તે મોબાઇલ ફોન વાપરતો નહોતો એટલે તેને ટ્રેસ કરવો અઘરો હતો : ૧૭ મહિના વિવિધ રાજ્યોમાં ફર્યા બાદ આંધ્ર પ્રદેશ આવીને આરોપી મજૂરી કરતો હતો : મુંબ્રામાં લુડો રમતી વખતે થયેલા વિવાદમાં થયું હતું મર્ડર
આરોપી શમસુદ્દીન સૈયદ સાથે મુંબ્રા પોલીસની ટીમ.
મુંબ્રાના જ્યુબિલી પાર્કમાં ૨૦૨૪ની ૧૪ જુલાઈએ લુડો રમતી વખતે થયેલા વિવાદમાં ૧૯ વર્ષના સુફિયાન શેખની હત્યા કરીને નાસી ગયેલા ૨૦ વર્ષના શમસુદ્દીન સૈયદની મુંબ્રા પોલીસે આંધ્ર પ્રદેશથી ધરપકડ કરી હતી. છેલ્લા ૧૭ મહિનાથી સ્થાનિક પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ શમસુદ્દીનને શોધી રહી હતી. જોકે શમસુદ્દીન સતત પોતાનું સ્થાન બદલીને એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં નાસતો ફરતો હતો એટલું જ નહીં, તે મોબાઇલ ફોનનો પણ ઉપયોગ કરતો ન હોવાથી તેને પકડવો પોલીસ માટે એક ચૅલેન્જ સાબિત થઈ હતી. આ મામલે પોલીસનાં ગુપ્ત સૂત્રોએ આરોપી આંધ્ર પ્રદેશમાં મંજૂરી કરતો હોવાની માહિતી આપ્યા બાદ પોલીસે ત્યાં જઈને તેની ધરપકડ કરી હતી. આ કેસમાં પોલીસે તેની મદદ કરનાર સામે પણ તપાસ હાથ ધરી છે.
મુંબ્રા પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર અનિલ શિંદેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૨૦૨૪ની ૧૪ જુલાઈએ જ્યુબિલી પાર્કમાં લુડો રમતી વખતે સુફિયાન અને શમસુદ્દીન વચ્ચેના વિવાદમાં શમસુદ્દીને છરીથી સુફિયાનના ગળા પર હુમલો કર્યો હતો અને ઘટનાસ્થળે જ સુફિયાનનું મૃત્યુ થયું હતું. આ ઘટના બાદ શમુસુદ્દીન ફરાર થઈ ગયો હતો. તેની વિવિધ માધ્યમથી શોધ કરવામાં આવી હતી તેમ જ તેના પરિવારના મેમ્બરના નંબર પણ સર્વેલન્સમાં રાખવામાં આવ્યા હતા. જોકે હત્યા કર્યા બાદ તે મોબાઇલ વગર અને પબ્લિક ટ્રાન્સપોર્ટમાં ન જઈને અલગ-અલગ વાહનોમાં પ્રવાસ કરીને વિવિધ રાજ્યોમાં ફરતો રહ્યો હતો. પોતાની ઓળખ છુપાવવા માટે પણ તેણે વિવિધ પ્રયાસો કર્યા હતા એટલે તેની શોધખોળ મુશ્કેલ બની હતી. આ મામલે ગુપ્ત સૂત્રો પાસેથી મળેલી માહિતીના આધારે આંધ્ર પ્રદેશના કડપાની એક બાંધકામ સાઇટ પરથી તેની ધરપકડ કરવામાં આવી હતી.’


