Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > બિઝનેસ સમાચાર > બ્રૉડર માર્કેટ અને રોકડામાં ઝમક વચ્ચે બજારમાં ધીમા સુધારાની આગેકૂચ

બ્રૉડર માર્કેટ અને રોકડામાં ઝમક વચ્ચે બજારમાં ધીમા સુધારાની આગેકૂચ

15 May, 2024 08:58 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સેન્સેક્સ ૩૨૮ પૉઇન્ટ વધી ૭૩,૧૦૫ તથા નિફ્ટી ૧૧૪ પૉઇન્ટની આગેકૂચમાં ૨૨,૨૧૮ બંધ રહ્યો છે.

પ્રતીકાત્મક તસવીર

માર્કેટ મૂડ

પ્રતીકાત્મક તસવીર


સિમેન્સમાં સારાં પરિણામ સાથે એનર્જી બિઝનેસનું ડીમર્જર જાહેર, શૅરમાં તેજી આગળ વધારશે : બાસ્ફનો ત્રિમાસિક નફો ૨૧ કરોડ વધ્યો અને શૅર ૫૨૦ રૂપિયા ઊછળી નવા શિખરે ગયો : બૉશ લિમિટેડ ૧૨૦૭ રૂપિયાની તેજીમાં ઑલટાઇમ હાઈ, ઝોમાટોમાં રિઝલ્ટની નરમાઈ આગળ વધી : રેલ વિકાસ નિગમને ૨૩૯ કરોડનો ઑર્ડર મળતાં શૅર ઊછળ્યો, માર્કેટકૅપ ૩૭૮૪ કરોડ રૂપિયા વધી ગયું : કોચીન શિપયાર્ડ, માઝગાવ ડૉક અને ગાર્ડન રિચમાં તગડો જમ્પ, અનલિસ્ટેડ માર્કેટમાં એનએસઈનો શૅર ૬૦૦૦ના શિખરે : મુંબઈની રિફ્રેક્ટરી શેપ્સનું ધારણાથી બહેતર લિસ્ટિંગ, આધાર હાઉસિંગ અને ટીબીઓ ટેક આજે લિસ્ટિંગમાં જશે

ફરીથી સરકાર બનાવવાના વિશ્વાસ સાથે શૅરબજારમાં ખરીદી કરવાના સરકારના આહવાનના પગલે બજારમાં ધીમો સુધારો આગળ વધતાં સેન્સેક્સ ૭૩,૦૦૦ની પાર બંધ થયો છે. મંગળવારે શૅરબજારનો આરંભ સહેજ ઘટાડાથી થયો હતો, પરંતુ છેલ્લે સેન્સેક્સ ૩૨૮ પૉઇન્ટ વધી ૭૩,૧૦૫ તથા નિફ્ટી ૧૧૪ પૉઇન્ટની આગેકૂચમાં ૨૨,૨૧૮ બંધ રહ્યો છે. શૅરઆંક ૭૨,૬૮૪ની ઇન્ટ્રા-ડે બૉટમથી ઉપરમાં ૭૩,૨૮૬ દેખાયો હતો. નિફ્ટી ફાર્મા તથા હેલ્થકૅરની નહીંવત નબળાઈ બાદ કરતાં બન્ને બજારના તમામ ઇન્ડાઇસિસ વધ્યા છે. સેન્સેક્સ-નિફ્ટીના અડધા ટકાના મુકાબલે પાવર, મેટલ, કૅપિટલ ગુડ્સ, યુટિલિટીઝ, ટેલિકૉમ, પીએસયુ જેવા સેક્ટોરલ બેથી પોણાત્રણ ટકા તો ઑટો, નિફ્ટી મીડિયા, એનર્જી, ઑઇલ-ગૅસ જેવા બેન્ચમાર્ક સવાથી પોણાબે ટકા મજબૂત હતા. સ્મૉલકૅપ ઇન્ડેક્સ પોણાબે ટકા, મિડકૅપ સવા ટકો અને બ્રૉડર માર્કેટ પોણા ટકાથી વધુ પ્લસ થતાં માર્કેટ બ્રેડ્થ ખાસ્સી સ્ટ્રૉન્ગ બની છે. એનએસઈમાં વધેલા ૧૭૩૬ શૅરની સામે માત્ર ૫૩૫ જાતો માઇનસ હતી. બજારનું માર્કેટકૅપ સાડાચાર લાખ કરોડના ઉમેરામાં ૪૦૧.૯૧ લાખ કરોડની નજીક પહોંચ્યું છે.


બહુમતી એશિયન બજારો મંગળવારે પણ ધીમા સુધારામાં રહ્યાં છે. હૉન્ગકૉન્ગ, ચીન તથા ઇન્ડોનેશિયા નજીવા નરમ હતાં. તાઇવાન તથા જપાન અડધા ટકા આસપાસ વધ્યાં છે. યુરોપ રનિંગમાં ફ્લૅટ જણાતું હતું. પાકિસ્તાની શૅરબજારની આખલા-દોડ જારી છે. કરાચી સ્ટૉક ઇન્ડેક્સ ગઈ કાલે ૭૪,૫૭૫ની નવી ઑલટાઇમ હાઈ બનાવી ૭૫૧ પૉઇન્ટ ઊંચકાઈ ૭૪,૫૫૦ બંધ આવ્યો છે. 
બજારમાં ધીમા સુધારા વચ્ચે પણ કંઈક અણધાર્યું બનવાની આશંકા અકબંધ છે. ફીઅર ઇન્ડેક્સ કે વીકસ ઇન્ડિયા ૨૧.૮૮ની વર્ષની નવી ટૉપ બતાવી ૨૦.૪૫ બંધ રહ્યો છે. ૨૩ એપ્રિલે આ આંક ૮.૧૮ના મલ્ટિપલ વર્ષની નીચી સપાટીએ ગયો હતો. બજારના જાણકારો માને છે કે ૪૦૦ પારની વાત જવા દો, બીજેપીની ૩૦૦ બેઠક આવે તો પણ બહુ છે અને માર્કેટ હવે ધીમે-ધીમે ૩૦૦ સીટના ગણિત સાથે ઍડ્જસ્ટ થવા મથી રહ્યું છે. જ્યાં સુધી આ ગણિતમાં ગરબડ ન થાય ત્યાં સુધી બજારમાં બહુ મોટી ખરાબી નહીં આવે. હવે પછીની ચાલ આ ૩૦૦ના લેવલમાં પ્લસ કે માઇનસના આકલન પર આધારિત રહેશે. 

અમિત શાહના હુંકાર પાછળ અદાણી મજબૂત, અંબાણીના શૅર સુધારામાં
અમિત શાહ તરફથી જીતના હુંકાર સાથે ૪ જૂન પછી તેજીની ખાતરી અપાતાં બજારને સાધારણ જોર આવ્યું છે. સેન્સેક્સ નિફ્ટી અડધો ટકો વધ્યા છે, પરંતુ અદાણીના શૅરો ભારે જોશમાં જોવાયા છે. ગઈ કાલે અદાણીના ૧૧માંથી ૧૧ શૅર પ્લસ હતા. ફ્લૅગશિપ અદાણી એન્ટર અઢી ગણા કામકાજે ઉપરમાં ૩૦૪૫ થઈ ૫.૫ ટકા ઊછળી ૩૦૩૭ના બંધમાં નિફ્ટી ખાતે ટૉપ ગેઇનર બની છે. અદાણી પોર્ટ્સ ૧.૯ ટકા, અદાણી પાવર સાડાપાંચ ટકા, અદાણી એનર્જી ત્રણ ટકા, અદાણી ગ્રીન ૪.૩ ટકા, અદાણી ટોટલ પોણાછ ટકા, અદાણી વિલ્મર સવાબે ટકા, એસીસી સવાચાર ટકા, અંબુજા સિમેન્ટ્સ ચાર ટકા, એનડીટીવી ૧.૯ ટકા અને સાંધી ઇન્ડસ્ટ્રીઝ અઢી ટકા વધીને બંધ થઈ છે. 



મુકેશ અંબાણી ગ્રુપની વાત કરીએ તો રિલાયન્સ સવા ટકો વધી ૨૮૪૦ બંધ રહેતાં બજારને ૧૦૪ પૉઇન્ટનો ફાયદો થયો છે. ગ્રુપના અન્ય શૅરમાં જિયો ફાઇ. સર્વિસિસ ૩.૩ ટકા, રિલાયન્સ ઇન્ડ. ઇન્ફ્રા ૩.૪ ટકા, ડેન નેટવર્ક પોણાછ ટકા, હૅથવે કેબલ્સ બે ટકા, આલોક ઇન્ડ. ૨.૮ ટકા, સ્ટર્લિંગ વિલ્સન પાંચ ટકાની ઉપલી સર્કિટે ૭૨૪ થઈ ત્યાં જ, નેટવર્ક-૧૮ પાંચ ટકા વધીને બંધ આવી છે. ટીવી-૧૮ એક ટકો પ્લસ તો જસ્ટ ડાયલ એક ટકો નરમ હતી. લોટસ ચૉકલેટ અડધો ટકો વધી ૩૯૩ રહી છે. મુકેશ મિત્ર આનંદ જૈનની જય કૉર્પ ૨.૭ ટકાના સુધારે ૨૯૫ હતી. સુભાષ ગોએલની ઝી એન્ટર દોઢ ટકા, ઝી મીડિયા સાડાછ ટકા, ડિશ ટીવી ૨.૩ ટકા અપ હતી. પતંજલિ ફૂડ્સ સાધારણ સુધારામાં ૧૩૩૬ થઈ છે. મોનાર્ક નેટવર્થ અડધો ટકો વધી છે તો ક્વિન્ટ ડિજિટલ સવાબે ટકા ઘટી હતી. દરમ્યાન અનલિસ્ટેડ માર્કેટમાં એનએસઈના શૅરનો ભાવ વધીને ૬૦૦૦ રૂપિયાના સર્વોચ્ચ શિખરે ગયો છે. ફેસવૅલ્યુ એકની છે. કંપનીએ તાજેતરમાં સારા પરિણામ સાથે ૯૦૦૦ ટકાનું (શૅરદીઠ ૯૦ રૂપિયા) ડિવિડન્ડ અને એક શૅરદીઠ ચાર શૅરનું બોનસ જાહેર કરેલું છે. બોનસ માટેની રેકૉર્ડ ડેટ નક્કી થવી બાકી છે. 

રેલવે અને પીએસયુ શૅરો ઝમકમાં, એનર્જી અને મેટલ મજબૂત 
રેલ વિકાસ નિગમને સાઉથ રેલવે તરફથી ૨૩૯ કરોડનો ઑર્ડર મળ્યાના અહેવાલે શૅર અઢી ગણા કામકાજે ઉપરમાં ૨૭૬ થઈ સાત ટકા વધી ૨૭૪ બંધ થયો છે. ૨૩૯ કરોડનો ઑર્ડર મળતાં કંપનીનું માર્કેટકૅપ ૩૭૮૪ કરોડ વધી જાય એ નવાઈ કહેવાય. જોકે ગઈ કાલે રેલવે શૅરો એકંદરે ઝમકમાં હતા. રેલટેલ કૉર્પોરેશન ત્રણ ગણા કામકાજે ઉપરમાં ૩૯૪ થઈ સાડાનવ ટકાના ઉછાળે ૩૯૧ થયો છે. આઇઆરએફસી ૭.૭ ટકા, ઇરકોન ઇન્ટર. ૭.૯ ટકા, રાઇટસ પાંચ ટકા, ભારત અર્થ મૂવર ૩.૪ ટકા, હિન્દ રેક્ટિફાયર્સ ૪.૯ ટકા, ટેક્સમાકો રેલ ૩.૯ ટકા મજબૂત હતી. પીએસયુ ઇન્ડેક્સ પણ ૫૬માંથી ૫૧ શૅરના સુધારામાં બે ટકા પ્લસ થયો છે. કોચીન શિપયાર્ડને યુરોપિયન ક્લાયન્ટ તરફથી મોટો ઑર્ડર મળતાં શૅર ૧૩૫૫ની ઇન્ટ્રા-ડે હાઈ બાદ ૧૨.૩ ટકા કે ૧૪૭ રૂપિયાના જમ્પમાં ૧૩૪૨ થયો છે. માઝગાવ ડૉક ૯.૫ ટકા કે ૨૦૩ રૂપિયા તો ગાર્ડન રિચશિપ બિલ્ડર્સ ૮.૫ ટકાની તેજીમાં હતી. એન્જિનિયર્સ ઇન્ડિયા નવ ટકાના જોરમાં ૨૪૫ થઈ છે. નાલ્કો ૭.૨ ટકા, ભારત ડાયનેમિક્સ ૬.૮ ટકા, સેઇલ ૪.૯ ટકા, હુડકો આઠ ટકા, હિન્દુસ્તાન કૉપર ૩.૩ ટકા, એમટીએનએલ ૧૦ ટકા, એન્ડ્રુયેલ ૩.૬ ટકા, ન્યુ ઇન્ડિયા એશ્યૉરન્સ સવાત્રણ ટકા, એનએમડીસી સાડાત્રણ ટકા, એલઆઇટી ૪.૪ ટકા ઊંચકાઈ છે. ગઈ કાલે મેટલ, એનર્જી, ઑઇલ-ગૅસ, પાવર, યુટિલિટીઝ બેન્ચમાર્ક દોઢથી પોણાત્રણ ટકા મજબૂત થયા છે. અદાણી ટોટલ, ચેન્નઈ પેટ્રો, સાંડૂર મૅન્ગેનીઝ, હિન્દુસ્તાન ઑઇલ એકસ્પ્લોરેશન, ગેઇલ, ગુજરાત ઇન્ડ. પાવર, અદાણી પાવર, રિલાયન્સ પાવર, ઈએમએસ લિમિટેડ, કેપીઆઇ ગ્રીન, જેપી પાવર, વાટેક વાબેગ, ટૉરન્ટ પાવર, તાતા પાવર, વેદાન્ત, જિંદલ સ્ટીલ, જિંદલ સ્ટેનલેસ, લિન્ડે ઇન્ડિયા, એનએચપીસી જેવી જાતો ત્રણ ટકાથી માંડી સાત ટકા સુધી ઝળકી છે. 

જામનગરની વિન્સોલ એન્જિનિયર્સમાં ૪૧૧ ટકાનો માતબર લિસ્ટિંગ ગેઇન 
મંગળવારે ત્રણ એસએમઈ આઇપીઓ લિસ્ટેડ થયા છે. જામનગરી વિન્સોલ એન્જિનિયર્સ ૭૫ની ઇશ્યુ પ્રાઇસ અને ગ્રે માર્કેટના ૧૯૯ના પ્રીમિયમ સામે ટનાટન લિસ્ટિંગમાં ૩૬૫ ખૂલી ૫ ટકાની ઉપલી સર્કિટમાં ૩૮૩ વટાવી ત્યાં જ બંધ થતાં એમાં ૪૧૧ ટકાનો કે શૅરદીઠ ૩૦૮ રૂપિયાનો જબ્બર લિસ્ટિંગ ગેઇન છૂટ્યો છે. મુંબઈના અંધેરીની રિફ્રેક્ટરી શેપ્સ ૩૧ની ઇશ્યુ પ્રાઇસ અને ૨૦ના પ્રીમિયમ સામે ૭૫ ખૂલી ઉપલી સર્કિટે ૭૮ને પાર થઈ ત્યાં બંધ આવતાં એમાંય ૧૫૪ ટકા કે શૅરદીઠ ૪૮ રૂપિયાનું મઝેદાર રિટર્ન મળ્યું છે. તો દિલ્હીની ફાઇન લિસ્ટિંગ્સ ટેક્નૉલૉજીઝ ૧૨૩ની ઇશ્યુ પ્રાઇસ તથા ૨૧ના પ્રીમિયમ સામે નબળા લિસ્ટિંગમાં ૧૨૭ ખૂલી તેજીની સર્કિટમાં ૧૩૩ વટાવી ત્યાં બંધ રહી હોવાથી એમાં ૮.૪ ટકાનો મામૂલી લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. આગલા દિવસે ૨૬ ટકાનો લિસ્ટિંગ ગેઇન આપનાર ઇન્ડિજેન ૨.૮ ટકા ઘટી ૫૫૪ રહી છે. 

બુધવારે મેઇન બોર્ડમાં આધાર હાઉસિંગ અને ટીબીઓ ટેકનું લિસ્ટિંગ છે. આધાર હાઉસિંગમાં ૩૧૫ની ઇશ્યુ પ્રાઇસ સામે ગ્રે માર્કેટમાં ૫૦નું અને ટીબીઓમાં ૯૨૦ની ઇશ્યુ પ્રાઇસ સામે ૩૭૫નું પ્રીમિયમ બોલાય છે. આ ઉપરાંત એસએમઈ કંપની ટીજીઆઇએફ ઍગ્રી બિઝનેસમાં ૯૩ની ઇશ્યુ પ્રાઇસ પર ૬૦ તથા સિલ્કફ્લેક્સ પોલિમર્સમાં ૫૨ની ઇશ્યુ પ્રાઇસ સામે ૭ના પ્રીમિયમ છે, એ બન્ને પણ ૧૫મીએ લિસ્ટેડ થશે. એનર્જી મિશન મશીનરીઝનો શૅરદીઠ ૧૩૮ના ભાવનો ૪૧૧૫ લાખનો એસએમઈ ઇશ્યુ ગઈ કાલે કુલ ૩૨૦ ગણા પ્રતિસાદ સાથે પૂરો થયો છે. પ્રીમિયમ સુધરીને ૧૪૫ થયું છે. બુધવારે મેઇન બોર્ડમાં ગો ડિજિટનો ૧૦ના શૅરદીઠ ૨૭૨ની અપર બૅન્ડ સાથે ૨૬૧૫ કરોડનો ઇશ્યુ ખૂલશે. પ્રીમિયમ ૪૪ જેવું છે. SME ઇશ્યુ ક્વેસ્ટ લૅબોરેટરીઝ પણ ૯૭ના ભાવથી ૪૩૧૬ લાખનો ઇશ્યુ આજે કરવાની છે, પ્રીમિયમ નથી.


ભારતી ઍરટેલનાં નબળાં પરિણામ આજે શૅરને ખરડશે?  
ભારતી ઍરટેલનાં પરિણામ બજાર બંધ થયાં પછી આવ્યાં હતાં. કંપનીએ માર્ચ ક્વૉર્ટરમાં સાડાચાર ટકાના વધારામાં ૩૭,૫૯૯ કરોડની આવક પર ૩૧ ટકાના ઘટાડામાં ૨૦૭૨ કરોડ નેટ પ્રૉફિટ મેળવી શૅરદીઠ આઠ રૂપિયાનું ડિવિડન્ડ જાહેર કર્યું છે. નેટ પ્રૉફિટ બજારની ધારણા કરતાં નોંધપાત્ર નીચો આવ્યો છે એ બુધવારે શૅરના ભાવને નડશે. ભારતીનો શૅર ગઈ કાલે નામપૂરતા ઘટાડે ૧૨૮૫ બંધ હતો. ભારતી ઍરટેલની ૭૦ ટકા માલિકીની સબસિડિયરી ભારતી હેક્સાકૉમ નજીવા સુધારે ૯૦૧ બંધ આવ્યો છે. કંપનીએ બજાર બંધ થયા પછી ૧૦ ટકાના વધારામાં ૨૨૩ કરોડ નેટ પ્રૉફિટ કરી શૅરદીઠ ચાર રૂપિયા ડિવિડન્ડ જાહેર કર્યું છે. 

સિમેન્સ ઇન્ડિયાએ બંધ બજારે ૭૪ ટકાના વૃદ્ધિદરથી ૮૯૬ કરોડનો ત્રિમાસિક નફો કર્યો છે. વધુમાં એનર્જી બિઝનેસને ડીમર્જ કરી નવી કંપની સિમેન્સ એનર્જી ઊભી કરવાની જાહેરાત કરી છે. હાલના શૅરધારકોને ડીમર્જરમાં નવી કંપનીનો એક શૅર પ્રત્યેક શૅર બદલ અપાશે. એલેમ્બિક લિમિટેડ ૪૨૫ ટકાની નફાવૃદ્ધિમાં ૧૪.૮ ટકાના ઉછાળે ૧૦૧ નજીક બંધ આવ્યો છે. શ્રોફ ફૅમિલીની યુપીએલ લિમિટેડનો ત્રિમાસિક નફો ૯૫ ટકા ગગડ્યો છે, પણ શૅર માત્ર સાડાચાર ટકા ઘટી ૫૧૦ બંધ થયો છે. બાસ્ફ ઇન્ડિયાનો નફો ૧૫ ટકા વધી ૧૬૧ કરોડ આવતાં શૅર ૪૬૮૯ના શિખરે જઈ પોણાતેર ટકા કે ૫૨૦ રૂપિયાના ઉછાળામાં ૪૬૧૫ વટાવી ગયો છે. 


હીરો મોટોકૉર્પ ૫૦૦૦ ઉપર બંધ, માર્કેટકૅપ લાખ કરોડની પાર થયું  
ઑટોમાં સિલેક્ટિવ શૅરો જોરમાં છે. હીરો મોટોકૉર્પ હેલ્ધી આઉટલુકની થીમમાં ૫૦૫૦ની ઑલટાઇમ હાઈ બનાવી ૩.૨ ટકા કે ૧૫૪ રૂપિયાની આગેકૂચમાં ૫૦૪૨ બંધ થતાં માર્કેટકૅપ ૧.૦૧ લાખ કરોડ નજીક ગયું છે. ભાવ વર્ષે પૂર્વે ૨૬૧૧ હતો. શૅર સપ્તાહમાં ૧૩ ટકા વધી ગયો છે. મહિન્દ્ર ત્રણ ગણા કામકાજે ૨૨૮૦ નજીકનું શિખર બનાવી ૩.૮ ટકા વધીને ૨૨૭૦ના બંધમાં સેન્સેક્સ ખાતે ટૉપ ગેઇનર બની છે. ઑટો કૉમ્પોનન્ટ્સ કંપની બૉશ લિમિટેડ ૩૨,૦૯૧ની વિક્રમી સપાટી હાંસલ કરીને ચાર ટકા કે ૧૨૦૭ જમ્પમાં ૩૧,૯૯૦ રહી છે. ટીવીએસ મોટર્સ ૩.૨ ટકા, અશોક લેલૅન્ડ અઢી ટકા, આઇશર દોઢ ટકા, મારુતિ સુઝુકી એક ટકો પ્લસ થઈ છે. તાતા મોટર્સ આગલા દિવસના સાડાઆઠ ટકાના ધબડકા બાદ ગઈ કાલે અડધો ટકો વધી ૯૬૫ હતી. ઑટો એન્સિલિયરી સેક્ટરના ૧૨૫માંથી ફક્ત ૨૦ શૅર ગઈ કાલે ઘટ્યા છે. 

સિપ્લા સાડાપાંચ ટકાની આગલા દિવસની તેજીને સાફ કરવાના મૂડમાં ચાર ટકા ગગડી ૧૩૫૭ થઈ છે. એશિયન પેઇન્ટ્સ અડધો ટકો નરમ હતો. સ્ટેટ બૅન્ક સવા ટકો સુધરી ૮૧૮ હતી. લાર્સન તાજેતરની પીછેહઠ બાદ અઢી ટકા ઊચકાઈ ૩૩૭૯ બંધ થતાં બજારને ૮૬ પૉઇન્ટ મળ્યા હતા. ઍક્સિસ બૅન્ક, ટીસીએસ, નેસ્લે એક-સવા ટકો ઘટી છે. ઝોમાટો પરિણામની નરમાઈ આગળ ધપાવતાં ૩.૨ ટકા ગગડી ૧૮૭ રહ્યો છે. એબીબી રિઝલ્ટનો કરન્ટ જાળવી રાખતાં સવા ટકો વધી ૮૦૭૫ના શિખરે બંધ થઈ છે. સિમેન્સ પરિણામ પૂર્વે ૬૬૯૯ની ટોચે જઈ એક ટકો વધી ૬૬૯૮ હતી. પરિણામના શોકમાં ૧૦૭૬ રૂપિયાના સોમવારના ધબડકા બાદ ન્યુલૅન્ડ લૅબ બે ટકા કે ૧૧૫ રૂપિયાના સુધારામાં ૬૧૭૩ બંધ આવી છે. એ જ પ્રમાણે આગલા દિવસે ૧૭ ટકા તૂટેલી સ્યર્મા એસજીએસ ગઈ કાલે ૨.૨ ટકો પ્લસ થઈ છે. ઇક્લેરેક્સ સર્વિસિસમાં પરિણામ અને બાયબૅક માટે ૧૬મીએ બોર્ડ મીટિંગ વચ્ચે શૅર સોમવારે સવાપાંચ ટકા તૂટ્યો હતો, ગઈ કાલે એ ત્રણ ટકાના બાઉન્સબૅકમાં ૨૨૪૫ થયો છે. સાધારણ રિઝલ્ટ વચ્ચે માર્જિનના વસવસામાં સવાદસ ટકાની ખરાબીને આગળ વધારતાં બૅન્ક ઑફ ઇન્ડિયા ગઈ કાલે સવાયા કામકાજે વધુ સવા ટકો ઘટીને ૧૨૩ રહી છે. 

Whatsapp-channel Whatsapp-channel

15 May, 2024 08:58 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK