અમદાવાદમાં ભદ્રેશ્વરના આરાથી સપ્તર્ષિના આરા સુધીમાં અનેક પ્રાચીન દંતકથારૂપ શિવમંદિરો છે. કોઈ સાબરમતીના તટમાં ધરબાઈ ગયાં છે તો કોઈ છે અવાવરુ હાલતમાં. પાંચ પાંડવોએ સ્થાપેલાં શિવલિંગ, શિવજીનું ઋણ ઉતારવા રાજા ઇન્દ્રએ સ્થાપેલું શિવલિંગ, દધીચિ ઋષિનાં હાડકાંમાંથી ખડગ બનાવીને રાક્ષસનો નાશ કરી બનાવેલું શિવમંદિર અને એકસાથે બાર જ્યોતિર્લિંગ સાથેનું શિવાલય. ચાલો, શ્રાવણમાં ઐતિહાસિક શિવાલયોની સફરે
‘શંભુ ચરણે પડી માગું ઘડી રે ઘડી કષ્ટ કાપો,
દયા કરી દર્શન શિવ આપો...’
દેવાધિદેવ મહાદેવનાં શિવાલયોમાં આજકાલ અલખની આરાધનાનો આધ્યાત્મિક માહોલ સર્જાયો છે. શ્રાવણમાં શિવભક્તો ભોળા શંભુની પૂજાઅર્ચનામાં, ભજન-કીર્તનમાં લીન થઈ શિવજીને પ્રાર્થના કરી રહ્યા છે. ઘણા ભક્તો બાર જ્યોતિર્લિંગનાં કે પછી ભારતમાં આવેલાં પૌરાણિક શિવમંદિરોના દર્શને પણ નીકળતા હોય છે ત્યારે હેરિટેજ શહેર અમદાવાદમાં શિવાલયોનો ઇતિહાસ ધરબાયો છે. એક સમયે અમદાવાદ શહેરના કિલ્લાની બહારથી પસાર થતી સાબરમતી નદીના તટે અનેક શિવમંદિરોમાં ભક્તો પૂજાઅર્ચના કરવા આવતા. અમદાવાદમાં સાબરમતી નદીના તટે ભદ્રેશ્વરનો આરો, ભીમનાથનો આરો, દધીચિનો આરો, સોમનાથ ભુદરનો આરો અને સપ્તર્ષિ એટલે કે સાત ઋષિઓના આરા સહિત કેટલાય ઐતિહાસિક આરા આવેલા છે જ્યાં શિવમંદિરો સ્થપાયેલાં હતાં અને છે. ભદ્રેશ્વરના આરાથી લઈને સપ્તર્ષિના આરા સુધીમાં આવેલા અનેક પ્રાચીન શિવમંદિરો સાથે અનેક દંતકથાઓ જોડાયેલી છે. પાંચ પાંડવોએ સ્થાપેલાં શિવલિંગ હોય કે પછી શિવજીનું ઋણ ઉતારવા રાજા ઇન્દ્રએ સ્થાપેલું શિવલિંગ હોય કે દધીચિ ઋષિનાં હાડકાંમાંથી ખડગ બનાવીને રાક્ષસનો નાશ કરી સ્થપાયેલું શિવલિંગ હોય કે એકસાથે બાર જ્યોતિર્લિંગ સાથેનું શિવમંદિર હોય, આ બધાં શિવાલયો અમદાવાદમાં કોટ વિસ્તાર તરફ નદીકિનારે આવેલાં છે, પણ કાળક્રમે કોઈ શિવમંદિર સાબરમતી નદીના ઘોડાપૂરમાં જમીનમાં ધરબાઈ ગયાં તો કેટલાંક શિવમંદિરો અવાવરું હાલતમાં મુકાઈ ગયાં છે તો કેટલાંક શિવાલયોમાં આજે પણ પૂજાઅર્ચના થઈ રહી છે. ઘણામ શિવાલયો પર હેરિટેજ સ્ટ્રક્ચરના સિમ્બૉલ પણ લગાવેલા છે. જોકે આજે તો સાબરમતી નદી પર રિવરફ્રન્ટ બનતાં શિવમંદિરો નદીકિનારાથી થોડાં દૂર થયાં છે.
પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે સાબરમતીના તટે આવેલાં પૌરાણિક શિવાલયોની સફર કરીને ભોળા શંભુની ભક્તિ કરતાં શિવમંદિરો સાથે જોડાયેલી લોકવાયકાઓ-દંતકથાઓ મંદિરોના પૂજારીઓ, ટ્રસ્ટીઓ પાસેથી જાણીએ.
તસવીરો : જનક પટેલ
10 August, 2025 04:54 IST | Ahmedabad | Shailesh Nayak