Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > એક તો પરિવારનો મોભી ગયો એનો ગમ અને ઉપરથી સિસ્ટમનો સિતમ

એક તો પરિવારનો મોભી ગયો એનો ગમ અને ઉપરથી સિસ્ટમનો સિતમ

Published : 14 December, 2025 08:12 AM | IST | Mumbai
Mehul Jethva | mehul.jethva@mid-day.com

ફૉરેન્સિક સાયન્સ લૅબોરેટરી તરફથી તેમના મૃત્યુનું સત્તાવાર કારણ જણાવતો રિપોર્ટ હજીયે નથી મળ્યો એટલે પરિવારની અનેક નાણાકીય પ્રક્રિયાઓ અટકી ગઈ છે

જયેશ સાવલા

જયેશ સાવલા


ભાઈંદરના બાવન વર્ષના જયેશ સાવલા ક્રિકેટના મેદાનમાં લેધર બૉલ વાગવાથી અવસાન પામ્યા એને ઑલમોસ્ટ બે વર્ષ થઈ ગયાં છે, પણ ફૉરેન્સિક સાયન્સ લૅબોરેટરી તરફથી તેમના મૃત્યુનું સત્તાવાર કારણ જણાવતો રિપોર્ટ હજીયે નથી મળ્યો એટલે પરિવારની અનેક નાણાકીય પ્રક્રિયાઓ અટકી ગઈ છે

બાવન વર્ષના જયેશ સાવલાએ ૨૦૨૪ની ૮ જાન્યુઆરીએ માટુંગામાં ક્રિકેટના મેદાનમાં લેધર બૉલ વાગવાથી જીવ ગુમાવ્યો એના આઘાતમાંથી ભાઈંદરનો સાવલા-પરિવાર ક્યારેય બહાર નહીં આવી શકે, પણ નવાઈની વાત એ છે કે પરિવારને પડેલી આ ખોટ ઉપરાંત જયેશભાઈના મૃત્યુનું સત્તાવાર કારણ દર્શાવતો દસ્તાવેજ બે વર્ષ પછીયે નથી મળી રહ્યો એને લીધે સુધ્ધાં પરિવાર હેરાનપરેશાન થઈ રહ્યો છે. કાલિનામાં આવેલી મહારાષ્ટ્ર રાજ્યની ફૉરેન્સિક સાયન્સ લૅબોરેટરી (FSL)માંથી મળનારા આ ડૉક્યુમેન્ટના અભાવે સાવલા-પરિવારે અનેક આર્થિક અડચણોનો સામનો કરવો પડી રહ્યો છે. જયેશભાઈની ઍક્સિડેન્ટલ ડેથ પૉલિસી ઉપરાંત મ્યુચ્યુઅલ ફન્ડ, બૅન્ક-લૉકર વગેરે જેવા ઘણા વ્યવહારો FSL તરફથી હજી સુધી સત્તાવાર કૉઝ ઑફ ડેથ એટલે કે મૃત્યુનું કારણ દર્શાવતો રિપોર્ટ ન મળવાને લીધે અટકી પડ્યા છે. જયેશભાઈના આકસ્મિક મૃત્યુનો કેસ માટુંગા પોલીસ-સ્ટેશન અંતર્ગત નોંધાયો હતો અને એણે આ કેસની બધી તપાસ પૂરી કરી લીધી હતી. ત્યારબાદ સાયન હૉસ્પિટલે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મૃત્યુનું કારણ આપવા બાબતે ઓપિનિયન રિઝર્વ રાખ્યો હતો. એટલે મૃત્યુના કારણ માટે FSLનો રિપોર્ટ જરૂરી બની ગયો છે જે ઑલમોસ્ટ બે વર્ષથી મળતો જ નથી. પણ પોસ્ટમૉર્ટમ પછીનો FSLનો રિપોર્ટ હજી સુધી પરિવારને નથી મળ્યો.




પોસ્ટમૉર્ટમ રિપોર્ટમાં સાયન હૉસ્પિટલે રિઝર્વ રાખેલો આેપિનિયન. જયેશભાઈનો પુત્ર મોનિલ સાવલા.

શું હતી ઘટના?


માટુંગામાં ૨૦૨૪ની ૮ જાન્યુઆરીએ એક ક્રિકેટ ટુર્નામેન્ટની મૅચ રમતી વખતે જયેશ સાવલા બાઉન્ડરી લાઇન પર ફીલ્ડિંગ કરી રહ્યા હતા. તેઓ જ્યાં રમી રહ્યા હતા એ જ મેદાન પર બીજી મૅચ પણ રમાઈ રહી હતી અને એ મૅચના એક બૅટરે ફટકારેલો લેધર બૉલ જયેશભાઈને કાનની નીચે આવીને વાગ્યો હતો અને તેઓ અચાનક ગ્રાઉન્ડ પર ઢળી પડ્યા હતા. જયેશભાઈને તરત જ સાયન હૉસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યાં ડૉક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. ત્યાર બાદ આ મામલે માટુંગા પોલીસ-સ્ટેશને ઍક્સિટેન્ટલ ડેથ રિપોર્ટ (ADR) નોંધ્યો હતો.

બે વર્ષથી ઇન્તેજાર

જયેશભાઈના દીકરા મોનિલ સાવલાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પપ્પા બાવન વર્ષની ઉંમરે એકદમ ફિટ ઍન્ડ ફાઇન હતા. તેમને નખમાંય રોગ નહોતો એટલું જ નહીં, તેઓ રોજ ‍એક્સરસાઇઝ કરતા હતા. અચાનક બૉલ વાગતાં કઈ રીતે તેમનું મૃત્યુ થઈ શકે એ મને કે મારા પરિવારને હજી સમજાતું નથી. પોલીસે અમને પોસ્ટમૉર્ટમના રિપોર્ટના આધારે ડેથ-સર્ટિફિકેટ આપ્યું છે, પણ એમાં કયા કારણે મૃત્યુ થયું હતું એનો ઉલ્લેખ નથી. છેલ્લાં બે વર્ષથી તેમના મૃત્યુ પાછળનું કારણ જાણવા હું દર ૧૫ દિવસે માટુંગા પોલીસ-સ્ટેશન જઈને તપાસ કરી રહેલા અધિકારી પાસે જવાબ માગી રહ્યો છું. જોકે તેમનું કહેવું છે કે ફૉરેન્સિક રિપોર્ટ નથી મળ્યો એટલે અમારી આગળની પ્રક્રિયા અટકી છે. આ રિપોર્ટ નથી મળ્યો એને લીધે અમારાં ઘણાં કામ અટકી ગયાં છે.’

પોલીસ શું કહે છે?

જયેશ સાવલાના મૃત્યુનો કેસ સંભાળતા માંટુગા પોલીસ-સ્ટેશનના પોલીસ-ઇન્સ્પેક્ટર અનિલ કાંબળેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જયેશભાઈના મૃત્યુ વખતે શું થયું હતું એ જાણવા ક્રિકેટ રમી રહેલા લોકોનાં સ્ટેટમેન્ટ નોંધ્યાં હતાં એના આધારે અમે ADR નોંધીને મૃત્યુ બાદ તેમનાં પોસ્ટમૉર્ટમ વખતે લીધેલાં સૅમ્પલ સાંતાક્રુઝની ડિરેક્ટરેટ ઑફ ફૉરેન્સિક સાયન્સ લૅબોરેટરીઝમાં મોકલ્યાં હતાં. ત્યાંથી છેલ્લાં બે વર્ષથી અમને રિપોર્ટ મળ્યો નથી એટલે અમારી આગળની તપાસ પેન્ડિંગ છે. એવું નથી કે માત્ર જયેશભાઈનો જ રિપોર્ટ બાકી છે, અમારા પોલીસ-સ્ટેશનમાંથી મોકલેલા ૧૦૦થી વધુ કેસમાં અમને રિપોર્ટ મળ્યા નથી.’

મુંબઈનાં બીજાં પોલીસ-સ્ટેશનોને પણ નથી મળ્યા ફૉરેન્સિક રિપોર્ટ

મુંબઈ પોલીસના ઍડિશનલ કમિશનર પોસ્ટ પરના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પોલીસે નોંધેલા ADR અને હત્યાના ગુનામાં ફૉરેન્સિક રિપોર્ટ ખૂબ અગત્યની ભૂમિકા ભજવે છે, કારણ કે એમાં મૃત્યુ પાછળનું ચોક્કસ કારણ લખવામાં આવે છે. મુંબઈનાં મોટા ભાગનાં પોલીસ-સ્ટેશનોને હજી ૨૦૨૩ના રિપોર્ટ નથી મળ્યા. આ મામલે પોલીસ સતત રિપોર્ટની માગણી કરતી રહે છે. જોકે ડિરેક્ટરેટ ઑફ ફૉરેન્સિક સાયન્સ લૅબોરેટરીઝમાં સ્ટાફના અભાવે કામ ખૂબ ધીમું થતું હોવાથી એક રિપોર્ટને ઓછામાં ઓછાં બે વર્ષ લાગી જાય છે.’

કઈ-કઈ સમસ્યાઓ?

ઍક્સિડેન્ટલ ડેથ પૉલિસી ઃ ઍક્સિડેન્ટલ ડેથ પૉલિસીના પૈસા મેળવવા માટે ડેથ-સર્ટિફિકેટ પર કૉઝ ઑફ ડેથ જરૂરી છે. કૉઝ ઑફ ડેથ ન લખેલું હોવાથી ઍક્સિડેન્ટલ ડેથના પૈસા આ પરિવારને મળ્યા નથી.

2-મ્યુચ્યુઅલ ફન્ડનું અકાઉન્ટ બ્લૉક થયું છે ઃ જયેશભાઈએ મ્યુચ્યુઅલ ફન્ડમાં અમુક રકમ ભરી હતી જે પાછી મેળવવા માટે કૉઝ ઑફ ડેથવાળું ડેથ-સર્ટિફિકેટ જરૂરી છે. હાલમાં જયેશભાઈનું અકાઉન્ટ બ્લૉક કરી નાખવામાં આવ્યું છે.

૩. બૅન્કનું લૉકર ખોલવા અને એના અકાઉન્ટ-હોલ્ડરનું નામ ટ્રાન્સફર કરવા કૉઝ ઑફ ડેથવાળું ડેથ-સર્ટિફિકેટ જરૂરી ઃ જયેશભાઈના પુત્ર મોનિલે તેની પાસે રહેલું ડેથ સર્ટિફિકેટ બૅન્કનું લૉકર ખોલવા માટે બૅન્કમાં જમા કરાવ્યું હતું. જોકે હાલમાં થઈ રહેલા ફ્રોડને કારણે બૅન્કે કૉઝ ઑફ ડેથવાળું સર્ટિફિકેટ લાવવા માટે કહ્યું હતું તેમ જ નામ ટ્રાન્સફર કરવા માટે પણ આ સર્ટિફિકેટની જરૂર છે.

4- પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનાના પૈસા મેળવવા માટે કૉઝ ઑફ ડેથવાળું ડેથ સર્ટિફિકેટ જરૂરી ઃ આ સ્કીમના પૈસા મેળવવા માટે મોનિલે પોતાની પાસે રહેલું સર્ટિફિકેટ જમા કરાવ્યું ત્યારે તે લોકોએ માત્ર અડધા પૈસા એટલે કે એક લાખ રૂપિયા જ આપ્યા હતા. બાકીના એક લાખ રૂપિયા માટે કૉઝ ઑફ ડેથવાળું ડેથ-સર્ટિફિકેટ જમા કરાવવા કહ્યું હતું.

Whatsapp-channel Whatsapp-channel

14 December, 2025 08:12 AM IST | Mumbai | Mehul Jethva

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK