રાજ્યમાં ગલીઓમાં રખડતા કૂતરાઓનો ત્રાસ બહુ જ વધી ગયો છે અને એમના કરડવાને કારણે અનેક લોકોને હેરાનગતિ ભોગવવી પડે છે એટલે આ મુદ્દો વિધાનસભાના હાલના શિયાળુ સત્રમાં પણ ગાજી રહ્યો છે.
દીપડાના ત્રાસથી લોકોને બચાવવા રાજ્ય સરકાર વહેલી તકે પગલાં લે એવી રજૂઆત કરવા દીપડાના જ વેશમાં વિધાનસભામાં પહોંચેલા વિધાનસભ્ય શરદ સોનાવણે. બીજી તસવીરમાં મહેશ લાંડગે
દીપડાના વેશમાં આવેલા MLA શરદ સોનાવણેએ કહ્યું કે મુંબઈમાં ફ્લૅટમાં રહેતા નેતાઓને ગ્રામીણ વિસ્તારોની વ્યથા ક્યાંથી ખબર પડશે
રાજ્યમાં હાલ દીપડાઓ દ્વારા માનવવસ્તીમાં ઘૂસીને લોકો પર હુમલો કરવાની ઘટનાઓમાં વધારો થયો છે ત્યારે આ બાબતે સરકાર યોગ્ય પગલાં લઈને લોકોને સુરક્ષા પૂરી પાડે એ માટે ગઈ કાલે જુન્નર તાલુકાના વિધાનસભ્ય શરદ સોનાવણે દીપડાનો ડ્રેસ પહેરીને વિધાનસભા પર પહોંચ્યા હતા. મંગળવારે એક બાજુ નાગપુર વિધાનસભામાં દીપડા પર ચર્ચા ચાલી રહી હતી ત્યારે નાગપુરના જ પારડી નામના વિસ્તારમાં માનવવસાહતમાં દીપડો આવી ચડ્યો હતો.
ADVERTISEMENT
શરદ સોનાવણેએ દીપડાના પોશાકમાં પત્રકારો સાથે વાતચીત કરતાં કહ્યું હતું કે ‘વાઇલ્ડ લાઇફવાળાઓએ સરકારને ઑફર આપી છે કે આ તમામ દીપડાની અમે કાળજી લઈશું, એમની તજવીજ કરીશું, એમના માટે હૉસ્પિટલ બાંધીશું. રાજ્ય સરકારે આ શિયાળુસત્ર પૂરું થાય એ પહેલાં કોઈ પણ પરિસ્થિતિમાં બે રેસ્ક્યુ સેન્ટર - એક જુન્નર તાલુકામાં અને બીજું અહિલ્યાનગરમાં - બનાવવું જોઈએ અને માઇક્રો-ઑપરેશન કરી બધા જ દીપડાઓને ટ્રૅપ કરી, બેશુદ્ધ કરી, પકડીને એ શેલ્ટર હોમમાં પૂરી દેવા જોઈએ. એમને ત્યાં જ રાખી ખવડાવીને એમની કાળજી લેવામાં આવે. એક પ્રધાન કહે છે કે દીપડા માનવવસ્તીમાં ન આવે એ માટે જંગલમાં બકરીઓ છોડીશું, પણ બકરીઓ જંગલમાં છોડવાથી કંઈ નહીં વળે. આ દીપડાઓ હવે જંગલમાં નથી રહેતા, તેઓ શેરડીના ખેતરમાં રહે છે, અમારા ઘરની આસપાસ રહે છે. મારી એ નેતાઓ અને સચિવોને વિનંતી છે કે તમે મુંબઈમાં ફ્લૅટમાં રહો છો, પૂરી સિક્યૉરિટી સાથે રહો છો, તમને ગ્રામીણ વિસ્તારોની શું અવસ્થા થાય છે એની જાણ નથી. ભરદિવસે નાનાં બાળકોને આ દીપડા ફાડી ખાય છે. મહિલાઓ પર પણ હુમલા થઈ રહ્યા છે. દીપડાની આ સમસ્યાને રાજ્ય આપત્તિ જાહેર કરવી જોઈએ. સરકારે જાતે નિર્ણય લઈને ૧૦૦૦-૧૦૦૦ દીપડાને રાખી શકાય એવાં બે મોટા રેસ્ક્યુ સેન્ટર બાંધવાનો નિર્ણય લેવો જોઈએ અને બધા જ દીપડાઓનો બંદોબસ્ત કરવો જોઈએ. હવે પછી એક પણ વ્યક્તિ દીપડાનો ભોગ ન બનવી જોઈએ. વળી એમની પ્રજોત્પત્તિ પણ બહુ જ ઝડપથી વધી રહી છે. એથી એના પર અંકુશ મુકાવો જ જોઈએ. માણસો પર દીપડાના હુમલા વધી રહ્યા છે. લોકો મરી રહ્યા છે, બાળકો મરી રહ્યાં છે. એ હુમલાઓમાં મરનારાના પરિવારને વળતર આપવા કરતાં દીપડા માટે શેલ્ટર બનાવવામાં આવશે તો માણસ મરશે જ નહીં. એથી આ બાબતે ઝડપી પગલાં લેવામાં આવે.’
વિધાનસભ્ય મહેશ લાંડગેએ કહ્યું કે રખડતા શ્વાનોને પકડીને પ્રાણીપ્રેમીઓના ઘરમાં મૂકી આવવા જોઈએ
રાજ્યમાં ગલીઓમાં રખડતા કૂતરાઓનો ત્રાસ બહુ જ વધી ગયો છે અને એમના કરડવાને કારણે અનેક લોકોને હેરાનગતિ ભોગવવી પડે છે એટલે આ મુદ્દો વિધાનસભાના હાલના શિયાળુ સત્રમાં પણ ગાજી રહ્યો છે. મહારાષ્ટ્રમાં હાલ ૧૨ લાખ જેટલા રખડતા કૂતરા છે અને એમાં પણ ફક્ત મુંબઈમાં જ ૯૦,૦૦૦ જેટલા રખડતા શ્વાન છે. વર્ષેદહાડે એક લાખ મુંબઈગરાને શ્વાન કરડતા હોવાનું ખુદ ડેપ્યુટી ચીફ મિનિસ્ટર એકનાથ શિંદેએ વિધાનસભામાં જણાવ્યું હતું.
છેલ્લાં ૩ વર્ષમાં રાજ્યમાં હડકવાને કારણે ૩૫ લોકોએ જીવ ગુમાવ્યો છે. એક્સપર્ટ્સના મતે હડકવાને કારણે થતાં મોત પર જો અંકુશ લાવવો હોય તો એ ફક્ત શ્વાનોના રસીકરણથી જ લાવી શકાશે. મુંબઈએ જોકે આ બાબતે સારો દેખાવ કર્યો છે. અન્ય શહેરો અને ટાઉન એમાં હજી ઘણાં પાછળ છે. મુંબઈના કુલ ૯૦,૭૫૭ શ્વાનોમાંના ૮૩,૧૨૬ શ્વાનોનું હડકવા સામે રસીકરણ થઈ ગયું છે. એ સિવાય રખડતા શ્વાનોની વસ્તીને અંકુશમાં રાખવા એમનું ખસીકરણ કરવામાં આવે છે. ૨૦૨૪-’૨૫માં રાજ્યની ૨૯ મહાનગરપાલિકાઓમાં ૨,૩૩,૨૫૭ શ્વાનોનું ખસીકરણ કરવામાં આવ્યું હતું, જ્યારે ૩૯૫ જિલ્લા પરિષદ અને નગરપંચાયતોમાં આ આંકડો ૫૦,૮૪૪નો રહ્યો હતો.
વિધાનસભામાં આ બાબતે ચર્ચા ચાલી રહી હતી ત્યારે ભારતીય જનતા પાર્ટી (BJP)ના વિધાનસભ્ય મહેશ લાંડગેએ કહ્યું હતું કે ‘એકલા પુણેમાં ત્રણ વર્ષમાં એક લાખ લોકોને શ્વાન બટકું ભરી ગયા છે. પ્રાણીપ્રેમીઓ રખડતા શ્વાનો પર થતી કાર્યવાહીનો વિરોધ કરે છે એટલે હવે રખડતા શ્વાનોને પકડીને પ્રાણીપ્રેમીઓના ઘરમાં મૂકી આવવા જોઈએ.’ જોકે તેમના આ સ્ટેટમેન્ટને લઈને હોબાળો મચી ગયો છે અને નેટિઝનો તેમના પ્રતિભાવ આપી રહ્યા છે.
ઉલ્હાસનગરમાં ઘરની બહાર રમતી બે વર્ષની બાળકી પર કૂતરાનો હુમલો
ઉલ્હાસનગરમાં કૅમ્પ ૩ના સમ્રાટ અશોકનગરમાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષની બાળકી પર રખડતા કૂતરાએ તાજેતરમાં જ હુમલો કર્યો હતો અને તેના ગાલ પર ગંભીર ઈજા થઈ હતી. સમયસર તેના વાલીઓ દોડી ગયા હતા અને તેને બચાવી લીધી હતી. હાલ તેને સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.


