પાવાગઢ તીર્થ વિકાસ સમિતિનું કહેવું છે કે પાવાગઢ (Pavagadh) પર્વત પર મંદિર તરફ જવા માટે જૂના દાદરા છે, જ્યાં 22મા તીર્થંકર નેમિનાથ ભગવાન સહિત 7 જૈન મૂર્તિઓ હજારો વર્ષથી સ્થાપિત છે
તસવીરો: સોશિયલ મીડિયા
કી હાઇલાઇટ્સ
- પાવાગઢ પર્વત પર હજારો વર્ષ જૂની જૈન તીર્થંકરોની મૂર્તિઓ તોડીને કચરામાં ફેંકાઈ
- મોટી સંખ્યામાં જૈનોએ પોલીસ સ્ટેશનમાં પહોંચીને તોડફોડ રોકવાની માગ કરી
- જૈન અગ્રણીઓએ આક્ષેપ કર્યો છે કે મંદિરના વિકાસ માટે, જૈન મૂર્તિઓને ખંડિત કરાઈ
પંચમહાલ જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ (Pavagadh) પર્વત પર મહાકાળી માતાના મંદિર સુધી જતાં દાદરાની બંને બાજુ હજારો વર્ષ જૂની જૈન તીર્થંકરોની મૂર્તિઓ તોડીને કચરામાં ફેંકી દેતા જૈન સમાજમાં ભારે હોબાળો મચી ગયો છે. રવિવારે મોડી સાંજે મોટી સંખ્યામાં જૈનોએ પાવાગઢ પોલીસ સ્ટેશનમાં પહોંચીને તોડફોડ રોકવા અને જવાબદાર લોકો સામે પગલાં લેવાની માગ કરી હતી.
પાવાગઢ તીર્થ વિકાસ સમિતિનું કહેવું છે કે પાવાગઢ (Pavagadh) પર્વત પર મંદિર તરફ જવા માટે જૂના દાદરા છે, જ્યાં 22મા તીર્થંકર નેમિનાથ ભગવાન સહિત 7 જૈન મૂર્તિઓ હજારો વર્ષથી સ્થાપિત છે. જૈનો ત્યાં રોજ સેવા પૂજા માટે જતાં રહે છે. 20 દિવસ પહેલાં આ દાદરાને તોડવાની કામગીરી શરૂ થતાં જ જૈનોએ કલેક્ટર અને એએસઆઇને આવેદનપત્ર આપીને ડર વ્યક્ત કર્યો હતો કે આ તોડફોડની કામગીરીમાં જૈન તીર્થંકરોની મૂર્તિઓને નુકસાન થશે. આ મૂર્તિઓ પ્રોટેક્ટેડ મોન્યુમેન્ટ છે, તેમ છતાં આ ચેતવણીની અવગણના કરીને, મૂર્તિઓ તોડી નાખવામાં આવી છે.
ADVERTISEMENT
View this post on Instagram
જૈન અગ્રણીઓએ આક્ષેપ કર્યો છે કે મહાકાળી માતા મંદિરના વિકાસ માટે, જૈન મૂર્તિઓને ખંડિત (Pavagadh) કરીને દૂર કરવામાં આવી છે. આ ઘટના જૈન સમાજ માટે ખૂબ મોટી આઘાતજનક છે અને તેમણે કાયદેસર પગલાંની માંગ કરી છે. રવિવારે મોડી રાત્રે મોટી સંખ્યામાં જૈનો પાવાગઢ પોલીસ સ્ટેશનમાં ઉમટી પડ્યા હતા અને તાત્કાલિક કાનૂની પગલાં લેવાની માગણી સાથે આવેદનપત્ર રજૂ કર્યું. જેમાં જણાવ્યું હતું કે, પાવાગઢમાં માતાજીના મંદિરના પગથિયાં પાસે આવેલી જૈન તીર્થંકરોની મૂર્તિઓ અચાનક દૂર કરવામાં આવી છે. આ કૃત્ય માત્ર ધાર્મિક આસ્થાનો અનાદર કરતું નથી, પરંતુ ધાર્મિક પ્રથાઓ અને પૂજા સ્થળોના રક્ષણ માટે રચાયેલ બંધારણીય અને કાનૂની જોગવાઈઓનું પણ ઉલ્લંઘન કરે છે.
જૈન અગ્રણીઓએ સ્પષ્ટ કર્યું છે કે પાવાગઢમાં પ્રાચીન શ્વેતાંબર જૈન મૂર્તિઓની પુનઃ સ્થાપના ન થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. તેઓએ વહીવટીતંત્રના તાત્કાલિક હસ્તક્ષેપની માગણી કરી છે અને દોષિત તત્વો સામે કાનૂની પગલાં લેવાની અપીલ કરી છે.
આ ઘટનાની ગંભીરતા જોતાં, જૈન સમાજે દરેક શહેરમાં કલેક્ટરને આવેદનપત્ર આપવાની યોજના બનાવી છે. રવિવારે રાત્રે રાવપુરા ટાવર ચાર રસ્તા ખાતે વડોદરા જૈન સમાજના અગ્રણીઓની બેઠક મળી હતી અને બેઠક બાદ તેઓ પાવાગઢ જવા રવાના થયા હતા.
આ મામલે એક જૈન અગ્રણીએ જણાવ્યું હતું કે, “આવેદનપત્ર આપ્યા બાદ પણ જેનો ડર હતો તે થયું. હજારો વર્ષોથી જ્યાં જૈનો પૂજા કરતા આવ્યા છે તે મૂર્તિઓને કોઇ કેવી રીતે તોડી શકે? કાલે વડોદરાના જૈન અગ્રણીઓ કલેક્ટરને આવેદનપત્ર આપશે, જે બાદ આ મામલો હાઇકોર્ટમાં લઇ જવાશે. જ્યાં સુધી મૂર્તિઓ પુનઃ સ્થાપિત નહી થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.”
આમ, પાવાગઢમાં જૈન સમાજના આક્રોશના કારણે આ મામલે તાત્કાલિક પગલાં લેવાની અને મૂર્તિઓને પુનઃ સ્થાપિત કરવાની માગ ઊઠી છે.

