સોલાપુરથી આવી રહ્યા હતા ત્યારે સીટની નીચે બૅગો બાંધી હોવા છતાં ચેઇન તોડીને ચોરી કરી ગયો તસ્કર
પ્રતીકાત્મક તસવીર
મુંબઈનો એક જ્વેલર ટ્રેનની મુસાફરીમાં ભરઊંઘમાં હતો ત્યારે ૫.૫૩ કરોડ રૂપિયાથી વધુની કિંમતના દાગીના ભરેલી તેની બે બૅગ ચોરાઈ ગઈ હતી. આ ઘટના ૬ ડિસેમ્બરે મધરાત બાદ બની હતી, જ્યારે જ્વેલર સોલાપુરથી મુંબઈ આવી રહ્યો હતો.
કલ્યાણ ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP)એ આપેલી માહિતી પ્રમાણે ગોરેગામના જ્વેલર અભયકુમાર જૈને ૪૪૫૬ ગ્રામ સોનાના દાગીના ધરાવતી બે ટ્રૉલી-બૅગને ચેઇનથી બાંધીને પોતાની સીટ નીચે મૂકી હતી. તે જ્યારે સૂતા હતા ત્યારે કોઈએ એ ચેઇન તોડી નાખીને બન્ને બૅગ ચોરી લીધી હોવાનો આરોપ તેમણે કર્યો હતો. તે ઊંઘમાંથી જાગ્યા ત્યારે તેમણે બન્ને બૅગ ગાયબ થયેલી જોઈ હતી. ચોર દાગીના લઈને સોલાપુર અને કલ્યાણ વચ્ચે ક્યાંક ભાગી ગયો હોવાની શંકા છે.
ADVERTISEMENT
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે GRPની ટીમો મુસાફરોની યાદી, રૂટ પરનાં મુખ્ય સ્ટેશનો પરથી ક્લોઝ્ડ-સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ અને આરોપીને શોધવા માટે એન્ટ્રી-એક્ઝિટ પૉઇન્ટની તપાસ કરી રહી છે.


