતોનું ગઈ કાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્લ્ડ કપની ભારતની ઑસ્ટ્રેલિયા સામેની ફાઇનલમાં સુરસુરિયું થઈ ગયું. ૨૦૦૩ના વર્લ્ડ કપ જેવી જ કથા, પણ પટકથા અલગ અને ક્લાઇમૅક્સ એ જ, ભારતની હાર. ૨૦૦૩માં ઑસ્ટ્રેલિયાએ પહેલાં બૅટિંગ કરી હતી, જ્યારે ગઈ કાલે પહેલાં ફીલ્ડિંગ કરી. ભારતને બૅટિંગની નિષ્ફળતા ભારે પડી અને ખાસ કરીને કૅપ્ટન રોહિત શર્માનો, સિક્સર અને બાઉન્ડરી પછી, ગ્લેન મૅક્સવેલને ફરી સિક્સર મારવાનો અવિચારી શૉટ ગેમ ચેન્જર રહ્યો. ભારતનો એકેય બૅટ્સમૅન કાંગારૂઓના નૉન-રેગ્યુલર બોલર્સ સામે ઝડપથી સ્કોર ન કરી શક્યો. ભારતની અત્યાર સુધી ભારે અસરકારક રહેલી બોલિંગ લાઇન-અપ પાસે ડિફેન્ડ કરવા માટે પૂરતો સ્કોર જ નહોતો. ઑસ્ટ્રેલિયા છઠ્ઠી વાર વર્લ્ડ કપની જીતનું હકદાર બન્યું અને ભારત હારનું. દેશભરના અબજો લોકોનાં દિલ તૂટ્યાં, પણ એટલું કહી શકાય કે અત્યાર સુધી રોહિત શર્માની ટીમ જે રીતે રમી એણે દેશના અબજો લોકોનાં દિલ જીતી લીધાં હતાં. બાકી દસ જીત પછી એક હારમાં બધું હાર્યા. \
"આજે અને હંમેશાં તમારી સાથે જ... ડિયર ટીમ ઇન્ડિયા, વર્લ્ડ કપ દરમ્યાન તમારી પ્રતિભા અને તમારો નિર્ધાર નોંધપાત્ર હતાં. તમે દેશને ગૌરવ અપાવ્યું છે. અમે આજે અને હંમેશાં તમારી સાથે જ છીએ." : વડા પ્રધાન નરેન્દ્ર મોદી

