લટકતા રોપના વુડન હીંચકા જેવી નાની-નાની અભરાઈઓ એવી ફ્લેક્સિબલ ઍક્સેસરી છે જે ડ્રૉઇંગ રૂમ, કિચન, બેડરૂમ, સ્ટડી રૂમ કે ઈવન બાલ્કનીમાં પણ લગાવી શકાય છે. આની ખાસિયત એ છે કે જો થોડીક આર્ટિસ્ટિક સમજણ હોય તો આવાં શેલ્ફ બનાવવાનું પણ સરળ છે અને લગાવવાનું પણ
ઝૂલતાં શેલ્ફ
એક જ જગ્યાએ મૂકવું કે લગાવવું પડે એવું ફર્નિચર વસાવ્યું હોય તો એનાથી તમારા ઘરના લુકને તમે વારંવાર નવો ઓપ આપી નથી શકતા, પણ જો એમાં સજાવટ માટેની ચીજો થોડીક ફ્લેક્સિબલ રાખી હોય તો દર થોડા દિવસે તમે તમારા રૂમ કે ઘરને નવો લુક આપી શકો છો. આ માટે હૅન્ગિંગ રોપ વુડન શેલ્ફનું ચલણ વધ્યું છે. આ એવી ચીજ છે જે ઘરની દીવાલોને નુકસાન કર્યા વિના મિનિમમ મહેનત, ઓછા ખર્ચ અને ઓછા સમયમાં બની જઈ શકે છે.
ADVERTISEMENT
રોપ વુડન વૉલ શેલ્ફ શું છે?
હૅન્ગિંગ રોપ વુડન વૉલ શેલ્ફ. નામ પરથી જ સમજ પડે છે કે રોપ એટલે કે દોરડાની મદદથી નાના-મોટા લાકડાના ટુકડાને બાંધીને દીવાલ પર એવી રીતે લટકાવવા જેથી એના પર કોઈ પણ વસ્તુઓ ગોઠવી શકાય. હૅન્ગિંગ રોપ વુડન વૉલ શેલ્ફ એક હોમ ડેકોરની સાથે-સાથે ઘણી નાની-નાની વસ્તુ સરસ રીતે ગોઠવવા કામ લાગે છે.
હૅન્ગિંગ રોપ વુડન વૉલ શેલ્ફ અત્યારે બહુ ટ્રેન્ડમાં છે કારણ કે અત્યારે ચાલી રહેલા મિનિમલિસ્ટ ડેકોર ટ્રેન્ડમાં એ મૅચ થાય છે અને કોઈ પણ હોમ ડેકોર સ્ટાઇલ સાથે સરસ લાગે છે. માત્ર એક કે બે હુક લગાવીને એને લગાડી શકાય છે અને જ્યારે ઇચ્છો ત્યારે એનું સ્થાન સહેલાઈથી બદલી શકાય છે. જરૂર ન હોય તો કાઢી શકાય છે.
બધાને હંમેશાં કંઈક નવીન અને બદલાવ જોઈએ છે. આ શેલ્ફ એકદમ ફિક્સ હોતાં નથી એટલે જ્યારે મન થાય ત્યારે નવી રીતે, જુદી-જુદી રીતે પણ લટકાવી શકાય છે જે નવો જ લુક આપે છે. તમારા ઘરના ડેકોર અને જે વસ્તુઓ મૂકવી હોય અને જ્યાં લગાવવું હોય એ પ્રમાણે માપ પ્રમાણે એને કસ્ટમાઇઝ કરી શકાય છે. ઘરની પ્લેન વૉલમાં બહુ સહેલાઈથી એક ડાઇમેન્શન ઍડ કરે છે.
અલગ-અલગ રીતે લટકાવી શકાય
આ રોપ સ્ટૅન્ડ જુદી-જુદી રીતે લટકાવી શકાય છે. એક દોરડામાં એક અથવા એકસાથે બે કે પછી એક જ દોરડામાં ત્રણ કે ચાર લાકડાના ટુકડા સાથે દોરડાથી બાંધેલા જુદી-જુદી સ્ટાઇલ અને લેન્થનાં રોપ શેલ્ફ મળે છે. દીવાલમાં એક હૂક કે બે હૂક લગાવી આ શેલ્ફ લટકાવી શકાય છે. સારી ક્વૉલિટીનાં નૅચરલ વુડના નાના-મોટા ટુકડામાંથી આ શેલ્ફ બને છે. એને નૅચરલ વુડ કલર અને પૉલિશમાં અથવા મનગમતા રંગો વડે રંગી શકાય છે.
એક હુક પર એક લાકડાના ટુકડાને દોરડાથી બાંધી શેલ્ફ તરીકે દીવાલ પર એક રિંગથી હુકમાં લટકાવીએ ત્યારે દોરડાથી સરસ ત્રિકોણાકાર બને છે, જે વૅલ્યુ ઍડ કરે છે. એકસાથે બે કે ત્રણ આવા પીસ પ્લેન દીવાલ પર યુઝફુલ ડેકોર પુરવાર થાય છે કારણ કે એ સરસ લાગે છે અને સ્ટોરેજનું કામ પણ કરે છે. ફેસ્ટિવ કે પાર્ટી લુક માટે આ દોરડા પર ફેરી લાઇટ્સ લગાવી શકાય છે. ગ્રીન વૅલ્યુ ઉમેરવા રિયલ કે આર્ટિફિશ્યલ પ્લાન્ટ્સ દોરડાની આજુબાજુ વીંટાળી શકાય છે.
એક કરતાં વધારે લાકડાના ટુકડાને જોડીને બનાવેલાં વુડન શેલ્ફ એક હુક નહીં પણ બે હુકમાં કે બે વુડન કે મેટલ રિંગ્સથી લગાવવામાં આવે છે. એમાં દોરડાથી ચોરસ અથવા લંબચોરસ આકાર બને છે અને એકસાથે જુદી-જુદી રીતે જોડેલાં નાનાં-મોટાં કે એકસરખાં લાકડાનાં શેલ્ફ પર જે ગમે તે ઘણી વસ્તુઓ ગોઠવી શકાય છે.
દોરી અને દોરડાને ગૂંથીને સુંદર ગૂંથણીની સાથે લાકડાના ટુકડાને ગૂંથીને પણ સુંદર ડેકોરેટિવ હૅન્ગિંગ રોપ વુડન વૉલ શેલ્ફ બનાવવામાં આવે છે.
નાના વુડન પીસમાંથી બનાવેલાં મિની હૅન્ગિંગ વૉલ શેલ્ફ એકસાથે લટકાવવામાં આવે છે એ બહુ ક્યુટ લાગે છે.
એક લાકડાના રૉડને આડો લટકાવી એના પર એકસાથે બે કે ત્રણ વુડન શેલ્ફ જુદી-જુદી હાઇટ પર લટકાવી શકાય છે.
ઘરના કોઈ પણ ખૂણાને સજાવી શકે
હૅન્ગિંગ રોપ વુડન વૉલ શેલ્ફ ઘરની કોઈ પણ રૂમની દીવાલ પર, ઑફિસ કૅબિનને ઉઠાવ આપવા કે કૉફી હાઉસ અને રેસ્ટોરાંની દીવાલ પર શોભે છે. ઘરમાં કોઈ પણ રૂમમાં એ લટકાવી શકાય છે અને જ્યાં લગાવવામાં આવે એ પ્રમાણે એના પર જુદી-જુદી વસ્તુઓ ગોઠવી શકાય છે.
ઘરના લિવિંગ રૂમમાં જે વૉલ પર કંઈ જ લગાવેલું ન હોય ત્યાં હૅન્ગિંગ રોપ વુડન વૉલ શેલ્ફ બહુ સરસ લાગે છે અને એક શોકેસની ગરજ સારે છે. હૉલમાં એના પર બુક્સ, અવૉર્ડ્સ, ટ્રોફી, ફૅમિલી ફોટોગ્રાફ, નાનકડા પ્લાન્ટ્સ, શોપીસ, ક્લૉક વગેરે ઘણુંબધું પસંદ પ્રમાણે ગોઠવી શકાય છે.
કિચન કે ડાઇનિંગ એરિયાની આજુબાજુ લગાવેલાં હૅન્ગિંગ રોપ વુડન વૉલ શેલ્ફમાં રેસિપી બુક્સ, આર્ટિફિશ્યલ પ્લાન્ટ્સ, ફૅન્સી ક્રૉકરી પીસ, અથાણા, સૉસ કે સૉલ્ટ-પેપરની નાની બૉટલ્સ ગોઠવી શકાય છે.
બેડરૂમમાં જ્યારે હૅન્ગિંગ રોપ વુડન વૉલ શેલ્ફ લગાવવામાં આવે ત્યારે એના પર બ્યુટિફુલ શોપીસ, કોઈ લવ મેમરી, ફોટોગ્રાફ, બુક્સ કે મૅગેઝિન્સ, કૅન્ડલ્સ, નાઇટ લૅમ્પ ગોઠવી શકાય છે.
નાનકડાં બાળકોના રૂમમાં આ હૅન્ગિંગ શેલ્ફ પર તેમનાં ફેવરિટ રમકડાં, ટેડીબેઅર, તેમના પોતાના ફોટોગ્રાફ કે સ્કૂલમાં કે હૉબી ક્લાસમાં બાળકોએ જાતે બનાવેલી કોઈ વસ્તુઓ મૂકી શકાય છે.
ઘરની ગૅલેરી વૉલમાં હૅન્ગિંગ રોપ વુડન વૉલ શેલ્ફ લગાવવાથી એના પર ઘણાબધા પ્લાન્ટ્સ ગોઠવી શકાય છે. મિની શેલ્ફ બાજુ-બાજુમાં લગાવીને કે એક મલ્ટિપલ શેલ્ફ લગાવીને પ્લાન્ટ્સની ગોઠવણી કરી શકાય છે. એન્ટ્રન્સ પાસે પણ મિની શેલ્ફમાં પ્લાન્ટ્સ કે ડેકોરેટિવ આઇટમ્સ ગોઠવી શકાય છે.
જાતે પણ બનાવી શકાય છે
આ હૅન્ગિંગ રોપ વુડન વૉલ શેલ્ફ ઘરમાં બચેલા નાની-મોટી સાઇઝના લાકડાના ટુકડા અને દોરડાની મદદથી જાતે બનાવી શકાય છે. લાકડાના ટુકડાઓને જે સાઇઝમાં જોઈતા હોય એ પ્રમાણે કાપી, રંગ કે પૉલિશ કરી એમાં ચાર બાજુ ડ્રિલ કરી કાણાં પાડવાં, એમાં દોરડું પસાર કરીને નીચે ગાંઠ મારીને જૉઇન કરવાં. આ શેલ્ફ બનાવવા વિશેના વિડિયો યુટ્યુબ પર છે. એમાંથી જોઈને બનાવી શકાય છે. શેલ્ફને પહેલાં લટકાવી પછી દોરડાની ગાંઠ મારવી જેથી એને બરાબર એક લેવલ પર બાંધી શકાય.
આ શેલ્ફ વાપરતાં પહેલાં આટલી ટિપ્સ જાણી લો
સૌથી પહેલાં કઈ દીવાલ પર લગાવવું છે એ નક્કી કરી એના પ્રમાણમાં શેલ્ફની સાઇઝ પસંદ કરવી.
શેલ્ફ આઇ લેવલ પ્રમાણે લગાવવાં. બહુ ઉપર કે બહુ નીચે ન હોય એ રીતે લટકાવવાં.
મલ્ટિપલ શેલ્ફમાં વસ્તુઓ ગોઠવતી વખતે વજનનું ધ્યાન રાખવું.
એકસાથે બહુ બધી વસ્તુઓ ન ગોઠવવી, થોડા-થોડા દિવસે ગોઠવેલી વસ્તુઓ બદલાવી શકાય.
શેલ્ફ અને એના દોરડાને બરાબર સાફ રાખવાં.

