Indigo Crisis: ઇન્ડિગો એરલાઇન્સે ૩થી ૫ ડિસેમ્બરના રોજ ફ્લાઇટ વિક્ષેપથી ગંભીર રીતે પ્રભાવિત થયેલા ગ્રાહકો માટે કરી મહત્વની જાહેરાત, સૌથી વધુ અસરગ્રસ્ત મુસાફરોને સરકારી નિયમો મુજબ ૧૦,૦૦૦ રૂપિયાનું વાઉચર અને અલગ વળતર મળશે
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
દેશની સૌથી મોટી એરલાઇન, ઇન્ડિગો (Indigo) એ ગુરુવારે જાહેરાત કરી હતી કે તેની કામગીરી હવે સામાન્ય થઈ ગઈ છે. તાજેતરમાં, હજારો ઇન્ડિગોની ફ્લાઇટ્સ (Indigo Crisis) રદ કરવામાં આવી હતી, જેના કારણે એરપોર્ટ પર અંધાધૂંધી સર્જાઈ હતી અને મુસાફરોને બહુ અસુવિધા થઈ હતી. આ મુદ્દો સંસદથી માંડીને કોર્ટ સુધી પહોંચ્યો હતો. મુસાફરોએ એરલાઇન સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી. ત્યારે એરલાઇન્સે હવે મુસાફરોને વળતર આપવાની જાહેરાત કરી છે.
ઇન્ડિગોએ તાજેતરમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જેમાં તેના હજારો મુસાફરોને પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખવામાં આવી છે. કંપનીએ જાહેરાત કરી છે કે, ડિસેમ્બરની શરૂઆતમાં ઓપરેશનલ અવરોધોને કારણે જે મુસાફરોની મુસાફરી ગંભીર રીતે પ્રભાવિત થઈ હતી તેમને ૧૦,૦૦૦ રુપિયાની કિંમતનું ટ્રાવેલ વાઉચર મળશે. આ વાઉચરનો ઉપયોગ આખા વર્ષ માટે કોઈપણ મુસાફરી બુકિંગ માટે થઈ શકે છે.
ADVERTISEMENT
એરલાઇને સ્વીકાર્યું કે, ૩, ૪ અને ૫ ડિસેમ્બરના રોજ ઘણા મુસાફરોને એરપોર્ટ પર કલાકો સુધી રાહ જોવાની ફરજ પડી હતી અને ઘણા લોકો તેમની કનેક્ટિંગ ફ્લાઇટ્સ તેમજ મહત્વપૂર્ણ ટ્રિપ્સ ચૂકી ગયા હતા. કંપનીએ જણાવ્યું હતું કે, આ તેમના માટે મુશ્કેલ સમય હતો અને ઇન્ડિગો મુસાફરોને થયેલી અસુવિધા માટે જવાબદારી લે છે.
ઇન્ડિગોનું કહેવું છે કે, જે મુસાફરોને નોંધપાત્ર અસુવિધાનો સામનો કરવો પડ્યો છે તેમને રુપિયા ૧૦,૦૦૦ના ટ્રાવેલ વાઉચર્સ મળશે. આ વાઉચર્સ આગામી ૧૨ મહિનાની અંદર ઇન્ડિગોની કોઈપણ ફ્લાઇટ માટે રિડીમ કરી શકાય છે. સરકારી નિયમો અનુસાર, આ વળતર કુલ ફ્લાઇટ સમય (બ્લોક સમય) પર આધારિત રહેશે.વધુમાં, જે મુસાફરોની ફ્લાઇટ્સ રવાના થયાના ૨૪ કલાકની અંદર રદ કરવામાં આવી હતી તેમને ૫,૦૦૦ રુપિયાથી ૧૦,૦૦૦ રુપિયા સુધીનું વળતર મળશે.
સરકારના વર્તમાન નાગરિક ઉડ્ડયન નિયમો અનુસાર, જો કોઈ એરલાઇનની ફ્લાઇટ તેના નિર્ધારિત પ્રસ્થાન સમયના ૨૪ કલાકની અંદર રદ કરવામાં આવે છે, તો તે એરલાઇનને મુસાફરોને વળતર આપવું જરૂરી છે. ફ્લાઇટના અંતર અને મુસાફરીના સમયના આધારે, મુસાફરોને ૫,૦૦૦ રુપિયાથી ૧૦,૦૦૦ રુપિયા સુધીનું વળતર મળશે. આના પરિણામે કેટલાક મુસાફરોને કુલ ૨૦,૦૦૦ રુપિયા સુધીનો ફાયદો થઈ શકે છે.
ઇન્ડિગોએ ગુરુવારે એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે, રદ કરાયેલ ફ્લાઇટ્સ માટે તમામ મુસાફરોને પૈસા પરત કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. મોટાભાગના મુસાફરોને તેમના પૈસા મળી ગયા છે અને અન્યને ટૂંક સમયમાં તે મળશે. જો ટિકિટ ટ્રાવેલ એજન્સી, ઓનલાઈન પ્લેટફોર્મ અથવા એપ દ્વારા બુક કરવામાં આવી હોય, તો રિફંડ જારી કરવામાં આવ્યું છે અથવા પ્રક્રિયામાં છે. જે પ્રવાસીઓ તેમના રિફંડ સ્ટેટસ ચેક કરવામાં અસમર્થ છે તેઓ ઈમેલ દ્વારા સીધો ઇન્ડિગોનો સંપર્ક કરી શકે છે. કંપનીએ કહ્યું, ‘અમે અમારી સેવાઓને ફરીથી વિશ્વસનીય અને સ્થિર બનાવવા માટે દરેક શક્ય પગલાં લઈ રહ્યા છીએ. મુસાફરોનો વિશ્વાસ ખૂબ જ મહત્વપૂર્ણ છે, અને અમે તેમના ધૈર્યની પ્રશંસા કરીએ છીએ.’
ઇન્ડિગોએ જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ દિવસથી તેનું સમયપત્રક સરળતાથી ચાલી રહ્યું છે અને હવામાન અથવા અન્ય અનિવાર્ય કારણોસર ફક્ત થોડી ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. ઇન્ડિગો માટે સમયસર કામગીરી પણ હવે સામાન્ય ધોરણો પર પાછી આવી ગઈ છે. એરલાઇને એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે, ‘ઇન્ડિગો સતત તેના સંચાલનને મજબૂત બનાવી રહી છે અને દરરોજ તેની સેવાઓમાં સુધારો કરી રહી છે. અમે હવે ૧૯૦૦ થી વધુ ફ્લાઇટ્સનું સંચાલન કરી રહ્યા છીએ, જે અમારા નેટવર્કમાં તમામ ૧૩૮ સ્થળોને એકીકૃત રીતે જોડે છે. અમારું સમયસર કામગીરી ઉદ્યોગના ઉચ્ચ ધોરણો પર પાછું ફર્યું છે.’


