Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



તમારી યોગા મૅટ સેફ છેને?

29 April, 2024 10:50 AM IST | Mumbai
Ruchita Shah | ruchita@mid-day.com

તમારામાંથી ઘણાએ યોગા મૅટના ફાઇબરમાંથી અમુક પ્રકારની વાસ આવતી હોવાનો અનુભવ કર્યો જ હશે. ફિલિપના કહેવા મુજબ આ કેમિકલની વાસ ભયંકર જોખમી પુરવાર થઈ શકે છે. 

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


આજે લોકો યોગ તરફ વળ્યા છે સ્વસ્થ રહેવા માટે, પરંતુ યોગ કરવા માટે જે આસનનો ઉપયોગ થતો હોય એ યોગા મૅટ જ જો હેલ્થનો કચ્ચરઘાણ વાળી શકે એવું જાણવા મળે તો? તાજેતરમાં સોશ્યલ મીડિયામાં એક વૈજ્ઞાનિકે મૂકેલી પોસ્ટમાં આવું કહેવામાં આવ્યું છે ત્યારે યોગા મૅટ નુકસાન ન કરે એ માટે એની પસંદગીથી લઈને વપરાશની રીતમાં પણ શું ધ્યાન આપવું એ જાણી લો

દરરોજ સવારે યોગ કરવા બેસો ત્યારે જે આસનનો ઉપયોગ કરો છો એ ટૉક્સિક હોઈ શકે એ વાત માનવામાં આવે છે? જોકે એ હકીકત છે. થોડાક સમય પહેલાં સોશ્યલ મીડિયા પર સાયન્ટિસ્ટ અને કન્ટેન્ટ ક્રીએટર તરીકે હેલ્થને લગતી સલાહ આપતા વૉરેન ફિલિપ નામના માણસે આ મુદ્દાને ઉઠાવ્યો હતો. તમારા શરીરનાં હૉર્મોન્સના સંતુલનથી લઈને ઓવરઑલ હેલ્થ પર તમારી યોગા મૅટની અવળી અસર પડી શકે છે એવો આ રિસર્ચરનો દાવો છે અને એ માટેનાં તેમની પાસે કારણો પણ છે. પોતાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર ફિલિપે યોગા મૅટ બનાવવામાં વપરાતા જોખમી કેમિકલની ચર્ચા કરી છે. તમારામાંથી ઘણાએ યોગા મૅટના ફાઇબરમાંથી અમુક પ્રકારની વાસ આવતી હોવાનો અનુભવ કર્યો જ હશે. ફિલિપના કહેવા મુજબ આ કેમિકલની વાસ ભયંકર જોખમી પુરવાર થઈ શકે છે. 



જોખમી કેમિકલ
સોસાયટી ઑફ પ્લાસ્ટિક એન્જિનિયર્સ વતી ૨૦૨૧માં પ્રકાશિત થયેલો એક અભ્યાસ કહે છે કે પૉલિવિનાઇલ ક્લોરાઇડ (PVC) નામના કેમિકલનો યોગા મૅટમાં ભરપૂર પ્રમાણમાં ઉપયોગ થાય છે. PVCને ‘પૉઇઝન પ્લાસ્ટિક’ તરીકે પણ ઓળખવામાં આવે છે અને આજે લગભગ દરેક પ્રોડક્ટમાં એનો ઉપયોગ શરૂ થયો છે, જેની લાંબા ગાળાની અસર આપણા સ્વાસ્થ્ય પર તો પડી જ રહી છે તથા આપણાં વાતાવરણ અને અન્ય જીવસૃષ્ટિ પણ એનાથી બેહાલ છે. કેટલાંક સર્વેક્ષણો એમ પણ કહે છે કે PVCમાંથી રિલીઝ થતું ક્લોરિન-બેઝ્ડ કેમિકલ કાર્સિનોજેનિક ડાયોક્સિન કૅન્સર કરનારું છે. હૉર્મોનલ સિસ્ટમને ખોરવતું આ કેમિકલ આપણી પીનિઅલ ગ્રંથિને પ્રભાવિત કરે છે, જેને યોગિક ભાષામાં આજ્ઞાચક્રનું સ્થાન મનાય છે. PVC યુક્ત યોગા મૅટ એ રીતે આપણા શારીરિક, માનસિક સ્વાસ્થ્યની સાથે પર્યાવરણ માટે પણ અતિ જોખમી છે. આ એક ભયંકર જોખમી કેમિકલ છે અને એને ડિસ્પોઝ પણ કરી શકાતું નથી એટલે યોગા મૅટમાં કોઈ નવા મટીરિયલનો ઉપયોગ થાય એ મહત્ત્વનું છે. આજે સાડાત્રણસો રૂપિયાથી લઈને પાંચ હજાર રૂપિયા સુધીની યોગા મૅટ મળી રહી છે ત્યારે એમાંનું BPA નામનું કેમિકલ જો શ્વસનમાં જાય કે સ્કિનને સ્પર્શે તો વ્યક્તિ માટે લાંબા ગાળે નુકસાનકારક સાબિત થઈ શકે છે. દિલ્હીની એક હૉસ્પિટલના નિષ્ણાત કહે છે કે આ કેમિકલ એન્ડોક્રાઇન ડિસ્રપ્ટર્સ તરીકે કામ કરે છે, જે તમારી હૉર્મોનલ સિસ્ટમને સીધેસીધી પ્રભાવિત કરવા સમર્થ છે. આજના સમયમાં વ્યક્તિ હૉર્મોનલ ઇમ્બૅલૅન્સ ઘણાબધા કારણે ફેસ કરી જ રહી છે ત્યારે યોગા મૅટથી નવું એક કારણ ઉમેરવામાં કોઈ જ શાણપણ નથી.


ડૉક્ટર શું કહે છે?


યોગા મૅટનાં કેમિકલ શ્વસનમાં જાય તો રીપ્રોડક્ટિવ સિસ્ટમને લગતી સમસ્યા, હૉર્મોનલ ઇમ્બૅલૅન્સ અને કૅન્સર સુધ્ધાં થઈ શકે એ ખરેખર ગંભીર બાબતો છે. જોકે અહીં એક બીજો દૃષ્ટિકોણ વ્યક્ત કરતાં બોરીવલીના જનરલ ફિઝિશ્યન ડૉ. પરેશ મહેતા કહે છે, ‘એવું નથી કે માત્ર યોગા મૅટને જ કારણે આ સમસ્યા થાય. ઇન ફૅક્ટ હું તો કહીશ કે યોગા મૅટનો નંબર તો સૌથી છેલ્લે આવે. અત્યારે આપણી લાઇફમાં જે રીતે પ્લાસ્ટિકનો વપરાશ વધી રહ્યો છે, ખાસ કરીને ખાણીપીણીની વસ્તુઓમાં, એ લાંબા ગાળે અમુક પ્રકારની ગંભીર બીમારીઓમાં મહત્ત્વનું કારણ બની શકે છે. યોગા મૅટથી આવું થાય એવો કોઈ અભ્યાસ મારા ધ્યાનમાં નથી. બેશક હાઇજીનની દૃષ્ટિએ જો તમે યોગા મૅટની સ્વચ્છતા પર બરાબર ધ્યાન ન આપો તો સ્કિનને લગતી સમસ્યાઓ સો ટકા થઈ શકે અને એવું પણ બને કે અમુક હલકી ગુણવત્તાની યોગા મૅટ વાપરતા હો જેમાંથી એના પાર્ટિકલ છૂટા પડતા હોય જે તમે શ્વાસમાં લો તો શ્વસનને લગતી બીમારીઓ પણ થઈ શકે. અહીં ડરવાની જરૂર નથી, પરંતુ થોડા સભાન થવાની જરૂર છે. સાથે હું એ પણ કહીશ કે આજના સમયમાં યોગા મૅટમાં પણ એવા ઘણા સારા પર્યાયો મળતા થયા છે જેનો ઉપયોગ કરી શકો. એ ઉપરાંત આપણા ટ્રેડિશનલ બ્લૅન્કેટ અને ટૉવેલને જો મૅટ પર પાથરીને તમે યોગ કરો તો હાઇજીનને વધુ સારી રીતે જાળવી શકો છો.’


કેવી રીતે ખબર પડે?
યોગા મૅટ હવે ઘણાં અન્ય મટીરિયલમાં પણ ઉપલબ્ધ થઈ છે. એટલે એની ખરીદી કરતાં પહેલાં એની વેબસાઇટ પર જઈને એ શેનાથી બનેલી છે એ ચેક કરો. એનું કેમિકલ કૉમ્પોઝિશન જાણીને ખરીદી કરશો તો તમારા પર અને કુદરત પર એમ બન્ને પર ઉપકાર થશે.

સ્વચ્છતા પર આપજો ધ્યાન
ગાર્મેન્ટમાંથી દુર્ગંધ આવવા માંડી હોય અથવા એ જો મેલી થઈ હોય તો એને સમયસર સાફ કરવી પણ જરૂરી છે. અમુક ડિટર્જન્ટ કે લિક્વિડ સાબુનાં ડ્રૉપ્સ યોગા મૅટ પર નાખીને એને પાણી સાથે મિક્સ કરીને મૅટને ધોઈ લેવી અને પછી એને તડકામાં સૂકવી લેવી. બે મહિને એકાદ વાર આ પ્રયોગ કરવો જોઈએ જો તમે યોગા મૅટના સિંગલ યુઝર હો તો. તમે કોઈ ક્લાસમાં જનરલ યોગા મૅટ વાપરતા હો તો એ બને ત્યાં સુધી અવૉઇડ જ કરવી. આટલું કરવાથી પણ યોગા મૅટને કારણે સ્કિન-ઇન્ફેક્શન જેવી બાબતોથી તમે બચી શકશો.

Whatsapp-channel Whatsapp-channel

29 April, 2024 10:50 AM IST | Mumbai | Ruchita Shah

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK