ગુજરાતનું ઐતિહાસિક શહેર સુરત, જે હીરા, કાપડ અને મીઠાઈ માટે જગવિખ્યાત છે. અહીં ઘારી જેટલી લોકપ્રિય છે, તેટલું જ વિશેષ સ્થાન ‘સગલા-બગલા’ મીઠાઈએ પણ મેળવ્યું છે. કાજુ-પિસ્તાના માવાથી સમૃદ્ધ બનેલી આ મીઠાઈની બાહ્ય રચના એટલી નાજુક છે કે કાગળ કરતાં પણ પાતળી પડથી બનેલી હોય છે—ખારી બિસ્કિટના પડ પણ તેની સામે ઝાંખા લાગે. આ સગલાબગલાને ત્રિકોણ બોક્સમાં જોતા જ મોઢામાં પાણી આવી જાય. જ્યારે મેં બોક્સ ખોલ્યું ત્યારે તેની લલચાવતી સુગંધ આખા વાતાવરણમાં છવાઈ ગઈ. દરેક પડમાંથી ઘી ની મધુર સુગંધ અનુભવાઈ. ઉપરથી ક્રિસ્પી દેખાતી આ મીઠાઈ જ્યારે મોઢામાં મૂકી, ત્યારે આ... હા... હા... હા... એક અલૌકિક સ્વાદની જુગલબંધીનો અનુભવ થયો—એવો કે ફરી ફરીને ખાવાનું મન થાય. એક કલાક સુધી તો પાણી પીવાનું પણ મન ન થયું—એટલો એનો સ્વાદ દાઢે રહી ગયો. આ મીઠાઈ સ્વાદમાં ગળી જાય છે પણ અતિશય મીઠી નથી લાગતી. કાજુ, પિસ્તા અને ઈલાયચીથી ભરેલો નરમ માવો અને પાતળી, કડક પફી લેયરની સંગત સાથે આ મીઠાઈએ મને યાદગાર અને ‘એક નંબર’ના સ્વાદનો અનુભવ કરાવ્યો.
ગુજરાતમાં રેસ્ટોરન્ટ્સ અને સ્ટ્રીટ ફુડ વિશે લખનારાઓમાં પૂજા સાંગાણીનું નામ જાણીતું છે. મિડ-ડે અખબારમાં લગલગાટ બે વર્ષ સુધી ખાઇ પીને મોજ નામની કોલમથી તેઓએ ગુજરાતી ફુડને સ્વાદ રસિયાઓ સમક્ષ રજૂ કર્યું ત્યારે હવે તેઓ ડિજિટલી સ્વાદની "જ્યાફત" આપણી સાથે શૅર કરશે. ફૂડી પૂજા ગાંધીનગરમાં જન્મ્યાં અને વડોદરામાં ઉછર્યાં. અંગ્રેજી સાહિત્યમાં માર્સ્ટર્સ કરનારા પૂજા ગુજરાતી અને અંગ્રેજી બંન્ને ભાષામાં કોન્ટેન્ટ રાઇટિંગ કરતાં આવ્યા છે. તે ફૂડ રાઇટર જ નહીં પણ ફૂડ બ્લોગર પણ છે અને સોશ્યલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પણ કામ કરે છે. ફૂડ બ્લોગર, ફૂડ લેખિકા અને સોશિયલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પોતાના અનુભવનો લોકોને લાભ આપે છે. તેઓ સોશ્યલ મીડિયા પર પણ પોતાના લખાણો મુકે છે તથા તેમના કામને પગલે બે એવોર્ડ પણ તેઓ મેળવી ચૂક્યાં છે. નવા રેસ્ટરન્ટ્સ ખૂલે કે કોઇ નવો ફૂડ ટ્રેન્ડ હોય તે અચૂક ત્યાં પહોંચે અને સ્વાદ રસિકોને માર્ગદર્શન પણ આપતા રહે છે. ચાલો માણીએ જ્યાફત. (તસવીરો : પૂજા સાંગાણી)
10 May, 2025 06:27 IST | Surat | Gujarati Mid-day Online Correspondent