Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > સંદેશખાલી મુદ્દે મારી પાર્ટીએ જૂઠ ચલાવ્યું એવો આરોપ લગાવીને ‍BJP છોડીને તૃણમૂલ કૉન્ગ્રેસમાં જોડાઈ સિરિયા પરવીન

સંદેશખાલી મુદ્દે મારી પાર્ટીએ જૂઠ ચલાવ્યું એવો આરોપ લગાવીને ‍BJP છોડીને તૃણમૂલ કૉન્ગ્રેસમાં જોડાઈ સિરિયા પરવીન

26 May, 2024 11:44 AM IST | West Bengal
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પહેલી જૂને બશીરહાટમાં મતદાન થવાનું છે એ પહેલાં જ સાથ છોડી દીધો : હવે મમતા બૅનરજી માટે પ્રચાર કરશે

સિરિયા પરવીન

સિરિયા પરવીન


ભારતીય જનતા પાર્ટી (BJP)ની પશ્ચિમ બંગાળની નેતા સિરિયા પરવીન ગુરુવારે તૃણમૂલ કૉન્ગ્રેસમાં જોડાઈ હતી અને આરોપ લગાવ્યો હતો કે સંદેશખાલીના મુદ્દે BJPએ જૂઠ ચલાવ્યું હતું. સંદેશખાલી આંદોલનના એક ચહેરાસમાન સિરિયા પરવીને કહ્યું હતું કે ‘BJPથી મારો મોહભંગ થઈ ગયો છે. BJPમાં મારો શ્વાસ રૂંધાતો હતો. હવે હું મમતા બૅનરજીની પાર્ટી બશીરહાટમાં વિજયી બને એ માટે પ્રચાર કરીશ.’

ઉત્તર ૨૪ પરગણા જિલ્લામાં BJPના બશીરહાટ મંડલમાં સેક્રેટરી તરીકે કાર્યરત પરવીન તૃણમૂલ કૉન્ગ્રેસમાં જોડાઈ એની જાહેરાત એક સાર્વજનિક કાર્યક્રમમાં થઈ હતી. પત્રકારો સાથેની વાતચીતમાં પરવીને BJP પર આરોપ લગાવતાં કહ્યું હતું કે ‘સંદેશખાલી અને બશીરહાટમાં હું એવી મહિલાઓની સાથે હતી જેમણે છેડતી અને જાતીય શોષણની ફરિયાદ કરી હતી. હું સત્ય જાણવા માટે લડતી હતી. પછી મને ખબર પડી કે એ માત્ર એક સ્ટોરી હતી, એક ​સ્ક્રિપ્ટ હતી. આમાં મોબાઇલ, મની અને મીડિયાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.’



મને પહેલેથી જ લાગતું હતું કે આની પાછળ BJP હોઈ શકે એમ જણાવતાં પરવીને કહ્યું હતું કે ‘BJPએ આ મામલે જૂઠ ચલાવ્યું હતું. એણે વાસ્તવિક ફરિયાદ દૂર કરવાને બદલે એના લાભ માટે આ મુદ્દે રાજકારણ કર્યું હતું. ​​સ્ટિંગ-વિડિયોમાં BJPના નેતાઓની સંડોવણી સ્પષ્ટ નજરે પડે છે. એને લીધે આ વિસ્તારમાં તનાવની સ્થિતિ સર્જાઈ હતી.’ પરવીને આરોપ લગાવ્યો હતો કે BJPના નેતાઓએ બશીરહાટ બેઠકની ઉમેદવાર રેખા પાત્રાને નાણાં પણ આપ્યાં હતાં. પરવીને આરોપ એવા સમયે લગાવ્યા છે જ્યારે આ લોકસભા બેઠક પર પહેલી જૂને મતદાન થવાનું છે. તેણે કહ્યું હતું કે આ બેઠક પર તૃણમૂલ કૉન્ગ્રેસનો વિજય થાય એ માટે હું કામ કરીશ.


BJP કહે છે, તથ્ય બદલાશે નહીં
BJPના પ્રવક્તા સમિક ભટ્ટાચાર્યે કહ્યું હતું કે સૌ કોઈ એ જાણે છે કે સ્થાનિક તૃણમૂલ કૉન્ગ્રેસના નેતાઓ દ્વારા સંદેશખાલીની મહિલાઓનું જાતીય શોષણ કરવામાં આવ્યું હતું અને પરવીનના તૃણમૂલ કૉન્ગ્રેસમાં જવાના નિર્ણયથી તથ્ય બદલાશે નહીં.


Whatsapp-channel Whatsapp-channel

26 May, 2024 11:44 AM IST | West Bengal | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK