ગ્રામીણ સંસ્કૃતિ, પાઘડી, કોટી, ચોરણી, અણિયાળી મૂછો ધરાવતા શૂટર્સ, સાડી પહેરેલી મહિલા, છકડો, મુંબઈની ટ્રેન જેવા પોતીકા બૅકડ્રૉપ સાથે સુરતના જેમિશ લખાણીએ ‘સ્કારફૉલ – ધ રૉયલ કૉમ્બેટ’ નામની ગેમ બનાવી છે જેને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પણ શાબાશી મળી છે
જેમિશ લખાણી.
એક સમયે ગિલ્લીદંડા, નાગોલચુ, ચોમાસામાં ખોચમણી જેવી રમતો બાળકો રમતાં હતાં. એ પછીના સમયમાં સુપરમારિયો ગેમ આવી; કૅન્ડીક્રશ, પઝલ્સ, કારરેસ સહિતની ગેમ્સ આવી. આજે ક્લાઉડ ગેમિંગ, વર્ચ્યુઅલ અને ઑગ્મેન્ટેડ રિયલિટીવાળી ગેમ્સનો સમય છે. ગેમ્સના શોખીનો તો ખરા જ; પણ નાના-મોટા સૌ સમય મળે ત્યારે ગેમિંગ ઝોનમાં કે પછી મોબાઇલ, લૅપટૉપ, કમ્પ્યુટર કે અન્ય ગૅજેટ્સ પર ગેમ્સ રમવાનો મોહ છોડી શકતા નથી ત્યારે આવીબધી ગેમ્સ રમવાના શોખીન એવા સુરતના યુવાન જેમિશ લખાણીને ગેમ બનાવવાનો એવો તો ચસકો લાગ્યો કે આજે તેની ગેમ્સ દુનિયામાં રમાઈ રહી છે. કૉલેજકાળમાં ગેમ રમતાં-રમતાં આ યુવાનને એવો વિચાર આવ્યો કે મારા સહિત ભારતના ઘણાબધા ભારતીયો વિદેશી ગેમ્સ રમે છે તો આપણી પોતાની જ ગેમ કેમ ન હોય? આ એક વિચારે જેમિશ લખાણીને આજે ગેમ ડેવલપર બનાવી દીધો છે. ગેમ પણ એવી બનાવી કે એમાં ભારતીય સંસ્કૃતિની સાથે ગુજરાતી ગ્રામીણ ટચ પણ આપ્યો જેથી ગેમ રમનાર ભારતીયને આ ગેમ પોતીકી લાગે.
ગેમ્સ બનાવવાનો વિચાર કેવી રીતે સ્ફુર્યો?
ADVERTISEMENT
ગેમિંગની દુનિયામાં પોતાના સ્ટાર્ટઅપ વિશે અને એની પાછળ કયાં પરિબળો છે એની વાત કરતાં જેમિશ લખાણી ‘મિડ-ડે’ને કહે છે, ‘હું સુરતમાં રહું છું અને જળગાવમાંથી ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી (IT) એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો એ પછી પુણેમાંથી માસ્ટર ઑફ બિઝનેસ ઍડ્મિનિસ્ટ્રેશન (MBA)નો અભ્યાસ કર્યો છે. હું ૨૦૧૩નો પાસઆઉટ છું. કૉલેજમાં અભ્યાસ કરતો હતો ત્યારથી ગેમ રમવાનો શોખ હતો. એ સમયે મનમાં એમ થતું કે આપણે વિદેશી ગેમ્સ રમીએ છીએ તો ભારતની ગેમ્સ હોય તો કેવું સારું. એટલે આ વિચાર સાથે મેં મારા માટે એક ગેમ ડેવલપ કરી. આ ગેમ મેં માર્કેટમાં લોકોને બતાવી. લોકોને એ રમવા આપી તો બધાને મજા આવી. એનાથી મને બૂસ્ટ મળ્યું અને થયું કે આ ગેમ હું માર્કેટમાં લૉન્ચ કરું એમ વિચારીને ૨૦૧૭માં આ ગેમ લૉન્ચ કરી. આ ગેમનું નામ મેઝ મિલિટિયા રાખ્યું હતું. આ ગેમ મલ્ટિપ્લેયર ગેમ હતી જેમાં દરેક વખતે સ્ટ્રૅટેજી અલગ-અલગ રહેતી જેથી લોકોનું એન્ગેજમેન્ટ હાઈ રહેતું. આ ગેમ ઇન્ડોનેશિયા, ઇરાક, ઈરાન, ફિલિપીન્સ, બ્રાઝિલમાં ચાલી હતી. આ ગેમમાં સફળ થતાં અમે બીજી ત્રણ ગેમ્સ બનાવી, પણ એમાં એટલી સફળતા ન મળી.’
સ્કારફૉલ 2નું પોસ્ટર.
શરૂઆતમાં ઝાઝી સફળતા ન મળી, પણ હિંમત રાખી
પહેલી ગેમમાં સફળતા મળી, લોકો બહુ રમ્યા; પણ એ પછી બનાવેલી ગેમ્સમાં ઝાઝી સફળતા ન મળી. એમ છતાં હિંમત હાર્યો નહીં, આગળ વધવાનું લક્ષ્ય રાખ્યું અને નવું સર્જન થયું એ વિશે વાત કરતાં જેમિશ લખાણી કહે છે, ‘બે-ત્રણ ગેમ બનાવી પણ એમાં એટલી સફળતા ન મળી એટલે થોડું મન વ્યાકુળ થયું, પણ હિંમત હાર્યો નહીં અને ૨૦૧૯માં ‘સ્કારફૉલ – ધ રૉયલ કૉમ્બેટ’ નામની વધુ એક ગેમિંગ ઍપ બનાવી જેમાં ગુજરાતી ગ્રામીણ લુક સાથેનાં પાત્રોનું સર્જન કર્યું હતું. આ દરમ્યાન ડિજિટલ ઇન્ડિયા આત્મનિર્ભર ભારત ઍપ ઇનોવેશન ચૅલેન્જ ૨૦૨૦માં થઈ હતી. એમાં આ ગેમ સાથે ભાગ લીધો અને મને ગેમ્સ કૅટેગરીમાં બીજું સ્થાન મળ્યું. આનાથી હું પ્રોત્સાહિત થયો હતો. બીજી તરફ લોકોને ખબર પડી કે આવી ગેમ ભારતમાં પણ લોકો બનાવે છે. શરૂઆતમાં મને ઘણીબધી મુશ્કેલીઓ આવી, પણ હું હિંમત હાર્યો નહીં અને મારું કામ ચાલુ રાખ્યું.’
સ્ટાર્ટઅપ શરૂ કરીને લોકલ ટૅલન્ટને જોડી
કોઈ પણ વ્યક્તિને જો પ્રોત્સાહન મળે અને તેના કામની કદર થાય તો તે વ્યક્તિ તેના ફીલ્ડમાં ચોક્કસ આગળ વધે છે અને જેમિશ લખાણીના કેસમાં પણ એવું જ કંઈક બન્યું એની વાત કરતાં તેઓ કહે છે, ‘૨૦૧૬માં સુરતમાં એક્સસ્ક્વૉડ્ઝ (XSQUADS) નામ સાથે સ્ટાર્ટઅપ શરૂ કર્યું ત્યારે મારા સહિત ચાર જણ હતા. આજે મારે ત્યાં ૪૦ જણનો સ્ટાફ કામ કરે છે જેમાં સ્થાનિક ટૅલન્ટને પણ આ કામમાં જોડીને ટીમ બનાવી છે. ૨૦૧૭માં મેઝ મિલિટિયા ગેમ બનાવી, ૨૦૧૮માં કન્ટ્રી વૉર અને શૂટિંગ હીરોઝ લેજન્ડ્સ બનાવી અને ૨૦૧૯માં સ્કારફૉલ – ધ રૉયલ કૉમ્બેટ ગેમ બનાવી. ૨૦૧૯માં મેં સ્કારફૉલ ગેમ બનાવીને લૉન્ચ કરી હતી જેમાં ભારતીય સંસ્કૃતિ અને પહેરવેશ સાથે ભારતીય માહોલ ક્રીએટ કર્યો. આ ગેમ સંપૂર્ણ રીતે સુરતમાં ડિઝાઇન અને ડેવલપ કરી હતી. આ ગેમને અત્યાર સુધીમાં ૩૫ મિલ્યન ડાઉનલોડ મળ્યા છે.’
સુરતમાં કામ કરી રહેલા કર્મચારીઓ.
ગુજરાતી સાથે ભારતીય ટચ અપાયો ગેમમાં
સ્કારફૉલ વનને સફળતા મળી એટલે ઉત્સાહ બેવડાયો અને જેમિશ લખાણીએ સ્કારફૉલ ટૂ બનાવી અને એમાં પણ દેશી ટચ આપ્યો એની છણાવટ કરતાં તેઓ કહે છે, ‘સ્કારફૉલ વન ગેમ ચાલી એટલે સ્વાભાવિક રીતે ખુશી થાય. આ ગેમ ચાલી એટલે એનું નવું વર્ઝન લાવી રહ્યા છીએ. આમ તો જોકે નવું વર્ઝન બની ગયું છે, એને હવે લૉન્ચ કરવાનું જ બાકી છે. સ્કારફૉલ ટૂ બનાવી છે એ કંઈ ઈઝી રીતે નથી બની ગઈ. એના માટે ખાસ્સી મહેનત લાગી છે. આ ગેમ બનાવવા ચાર વર્ષથી કામ કરતા હતા ત્યારે જઈને ભારતીય ટચ સાથેની ગેમ બની છે. ઈઝી નથી કે ગેમ એક-બે મહિનામાં બની જાય. સ્કારફૉલની બન્ને ગેમમાં ગુજરાતી ગ્રામીણ સાથે ભારતીય ટચ આપ્યો છે. ગુજરાતી છકડો, ગુજરાતી આઉટફિટ્સ અને મુંબઈનો મૅપ બનાવ્યો છે; આંદામાન-નિકોબારની જેલ બનાવી છે. આ ટાઇપનું ભારતીય કન્ટેન્ટ છે. મારે આ ગેમમાં આપણી પોતીકી વાતને ટચ આપવો હતો એટલે શહેરો અને ગામડાની સંસ્કૃતિ, પાઘડી, કોટિ, ચોરણી, અણિયાળી મૂછો ધરાવતા શૂટર્સ, સાડી પહેરેલી મહિલા, છકડો, મુંબઈની લોકલ ટ્રેન, ટૅક્સી સહિતની આપણી પોતાની વસ્તુઓને ગેમમાં સામેલ કરીને ગ્રામીણ ટચવાળી આપણી ગેમ ડેવલપ કરી છે. સ્કારફૉલ ટૂ ઑગસ્ટમાં લૉન્ચ કરવાના છીએ, પરંતુ અત્યારે આ ગેમનો એક લાખ જેટલા સિલેક્ટેડ પ્લેયરને અર્લી ઍક્સેસ આપ્યો છે.’
ગેમ્સમાં એક થ્રિલ હોય છે, એનો એક અલગ અનુભવ હોય છે અને એમાં લોકો ઓતપ્રોત થતા હોય છે ત્યારે જો તમે ગેમ્સના રસિયા હો તો કદાચ સુરતના જેનિસ લખાણીની ગેમ તમને રોમાંચ સાથે એક અલગ પ્રકારનો અનુભવ કરાવી શકે છે.
એવી ગેમ ડેવલપ કરી કે નરેન્દ્ર મોદીએ પણ આપી શાબાશી
ગુજરાત સાથે ભારતીય વાતને વણી લઈને ગેમ બનાવનાર જેમિશ લખાણીની છકડો, ચોરણી, સાડી સાથેની ગ્રામીણ ટચ આપતી ગેમ જોઈને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને શાબાશી આપી હતી. જેમિશ લખાણી કહે છે, ‘થોડા સમય પહેલાં મુંબઈમાં વર્લ્ડ ઑડિયો વિઝ્યુઅલ ઍન્ડ એન્ટરટેઇનમેન્ટ સમિટ (WAVES) યોજાઈ હતી એમાં મેં પણ ભાગ લીધો હતો. ત્યાં મારો સ્ટૉલ હતો. આ સમિટમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવ્યા હતા. તેઓ સ્ટૉલ્સની મુલાકાત લઈ રહ્યા હતા. અમારા સ્ટૉલ પર પણ આવ્યા ત્યારે મેં તેમની સાથે વાત કરીને આ ગેમ કેવી રીતે બનાવી, એમાં ગુજરાતી સહિત ભારતીય સંસ્કૃતિને કેમ આવરી લીધી એ સહિતની માહિતી જણાવીને આ ગેમ સુરતમાં જ બનાવી છે એમ જણાવીને કહ્યું હતું કે આ ડિજિટલ ઇન્ડિયાનું ઉદાહરણ છે અને લોકલ ટૅલન્ટ થ્રૂ આ ગેમ બનાવી છે. આ વાત જાણીને તેમણે મારી પીઠ થાબડીને મને શાબાશી આપી હતી અને થમ્સઅપ કરીને સરસ–સરસ બોલ્યા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું આ પ્રોત્સાહન મળ્યું એનાથી હું અને મારી ટીમ પ્રોત્સાહિત થયાં છીએ.’

