ધ્વસ્ત થયેલી ટીમ ઇન્ડિયા માટે સુનીલ ગાવસકરનાં સલાહસૂચન: આૅસ્ટ્રેલિયામાં કોઈ પણ ભોગે સિરીઝ જીતવા પર ફોકસ કરવાની અને સિરીઝમાં જસપ્રીત બુમરાહને જ કૅપ્ટન બનાવી રાખવાની સલાહ આપી લિટલ માસ્ટરે
સુનીલ ગાવસકર, જસપ્રીત બુમરાહ
ન્યુ ઝીલૅન્ડ સામેની ટેસ્ટ-સિરીઝ હાર્યા બાદ દિગ્ગજ ક્રિકેટર્સ ભારતીય ટીમની મજાક કરવાની સાથે કેટલાંક સલાહસૂચન પણ આપી રહ્યાં છે. એક ઇન્ટરવ્યુમાં સુનીલ ગાવસકરે ભારતીય કૅપ્ટન રોહિત શર્મા, ઑસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ-સિરીઝ, વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ ફાઇનલ વિશે ચોંકાવનારાં નિવેદન આપ્યાં હતાં.
કૅપ્ટન માટે સિરીઝની પહેલી ટેસ્ટ મહત્ત્વની હોય છે. જો તે ઇન્જર્ડ છે તો વાત અલગ છે, પરંતુ જો તે ઉપલબ્ધ ન હોય તો વાઇસ-કૅપ્ટન પર ઘણું દબાણ હશે. મેં વાચ્યું છે કે રોહિત શર્મા શરૂઆતની ટેસ્ટ નહીં રમે. મને લાગે છે કે એ સ્થિતિમાં જસપ્રીત બુમરાહને સમગ્ર ઑસ્ટ્રેલિયા ટૂર માટે ટીમના કૅપ્ટન તરીકે નિયુક્ત કરવો જોઈએ અને રોહિત શર્માએ પ્લેયર તરીકે જ રમવું જોઈએ.
ADVERTISEMENT
ભારતીય ટીમને વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલમાં એન્ટ્રી કરવા માટે ઑસ્ટ્રેલિયામાં પાંચમાંથી ચાર ટેસ્ટ મૅચ જીતવી જરૂરી છે, પરંતુ ભારત ઑસ્ટ્રેલિયાને ટેસ્ટ-સિરીઝમાં ૪-૦થી હરાવી શકશે નહીં. હું ખૂબ જ ખુશ થઈશ જો તેઓ આવું કરશે. વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ ફાઇનલ વિશે વાત ન કરો. હવે ફક્ત ઑસ્ટ્રેલિયામાં સિરીઝ જીતવાના પ્રયાસ પર ધ્યાન કેન્દ્રિત કરો. ભલે તમે કોઈ પણ અંતરથી જીતો. તમે ભારતીય ક્રિકેટ ફૅન્સને ફરીથી ખુશ કરી શકો છો.
ઑસ્ટ્રેલિયામાં આપણે જે જોવા જઈ રહ્યા છીએ એ ટેસ્ટ-ટીમનું ભવિષ્ય નક્કી કરશે. જો રોહિત અને વિરાટ ઑસ્ટ્રેલિયામાં રન નહીં બનાવે તો આગામી ઇંગ્લૅન્ડ ટૂરથી નવી ભારતીય ટીમ શરૂ કરવાની માગણી કરવામાં આવશે.
વિરાટ કોહલીની ટેક્નિકમાં કોઈ ખામી નથી, પરંતુ નસીબ તેને સાથ નથી આપી રહ્યું. જ્યાં પણ તે માત્ર એક ભૂલ કરે છે ત્યાં મૅચમાં તેની રમતનો અંત આવી જાય છે.
લિમિટેડ ઓવર્સની વધુ ક્રિકેટ રમવાને કારણે બૅટ્સમેનો ટેસ્ટમાં પણ કડક હાથે રમી રહ્યા છે. સ્પિન સામે રમવા માટે હળવા હાથે રમવું પડે જે તેઓ ભૂલી ગયા છે. સ્પિનર્સ સામે રમવા માટે ફુટ-સ્ટેપ્સનો પણ યોગ્ય ઉપયોગ કરવો જોઈએ.


