અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિતનાં ગુજરાતનાં ૧૪ શહેરોમાં થયો આરંભ: બે વર્ષમાં મુંબઈ, નાગપુર, પુણે, કલકત્તા સહિતનાં ૫૦૦+ નાનાં-મોટાં શહેરોમાં કરશે વિસ્તાર
કેન્દ્રીય પ્રધાન અમિત શાહે ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ગુજરાતમાં ભારત ટૅક્સીનો પ્રારંભ કરાવ્યો હતો.
કેન્દ્રીય ગૃહ અને સહકારપ્રધાન અમિત શાહે ગઈ કાલે ગાંધીનગરમાંથી સહકારી ધોરણે ચાલનારી દેશની પ્રથમ ટૅક્સી-સેવા ભારત ટૅક્સીનો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિતનાં ગુજરાતનાં ૧૪ શહેરોમાં સત્તાવાર રીતે પ્રારંભ કરાવ્યો હતો. આવનારાં બે વર્ષમાં ભારત ટૅક્સી મુંબઈ, નાગપુર, પુણે, કલકત્તા સહિતનાં શહેરોમાં વિસ્તાર કરશે.
ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવી સહિત પ્રધાનમંડળના સભ્યોની ઉપસ્થિતિમાં અમિત શાહે ભારત ટૅક્સીનો શુભારંભ કરાવીને કહ્યું હતું કે ‘આ નવીન પહેલથી ટૂ-વ્હીલર, ઑટોરિક્ષા અને ફોર-વ્હીલર ચલાવતા દેશના લાખો વાહનચાલકોને ખાનગી ઍપ આધારિત કંપનીઓના શોષણમાંથી મુક્તિ મળશે. આ પહેલથી વાહનચાલકો ડ્રાઇવર નહીં, પરંતુ સારથિ અને માલિક છે. આજે દેશભરમાં ૭ લાખથી વધુ સારથિઓ ૧૦૦ રૂપિયાના શૅર સાથે ભારત ટૅક્સીના સહમાલિક-શૅરહોલ્ડર બન્યા છે. આ મૉડલ માત્ર ગ્રાહકોને વાજબી ભાવે સુરક્ષિત સવારી જ નથી આપતું; સારથિઓને સન્માન, સુરક્ષા અને સમૃદ્ધિની ગૅરન્ટી પણ આપે છે.’
ADVERTISEMENT
આગામી બે વર્ષમાં ભારત ટૅક્સી નાગપુર, પુણે, મુંબઈ, લખનઉ, ચંડીગઢ, જયપુર અને કલકત્તા જેવાં દેશનાં ૫૦૦થી વધુ નાનાં-મોટાં શહેરોમાં પોતાનો વિસ્તાર કરશે. - અમિત શાહ
અમિત શાહ, ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી ભારત ટૅક્સીમાં બેસીને મહાત્મા મંદિરમાં આવ્યા હતા.
