વાળના વૉલ્યુમને વધારવા માટે સ્કૅલ્પ-હેલ્થનું ધ્યાન રાખવાની સાથે બ્લો ડ્રાય કરવાની ટ્રિક પણ શીખી લેજો
ઈશા અંબાણી
ઈશા અંબાણી તેની ફૅશન-સેન્સ અને લુક્સને લીધે છાશવારે આકર્ષણનું કેન્દ્ર બનતી હોય છે. તેની બાઉન્સી અને ગ્લૉસી હેરસ્ટાઇલ તેના લક્ઝુરિયસ અને ગ્લૅમરસ લુકને વધુ એન્હૅન્સ કરે છે. જો તમને પણ તમારા હેરને બાઉન્સી અને વૉલ્યુમ વધારે લાગે એ રીતે સ્ટાઇલ કરવા હોય તો અમુક ટેક્નિક્સ અને ટિપ્સને ફૉલો કરજો.
સ્કૅલ્પ-હેલ્થ ફર્સ્ટ
ADVERTISEMENT
વાળમાં બાઉન્સ ક્રીએટ કરવો હોય તો સૌથી પહેલું સ્ટેપ તો એ જ છે કે સ્કૅલ્પ-હેલ્થ સારી હોવી જોઈએ. હેલ્ધી હેરગ્રોથમાં સ્કૅલ્પનું એટલે કે માથાના તાળવાનું ક્લીન હોવું બહુ જરૂરી છે. આ માટે અઠવાડિયામાં એક અથવા બે વાર નવશેકા તેલનો મસાજ કરવાની આદત રાખવી જોઈએ. તેલ નારિયેળ, બદામ અથવા આમળાનું વાપરવાનો આગ્રહ રાખવો. આમ કરવાથી એ બ્લડ-સર્ક્યુલેશન સારું બનાવવાની સાથે વાળના મૂળને પોષણ આપીને મજબૂત બનાવશે.
સલ્ફેટ-પૅરાબેન વગરની પ્રોડક્ટ્સ
હેરને બાઉન્સી બનાવવા હોય તો વાળનું વૉલ્યુમ વધે એવાં શૅમ્પૂ અને કન્ડિશનર વાપરવાં, પણ એ ખરીદતી વખતે એટલું ધ્યાન રાખવું કે જેમાં સલ્ફેટ અને પૅરાબેન ન હોય. બાયોટિન, કેરટિન અને રાઇસ પ્રોટીન હોય એવી લાઇટવેઇટ પ્રોડક્ટ્સ વાપરવી જેથી સ્કૅલ્પ અને વાળની હેલ્થ સારી રહે. આ સાથે ઘરગથ્થુ નુસખા પણ કરતા રહેવું જોઈએ. દહીં, મધ અને ઍલોવેરાનો હેરમાસ્ક વાળને મૉઇશ્ચર પૂરું પાડશે અને સિલ્કી બનાવશે.
હેલ્ધી ડાયટ મહત્ત્વની
હેરકૅરમાં ડાયટ પણ મહત્ત્વનું છે. વિટામિન D, ઝિન્ક, ઑમેગા થ્રી અને ફૅટી ઍસિડ હોય એવા ફૂડને ડાયટમાં સામેલ કરવું જોઈએ જેથી વાળની હેલ્થ સારી રહે. પાલક, અખરોટ, અવાકાડો અને દાળનો સમાવેશ વાળને પોષણ આપશે.
ઓવરવૉશ ન કરો
વાળને અઠવાડિયામાં બેથી ત્રણ વાર જ ધોવા. જો ફરીથી ધોવાનું મન થાય તો ડ્રાય શૅમ્પૂ યુઝ કરી લેવું પણ પ્રૉપર હેરવૉશ કરવાનું ટાળવું. આ ટ્રિક તમારા સ્ટાઇલિંગને એન્હૅન્સ કરશે. ઘણી વાર અઠવાડિયામાં ત્રણથી ચાર વાર હેરવૉશ કરવાથી પણ વાળ અને સ્કૅલ્પ ડૅમેજ થઈ જાય છે અને મૂળથી નબળા પડવા લાગે છે.
કેમિકલ ડૅમેજથી બચાવો
વાળને સ્ટાઇલ કરવા માટે વપરાતી કેમિકલયુક્ત પ્રોડક્ટ્સ એને ડૅમેજ કરવાની ક્ષમતા ધરાવે છે. આ સાથે સ્ટ્રેટનર્સ અને કર્લર જેવા મશીનની હીટ પણ વાળને બગાડે છે, તેથી શક્ય હોય એટલું ઓછું વાપરવું અથવા ઓછી હીટ પર વાપરવું. જો તમે વાળને કલર કરાવો છો તો અમોનિયા-ફ્રી પ્રોડક્ટ્સ વાપરવી અને કેમિકલ ટ્રીટમેન્ટથી અંતર જાળવી રાખવું.
બ્લો ડ્રાયની ટેક્નિક શીખો
ઈશા અંબાણી જેવા બાઉન્સી અને વૉલ્યુમ વધારે દેખાય એવા વાળની ઇચ્છા ધરાવતી યુવતીઓએ બ્લો ડ્રાય કરવાની આર્ટ શીખવી પડશે. રાઉન્ડ બ્રશ અને બ્લો ડ્રાયને ઉપરથી નીચે તરફ ફરાવવું અને આ કામ સેક્શન્સ પાડીને કરવું બહુ જરૂરી છે, જેથી વાળમાં શેપ અને વૉલ્યુમ દેખાય. બ્લો ડ્રાય કર્યાની ૨૦ મિનિટ બાદ વાળને મોટા વેલક્રો રોલર્સથી સેટ કરવા. આ જૂની ટેક્નિક તમે ધાર્યો હોય એવો લુક આપશે.
લેયરિંગ અને સ્ટાઇલિંગ
હેરકૅરની સાથે હેરસ્ટાઇલિંગ પણ મહત્ત્વનું છે. નૉર્મલ હેરકટ કરાવવાને બદલે લૉન્ગ લેયર્ડ અને ફેસને વધુ હાઇલાઇટ કરે એવા હેરકટ કરાવવાથી વાળને સ્ટાઇલિશ લુક મળશે. ઈશાએ સૉફ્ટ વેવ કર્યા હોવાથી એવું લાગે છે કે તેના વાળનું વૉલ્યુમ બહુ વધારે છે.

