આલોક કુમારે કહ્યું હતું કે ‘હિન્દુ સમાજમાં ભાગલા પાડવાનો પ્રયાસ કરનારા લોકોને હરાવવા માટે જ આ માગણી કરવામાં આવી છે.
પ્રતીકાત્મક તસવીર
વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ના પ્રમુખ આલોક કુમારે મંગળવારે જણાવ્યું હતું કે આગામી વસ્તીગણતરીમાં દરેક વ્યક્તિએ પોતાનો ધર્મ હિન્દુ તરીકે નોંધાવવો જોઈએ. VHPની આ વિનંતી આદિવાસીઓ જેવા સમાજના વિવિધ વર્ગો દ્વારા તેમના માટે અલગ ધર્મસંહિતાનો સમાવેશ કરવાની માગણીઓના જવાબમાં આવી છે.
દરેકને હિન્દુ તરીકે નોંધણી કરાવવાનું કહેવા પાછળનું કારણ જણાવતાં આલોક કુમારે કહ્યું હતું કે ‘હિન્દુ સમાજમાં ભાગલા પાડવાનો પ્રયાસ કરનારા લોકોને હરાવવા માટે જ આ માગણી કરવામાં આવી છે. કર્ણાટકમાં લિંગાયતો, આદિવાસી વિસ્તારોમાં સરનાઓ અને જાટવો અને સામાન્ય રીતે શેડ્યુલ્ડ કાસ્ટ (SC) અને શેડ્યુલ્ડ ટ્રાઇબ (ST)ના કેટલાક વર્ગો તેમને હિન્દુ ધર્મથી અલગ સ્થાપિત કરવા માટે ઝુંબેશ ચલાવી રહ્યા છે. અમે ખાતરી કરવા માગીએ છીએ કે હિન્દુ સમાજને વિભાજિત કરવાના આવા પ્રયાસો નિષ્ફળ જાય અને આપણે એક રહીએ.’
ADVERTISEMENT
ભારતમાં છ મુખ્ય ધર્મો છે જેમાં બહુમતી હિન્દુઓ છે. ત્યાર બાદ મુસ્લિમ, ખ્રિસ્તી, સિખ, બૌદ્ધ અને જૈન છે. ૨૦૧૧માં ૮૨ સંપ્રદાયોએ પોતાને અન્ય ધર્મો અને માન્યતાઓ (અધર રિલિજન ઍન્ડ પર્સ્યુએશન્સ-ORP) અંતર્ગત ઓળખાવ્યા હતા.


