૭૮ વર્ષના ખોડાભાઈ ગોહિલ ત્યાંથી ૨૦૨૪ની ૬ નવેમ્બરે સવારે ૮ વાગ્યે ઘરમાંથી નીકળી ગયા હતા
દીકરીને ત્યાંથી નીકળી ગયેલા ખોડાભાઈ ગોહિલ.
નાલાસોપારામાં દીકરીને ત્યાં થોડા દિવસ રહેવા ગયેલા ૭૮ વર્ષના ખોડાભાઈ ગોહિલ ત્યાંથી ૨૦૨૪ની ૬ નવેમ્બરે સવારે ૮ વાગ્યે ઘરમાંથી નીકળી ગયા હતા. એ પછી તેમનો કોઈ પત્તો નથી. તેમના પુત્ર, પુત્રી અને પરિવારે તેમની એ પછી સખત શોધ ચલાવી હતી અને તુળીંજ પોલીસ-સ્ટેશનમાં તેમના મિસિંગની ફરિયાદ પણ નોંધાવી હતી. પરિવાર અને પોલીસે પણ તેમની અનેક જગ્યાએ શોધ ચલાવવા છતાં તેઓ મળી આવ્યા નથી. પરિવાર હજી પણ તેમની શોધ ચલાવી રહ્યો છે.
તેમના વિશે માહિતી આપતાં તેમના દીકરા જીવરાજ ગોહિલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે મહાલક્ષ્મીમાં સાત રસ્તા પર રહીએ છીએ. પપ્પા પરેલની ગાંધી હૉસ્પિટલમાં સર્વિસ કરતા હતા. તેઓ ૨૦૦૭માં નિવૃત્ત થયા હતા અને ઘરે જ રહેતા હતા. જોકે ઉંમરને કારણે તેમની માનસિક સ્થિતિ થોડી કથળી હતી. મારી બહેન નાલાસોપારા રહે છે. એથી ક્યારેક થોડા દિવસ તેના ઘરે રહેવા પણ જતા હતા. નવેમ્બર ૨૦૨૪માં તે બહેનને ત્યાં રોકાવા ગયા હતા. એમાં ૬ નવેમ્બરે સવારના ૮ વાગ્યે તેઓ ઘરમાંથી નીકળી ગયા હતા. અમે તેમને પહેલાં તો આજુબાજુમાં બહુ શોધ્યા, પણ તેઓ નહોતા મળ્યા. પછી અમે રેલવે-સ્ટેશન, બસ-સ્ટૅન્ડ એમ અલગ-અલગ જગ્યાએ શોધ ચલાવી હતી, પણ તેઓ મળી ન આવતાં અમે તુળીંજ પોલીસ-સ્ટેશનમાં તેમના મિસિંગની ફરિયાદ દાખલ કરી હતી. પોલીસે મકાનોના CCTV કૅમેરાનાં ફુટેજ ચેક કરતાં તેઓ સોસાયટીમાંથી નીકળે છે એ દેખાય છે, થોડે આગળ સુધી પણ દેખાય છે. એ પછી તેમનો કોઈ પત્તો મળતો નથી. તેઓ રેલવે-સ્ટેશન પર પણ દેખાતા નથી કે અન્ય કોઈ જગ્યાના CCTV કૅમેરાના ફુટેજમાં પણ દેખાતા નથી. અમે ત્યાર બાદ ચર્ચગેટથી લઈને વિરાર સુધીનાં બધાં રેલવે-સ્ટેશનો, હૉસ્પિટલો, આજુબાજુના વિસ્તારોના વૃદ્ધાશ્રમો એમ અનેક જગ્યાએ શોધ ચલાવી હતી. તેઓ મિસિંગ છે એનાં પોસ્ટરો પણ છપાવીને સ્ટેશનો પર લગાડ્યાં છે. અમે બહુ જ પ્રયાસ કર્યા, પણ તેઓ મળી નથી આવ્યા. પોલીસ પણ પ્રયાસ કરી રહી છે. અમે હજી પણ તેમને શોધી રહ્યા છીએ.’
ADVERTISEMENT
જો ‘મિડ-ડે’ના કોઈ વાચકને તેમના વિશે કોઈ માહિતી હોય તો જીવરાજ ગોહિલનો 90215 51281 / 89996 56489 મોબાઇલ-નંબર પર સંપર્ક કરીને માહિતી આપવા વિનંતી.


