અહીંથી ઍરપોર્ટ ઑથોરિટીનાં હાઈ-ફ્રીક્વન્સી રડાર હટાવીને બીજે ખસેડવાનો નિર્ણય લેવાયો
દેવેન્દ્ર ફડણવીસ
જુહુના ગુલમોહર રોડથી ડી. એન. નગર વચ્ચેના વિસ્તારમાં અને દહિસર ટોલનાકા પાસે ઍરપોર્ટ ઑથોરિટીએ હાઈ-ફ્રીક્વન્સી રડાર સિસ્ટમ બેસાડેલી હોવાથી એ બન્ને વિસ્તારની આસપાસના ચોક્કસ વિસ્તારોમાં મકાનો એક નિર્ધારિત હાઇટ કરતાં વધુ ઊંચાં નથી બનાવી શકાતાં. એને કારણે એ બન્ને વિસ્તારનાં અનેક મકાનો જે ૪૦ વર્ષ જૂનાં થઈ ગયાં છે એમના રીડેવલપમેન્ટમાં અડચણ આવી રહી છે અને એ રીડેવલપ કરવા બિલ્ડરો પણ આગળ ન આવી રહ્યા હોવાથી ત્યાંના રહેવાસીઓએ અનેક પ્રકારની હાડમારી ઉઠાવવી પડતી હતી. જોકે ગઈ કાલે વિધાનસભાના શિયાળુ સત્રમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે તેમને રાહતના સમાચાર આપતાં કહ્યું હતું કે આ બન્ને જગ્યાનાં હાઈ-ફ્રીક્વન્સી રડાર સેન્ટર્સને અન્ય યોગ્ય જગ્યાએ ખસેડવામાં આવશે. દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘મિનિસ્ટ્રી ઑફ સિવિલ એવિએશન, કેન્દ્ર સરકાર અને ઍરપોર્ટ ઑથોરિટી ઑફ ઇન્ડિયા આ રડાર હટાવવા તૈયાર થયાં છે. એ હટાવવાનો અને બીજે બેસાડવાનો બધો જ ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે. આ ઉપરાંત એ માટેની જગ્યા પણ રાજ્ય સરકાર આપશે.’
દહિસર ખાતેનું રડાર સેન્ટર અમે ગોરાઈમાં ખસેડી રહ્યા છીએ અને દહિસરની એ રડાર સેન્ટરની ૪૦ ટકા જમીન પબ્લિક પર્પઝ માટે વપરાશે એમ જણાવતાં દેવેન્દ્ર ફડણવીસે વધુમાં કહ્યું હતું કે ‘સરકારે જુહુના રડાર સેન્ટર માટે પણ ઍરપોર્ટ ઑથોરિટીને ઑલ્ટરનેટિવ સાઇટ સજેસ્ટ કરી છે. જોકે એની ટેક્નિકલ બાબતોની ચકાસણી કર્યા પછી એ સાઇટ ફાઇનલ થશે અને એ પછી જુહુનું રડાર સેન્ટર શિફ્ટ કરવાની પ્રોસેસ ચાલુ કરવામાં આવશે. આ બન્ને રડાર સેન્ટર શિફ્ટ થશે તો આજુબાજુનાં મકાનોનું રીડેવલપમેન્ટ કરવું શક્ય થઈ શકશે. હાલ જ્યાં આવા નિયમોને કારણે નો ડેવલપમેન્ટ ઝોન કે પછી ડિફેન્સ લૅન્ડ અને અન્ય પ્રતિબંધો છે ત્યાં પૂરેપૂરું ડેવલપમેન્ટ કરવું શક્ય નથી ત્યાં કઈ રીતે રીડેલવપમેન્ટ કરી શકાય એ માટે ‘દરેક માટે ઘર’ એ નવી પૉલિસી પર રાજ્ય સરકાર કામ કરી રહી છે.’
ADVERTISEMENT
દહિસરમાં આજે નાગરિકો ડાયરેક્ટ સિવિલ એવિએશન મિનિસ્ટર સાથે સંવાદ સાધી શકે એવી બેઠકનું આયોજન
દહિસર ટોલનાકા પાસે આવેલા ઍરપોર્ટ ઑથોરિટી ઑફ ઇન્ડિયાના હાઈ-ફ્રીક્વન્સી રડાર સેન્ટરને કારણે આજબાજુના વિસ્તારોનાં મકાનોના રીડેવલપમેન્ટમાં અનેક સમસ્યાઓ આવી રહી હોવાથી દહિસરનાં વિધાનસભ્ય મનીષા ચૌધરીએ આ સંદર્ભે આજે સાંજે પાંચ વાગ્યે વિદ્યામંદિર બૅન્ક્વેટ હૉલમાં એક બેઠકનું આયોજન કર્યું છે. એમાં કેન્દ્રીય સિવિલ એવિએશન મિનિસ્ટર કિન્જરપ્પુ રામમોહન નાયડુ વિડિયો-કૉન્ફરન્સથી ભાગ લઈને લોકોના સવાલના જવાબ આપશે. બોરીવલીના સંસદસભ્ય પીયૂષ ગોયલ પણ વિડિયો-કૉન્ફરન્સિંગથી હાજર રહેશે. આ ઉપરાંત સિવિલ એવિએશન ડિપાર્ટમેન્ટના રાજ્યસ્તરના પ્રધાન મુરલીધર મોહોળ પણ આ બેઠકમાં હાજર રહેશે. લોકો તેમને આ રડાર સેન્ટરને કારણે થતી મુશ્કેલીઓ એમાં વર્ણવી શકશે. લોકોને મોટી સંખ્યામાં આ બેઠકમાં હાજર રહેવા આહ્વાન કરવામાં આવ્યું છે.
નવી પૉલિસીને કારણે મુંબઈના બધા જ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ શક્ય બની શકશે અને આ પૉલિસીને કારણે રીડેવલપમેન્ટમાં જે કોઈ અંતરાયો હશે એ હટી જશે. આના કારણે ખાસ તો જુહુની મિલિટરી લૅન્ડ અને મલાડ-કાંદિવલીના સેન્ટ્રલ ઑર્ડનન્સ ડેપો (COD)ને કારણે અટકેલા રીડેવલપમેન્ટના પ્રોજેક્ટ્સ આગળ વધી શકશે અને અનેક લોકોને રાહત મળશે.’ - દેવેન્દ્ર ફડણવીસ
નવી પૉલિસીની હાઇલાઇટ્સ
દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘આ નવી પૉલિસી હેઠળ ઇકૉનૉમિકલી વીકર સેક્શન માટે ૩૦૦ સ્ક્વેર ફુટની ફ્લોર સ્પેસ ઇન્ડેક્સ (FSI), જ્યારે લો ઇન્કમ ગ્રુપ (LIG) માટે ૬૦૦ સ્ક્વેરફુટનાં ઘર મફત આપવામાં આવશે. એ માટે ઇન્સેન્ટિવ તરીકે FSI આપવામાં આવશે. જોકે એમાં જે ઓરિજિનલ લૅન્ડલૉર્ડ હશે તેની મૂળ FSIના અધિકાર તેની પાસે જ રહેશે. જો એ પ્રોજેક્ટમાં FSI વપરાયા વગરની રહેશે તો એ ટ્રાન્સફરેબલ ડેવલપમેન્ટ રાઇટ્સ (TDR)માં કન્વર્ટ કરી શકાશે, જે રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે ગૅરન્ટી ફન્ડ તરીકે પણ ઉપયોગ કરી શકાશે. એની સાથે જ ડેવલપમેન્ટ કન્ટ્રોલ રેગ્યુલેશન પ્રોવિઝન્સ હેઠળ ઇન્સેન્ટિવ અને પ્રીમિયમ કન્ટિન્યુ રહેશે.’


